હાય શરમ ! – શેખાદમ આબુવાલા 5


એક પણ શબ્દ ન મુખમાંથી સર્યો, હાય શરમ !
આંખ ઢાળી ને મને જામ ધર્યો, હાય શરમ !

રૂપનો લ્હેરતો સાગર ને નિચોવાતું દિલ,
પ્રેમમાં હું તો ન જીવ્યો કે મર્યો, હાય શરમ !

કોઈ કહેતું હતું ઘૂંઘટને ખસેડી હળવે;
નીચી નજરે મને બેચેન કર્યો, હાય શરમ !

ધ્રૂજતા હાથે ઉતાવળ આ કરી છે ભારે,
હાર કોનો હતો ને કોને વર્યો, હાય શરમ !

રૂપનો ચોર કહ્યો, સાંભળી ચૂપચાપ રહ્યો,
હું તો દિલ આપીને પણ ચોર ઠર્યો, હાય શરમ !

અંગુલિ સહેજ અડી – વીજળી જાણે કે પડી,
શો ફરેબ હતો એ ક્રોધ નર્યો, હાય શરમ !

એના પડછાયામાં જ્યાં મારો સર્યો પડછાયો,
હાથ છોડીને મને દૂર કર્યો, હાય શરમ !

– શેખાદમ આબુવાલા

શરમના અંચળા નીચે છુપાયેલી રસિકતાએ પ્રગટ થતી નાયિકાની પ્રણય માધુરીનો સૂક્ષ્મ અને પ્રગાઢ અનુભવ નાયકમુખે વ્યક્ત કરતી આ નમૂનેદાર ગઝલ છે. હાય શરમ ! જેવા સુંદર રદીફ અને ધર્યો, મર્યો, સર્યો, વર્યો જેવા યથાર્થ કાફિયાના ઉપયોગથી આ ગઝલ સાંગોપાંગ બળુકી થઈ છે. આ સફળ પ્રણયની ગઝલ છે. નાયકને પ્રિયતમા તેની સન્મુખ જે લજ્જા પ્રગટ કરે છે તે મૂંઝવે છે. પ્રણયની અભિવ્યક્તિમાં નાયકને નાયિકાની શરમ નડે છે છતાંય એ મીઠી મૂંઝવણને સ-રસ શબ્દો દ્વારા શેખાદમ આબુવાલાની જેમ બીજુ કોણ આમ અભિવ્યક્ત કરી શકે ?


Leave a Reply to manoj gorCancel reply

5 thoughts on “હાય શરમ ! – શેખાદમ આબુવાલા

  • Kitabi

    મલક્તુ મન હતુ એનુ અને પલકો હતિ બોઝિલ્
    સરક્તુ મન હતુ મારુ અને નિયત હતિ ગાફિલ્
    અરે નિશા, અરે મિહિર્ તમોને શુ થયુ હાસિલ્
    તમ્મનાઓ ના મોજા પર મને શાને કર્યો દાખિલ્
    પ્રનય ના પુર મા ગાલિબ હવે હુ થૈ ગયો ફાઝિલ્
    હવે હુ થૈ ગયો ફાઝિલ્!

  • manoj gor

    શેખાદમ હેબની ખુબ સરસ રચના પ્રીયા ને પ્રથમ સ્પર્શ ની લાગણી સાથૅ ખચકાટ નૂ આબેહુબ વર્ણન કર્યુ

  • kaushik bhanshali

    છલકાવે છે પ્રણય છે શરમ્
    શરમાય છે શબ્દો છે શરમ્
    સ્નેહ નિતરે છે નથી ભરમ્
    સમજો શાનમા તો કોની શરમ્

    કૌશિક ભણશાળી

  • Capt. Narendra

    શેખાદમના શબ્દો – “હાય શરમ”માં વ્યક્ત થતી લજ્જા, પ્રિયાના સ્પર્શમાં સ્નેહનો આંચકો આપતી વિદ્યુલ્લતા આ ગઝલને જીવંત બનાવે છે! મેં તે પહેલી વાર વાંચી અને ઘણો હર્ષ અનુભવ્યો. આભાર!