ગાંધી વિરુદ્ધ મોહન – ફિલ્મમાં અદાકારીનો મારો પ્રથમ અનુભવ 18


અક્ષરનાદની આ સફર દરમ્યાન અનેક આનંદસભર અને અવનવા અનુભવો થતાં રહે છે, નવા મિત્રો મળતા રહે છે. ઘણી વખત અનોખા અવસર અનાયાસ આંગણે આવીને આમંત્રે છે. ફેબ્રુઆરી ૨૦૧૧ દરમ્યાન એક વાચકમિત્ર ગૌરાંગીબેન પટેલનો પ્રતિભાવ મળ્યો હતો, જે અંતર્ગત તેમણે તેમની નાની ફિલ્મમાં ‘ગાંધીજીનું પાત્ર ભજવતા અદાકાર’નું પાત્ર ભજવવા માટે પૂછેલું. પરંતુ મેં માન્યું કે એ ખૂબ મોટી વાત છે, આપણા ક્ષેત્ર બહારની વાત છે અને વધુ તો સમય માંગી લેતી પ્રક્રિયા, એટલે એની સાથે જોડાવું લગભગ અશક્ય છે.

એ પ્રતિભાવના બે મહીના પછી આજે મને એ કહેતા ખૂબ આનંદ થાય છે કે એ સમગ્ર પ્રક્રિયા પાર ઉતરી શકી છે. એ પ્રતિભાવ પછી તેમણે અંગત સંપર્ક કરીને આ પાત્ર ભજવવા આમંત્રણ આપ્યું, ને કાંઈક નવું કરવા મળશે એ વિચારે મેં એ આમંત્રણ સહર્ષ સ્વીકાર્યું પણ ખરું.

થોડીક પ્રાથમિક વાતચીત અને સતત સંપર્કમાં રહીને આખી પ્રક્રિયા તેમણે મને સમજાવી, સંજોગોવશાત એકાદ બે વખત તો સમગ્ર શૂટીંગ આયોજન સંપૂર્ણપણે રદ્દ કરવું પડ્યું તે છતાં જરા પણ નાસીપાસ થયા વગર સમગ્ર ટોળકીએ પ્રયત્ન કર્યા અને આખરે ૧૧મી એપ્રિલનો દિવસ નક્કી થયો આ ફિલ્મના શૂટિંગ માટે.

સમયની ભારે રસાકસી છતાં ૯ એપ્રિલે નોકરી પૂરી કરીને ગુજરાત એસ ટીની બસમાં રાત્રે નવેક વાગ્યે હું મહુવાથી વડોદરા જવા નીકળ્યો. આખીય સફરમાં એક ઝોકું લેવા જેટલું પણ સુખ એ ખખડતી બસની સૂરાવલીઓએ ન લેવા દીધું. ૧૦ એપ્રિલે  સવારે સાડા પાંચ વાગ્યે વડોદરાથી શૂટિંગનું આખુંય યુનિટ એક ફાર્મ હાઊસ તરફ નીકળવાનું હતું. એ પહેલા જો બસ મને વડોદરા ન પહોંચાડે તો સમગ્ર આયોજન ફરી ખોરવાઈ શકે તેમ હતું. પણ બસ મને સવારે ચાર વાગ્યે વડોદરા પહોંચાડવામાં સફળ રહી. સવારે મને ઘરે પહોંચતાવેંત ખબર પડી કે પત્નિને પ્રસૂતિપીડાને લઈને હોસ્પિટલ લઈ ગયા છે. અને ધર્મસંકટની ઘડીઓ ઊભી થઈ. શું કરવું ? શૂટિંગમાં ન જઉં તો મુખ્ય પાત્રોમાંના એક હોવાથી અવ્યવસ્થા સર્જાય અને કદાચ આખુંય શૂટિંગ ભાંગી પડે, અને શૂટિંગમાં જાઊં તો પત્નિને આવી પરિસ્થિતિમાં મૂકીને જવું પડે…. આખરે ઘરના બધાએ થઈને સૂચવ્યું કે શૂટિંગમાં જવું, એ સતત ફોન દ્વારા સંપર્કમાં રહેશે અને મને સતત જાણ કરતા રહેશે.

સવારે સાડા પાંચ વાગ્યે પત્નિને મળીને પછી વડોદરાથી મિત્ર અંકિલભાઈ ગાલા અને નિતિનભાઈ સાથે શૂટિંગની નિયત જગ્યા પર જવા નીકળ્યા અને સાતેક વાગ્યે કરજણથી લગભગ ૨૭ કિમિ દૂર નર્મદાકિનારે આવેલા એક સરસ ફાર્મહાઊસમાં પહોંચ્યા. લગભગ બધા લોકો અહીં પહોંચી ચૂક્યા હતા. અમે પહોંચ્યા એટલે ડાયરેક્ટર તરફથી તરત મેક-અપ માટે બેસી જવા કહેવાયું. મારો મેક-અપ થોડો લાંબો સમય લે એમ હતું, એ સમય દરમ્યાનમાં ગાંધીજીના પ્રાર્થનાસ્થળમાં આવવાની અને ગોળીબારની ઘટનાનું શૂટિંગ કરવાનું હતું, એ માટેની બધી તૈયારીઓ થઈ રહી હતી. મારો મેક-અપ થઈ ગયો ત્યાં સુધી તો બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયેલા અને આતુરતાપૂર્વક પ્રથમ શોટ માટે મારી રાહ જોઈ રહેલા.

આ ટૂંકી ફિલ્મમાં મારું પાત્ર ગાંધીજીનું પાત્ર ભજવતા અદાકારનું છે, ગાંધીજીનું નહીં. મેક અપ ગાંધીજીનો જરૂર કર્યો છે, પણ એ ફક્ત બ્રાહ્ય દેખાડો છે, હકીકતે આ અદાકાર અંદરથી લોલૂપ, કુછંદે ચડેલો મોર્ડન સોસાયટીનો બગડેલ ધનિક જેવો માણસ છે. ફિલ્મમાં વાર્તાકથન અનુસાર ગાંધીજીને કેન્દ્રમાં રાખીને એક ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે. મનુ અને મીરાના ખભે હાથ મૂકીને પ્રાર્થના સ્થળે આવી રહેલા ગાંધીજી પર ગોળીબાર થઈ રહ્યો છે એ દ્રશ્યનું ફિલ્મીકરણ થવાનું હતું. પરંતુ જેવા ગાંધીજી પ્રાર્થનાસ્થળ તરફ પ્રવેશે છે તેવો તરત વરસાદ તૂટી પડે છે અને ફિલ્મની અંદરની ફિલ્મનું સમગ્ર યુનિટ એથી બચવા સુરક્ષિત જગ્યામાં પહોંચી જાય છે.

ફિલ્મની વાર્તા તો … જો કે અત્યારે ચર્ચવી યોગ્ય નથી કારણકે તેને આંતરરાષ્ટ્રિય ટૂંકી ફિલ્મોની સ્પર્ધામાં મોકલવામાં આવનાર છે, પરંતુ મુખ્યત્વે અહીં ગાંધીજીના મૂલ્યોને, આદર્શોને સતત વટાવવાની ફિરાકમાં રહેતા ધનલોલૂપ લોકોની બીજી બાજુ છત્તી કરવાનો પ્રયત્ન છે. એટલે મારું પાત્ર નકારાત્મક પ્રતિભા ધરાવે છે. ફિલ્મ દરમ્યાન એકાદ બે શોટ એવા પણ રહ્યાં જે એક જ ટેક (એક જ પ્રયત્ને) ઓ કે થઈ ગયા, તો એક શોટમાં અમારા ફિલમના કેમેરામેન મારી ભૂલોને લઈને થઈ રહેલા એક પછી એક રીટેક અને અકળાવનારી ગરમીના સંયુક્ત પ્રકોપે બૂમ પાડી ઊઠ્યા, “અરે બાપુ, આ તે કાંઈ ભેંસ આગળ ભાગવત છે ? આખો સીન તો વ્યવસ્થિત યાદ રાખો…” પણ એ શોટ ઓકે થતા વેંત જ તેમણે સૌની સાથે તાળીઓ વગાડી હતી. દરેકે દરેક શોટ પછી વાગતી તાળીઓ, બપોરે ભોજન પછી બે-એક કલાકનો આરામનો સમય અને તેમાં એક પછી એક બધાં દ્વારા ગીત કે ગઝલ કે જોક્સ એવો સરસ રંગારંગ કાર્યક્રમ ચાલ્યો. મીરાંબહેનનું પાત્ર ભજવી રહેલ સ્વિત્ઝર્લેન્ડની ડેલિયાના સ્વિડીશ જર્મન ગીત અને તે પછી તેના ભારતના દસેક મહિનાના અનુભવ, ભારત વિશેની સારી – નરસી બાબતો, સાંસ્કૃતિક ફરક વગેરે વિશે ઘણી વાતો થઈ. ક્યારેક હાસ્યની છોળો પણ ઉડી અને ક્યારેક બધા લાગણીશીલ પણ થઈ ગયા, આમ આ સમય ક્યાં પસાર થયો કોઈને ખબર ન રહી. ભર બપોરે ખૂબ અકળાવનારી ગરમી છતાં કોઈ પણ સૂતું નહીં.

તે પછી શરૂ થયો ફિલ્મના બાકીના દ્રશ્યોને ફિલ્માવવાનો પ્રયત્ન. એક પછી એક દ્રશ્યો ફિલ્માંકન પામતા રહ્યા, સમય પસાર થતો રહ્યો. સાંજે સાત વાગ્યે છેલ્લુ દ્રશ્ય ફિલ્માવાયું ત્યાર બાદ બધાએ તાળીઓથી આ દિવસને યાદગાર બનાવી દીધો. એક વર્તુળ બનાવીને થયેલ આભારવિધિ, ફિલ્મના પ્રોડ્યુસર – ડાયરેક્ટર ગૌરાંગીબેનના હર્ષના આંસુઓ કે સમૂહ ફોટોગ્રાફ, કાંઈ ભૂલ્યું ભૂલાય એમ નથી.

Our Son Kwachit

તે પછી અમે રાતનું ભોજન પતાવીને વડોદરા તરફ પાછા ફર્યા. અંતિમ સમાચાર મુજબ મારી પત્નિ હજુય હોસ્પિટલમાં પ્રસૂતિપીડા ભોગવી રહી હતી. અંકિલભાઈ, જેમની ગાડીમાં અમે આવેલા, તેમને મેં કહ્યું, “સાહેબ, થોડીક ઉતાવળ છે, જલ્દી વડોદરા પહોંચી શકાશે ?” એ જ ભાંજગડમાં ટૂંકો રસ્તો શોધવા જતા અમે એવા ખરાબ રસ્તે જઈ ચડ્યા કે રસ્તો લાંબો નીકળ્યો અને વધુ સમય લેનારો થઈ ગયો. અંતે સાડા આઠ વાગ્યે હું પાછો પત્નિ પાસે પહોંચ્યો, અને ત્યાં મારા ઘરનાં બધાંને ચહેરો બતાવી, ઘરે જઈને ભોજન પતાવી, ટિફિન લઈ – આપીને લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ દવાખાનાની પરસાંળમાં લગભગ ૪૮ કલાકની મેરેથોન જાગૃત અવસ્થાને અંતે બેઠાં બેઠાં થોડાક ઝોકાને પામ્યો.

સાડા બારે અને મારા મમ્મીએ આવીને મને ઢંઢોળ્યો, હું ઉભો થયો કે તરત ડોક્ટરે કહ્યું, “કોંગ્રેચ્યુલેશન, બાબો છે, બરાબર ૧૨ ને ૩૧ મિનિટે.”

સાંભળીને આનંદનો માર્યો હું ફરી દસેક મિનિટ ઝોકે ચડી ગયો. દરમ્યાનમાં નવજાતના રડવાના અવાજે સંપૂર્ણપણે જાગી ગયો અને પછી રાત્રે સગાસંબંધિઓ અને મિત્રોને ફોન કરવામાં પડ્યો, અને એ મેરેથોન જાગૃત અવસ્થા બીજા દિવસના બપોર સુધી એમને એમ ચાલતી રહી.

ટૂંકમાં ઘટનાઓ થાય છે ત્યારે એક સાથે થાય છે, જીવનની બે યાદગાર, અત્યંત આનંદ આપનારી ઘટનાઓ એક સાથે થઈ, અને ભાગાભાગી છતાં ખૂબ મજા પડી.

આ ફિલ્મના સમગ્ર નિર્માણકાર્યમાં મને સાંકળવા બદલ શ્રીમતી ગૌરાંગીબેન પટેલ તથા શ્રી જિગ્નેશભાઈ પટેલ, કંટ્રોલ એસ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ શ્રી સમીરભાઈ જગોત, શ્રી યોગેશભાઈ મહેતા, સિનેમેટોગ્રાફર શ્રી આશિષભાઈ પ્રજાપતિ, કેટલાક મુશ્કેલ ફિલ્માંકનો દરમ્યાન પણ તદ્દન સહજ રહેનાર અને મને પણ તેમ જ રહેવામાં મદદ કરનાર શ્રી ડેલિયા ક્રૂઈગર, શ્રી ખુશી પટ્ટણી તથા શ્રી શિમોલી શાહ, શૂટિગ દરમ્યાન મિત્ર બની ગયેલ મેક-અપ દાદા, મોહનનું પાત્ર ભજવનાર શાહનવાઝ તથા જેમના નામ અહીં નથી લખ્યાં તેવા અન્ય બધાંય મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ ખરેખર એક અવિસ્મરણીય અનુભવ બની રહેવાનો છે તે ચોક્કસ.

અને હા, આ જ શૂટિંગના બીજા દિવસે મેં જ્યારે અક્ષરનાદ સ્ટેટ્સ જોયા ત્યારે ધ્યાનમાં આવ્યું કે આંકડો પાંચ લાખ ક્લિક્સને પાર કરી ગયો છે. (જુઓ વેબસાઈટની સૌથી નીચેના ભાગમાં છેલ્લી લીટી)

આ ફિલ્મનું શૂટિંગ થઈ ગયા બાદ મને સોંપવામા આવેલ તેની વેબસાઈટનું સર્જન કરવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું, અહીં ક્લિક કરી એ વેબસાઇટ જોઇ શક્શો, અલબત્ત હજુ એ સંપૂર્ણ તૈયાર નથી. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાનના ફોટોગ્રાફ્સ અહીં જોઈ શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

18 thoughts on “ગાંધી વિરુદ્ધ મોહન – ફિલ્મમાં અદાકારીનો મારો પ્રથમ અનુભવ