શકુની ની રોજનીશી (ભાગ 4) – શકુની બ્લોગ બનાવે છે 11 comments


{ શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતી માંથી મળી આવી. આ મારું મૌલીક રી-(વિ)સર્જન કાર્ય છે એથી તેના બધાં કોપી કરવાના હકો મારા છે. આ ડાયરીનાઆ પહેલા મૂકેલ પાના આપ અહીં ક્લિક કરીને વાંચી શક્શો. સમયાંતરે અન્ય પાનાં પણ ઉપલબ્ધ થતાં રહેશે. આજે પ્રસ્તુત છે આ ડાયરીના અંશો પ્રગટ કરતો ચતુર્થ ભાગ.}

નોંધ – અહીં ગાંધારીનો મતલબ ગાંધારી ભાષા – ગાંધારની રાષ્ટ્રભાષા એમ રાખ્યો છે. આજે ભગિની ગાંધારીનો ઉલ્લેખ ક્યાંય નથી.

થોડાક દિવસ પહેલા મેં બ્લોગ બનાવવાનું વિચાર્યું હતું.

મહાન ગાંધાર રાષ્ટ્રના રાષ્ટ્રીય નટ શ્રી ગંભીર વાનનો બ્લોગ હોય, ગેંડીદડામાં ત્રણ વખત રાષ્ટ્રીય વિજેતા શ્રી અશ્વિન વિચારકરનો બ્લોગ હોય, રોજેરોજ જેને બ્લોગ લખવાનાય પૈસા મળે છે તેવા વિશ્વનટ શ્રી બમ્ભમ અચ્ચનનો બ્લોગ હોય કે નરોમાં ઈન્દ્ર સમા રાજકારણી સ્મિતેન્દ્રનો બ્લોગ હોય તો મારો બ્લોગ કેમ ન હોય એ જ મુખ્ય સવાલ મને આજે થયો. બ્લોગ કેમ લખાય તેના માર્ગદર્શન માટે થયું ચાલો આપણી ભાષાના કેટલાક બ્લોગમાં લટાર મારી કટાર, આઈ મીન ‘પ્રેરણા’ લઈ જોઈએ.

સૌપ્રથમ તો આર્યોના બ્લોગ પર જ જવું એવું નક્કી કર્યું હતું, પણ બ્લોગ પરથી કેમ ખબર પડે કે આર્ય કોણ અને યવન કોણ, હૈહેય કોણ અને કૃવિ કોણ, તૃત્સુ કોણ અને દસ્યુ કોણ. (આ બધા શબ્દો ખબર ન હોય તો બ્લોગ લખવાના અભરખા છોડીને પહેલા થોડા પુસ્તક વાંચતા થાવ એમ મને રાજપંડિતે કહ્યું. પણ એવું વાંચવા કોણ નવરું છે?) એટલે એવું છોડીને થોડીક છૂટીછવાઇ સેવાઓ નામે આર્યબ્લોગ, ગાંધારપોએટ્રીસાઈડ વગેરેના શરણે ગયો. સાંભળેલું કે રોજ સવારે બ્લોગરો અહીં આવીને “આર્ય વાંચાં દેહી” અથવા “દયા વર્ડપ્રેસની ! બ્લોગની જય” ની ટહેલ નાંખે છે, પોતપોતાના બ્લોગ પર આવી વાંચવા વિનંતિ થી આમંત્રણ થી લઈને ધમકી સુધી લગભગ બધુંય આપે છે. મેં ઈ-મેલ એડ્રેસ તેમાં નાખ્યું કે તરત આમંત્રણો આવવા માંડ્યા. અને મને આશ્ચર્ય થયું….

કેવા કેવા લોકો લખતાં
કેવુ કેવું લોકો લખતાં,

ક્યાંક કવિતા તો ક્યાંક ગઝલ,
ક્યાંક વાર્તા તો ક્યાંક નવલિકા,
ક્યાંક ચિકિત્સક તો ક્યાંક ભક્ત,
ક્યાંક અભિયાંત્રિક તો ક્યાંક તાંત્રિક,
ક્યાંક ખણખોદ તો ક્યાંક નખ્ખોદ,
ક્યાંક ઘા-કટકા તો ક્યાંક વાદ,
ક્યાંક સૂર તો ક્યાંક સાદ,
કેવા કેવા લોકો લખતા,
કેવુ કેવું લોકો લખતાં,

ક્યાંક ઈસ્ટ તો ક્યાંક વેસ્ટ,
ક્યાંક ઓરિજીનલ તો ક્યાંક કોપી પેસ્ટ,
ક્યાંક બેસ્ટ તો ક્યાંક સાવ વેસ્ટ,
ક્યાંક સ્વીટ તો ક્યાંક નો ટેસ્ટ
ક્યાંક અરબ સાગર તો ક્યાંક એવરેસ્ટ
ક્યાંક શેવિંગ ક્રીમ તો ક્યાંક પેસ્ટ
કેવા કેવા લોકો લખતા,
કેવુ કેવું લોકો લખતાં,

(આ થઈ મારી પ્રથમ સ્વરચિત કૃતિ)

પણ મને તો ખૂબ મજા પડી. ફોરટીવી હોય કે કાઝી, રીડગાંધારી હોય કે આડઅસર, લેસ્ટરો હોય કે છીણેલામોતી, નેટ ગાંધારી હોય કે એક ચા ને બે બટકા, ગાંધારીલેક્સીકોન હોય કે ફનવિધાઊટભાન, કેટલાય બ્લોગ જોયા, વાંચ્યા… પછી થયું આ બધા આટલું વિચારતા હશે ? તો થાકી નહીં જતા હોય… આટલું વિચારવાનું તો મારું ગજુ નથી. પણ બ્લોગ ચલાવવો જ છે, તો શું કરવું ? થયું હજી થોડાક બ્લોગ જોઈએ….

… અહોહોહો… આશ્ચર્યમ…. આટલી વિવિધતા અને વિલક્ષણતા જોઈને મારું મન ધન્ય ધન્ય અનુભવવા લાગ્યું. માં ગાંધારી (ભાષા) ના ચરણે રોજેરોજ ફૂલ ચડાવતા આવા વિરલાઓને શત શત વંદન કરવાનું મન થઈ આવ્યું. માતા ગાંધારી (ભાષા)ની ચિરંતનતા અને લાંબા આયુષ્ય વિશે હું સર્વથા નિશ્ચિંત થઈ ગયો, સર્વથા અજરામર રહેવા જ તે સર્જાઈ છે તેવું મને સમજાવા લાગ્યું. યવનિ ભાષા ધારે તો પણ અમારી મહાન અને સદા સર્વદા સંપન્ન એવી મધરટંગના પેલેસનો એક નાનકડો સ્ટોન પણ મૂવ નહીં કરી શકે એવી મને ખાત્રી થઈ ગઈ. ગાંધારી મારી માતૃભાષા હોવા બદલ મને ગર્વ પણ થયો અને તેના માનમાં એક સમર્પિત વેબસાઈટ બનાવવાના મારા નિર્ણય પર મેં મહોર મારી દીધી. ભલે વેબસાઈટમાં શું મૂકીશું તેના વિશે ખબર નહોતી પણ એ વેબસાઈટ “ગમતાને હલાલ (ઓહ સોરી, ગુલાલ)” કરવાના ન્યાયે ચલાવવી જ એવું મનમાં ઠસાવી લીધું. માતા ગાંધારી (ભાષા)ની આવી નેટોન્નતિ જોઈને મારું મસ્તક કોમ્પ્યુટર સામે નમી પડ્યું અને નાક માઊસને અડી ગયું. માતા ગાંધારી (ભાષા) ના સ્વરૂપને લઈને તેને સરળ બનાવવા થઈ રહેલી અનેક પહેલ પણ મને ત્યાં દેખાઈ. અને એનાથી પ્રેરાઈને મેં પણ એ જ પ્રકારે “સ્પેલિંગ” લખવા એમ નક્કી કર્યું. પણ પછી મને સમજાયું કે મારી જ્ઞાનસીમાને લઈને અને ભાષાના મારા (અ)મર્યાદિત જ્ઞાનને લઈને હું જે લખું છું તે ત્રીજી જ પ્રકારની ભાષા પદ્ધતિના આગમનની પહેલનો શંખનાદ હશે.

પાણીનો સ્પર્શ થવાથી જેમ બ્લોટીંગ પેપર તરત ભીનું થાય છે એમ મારું હ્રદય પણ નેટ પર માતા ગાંધારી (ભાષા)ની આવી અપ્રતિમ સમૃદ્ધિ જોઈને લાગણીભીનું થઈ ગયું, મીઠી મૂંઝવણ અનુભવવા લાગ્યું. દ્વિચક્રી અને ચતુર્ચક્રી વાહનોના ગીયર બદલાવાથી જેમ તેમની ઝડપમાં ત્વરિત વધારો ઘટાડો થાય છે તેમ મારા વેબ બ્રાઊઝરમાં આ વિવિધ બ્લોગ આવવા – જવા લાગ્યા. આ બધું એટલું ઉત્સાહવર્ધક અને પ્રેરક હતું કે તેના માનમાં મેં “લોંગ લિવ માં ગાંધારી (ભાષા)” પણ ગાયું. “વી મસ્ટ ડૂ સમથિંગ ફોર અવર મધર ટંગ, યૂ સી….” એમ મનમાં નક્કી કરી મેં પણ એક બ્લોગ રજીસ્ટર કર્યો…. અને મારી ડાયરીનું પહેલું પાનું ત્યાં મૂક્યું. બ્લોગની પહેલી પોસ્ટનું નામ હતું “શકુનીની રોજનીશી”. જો કે મેં ક્યાંક વાંચેલું કે પોસ્ટ કરો, પેસ્ટની ચિંતા ન કરો, પ્રતિભાવની ચિંતા ન કરો, ક્લિક્સની ચિંતા ન કરો…. પણ આ બધી મુખ્ય વાતોની ચિંતા જો ન કરીએ તો કરવું શું એ વિચારીને અમે ચિંતા કરવા બે સેવકોને સદા સર્વદા સ્થાપિત કર્યા, જે સતત બધા બ્લોગ્સમાં જઈને જોતા રહે કે ક્યાંય મારું લખેલ કોપી પેસ્ટ તો નથી થતું ને, અને બીજા ગાંધારી બ્લોગ્સ પર જઈને એ પ્રતિભાવરૂપી આમંત્રણ રોજ નાખતા રહેતા. ગદ્ય કૃતિઓ માટે “ખૂબ સરસ” અને પદ્ય કૃતિઓ માટે “સુંદર, ક્યા બાત હૈ !” જેવા પ્રતિભાવો અમે સદાય તૈયાર રાખ્યા હતાં. એક જ પોસ્ટ અને ટૂંકા સમયગાળામાં શકુનીનો ચળકાટ સમગ્ર ગાંધારી બ્લોગજગતમાં છવાઈ ગયો.

પણ થોડાક દિવસ પછી જોયું તો બીજા કોઈકના બ્લોગ પર એ કોપી થઈને પ્રસિદ્ધ થયેલું. જોડણીની ભૂલોય એમની એમ. મારા બ્લોગ પર એક પણ પ્રતિભાવ નહીં અને એના બ્લોગ પર આઠ ! મારા કરતાં એના બ્લોગ પર પ્રતિભાવ કેમ વધારે ? (આ વાક્યની પ્રેરણા મને પેલી જાહેરાતે આપી……, એની લિન્ક ઉપલબ્ધ કરી શક્તો નથી કારણ કે ત્યાંથી મને ફક્ત પ્રેરણા મળી છે, કોપી નહીં !)

મેં “અક્ષરબાદ” નામના એ બ્લોગના લેખકને – તંત્રીને – સોરી, સંપાદક… જે હોય તેને ઈ-મેલ કર્યો, પણ તેમણે જવાબ આપવાની દરકાર ન કરી એટલે મેં તો ‘સવિનય’ જવાબમાં આખી વાત આર્યબ્લોગ અને ગાંધારપોએટ્રીસાઈડમાં ચર્ચામાં મૂકી, આર્યબ્લોગના સંચાલકશ્રી સવિનય પત્રીએ એની વિગતે સમીક્ષા કરી, જો કે પછી એ બ્લોગરે જ જાહેરમાં માફી માંગી અને ખાનગીમાં ગાળો આપી, આવી સુવર્ણ તક કે જ્યારે મોડી પડેલી પ્રિયતમાની રાહમાં રસ્તા પર નજર રાખીને બેઠેલા પ્રિયતમની જેમ મારી કેફિયત સાંભળવા કેટલાય આંખો માંડીને તેમના ઈ-મેલ રીફ્રેશ કર્યા કરતા હોય એ ઝડપી લઈને આ વિષયની મેં એક પોસ્ટ મારા બ્લોગ પર બનાવી અને પછી શું થયું ? ચમત્કાર…..

અધધધ …. અનરાધાર …. જાણે ત્રણ ત્રણ દિવસના અનશન પછી ગુલાબજાંબુ ભરેલ કમંડળ મળે, વર્ષોના દુકાળ પછી ભૂખી – સોરી – તરસી થયેલી ધરતીને પહેલું જ ઝાપટું ૨૫ ઈંચનું પડી જાય અને ભિખારીને કોઈક દાનમાં ટીલાકન્સના હજાર પંદરસો શે’ર (સૉરી શેર કે પછી સેર) આપે એમ કોમેન્ટસનો મારો થયો, પ્રતિભાવોની હેલી વરસી અને કૂવેથી બેડલુ ભરીને આવતી પનિહારીના યૌવનમાં જે ચંચળતા અને માદકતા છલકાય તેવી જ માદકતા પ્રતિભાવોમાં છલકાવા લાગી.

અને મને બ્લોગ માટે વિષય મળી ગયો – ‘ડિસ્પ્યુટ’. કમ સે કમ એક ધમાકેદાર ફાઈડે ઓપનિંગ તો મળી… પછી તો બધી ફિલ્મો બેસી જતી જ હોય છે. ગાંધાર અને હસ્તિનાપુરના સમગ્ર રાજકારણીઓના સરનામાં મેં સબસ્ક્રિપ્શન બોક્ષમાં જાતે નાખી નાંખીને વાંચકસંખ્યા માંડમાંડ બે હજારની ઉપર પહોંચાડી. અને બીજી પોસ્ટ લખી – “નો કમેન્ટ્સ ઓન ડિસ્પ્યુટેડ ઈસ્યુસ”

એક વાચક પ્રતિભાવમાં બબડ્યો કે આ તો યવનિ ભાષાનો શબ્દ છે. માતા ગાંધારીની ઉન્નતિ એથી કેમ થશે? મેં કહ્યું, “યૂ સી, યવનિ ભાષાની અવનતિ એ જ માતા ગાંધારીની ઉન્નતિ. તું – ભાષાના અજ્ઞાન – અર્ધજ્ઞાન – અભિજ્ઞાન વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે ન સમજનાર હે ગાંધારીયન, તું મોહમય થયા વગર થોડો સીરીયસ થઈને ભાષાના ચરિત્રને પૂર્ણપણે સમજવાનો પ્રયત્ન કર, ભાષાઓ તો નદીઓના પાણી જેવી, એકમાં ક્યાંક બીજુ નાનું ઝરણું ભળે, પણ આફ્ટર ઓલ, એ બધી કન્વર્ઝેશન્સના દરીયામાં જ મળે છે, એમ જ આ કરવાનો મારો ડેડીકેટેડ એફર્ટ છે. જો તું એ નહીં સમજે તો જેમ ડેમોક્રસીમાં કરપ્શનના માલ ફોરેનમાં ગાયબ થાય છે એમ તારું પણ થશે …”

મને ખબર છે કે આ પોસ્ટ પણ પેલો ….. કોપી પેસ્ટ કરવાનો જ છે, એટલે એના બ્લોગના સૌ વાંચકમિત્રોને મારા બ્લોગ પર આવીને પ્રતિભાવ આપવા અને મારી ક્લિક્સના આંકડાને ફરતો રાખવા વિનંતિ. મને ખબર છે કે એ વાંચ્યા વગર આ પણ કોપી પેસ્ટ કરશે જ ! હવે હું પણ એક ‘અદનો’ બ્લોગર થઈ ગયો છું અને મારો ‘મોનિકા’ રેન્ક પણ સુધરવા લાગ્યો છે. ચાલો હવે બ્લોગ લખવા જઊં છું. વધુ ફરી ક્યારેક લખીશ.

જય મા ગાંધારી (ભાષા) !
જય જય ગરવી ગાંધાર !

નોંધ – અહીં ઘણાં આદરણીય અને સન્માનનીય ગુજરાતી બ્લોગ્સનો પરોક્ષ ઉલ્લેખ કર્યો છે જે ફક્ત ક્ષણિક મજાક ખાતર છે, અને કોઈ પણ પૂર્વગ્રહ વગર ઉલ્લેખાયેલ છે. તેને એ જ રીતે હળવાશથી માણવા વિનંતિ.


11 thoughts on “શકુની ની રોજનીશી (ભાગ 4) – શકુની બ્લોગ બનાવે છે

 • Jayanti Patel

  કોપી પોસ્ટ કરતાં તો મનેય આવડે કદાચ પણ એને મૂકવું ક્યાં એ મુખ્ય પ્રશ્ન છે, એટલે એ વિષયના સિધ્ધ કોપીબાજ બ્લોગરોને હાથે જ એમ થાય અને મા ગાંધારીનો વિકાસ-રકાસ થાય અને હાલ તો ક્લીકચક્ર ફરતું રહે એ જ યોગ્ય લાગે છે સૌને એટલે……

 • Pancham Shukla

  સૌ વાંચકમિત્રોને મારા બ્લોગ પર આવીને પ્રતિભાવ આપવા અને મારી ક્લિક્સના આંકડાને ફરતો રાખવા વિનંતિ.

  —-

  ગદ્ય છે એટલે ખૂબ સરસ. સાથે પદ્ય પણ છે એટલે કયા બાત હૈ.
  —-

  ખરેખર મઝાની પોસ્ટ.

 • વિનય ખત્રી

  મજાની પોસ્ટ.

  તમે એક જગ્યાએ એક શબ્દ વાપર્યો છે, ‘વિધાઉટ ભાન’. આ શબ્દ જ્યારે કૉપી-પેસ્ટ સાથે સંકળાય છે ત્યારે તે મને બહુ જ ડિસ્ટર્બ કરે છે અને એક નવી પોસ્ટ બને છે.

 • Atul Jani (Agantuk)

  એક પછી એક ભાગ લખાતો જાય છે તેમ શકુનિ મહારાજની પક્કડ વધુને વધુ જામતી જાય છે 🙂

Comments are closed.