વાયદા તું કરે છે – કિંજલગીરી ગોસ્વામી 13


(લગાગા- મુતકારીબ)

નયનમાં અનેરી કળા તું કરે છે,
સતત પ્રેમના વાયદા તું કરે છે.

હ્રદય આમ ઘાયલ ઘણા તું કરે છે,
રમત આંખમાં જ્યાં જરા તું કરે છે.

તને ક્યાં ખબર છે? દિવાનો મરે છે;
પલકવારમાં મન ફના તું કરે છે.

જરુર ના પડે મોતની પણ સનમ કે,
ઘણીવાર એવી અદા તું કરે છે.

રહું કેમ તારા વિના એક પળ પણ,
ક્ષણોમાં વરસની સજા તું કરે છે.

નચાવે મને ભર બજારે મમતથી,
મદારી બનીને મજા તું કરે છે.

મને જાણ છે આ સદા તું કરે છે,
નમાજે નમાજે દુવા તું કરે છે.

જગતમાં જડે કોય મારા સમો ના,
પછી કેમ મુજને જુદા તું કરે છે?

– ગોસ્વામી કિંજલગીરી

સૂરતના રહેવાસી એવા શ્રી કિંજલગીરી ગોસ્વામી એક અદના કાવ્યરસીયા તો છે જ સાથે એક ખૂબ સારા સર્જક પણ છે તેની ખાતરી તેમની ઉપરોક્ત ગઝલ સુંદર રીતે કરાવી જાય છે. પ્રિયતમાને પ્રેમનો – સતત સાથ અને સહવાસનો તથા સાથે સાથે વિરહની આછી વેદનાનો સંદેશ અહીં કવિ આપવાનો પ્રયત્ન કરે છે. અક્ષરનાદને ઉપરોક્ત રચના મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી કિંજગલીરી ગોસ્વામીનો ખૂબ ખૂબ આભાર.


13 thoughts on “વાયદા તું કરે છે – કિંજલગીરી ગોસ્વામી