રામાયણ (અનુઆધુનિક) – અશ્વિન ચંદારાણા 15


પછી ભીંત પર ફોટા ટાંગ્યા કરે છે,
વચન કૈકયી તોય માંગ્યા કરે છે.

હજુ મંથરાઓ જીવે છે જગતમાં,
હજુ એ પલીતાઓ દાગ્યા કરે છે.

કરે રામ ખાલી, તો પેઢી સંભાળું,
ભરત ગાદીને એમ તાગ્યા કરે છે.

ઊભા કેમ રહેવું સતત ચૌદ ઘડીઓ,
નવી ઉર્મિલાઓને લાગ્યા કરે છે.

પરાયા હતા રામ તો વાલી માટે
પ્રહારો સહોદરના વાગ્યા કરે છે.

સીતાઓ ભૂંસે આજ લક્ષ્મણની રેખા,
મૃગોથી હવે રામ ભાગ્યા કરે છે.

વિભીષણને લંકાપતિ બનતા જોઈ,
હવે કુંભકર્ણોય જાગ્યા કરે છે.

– અશ્વિન ચંદારાણા

‘રખડપટ્ટી’, ‘બિલ ગેટ્સ’, ‘હું ચોક્કસ આવીશ’ જેવા સુંદર પુસ્તકોના લેખક, જાણીતા ગઝલકાર, બાળસાહિત્યકાર એવા શ્રી અશ્વિન ચંદારાણાની પ્રસ્તુત રચના સપ્ટેમ્બર 2007 માં ‘કવિતા’ સામયિકમાં પ્રસ્તુત થઈ હતી. સદાકાળ સંદર્ભો અને પ્રસંગોના ઉલ્લેખ છતાં એ જ ઘટનાઓને નોખા પરિપ્રેક્ષ્યમાં આજના સંદર્ભે પુન: પ્રસ્તુત કરવાનો સરસ પ્રયત્ન તેમણે કર્યો છે. બદલાયેલા મૂલ્યોને લઈને તેની રામાયણ સાથેની સરખામણી અહીં જોઇ શકાય છે. રામાયણનું પ્રસ્તુત અનુઆધુનિક સ્વરુપ વાંચકોને ગમશે એવી આશા છે. આ રચના અક્ષરનાદને મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી અશ્વિન ચંદારાણાનો ખૂબ ખૂબ આભાર.


15 thoughts on “રામાયણ (અનુઆધુનિક) – અશ્વિન ચંદારાણા

Comments are closed.