આપજે … – અશ્વિન ચંદારાણા 9 comments


વાયરા ઊના ને ભીંજવતો વિસામો આપજે
જાત સાથે પણ લડું એવો તકાજો આપજે.

ભરજવાનીમાં મને નમણો ઝુરાપો આપજે
ને વ્યથા જીરવી શકું એવો બુઢાપો આપજે

જિંદગીના તું ભલે અઘરા સવાલો આપજે,
પણ પછી હું જે પૂછું એના જવાબો આપજે.

ટાઢ તડકા આપજે, છાંયોય થોડો આપજે,
બાળપણ મહોરી શકે એવી નિશાળો આપજે.

કૂંપણોને માર્ગ દેવા પાંદડાં ખરતાં રહે,
આ ઊછરતી પેઢીને વળતો મલાજો આપજે.

કાગડોળે વાટ જોતી આંખનું આંસુ બની,
વ્હેમમાં સરકી શકું એવી ટપાલો આપજે.

– અશ્વિન ચંદારાણા

શ્રી અશ્વિન ચંદારાણા આપણા જાણીતા ગઝલકાર, બાળસાહિત્યકાર, લેખક છે. તેમની પાસેથી આપણને ‘રખડપટ્ટી’ (બાળકિશોર વાર્તાસંગ્રહ), ‘બિલ ગેટ્સ’ (બાળોપયોગી જીવનચરિત્ર), ‘હું ચોક્કસ આવીશ'(ટૂંકી વાર્તા સંગ્રહ) જેવા સુંદર પુસ્તકો મળ્યા છે, તો ‘સાયુજ્ય’ (મીનાક્ષી ચંદારાણા સાથે સંયુક્ત કવિતા સંગ્રહ), ‘ધરતીથી ગગન સુધી – ધીરૂભાઈ અંબાણી’ (બાળોપયોગી જીવનચરિત્ર), ‘અહીંથી ગયા એ રણ તરફ’ (શ્રી શિવકુમાર આચાર્યના પરિચિતોનો સ્મૃતિસંચય – મીનાક્ષી ચંદારાણા સાથે સંયુક્ત સંપાદન), ‘રિફલેક્શન્સ’ (ફોરમ ચંદારાણા દ્વારા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુદિત શ્રી ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ’ ની ગઝલોનો અનુવાદ સંગ્રહ – મીનાક્ષી ચંદારાણા સાથે સંયુક્ત સંપાદન) જેવા આશાસ્પદ પુસ્તકો પ્રકાશનાધિન છે.

ઉદ્દેશ સામયિકના ફેબ્રુઆરી ૨૦૦૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલી શ્રી અશ્વિનભાઈ ચંદારાણાની પ્રસ્તુત ગઝલ ‘આપજે…’ ઈશ્વર પાસેની માંગણીનો એક નવો આયામ ઉભો કરે છે. ગઝલકાર પ્રભુ પાસે સુખ સમૃદ્ધિ નથી માંગતા, પણ ગમે તેવી પરિસ્થિતિઓમાં, ગમે તેવી કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ અડગ રહી શકવાની ક્ષમતા પ્રાર્થે છે. તો ચોથા અને પાંચમાં શેરમાં તેઓ યુવાવસ્થા તરફ પ્રયાણ કરી રહેલી પેઢી માટે બાળપણ પૂર્ણ શક્યતાઓએ ખીલી શકે તેવું યોગ્ય જ્ઞાન આપતી નિશાળો અને ‘વળતો મલાજો’ માંગે છે. અંતિમ શે’રમાં કાગડોળે જેની વાટ જોવાઈ રહી છે તેવી ટપાલના આગમનની એંધાણીએ હર્ષનું આંસુ બની વ્હેમમાં સરકી જવાની સરસ વાત ગઝલકાર કરે છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી અશ્વિનભાઈનો ખૂબ ખૂબ આભાર.


9 thoughts on “આપજે … – અશ્વિન ચંદારાણા

 • urvashi parekh

  બહુજ સરસ કવિતા છે.
  જીંદગી ના અઘરા સવાલ તુ આપજે,
  પણ પછી હુ પુછુ તેના જવાબો આપ્અજે,
  અને વહેમ માં સરકી શકુ એવી ટપાલો આપજે,
  સરસ.

 • Kedarsinhji M. Jadeja

  એટલું માંગી લંવ

  વ્હાલાજી હું એટ્લું માંગી લંવ
  તારા ચરણ કમળ માં રઊ…

  આ સંસાર અસાર છે કેછે પણ, હું કેમ માંગી લંવ
  હરિનું બનાવેલું હોય મજાનું, એને સામજી લંવ…

  મુક્તિ કેરો મોહ નથી ભલે, અવિરત જનમો લંવ
  પણ ભવે ભવે હું માનવ થૈ ને, ગોવિંદ ગાતો રંવ…

  બાલા વય માં બ્રહ્મ ના વિસારૂં, ક્રિષ્ન લીલા રસ લંવ
  દીન દુખી ને આપું દીલાસા, પીડા પર ની હરી લંવ…

  દીન “કેદાર” ની એકજ અરજી, તારી નજરમાં રંવ
  સ્વાસે સ્વાસે સમરણ કરતાં, અંત ઘડી ને માણી લંવ….

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com

Comments are closed.