શકુની ની રોજનીશી (ભાગ ૩) – જીજ્ઞેશ અધ્યારૂ 6


{ શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતી માંથી મળી આવી. આ મારું મૌલીક રી-(વિ)સર્જન કાર્ય છે એથી તેના બધાં કોપી કરવાના હકો મારા છે. આ ડાયરીનાઆ પહેલા મૂકેલ પાના આપ અહીં ક્લિક કરીને વાંચી શક્શો. સમયાંતરે અન્ય પાનાં પણ ઉપલબ્ધ થતાં રહેશે. આજે પ્રસ્તુત છે આ ડાયરીના અંશો પ્રગટ કરતો તૃતિય ભાગ.}

બહેન ગાંધારી અને જીજાશ્રી ધૃતરાષ્ટ્રના રિસેપ્શનનો દોર ખતમ થયો અને બહેનનો ખોળો ભરવાનો પ્રસંગ આવ્યો એટલે મેં થોડોક સમય વિશ્રામ લીધો. જો કે બહેનની ગર્ભાવસ્થા થોડી લાંબી ચાલી અને બે વર્ષને અંતે શ્રી વેદવ્યાસજીની અભિયાંત્રિક ટોળકીની સહાયથી અને પ્રાયોગિક નળિકા બાળક (ટેસ્ટ ટ્યૂબ બેબી) ના સમગ્ર આયોજનને લીધે ૧૦૦ ભાણેજો એક સાથે આવ્યા. આને લીધે બહેનનું ઘોડીયાઘર (નાનકડા !) બાળબગીચા (કિંડર ગાર્ડન) જેવું બની ગયેલું લાગે છે.

એકસાથે દસ દસ ઘોડીયાઓની દોરી એક મોટા દોરડા સાથે બાંધીને સૈનિકો હીંચકો નાંખે છે, ઘોડીયાઘરની બહાર જ ગૌશાળા ઉભી કરવામાં આવેલી છે, ગાયોને દોહીને ભેગું કરાયેલ દૂધ એક મોટી નળિકા વાટે અંદર ઘોડીયાઘરમાં પહોંચાડાય છે અને ત્યાંથી અનેક નાની નળિકાઓ બાળકના ઘોડીયા ઉપર સુધી જાય છે, ત્યાંથી એ જ નળિકાઓ નીચે તરફ ઉતરતી રહે છે અને અંતે જોડાયેલી અગ્રભાગે છિદ્ર ધરાવતી નાનકડી નળીકા બાળકના મોં તરફ રખાઈ છે. એક ઘોડીયે બે દાસીઓ સતત ડાઈપર બદલવા અને દૂધની ટોટી આપવા – લેવા રખાઈ છે, બાળોતીયા અને છી-પી એકત્રિત કરવા હાથલારીઓ ફર્યા કરતી હોય છે. બાળકો રડે ત્યારે આખુંય હસ્તિનાપુર ભડકી જાય એટલો અવાજ  થવાથી  ઘોડીયાઘરમાં થિયેટર જેવી સાઊન્ડપ્રૂફ દિવાલો બાંધવી પડી છે તેથી અવાજ અંદર જ રહે છે. આમ આખોય ખંડ ચારસો પાંચસો માણસોની ચહેલપહેલથી ગૂંજતો રહે છે.  ઝભલું આપવા આવનાર સો બસો ઝભલા ગાડામાં લાદીને જ લઈ આવે છે. મદ્ર નરેશે તો બસો નજરીયાં મોકલાવેલાં જ છે, તો મગધ નરેશે ત્રણસો ચીની ચકલાં મોકલાવેલા, જો કે બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી અને અમારા વૈજ્ઞાનિકોએ ના પાડ્યા પછી એ રમકડાઓનો નાશ કરી નખાયો છે. યવનોની પ્રખ્યાત ચેનલ ‘ડિસ્ક વિથ વરી’ એ વિશ્વના આ સૌથી મોટા અને મહાન ઘોડીયાઘરની ફિલ્મોગ્રાફી કરી છે અને ટિન્કા ડાયરી ઓફ વર્લ્ડ હેઝાર્ડ્સે આ પ્રસંગને અગ્રતા આપી પ્રસિદ્ધ કર્યો છે. ગાંધારના ક્રૂરદર્શને પણ એક વિશેષ સમાચાર તરીકે આ બાબતને રિલે કરી છે.

હવે મને ગાંધાર જવાની સહેજ પણ ઈચ્છા થતી નથી, આમેય મારે ત્યાં હોવું કે ન હોવું સમાન, એટલે અહીં રહીને જીજાશ્રી અને ભાણેજોને મદદરૂપ થવાના શુભ આશયથી મેં હસ્તિનાપુરમાં જ એક ગૃહનિર્માણ કરાવવાનું નક્કી કર્યું છે. હસ્તિનાપુરના પી.આર (કાયમી નાગરીક) ન હોવાને લીધે મને જમીન મળે તેમ નહોતું. પરંતુ જીજાશ્રીએ સેનાનાયકોના પરિવારો માટે ગૃહનિર્માણ અર્થે આરક્ષિત રખાયેલી એક જમીનનો નાનકડો ટુકડો મને બતાવ્યો. અને બાળકોના જન્મની ભેટ સ્વરૂપે એ મને આપ્યો. કાયદાકીય રીતે તેઓ બંધાયેલા હતા, કારણકે ચીફ ઓફ આર્મી સ્ટાફ મહામહિમ શ્રી ભિષ્મજી અને મિનિસ્ટર ઓફ ડિફેન્સ, મહામહીમ કૃપાચાર્યજીની સંમતિ આવશ્યક હતી, પણ વિશેષ રાજકીય ભેટ સ્વરૂપે એ ભેટ તેમણે મને આપી.

ફક્ત ૫ વીઘાના આ ટુકડામાં મારે ગૃહનિર્માણ કેમ કરવું તેની સમસ્યા તો હતી જ, સાથે એ માટે મુદ્રાઓનું હોવું પણ આવશ્યક હતું. ગાંધારની “ગાંધાર ગૃહનિર્માણ નાણાંકીય વહીવટ નિગમ” આમાં મને કોઈ મદદ કરી શકે તેમ નહોતી કારણકે હસ્તિનાપુરની ૧ મુદ્રા બરાબર ગાંધારની ૧૨૦ મુદ્રાઓ થતી. આથી મેં જીજાશ્રીને બાલમુંડન પ્રસંગે આગોતરી ભેટ તરીકે નાણાં ધીરવા જણાવ્યું, અને તેમણે મને સવાકરોડ મુદ્રાઓ ભેટ આપવાની વ્યવસ્થા કરવા તેમના કોષાધ્યક્ષને જણાવ્યું.

જો કે તકલીફ ત્યારે થઈ જ્યારે મેં કુલ ૫૫ વીઘામાં બાંધકામ શરૂ કરાવ્યું. આમાં મારો વાંક નહોતો કારણકે મારે કોઈ એપાર્ટમેન્ટ નહીં, પણ પથરાયેલ અને ખૂબ વિશાળ “આઈડીયલ” બંગલો બાંધવો હતો. કલિયુગમાં કોઈક આવા જ એપાર્ટમેન્ટના બાંધકામ બદલ અનેક લોકો બદનામ થવાના છે એવું મને મારા ભવિષ્યવેતાઓએ જણાવેલું ત્યારથીજ મેં એપાર્ટમેન્ટ ન બાંધવું એવું નક્કી કરેલું. છતાંય થઈ રહેલી બદનામીને લઈને મને ચિંતા થઈ, એક સૈનિકની વિધવાએ જ્યારે પોતાની જમીન પર થઈ રહેલા મારા ગૃહનિર્માણ અંગે સવાલ હસ્તિનાપુર લોકસભામાં ઉઠાવ્યો ત્યારે મહારાજ ધૃતરાષ્ટ્ર વોકઆઊટ કરવા તત્પર થઈ ગયેલા, પણ પોતાની જ સરકાર છે એ ખ્યાલ આવતા બેસી ગયા હતાં. આમાં સેનાનાયકો અને બ્રિગેડીયરોના પણ અક્કેક બબ્બે ઓરડાઓ હતાં એટલે સેનામાંથી વિરોધ ઉઠવાનો સવાલ નહોતો, પણ આ તો ભૂતપૂર્વ સૈનિકની વિધવાનો વિરોધ હતો. ભવિષ્યવેતાઓ ફરી મદદે આવ્યા અને કળિયુગના દાખલા અંગે ભવિષ્યકથન કરીને જીજાજીને ગાદી ન છોડવી પડે એ માટે મને જમીન છોડી દેવા જણાવ્યું. જો કે હું એ માટે તૈયાર નહોતો છતાં ચીફ ઓફ આર્મી સ્ટાફ મહામહિમ શ્રી ભિષ્મજીના આદેશને લઈને એ જમીન પાછી લઈ લેવાઈ, અને જીજાજી (લોકશાહી દ્વારા ચૂંટાયેલ) નેતા ન હોવા છતાં કશુંય ન કરી શક્યા. અંતે મને તેમણે ભાણેજ દુર્યોધનના મહેલમાં રહેવા સૂચન કર્યું.

ગાંધારમાં ટીવી પર આવતી ફક્ત ગાંધારદર્શનની ચેનલ અને તેના સાસબહુકી અમર કહાની, જય માં જોરાવરી, દિમાગ કા દહીં,  સીનાજોરી, ડાન્સ ગાંધાર ડાન્સ, ગાંધાર કા ચેલેન્જ, બિગ બળદ જેવા એકના એક કાર્યક્રમોને બદલે અહીં હસ્તિનાપુરમાં એચ ટીવીની ઘણી ચેનલો નવા કાર્યક્રમો સાથે આવે છે, એચ ટીવી પ્લસ, એચ ટીવી માઈનસ, એચ ટીવી સ્લેશ, એચ ટીવી ઇક્વલ, એચ ટીવી બ્રેકેટ જેવી અનેક ચેનલો વિવિધ ભાતાંઓ પીરસે છે એટલે સમય પસાર થતો રહે છે. આજે એચ ટીવી કોમા પર “કૌન બનેગા કાવેરીકા પતિ” જોવા જઊં છું. જોઈએ કેવોક શો ચાલે છે ? તેની સામે મારો શો “સવાલ દસ લાખ મુદ્રાઓંકા” લઈને આવવા વિચારું છું. શું કહો છો? ભાગ લેવો છે?


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “શકુની ની રોજનીશી (ભાગ ૩) – જીજ્ઞેશ અધ્યારૂ