શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૮ (Audiocast) 8


ગઝલ ૧. – આંસુ મહીં ખારાશ ….

આંસુ મહીં ખારાશ આ તેથી ભળી છે,
મારી ઉપર જળથી ભરેલી વાદળી છે.

કંઈ કેટલો હેરાન છું એ વાત ન પૂછો,
મારી તરફ બસ આ સમયની આંગળી છે.

આવી હતી શણગાર જે સોળે સજી,
એ ઈચ્છા હવે મારી બની ગઈ પાંગળી છે

આ ઈંટ પત્થર જેમણે પાયો કર્યો તો’
એના પ્રહારે આજ ઈમારત ઢળી છે.

તારી ગલી ને ઘર હજીયે યાદ છે
મારા સમયની બાજી સૌ ઉંધી વળી છે.

ગઝલ ૨. – ના ….

છે શરીરે સૌ રહસ્યો ઘાવના
રક્તમાં તારા મને દોડાવના

હું સમજ ભૂલ્યો છું તારા શહેરની,
આમ તું પાગલ કહી બોલાવના.

શક્ય છે કે હું ફરી ના પણ ઢળું,
સૂર્ય સાથે દોસ્ત તું સરખાવના

કોતર્યા છે મેં સમયના ટાંકણે,
આ હ્રદયમાં શિલ્પ તારા ઘાવના

શબ્દ છું તારી હવે મિલકત નથી,
વસ્ત્ર માફક આમ તું બદલાવ ના.

ગઝલ ૩. – એવું નથી

ભવ પછી પરભવ નથી એવું નથી,
અંતનો ઉદભવ નથી એવું નથી.

આયખું આખું જીવ્યો ભડભડ થતો,
ભીંતરે કંઈ દવ નથી એવું નથી.

રાજવી સૂનું ભલે મેદાન હો,
ત્યાં હવે વિપ્લવ નથી એવું નથી.

મંથરા છો ને સમય પેદા કરે,
ઘર મહીં રાઘવ નથી એવું નથી.

અર્થની સમજણ ભલે છું વીસર્યો
શબ્દમાં સંભવ નથી એવું નથી.

[audio:http://aksharnaad.com/images/idpd/jitendra%20prajapati.mp3]

– જિતેન્દ્રભાઈ પ્રજાપતિ

શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિની ગઝલો જ્યારે પ્રથમ વખત અક્ષરનાદ માટે મળી ત્યારે એમ થયું કે આ સાહેબ કોઈક પ્રસ્થાપિત ગઝલકાર હશે, અને તેમના સંગ્રહ સુધી આપણા હાથ પહોંચી શક્યા નહીં હોય. પરંતુ તે પછી ખબર પડી કે તેમની ગઝલો હજુ સુધી ક્યાંય પ્રસિદ્ધ નથી થઈ, ત્યારે એક સુઘડ, અર્થસભર અને છતાંય સિદ્ધહસ્ત લાગે તેવી રચાયેલી ગઝલોના એક સર્જકને રજૂ કર્યાનો આનંદ થયો. અક્ષરનાદ પર આ પહેલા પણ તેમની ગઝલો રજૂ થતી જ રહી છે. પણ અક્ષરપર્વમાં તેમની ઉપસ્થિતિ એક અનોખો પ્રસંગ ઉભો કરી ગઈ છે.

વાત જાણે એમ બની કે તેમના લગ્ન અક્ષરપર્વના દિવસથી ફક્ત પાંચ દિવસ પછી હતાં. લગ્ન લખાઈ જાય પછી વરરાજા ક્યાંય બહાર ન જઈ શકે તેવો વણલખ્યો નિયમ પણ કદાચ આપણે ત્યાં ખરો ! એટલે પર્વના બે ત્રણ દિવસ પહેલા તેમણે મને આ બાબતની જાણ કરી. મેં કહ્યું, “સાહેબ, એવું તો નહીં ચાલે, આવવું જ જોઈએ.” તેમની સરસ ગઝલો રજૂ થવાને એક મંચ મળે એ લાલચ તો ખરી પણ સાથે મનમાં એક ધરપત પણ ખરી કે નિઃસ્વાર્થભાવે થતો આ તો માં સરસ્વતિનો ઉત્સવ છે, બધી વાતની ચિંતા તેમના પર જ છોડી દઈએ. મનોમન તેમના માટે કુશળ ઈચ્છી તેમને આવવા કહેલું, અને તેઓ આવ્યા પણ ખરા, અને સરસ મજા કરાવી પણ ગયા. તા. ૨૦ મે ના રોજ તેમણે પ્રભુતામાં પગલાં પણ પાડ્યા.

તેમની પ્રેમભરી ગઝલોને એક નવું પ્રેરકબળ મળે, તથા તેમના બંનેના જીવનમાં પ્રેમ, આનંદ તથા ઉલ્લાસની છોળો ઉડે તેવી શુભેચ્છાઓ સાથે અક્ષરનાદના સર્વે વાચકો તરફથી બંનેને સહજીવનની અનેક શુભેચ્છાઓ. અનેક સીમાડાઓને અવગણીને અક્ષરપર્વને તેમની ગઝલરચનાઓથી શોભાવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.


Leave a Reply to jignesh shelatCancel reply

8 thoughts on “શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૮ (Audiocast)