શ્યામ ફરી ગોકુળ પધારો… – જિજ્ઞેશ અધ્યારૂ 5


કોઈક અલગ જ હેતુથી સમયના બંધનોને અનુસરીને વિશેષ પ્રસંગ માટે બનાવેલુ આ ગીત તે પ્રસંગમાં એક કે બીજા કારણોને લઈને સ્થાન પામી શક્યું નહીં. પરંતુ મને લાગે છે કે સમયના બંધનને અનુસરીને, વિષયના બંધનને અનુસરીને થયેલી આ મારી પ્રથમ રચના છે અને એ બંધનોને ધ્યાનમાં રાખીને થયેલી મહેનત છતાં આ ગીત પ્રસ્તુત થઈ શક્યું નહોતું એટલે એ ક્ષણો પૂરતું મન નિરાશ થઈ ગયું હતું. પરંતુ પછી મિત્રોએ કહ્યું કે આ રચના અક્ષરનાદ પર મૂકવા લાયક છે, એટલે આ ગીત આજે અહીં પ્રસ્તુત થઈ રહ્યું છે.

ગોપીઓએ કૃષ્ણની સદાય રાહ જોઈ છે, જોતી રહી છે. શ્યામ હવે ગોકુળનો કા’ન નથી પરંતુ મથુરાના મહારાજ છે, છતાંય ગોપીઓને માટે એ રાજા નહીં, તેમના મનપ્રદેશમાં મુક્તપણે વિહાર કરતો, મટકીઓ ફોડતો, માખણ ચોરતો, ગાયો ચરાવતો અને અને અનેક લીલાઓ કરતો કા’નો છે. એ જ કહાનની રાહ જોતી ગોપીઓ અને રાધાના મનોભાવોને આલેખવાનો પ્રયત્ન પ્રસ્તુત ગીતમાં થયો છે.

આંખોથી આંસુ વહે, ગોકુળની ગોપી કહે
હૈયુ લૂંટે છે એક લૂંટારો, શ્યામ ફરી ગોકુળ પધારો
એને ન રોકી શક્યા, હૈયે અમે ના વસ્યા
તોયે અમારો એ સહારો, શ્યામ ફરી ગોકુળ પધારો

સૂમસામ દિવસો થયા, રાતો ઉદાસી થઈ
વાંસળી મૂંગી થઈ તો, જમુનાય પ્યાસી થઈ,
ગોકુળની ગલીઓ કહે, રસ્તાની રજકણ ચહે
એ શ્રી ચરણોનો વર્તારો, શ્યામ ફરી…

નંદનો આનંદ ગયો, યશોદાય રડતી રહી,
કાનાની પ્રીતે તોયે રાધા અડગ શી રહી,
કોકિલ ટહૂકતી નથી, મટકીઓ ફૂટતી નથી
મથુરાની માયાને વિસારો, શ્યામ ફરી…

આંખોથી આંસુ વહે, ગોકુળની ગોપી કહે
હૈયુ લૂંટે છે એક લૂંટારો, શ્યામ ફરી ગોકુળ પધારો

– જિજ્ઞેશ અધ્યારૂ


Leave a Reply to pushpashah51Cancel reply

5 thoughts on “શ્યામ ફરી ગોકુળ પધારો… – જિજ્ઞેશ અધ્યારૂ