શ્રી વિમલ અગ્રાવત દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૯ (Audiocast) 10


૧. મારા સાજણ રહે છે સાવ કોરા !

આયખામાં આવી છે આષાઢી સાંજ અને ઝરમરિયાં વરસે છે ફોરાં,
સખીરી મારા સાજણ રહે છે સાવ કોરા !

સાજણ કરતા તો સારું બાવળનું ઝાડ, જેને છાંટો અડતા જ પાન ફૂંટે;
સાજણ સંતાય મૂવો છત્રીમાં, આખ્ખું આકાશ અરે મારા પર તૂટે !
પલળી પલળી ને હું તો ગળચટ્ટી થાઉં, પછી સાજણ લાગે છે સાવ ખોરા,
સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા !

ચૈતર વૈશાખ તો સમજ્યા પણ આષાઢી અવસરને કેમ કરૂં પાર ?
સાજણ છે મારો સૈ વેકુરનો વીરડો ને મારી તરસ ધોધમાર,
વરસાદી વાયરાઓ ચાખી ચાખી ને હવે ચાખું છું છેલ્લા કટોરાં,
તોય મારા સાજણ રહે છે સાવ કોરા !

૨. ખારવણ !

પગને છે પાંખો, ને માથે છે બાંસિયું, ને બાંસિયામાં બૂમલાંની ભારી ભારી !
ખારવણ ખારી ખારી !

ખારવણ દરિયાનો કટકો, તે ઉછળે ને ઉછળી ઉછળી ને આવે કાંઠે,
ખારવો તો કાંઠાનું ભાઠોડું સાવ, શીનો કટકા બટકાને તે ગાંઠે,
માંગે છે ખારવણ મનગમતા મોતી, ને ખારવો દે માછલીયું મારી મારી,
ખારવણ ખારી ખારી !

હાથના હલ્લેસાથી જીવતર હંકારે, ને આંખ્યુંમાં દરિયાને પાળે,
ખારવાની ફૂગ્ગીનો કેફ બધો ઉતારે, એક જ તે તસતસતી ગાળે;
ખારવણ ઘૂઘવાતું સપનું, ને ખારવાની નજરું પર બાઝેલી છારી છારી,
ખારવણ ખારી ખારી !

૩. ધોધમાર વરસાદ પડે છે

તગતગતી તલવાર્યુ તડફડ આમતેમ વીંઝાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.
ઢાલ ફગાવી, બખ્તર તોડી, લોક વીંધાવા જાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.

કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહરાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.
ઝરણાં હફડક નદી બનીને દરિયામાં ડોકાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.

તદારે તદારે તાની દીર દીર તનનન છાંટે છાંટો ગાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.
ઘેઘેતીટ તાગીતીટ તકતીર કીટ્તક પવન તાલમાં વાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.

જળનું ઘોડાપૂર અમારી આંખ્યુંમાં રુંધાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.
સેંથો, ચુંદડી, કંગન, કાજળ, લથબથ પલળી જાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.

હું દરિયે દરિયા ઝંખું ને તું ટીંપે ટીંપે ન્હાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.
હું પગથી માથાલગ ભીંજું તું કોરેકોરો હાય,
અરે, ભરચક ચોમાચા જાય ને મારું અંગ સકળ અકળાય રે નફ્ફટ !
ધોધમાર વરસાદ પડે છે.

[audio:http://aksharnaad.com/images/idpd/vimal%20agrawat.mp3]

– વિમલ અગ્રાવત

શ્રી વિમલભાઈ અગ્રાવત સાથે સંપર્ક આમ તો ઘણા સમયથી, ફોન પર ક્યારેક વાતો પણ થયેલી અને રાજુલા અને પીપાવાવ વચ્ચે પચીસેક કિલોમીટરનું અંતર હોવા છતાં રૂબરૂ મળવાનો પ્રસંગ અક્ષરપર્વને લીધે મળ્યો. પીપાવાવ ચોકડીથી વડોદરા સુધીની અમારી સફર અનેરી મજા કરાવી યાદગાર થઈ તો અક્ષરપર્વમાં તેમની એક્કેક રચનાઓને શ્રોતાઓએ ખૂબ દાદ આપી. સ્વભાવે તદ્દન સરળ, રચનાઓની રીતે પૂરેપૂરા સબળ અને નિખાલસ એવા વિમલભાઈને મળ્યા પછી આટલો વખત ન મળ્યાનો અફસોસ થયો. રાજુલા – જાફરાબાદ – મહુવા વિસ્તારમાં સમયાંતરે કાવ્યપઠન અથવા ફક્ત સમરસીયા મિત્રોના મિલનનો કાર્યક્રમ ગોઠવવાની ઈચ્છાનો પડઘો પણ તેમણે એ સફર દરમ્યાન જ પાડ્યો. આજે પ્રસ્તુત છે તેમની જ ત્રણ રચનાઓ તેમના અવાજમાં.

દિવ્યભાસ્કર રવિપૂર્તિમાં શ્રી સુરેશ દલાલ દ્વારા રજૂ થતા “હયાતીના હસ્તાક્ષર” માં તેમના ગીત, “તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો છે ?” નો સરસ આસ્વાદ કરાવ્યો છે. શ્રી વિમલભાઈ અગ્રાવતની ઉપરોક્ત રચનાઓ સહિતની અનેક કૃતિઓ તેમના બ્લોગ “મારા કાવ્યો” પર જઈને માણી શકાય છે. અક્ષરપર્વમાં ઉપસ્થિત રહી તેમના કાવ્યરસનો આનંદ આપવા બદલ શ્રી વિમલભાઈનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “શ્રી વિમલ અગ્રાવત દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૯ (Audiocast)

  • Heena Parekh

    વિમલભાઈ સાથે ચેટ તો ઘણી વખત થઈ છે. પણ તેમના અવાજમાં તેમની કવિતાઓ સાંભળવાનો મોકો આજે મળ્યો. અભિનંદન વિમલભાઈ.

  • સુભાષ

    “રાજુલા – જાફરાબાદ – મહુવા વિસ્તાર” એમાં જાફરાબાદ તે મારું ગામ અને જન્મસ્થળ. ૫૦ વર્ષો પહેલાં છોડ્યું ત્યારે ત્યાં વીજળી પણ નો’તી. વિમલભાઇએ “ખારવણ ! “ની વાત કરીને જુની યાદો તાજી કરાવી. તેમના લખાણે ત્યાંની ભાષાને હુબહુ વ્યક્ત કરવાની તેમની શક્તિનો પરિચય આપ્યો છે અને મને શ્રવણપાન કરાવ્યું છે. અક્ષરનાદ, જીગ્નેશભાઇ અને વિમલભાઇનો ખુબ ખુબ આભાર. ભવિષ્યમાં જ્યારે પણ જાફરાબાદ જવાનું થશે ત્યારે વિમલભાઇને મળવાની ઇચ્છા છે.

    સુભાષ
    Florence, South Carolina, USA

  • Dineshgiri N Goswami

    શ્રી જીગ્નેશભાઈ,
    નમસ્તે !! શ્રી વિમલભાઈ અગ્રાવત ની પ્રસ્તુતિ બદલ ખુબ ખુબ ધન્યવાદ !!

    શ્રી વિમલભાઈ,
    નમસ્કાર અને આભાર સહ અભિનંદન !!
    ખુબ સુંદર આંચલીક્તાથી ભરપૂર એવા દરેક કાવ્યમાં અલગ અલગ પરિવેશ છતાં તૃષિત નાયિકા ની સમાનતા,
    પ્રથમ વૃષ્ટિની ફોરમ જેવા પ્રાદેશિક શબ્દ પ્રયોગોની મજા જ અનેરી છે…
    “સાજણ છે મારો સૈ વેકુરનો વીરડો ને મારી તરસ ધોધમાર,”…
    “પગને છે પાંખો, ને માથે છે બાંસિયું, ને બાંસિયામાં બૂમલાંની ભારી ભારી ! ખારવણ ખારી ખારી ! “….
    “ખારવાની ફૂગ્ગીનો કેફ બધો ઉતારે, એક જ તે તસતસતી ગાળે;”…
    માત્ર બે પંક્તિમાં ખારવણનું પૂરે પુરૂ ચરિત્ર ચિત્રણ…. ખુબ ખુબ અભિનંદન !!
    “તગતગતી તલવાર્યુ ,ઝરણાં હફડક નદી બનીને,જળનું ઘોડાપૂર અમારી આંખ્યુંમાં રુંધાય રે સાજણ.
    સૌરાષ્ટ્રની જોરૂકી બોલીનો પ્રાણ જબકે છે……..
    બસ ફરી આભાર સહ અભિનંદન !!

    દિનેશગીરી એન ગોસ્વામી
    સોનગઢ
    ભાવનગર

  • Ramesh Patel

    શ્રી વિમલભાઈનાં કાવ્યો ઍટલે એક આગવો અંદાજ ને
    શૈલી.તેમની કલ્પનાના રંગો સાચે જ મનને છૂ જાય છે.
    તેમને માણવા એ આપણું સૌભાગ્ય છે.

    રમેશ પટેલ(આકાશદીપ)