ત્યારે કરીશું શું? – સ્વામી અખંડાનંદ સરસ્વતી 5 comments


એક બાળક હાથમાં ઉઘાડું ચાકૂ લઈને રમે છે ને તેથી એને વાગી જવાની પૂરી બીક છે. તો તેની પાસેથી ચાકૂ મુકાવી દેવા શું કરશો ? દરેક વ્યક્તિ આ પરિસ્થિતિમાં પોતપોતાની સમજ મુજબ પગલાં ભરશે.

કોઈ ગુસ્સે થઈને બાળકને લાફો મારી દેશે ને એને રડાવીને પણ એની પાસેથી ચાકૂ મુકાવી દેશે. કોઈ વળી એને પ્રેમથી સમજાવશે કે ચાકૂ વાગી બેસે તો ખૂબ લોહી નીકળે એટલે તેણે તે છોડી દેવું જોઈએ. . . આમ એને સમજાવીને ચાકૂ લઈ લેશે, કોઈ વળી બાળકને રમવા માટે ઘૂઘરો આપશે ને એ ઘૂઘરામાં બાળકનું મન પરોવાઈ જાય એટલે ધીમે રહીને પેલું ચાકૂ લઈ લેશે ને ઠેકાણે મૂકી દેશે.

માનવનું મન – ચિત્ત પણ પેલા બાળક જેવું છે. એ પણ વિષમય ધારવાળુ વિષયરૂપી ઉઘાડુ ચાકૂ લઈને સંસારમાં રમ્યા કરે છે અને તેમ કરતા તેને વાગી બેસવાનો પૂરેપૂરો ભય હોવાથી તે વિષયરૂપી ચાકૂથી મુક્ત કરવાની ખૂબ જ જરૂર છે.

સંતો અને શાસ્ત્રો આ માટે ત્રણ ઉપાય બતાવે છે, વિરોધ, નિરોધ અને અનુરોધ. વિરોધનો માર્ગ ચિત્તના દમનનો છે. કેટલાક સાધકો કઠિન તપસ્યાને માર્ગે ચિત્તને શુદ્ધ – વિષયમુક્ત કરવા માંગે છે. નિરોધનો માર્ગ જ્ઞાનનો છે, કેટલાક સાધકો જ્ઞાનોપાસના દ્વારા ચિત્તને વિષયમુક્ત થવા સમજાવે છે. ને, અનુરોધનો માર્ગ ભક્તિનો માર્ગ છે. ભક્તહ્રદય્ઈ સાધક ચિત્તવૃત્તિને પ્રભુચરણના અનુરાગ ભણી દોરીને વિષયાનુરાગમાંથી છોડાવે છે.

આપણે આપણને અનુકૂળ હોય તેવો માર્ગ શોધીને આપણા મનને સન્માર્ગે દોરીએ, ચિત્તવૃત્તિને વિષયમુક્ત કરવાનો પ્રયત્ન કરીએ.

– સ્વામી અખંડાનંદ સરસ્વતી

બિલિપત્ર

સોક્રેટિસના વિષપાનનો વખત નજીક હતો. એ વખતે બંદીખાનાનો પહેરેગીર એક કાવ્ય વાંચતો હતો.

સોક્રેટિસને કાવ્ય સમજાતું નહોતું તેથી તેમણે તેને કહ્યું, “મને આ કાવ્ય સમજાવોને…”

પહેરેગીરે કહ્યું, “તમને ઝેર પીવડાવવાનો વખત થવા આવ્યો છે, હવે આ કાવ્ય સમજીને શું કરવું છે?”

“મરતાં મરતાંય એકાદ વધુ વાત જાણવાની મળે તો તે મારું સદભાગ્ય જ કહેવાય ને !” સોક્રેટિસ બોલ્યા.


5 thoughts on “ત્યારે કરીશું શું? – સ્વામી અખંડાનંદ સરસ્વતી

  • અશોકકુમાર-'દાદીમા ની પોટલી'

    માનવનું મન – ચિત્ત માટે સંતો અને શાસ્ત્રો આ માટે ત્રણ ઉપાય બતાવે છે, વિરોધ, નિરોધ અને અનુરોધ.

    ઉપરોક્ત માર્ગ વાંચવામા ઘણો જ સરળ લાગે છે, પરંતુ સારા સારા સંતો, મહતો કે મહાપુરુષો પણ કોઈ કાલે તેમાં સફળ થાય છે, અને તે ડરને લીધે પ્રયત્ન છોડવો ના જોઈએ.

    જીવનના આખરી શ્વાસ સુધી કોશીશ કરવી જરૂરી છે.

    સુંદર વાત !

Comments are closed.