દાપત્યજીવનમાં સંતોષ અને ખુશી – વંદિતા રાજ્યગુરૂ દવે 8


દાંપત્યજીવન પોતાની સાથે અઢળક ખુશી લઈને આવે છે. તે બે વ્યક્તિને આત્મિક પ્રસન્નતા પ્રદાન કરવાની સાથોસાથ એમના આગવા જાદુઈ સંસારની રચના પણ કરે છે. લોકો ભલે પોતાની અપરીણિત અવસ્થાની ધમાલ-મસ્તી અને બેફીકરાઈને ખુશી તરીકે ઓળખાવતા હોય પરંતુ ખરી ખુશી તો દાંપત્યજીવનમાં જ સમાયેલી છે જેને જોવા માટે ચર્મચક્ષુ નહીં, પણ મનઃચક્ષુની જરૂર છે.

સુખી દાંપત્યજીવનની મુખ્ય ચાવી છે સમર્પણ. સંપૂર્ણ સમર્પણમાંજ સાચું સુખ સમાયેલું છે. કારણ કે સંપૂર્ણ સમર્પણથી જ સંપૂર્ણ પ્રત્યાર્પણ થાય છે. સ્ત્રીના સમર્પણ અને પુરુષના પ્રત્યાર્પણથી જ અભિન્ન અને મંગલમયી દાંપત્ય મેળવી શકાય. પતિ પત્ની એક બીજા પાસે ખુશી માંગ્યા કરે અને એક બીજાને ભૌતિક ખુશી આપ્યા કરે એ ક્ષણિક ખુશી શા કામની? એકબીજા પાસે કંઈ ને કંઈ માંગ્યા કરવાં કરતા એકબીજા પર એકલો પ્રેમ વરસાવો, એટલો સેવાભાવ દર્શાવો કે વગર માંગ્યે જ તમારા સાથી તમને દુનિયાનું તમામ સુખ આપવા તત્પર થઈ જાય.

જો કે આજના યાંત્રિક બની ગયેલા, ઘડીયાળના કાંટે દોડતા જનજીવનમાં પ્રેમ પ્રસંશા કે લાગણીના બે બોલ પણ નથી રહ્યાં, એ એક કડવી વાસ્તવિકતા છે. એના પરિણામ સ્વરૂપ સંબંધોમાં દ્રઢતા રહી શકી નથી. અને એ કારણે કેટલીકવાર દાંપત્યજીવન પર માઠી અસર થતી હોય છે, જેથી દાંપત્યસંબંધ ગૂંચવણભર્યો કે તણાવગ્રસ્ત બની જાય છે. આ ગૂંચવાડા અને તાણમાંથી બહાર નીકળવાનો એકમાત્ર ઉપાય છે ‘સમય’. તમારા જીવનસાથી માટે થોડો સમય ફાળવો. અને એક બીજા માટે ફાળવેલા એ ચોક્કસ સમયમાં એકબીજાની ટીકા કરવાને બદલે, એક બીજા પર દોષારોપણ કરવાને બદલે, એકબીજા પર ફરિયાદોના ટોપલા ઢોળવાને બદલે તેના કોઈક સારા કામની પ્રસંશા કરો. સ્નેહભર્યા બે બોલ પોતાના જીવનસાથી પાસેથી સાંભળવા મળે એ ઈચ્છા અતિ સામાન્ય હોવા છતાં અતિ મહત્વની, ખૂબ જ જરૂરી છે. કહેવાયુ છે કે યોગ્ય સમયે કહેવામાં આવેલાં યોગ્ય શબ્દો માણસનાં હ્રદય પર અંકિત થઈ જાય છે, જે જીવનપર્યંત ભૂંસાતા નથી, આજીવન યાદ રહે છે. દાંપત્યજીવનમાં પ્રસંશા એ અતિ મહત્વની ભૂમિકા ભજવે છે. પતિપત્નીએ એકબીજાને કહેલા પ્રેમ ભર્યા શબ્દો એકબીજાને રોમાંચિત કરી દે છે. સુખી દાંપત્યજીવનની એક આ ચાવી પણ હંમેશા હાથવગી જ રાખજો. પતિ-પત્નીએ પ્રસંગોપાત એક બીજાની પ્રસંશા કરવાનું ભૂલથી પણ ભૂલવું નહીં. માત્ર ખોટું માખણ માર્યા કરવું એ યોગ્ય નથી, પણ ખરેખર સાચા હ્રદયથી કરેલી સાચી – યોગ્ય પ્રસંશા દાંપત્યજીવનને આનંદ બક્ષે છે, એકબીજા પ્રત્યે સન્માન જગાવે છે, પ્રેમ વધારે છે. એકબીજાના ગુણ પારખી ખરાં સમયે એના ગુનગાન ગાવા એમાં કાંઈ ખોટું નથી. ભલે વારંવાર નહીં પણ ચોવીસ કલાકમાં એકાદવાર તમારા જીવનસાથીના સદગુણની જાહેરમાં નહીં તો એકાંતમાં એકવાર પ્રસંશા કરતા અચકાય નહીં. દિવસમાં વધારે નહીં તો સાથીદારના કામના વખાણ દિવસમાં એકાદ વખત જરૂર કરો. પ્રશંસા સ્વાભાવિક હોવી જોઈએ, માત્ર સ્વાર્થ ખાતર કરાયેલી પ્રશંસામાં અને સાચા હ્રદયથી, સહજતાપૂર્વક કરાયેલી પ્રશંસામાં જમીન આસમાનનો ફર્ક પડે છે. ટૂંકમાં પ્રશંસા એ દાંપત્યજીવનમાં સંતોષ અને ખુશીનું પ્રેરકબળ પૂરું પાડનાર એક ઉત્તમ આયામ છે.

એક સંશોધનમાં જાણવા મળ્યાં મુજબ લગ્ન બાદ માણસના સંતોષના પ્રમાણમાં વધારો થાય છે. અલબત્ત સંશોધકો એ વાત પર ભલે એકમત ન હોય કે આ સંતોષ શરૂઆતના થોડા વર્ષો પૂરતો સીમીત હોય છે કે દીર્ધકાલીન હોય છે. અમેરિકાથી પ્રકાશિત થતા મેગેઝીન જર્નલ ઓફ પર્સનાલીટી એન્ડ સોશિયલ સાયકોલોજી” માં આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. આ શોધમાં ચોવીસ હજાર લોકોનો પંદર વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે, એમના લગ્નજીવન અને પ્રસન્નતા વચ્ચે શો સંબંધ છે. સામાન્ય રીતે લગ્નને બે કે ત્રણ વર્ષ પૂરા થયાં પછી લોકોને એવું લાગવા માંડે છે કે પોતે અપરીણીત હતાં ત્યારે વધારે ખુશ હતાં. આ વિષયમાં સંશોધકોનું કહેવું છે કે આ પણ એક પ્રક્રિયા છે, જે વ્યક્તિ ધીરે ધીરે આત્મસાત કરી રહી હોય છે. ઉપરાંત તેઓ જણાવે એ કે લગ્ન પછી વ્યક્તિ વધારે ખુશી મેળવે છે અને તે ખુશીનું સંતુલન જાળવવા ઈચ્છે છે. જ્યારે મનોવૈજ્ઞાનિકો તેને જુદા દ્રષ્ટિકોણથી મૂલવે છે. એમના કહ્યા અનુસાર વ્યક્તિ પાસે એકાએક વધારે પૈસા આવી જાય તો શરૂઆતમાં એ ખૂબ ખુશ થાય છે પણ ધીરે ધીરે પછી તેનો આનંદ ઓસરવા લાગે છે. જેમ કોઈની સાથે કંઈ દુર્ઘટના ઘટે અને તે વિષાદમાં ડૂબી જાય, પણ સમય વીતવાની સાથે એ સામાન્ય બની જાય છે. મનોવૈજ્ઞાનિકોના મતે માનવીમાં કુદરતી રીતે એક ચક્ર રહેલું હોય છે, જે તેની ખુશીનાં સરેરાશ સ્તરને જાળવી રાખે છે. એમનું માનવું છે કે જે લોકો લગ્નના અમુક વર્ષો પછી એવું માનવા લાગી જાય કે લગ્ન પહેલા પોતે વધારે ખુશ હતાં તો તેનું કારણ માત્ર એક જ કે તે ખુશીથી ટેવાઈ જાય છે. ટૂંકમાં તે ખુશ તો હોય જ છે પરંતુ તેમાં તેમને કોઈ નવાઈ કે આનંદ નથી લાગતો.

અને સંતોષની વાત કરીએ તો લગ્ન પછી સંતોષ ઘટવા પાછળ અનેક કારણો હોય છે, તેનો અર્થ એમ નથી કે લોકો લગ્ન કરીને પસ્તાય છે, ઓસ્ટ્રેલીયાના નિષ્ણાંતોનું માનવું છે કે ત્રીસથી પચાસ વર્ષની વચ્ચેના લોકોના સંતોષનાં પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે, ભલે તે અપરિણીત હોય કે પરણેલા. તદુપરાંત વધતી જતી જવાબદારીને કારણે પણ અનિચ્છાએ ગંભીરતાનો આંચળો ઓઢવો પડતો હોય છે.

ખુશીને અનુભવવાની જરૂર છે અને સંતોષને બીરદાવવાની જરૂર છે, પછી જુઓ તમારું દાંપત્યજીવન કેવું સોળે કળાએ ખીલી ઉઠે છે !

– વંદિતા રાજ્યગુરૂ દવે

તા. ધોરાજી, જી. રાજકોટ ખાતે રહેતા અને ગદ્યલેખનમાં ખૂબ રસ ધરાવનારા વંદિતાબહેનની અક્ષરનાદ પર આ બીજી રચના છે, આ પહેલા તેમની એક નવલિકા પ્રસ્તુત થઈ છે. પ્રસ્તુત લેખમાં તેઓ દાંપત્યજીવનમાં સંતોષ અને આનંદપ્રાપ્તિ માટેના રસ્તાઓ ચીંધે છે. નાની નાની વાતો પણ કેટલી મહત્વની થઈ પડે અને સંબંધના પાયાને મજબૂત બનાવે છે તે વંદિતાબહેન અહીં કહે છે. પ્રભુ તેમની કલમને આવી વધુ રચનાઓ કરવા પ્રેરે એવી અભ્યર્થના સાથે અક્ષરનાદ પર તેમની રચનાઓ મોકલવા બદલ શ્રી વંદિતાબહેનનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “દાપત્યજીવનમાં સંતોષ અને ખુશી – વંદિતા રાજ્યગુરૂ દવે