કાચી રે નજરુંના ઘેન – જ્યોતિ હિરાણી 1 comment


કાચે તે સપને જગાડીયા, કાચી રે નજરુંના ઘેન,
કાચી નીંદર કેરે ઓરડે શમણાએ લીધેલા વેન.

શમણું કહે કે મારે ઓર પોર જાવું
ને નીંદર કે’ ભેગી નો આવું,
શમણું જ્યાં નીઁદરનું કાંડું રે મરડે
ત્યાં ચુપકીથી રાતનું રે જાવું.
ઓળઘોળ નજરુંની બાંધેલી ગાંઠથી છટકે રે દિવસ ને રેન. શમણા એ ….

વાત પછી વાતની શગને સંકોરતી
વીતી જાયે રાતોની રાત,
ઘંટીની બેવડનાં પડમાં ઓરાતી જાયે,
અધખીલ્યા ઓરતાની જાત.
કાચે રે મારગડે તળિયાના દાઝવાની વેદનાને સંકોરે નેણ. શમણા એ ….

– જ્યોતિ હિરાણી

મુંબઈ વિલેપાર્લે વસતા શ્રી જ્યોતિબેન હિરાણીએ ૧૯૯૮થી કાવ્યો લખવાનું શરૂ કર્યુ, તેમજ ૨૦૦૮ માં “શબ્દો જળના મીન” નામે તેમનો કાવ્યસંગ્રહ પણ પ્રસિદ્ધ થયેલ છે. કવિતા, ધબક, પરબ, ગઝલગરિમા તેમજ અન્ય સામયિકોમાં તેમના કાવ્યો સમયાંતરે પ્રગટ થયા છે. અત્યારે જન્મભૂમિ દૈનિકના ‘કલમ કિતાબ’ વિભાગમાં તેઓ પુસ્તકાવલોકનો લખે છે.

સપનાઓની વાતથી ધબકતું અને શમણાઓ અને નિંદર વચ્ચેની કશમકશભરી દશા દર્શાવતું પ્રસ્તુત ગીતકાવ્ય અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી જ્યોતિબેનનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમના સુંદર સર્જનો આમ જ આપણને આનંદ આપતા રહે તેવી શુભકામનાઓ.


One thought on “કાચી રે નજરુંના ઘેન – જ્યોતિ હિરાણી

  • chandralekha rao

    ઘઁટીની બેવડ ના પડમાઁ ઓરાતી જાયે
    અધખિલ્યાઁ ઓરતાઁની જાત્…..સુઁદર રચના..

Comments are closed.