શબરીના બોર – પ્રફુલ્લભાઈ શાહ (ઈ પુસ્તક ડાઊનલોડ) 1 comment


સહુના સગા પ્રફુલ્લભાઈ – રઘુવીર ચૌધરી

ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’માં નોંધ્યુ છે કે એક ગામમાંથી ડૉક્ટરો અને વકીલોએ ઉચાળા ભર્યા એ પછી એ ગામનો વિકાસ થયેલો, એનું સ્વાસ્થ્ય સુધરેલું, ગાંધીજી એ પછી પણ સાચા પડતા રહ્યા હશે, પણ એમને ખોટા પાડે એવા એમના અનુયાયીઓ વીસમી સદીમાં જોવા મળ્યા છે, અને એ પણ પોરબંદરથી બહુ દૂર નહીં એવા સાવરકુંડલામાં. એમનું નામ છે ડૉ. પ્રફુલ્લભાઈ શાહ. વ્યક્તિ અને સમાજનું આરોગ્ય સુધરે એમાં એમની અને એમનાં ધર્મપત્ની ઈન્દિરાબહેનની પણ એવી જ નિસબત. પ્રફુલભાઈએ (જન્મ 30-09-1932, લીંબડી, એમ. બી. બી. એસ. 1958, વડોદરા) સાવરકુંડલામાં તબીબ તરીકે એવાઓ આપવાનો પ્રારંભ કર્યો અને એમની ભાવનાને ટૂંક સમયમાં યોગ્ય પ્રતિભાવ સાંપડ્યો. એ આખા વિસ્તારના સ્વજન બની ગયા. પ્રવૃત્તિઓ ઉમેરાતી ગઈ.

સદગત દીકરી સોનલના નામે સ્થાપેલા ફાઉન્ડેશન દ્વારા બહેનોને સ્વાવલંબી બનાવવાની સાથે કેળવવાના પ્રયત્નો શરૂ થયા. રક્તપિત, પોલીઓ જેવા રોગોનો વ્યાપક પ્રતિકાર શરૂ થયો. કિડનીના રોગોની સારવાર, ક્ષયનિવારણ, બાળ-પુસ્તકાલય, શિષ્યવૃત્તિઓની જોગવાઈ, વૃક્ષ ઉછેર, કલાઓની તાલીમ જેવી પ્રવૃત્તિઓમાં આ દંપત્તિએ સક્રિય રસ લીધો. જીવનના વિવિધ ક્ષેત્રો સાથે જોડાતા ગયેલા નાતાને પરિણામે જે અનુભવો પ્રાપ્ત થયા એ સાચવીને શબ્દમાં મૂક્યા. અંગત મૂડીમાં સહુને ભાગીદાર બનાવ્યા.

પ્રફુલ્લભાઈના પ્રથમ પુસ્તક ‘મનેખ નાનું મન મોટું’ ની ટૂંક સમયમાં બબ્બે આવૃત્તિઓ થઈ, સાથે સાથે પ્રફુલ્લભાઈની આરોગ્ય સેવાઓ અને પુસ્તકાલય પ્રવૃત્તિને પણ વેગ મળ્યો. શબ્દ દ્વારા વ્યાપક જીવનની સેવા કરનારા આવા લેખકો ગાંધીજીના વારસાને જીવંત રાખે છે, ગુજરાતી ભાષાની સાચી વંદના કરે છે.

– રઘુવીર ચૌધરી

શ્રી પ્રફુલ્લભાઈ શાહની 2009 માં થયેલ મુલાકાત, તેમના અનેક સમાજોપયોગી કાર્યો વિશે, વિવિધ પ્રવૃત્તિઓની પાછળના પ્રેરણાદાયક પ્રસંગો વિશે અને તેમના વિશે વાતો સમાવતી કૃતિ અક્ષરનાદ પર અહીં ક્લિક કરીને વાંચી શકાય છે. અક્ષરનાદ પર  પ્રસ્તુત પુસ્તક ઈ-આવૃત્તિ રૂપે પ્રકાશિત કરવાની તક આપવા બદલ શ્રી પ્રફુલ્લભાઈ શાહ પ્રત્યે ખૂબ ખૂબ આભાર અને કૃતજ્ઞતાની લાગણી અભિવ્યક્ત કરીએ છીએ. આ પુસ્તક ડાઊનલોડ કરવા અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં જાઓ.


One thought on “શબરીના બોર – પ્રફુલ્લભાઈ શાહ (ઈ પુસ્તક ડાઊનલોડ)

 • Kedarsinhji M. Jadeja

  શબરી

  શબરી ના ઘરે શ્રી રામ પધાર્યા
  ભાવ ધરી ભગવાન પધાર્યા…

  પૂજા અર્ચન મંત્ર ન જાણું, વેદ પુરાણ ની વાત શું પિછાણું
  રાખી હ્રદય રઘૂ નાથ ની મૂરત, રામ રામ બસ રામ ઉચાર્યા…

  આવી જરા હવે હાથ ન હાલે, દેહ રહે નહિં મારે હવાલે
  શાથી થાશે સેવા તમારી, શરીર નમ્યે સરકાર જો પધાર્યા…

  આશા એક અવધેશ અમારી, ખુલ્લી રહે નયનો ની બારી
  હરિ દર્શનની આશ અમારી, ગુરૂજન કેરાં વચન વિચાર્યા…

  સુણી અરજ અવિનાશી પધાર્યા, શબરી ના સંતાપ નિવાર્યા
  એઠાં ફળે મિજબાની માણી, ભીલડી કેરાં ભાગ્યા સુધાર્યા….

  ભાવ થકી ભગવાન જે ભજતાં, જનમ જનમ ના ફેરા ટળતાં
  દીન “કેદાર” હરિ અળગો ન કરતાં, ભક્ત જનોને પાર ઉતાર્યાં…

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com

Comments are closed.