માં બાપને ભૂલશો નહીં – સંત પુનિત (Audiocast) 23


માં બાપને ભૂલશો નહીં; સંત પુનિતની આ રચના જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે એક અનોખી લાગણી ઉભરાઈ આવે. આજના અતિઆધુનિક ઝડપી યુગમાં ઘરથી, માતાપિતા અને સગાવહાલાઓથી કેટલાય જોજનો દૂર, ભલેને એ મજબૂરીને લીધે હોય છતાંય વસતાં આપણે આ ગીતની શીખને કેટલી પચાવી શકીએ છીએ, અને એ પચાવીએ તોય તેને કેટલી અમલમાં મૂકી શકીએ છીએ એ સમજવાનો અને વિચારવાનો વિષય છે. આજે પેઢીઓ બદલાતા, બે પેઢી વચ્ચેની ખીણને મોટી થતાં વાર નથી લાગતી, જ્યાં દશકાઓની બદલે આંગળીને વેઢે ગણાય એટલા વર્ષોમાં માણસ વૃદ્ધ થઈ જાય છે, જીવનના સ્તરને વધારવાની, ભાગદોડને પચાવવાની, કમાવાની, સગવડો મેળવવાની આ બધી લ્હાયમાં જીવનનું સત્વ ક્યાંક પીળુ પડેલું પાંદડું ઝાડ પરથી ચૂપચાપ ખરી પડે એમ સરી પડે છે, એવામાં આપણા સાહિત્યરત્નોમાં રહેલો આવો જ કોઈક ‘નાદ’ મનને ક્યાંક ઝંઝોળતો હશે, શું કહેતો હશે ? સાંભળો ……

[audio:http://aksharnaad.com/images/idpd/Bhulo%20Bhale%20Biju%20Badhu.mp3]

ભૂલો ભલે બીજું બધું, માં બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં.

અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિતજનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહીં.

કાઢી મુખેથી કોળીયો, મ્હોંમાં દઈ મોટા કર્યા,
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહીં.

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા,
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહીં.

લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા,
એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં.

સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં.

ભીને સૂઈ પોતે અને, સૂકે સૂવાડ્યા આપને,
એની અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં.

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં.

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહીં.
એના પુનિત ચરણો તણી, કદી ચાહના ભૂલશો નહીં.

– સંત પુનીત

આ ગીત અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ, આવા સરસ રેકોર્ડિંગ અને સ્વર આયોજન બદલ શ્રી માર્કંડભાઈ દવેનો આભાર. આ એક ગીત નથી, પોતાના મા-બાપથી દૂર વસવા મજબૂર કેટલાય સંતાનોના મનમાં રહેલા અફસોસના ઝરણા આડેનો પથ્થર હટાવી તેને આંખોનો રસ્તો આપી દેતું આપણી પોતીકી ભાષાની ચમત્કૃતિ બતાવતું લાગણીઓનું અનુસંધાન છે.


Leave a Reply to jayCancel reply

23 thoughts on “માં બાપને ભૂલશો નહીં – સંત પુનિત (Audiocast)

  • PUSHPA

    AA JIVAN MATPITANU AAPELU CHE. HAR PAL DHYAN TEONU BALK PRTYE HOY CHE E AAJE SAMJAY CHE,AAPNE MATAPITANE BAHUJ HERAN KRYA CHE. EJ MATPITAE MOTA KARVAMA, BHANAVAMA,PARNAVAVAMA, SHU DUKH NHI PDYA HOY ANE APNE ENU DHYAN TO SHU EMNI VATO PAN BORIG LAGE CHE. PRABHU MNE HIMAT ANE INNER PIECE APJE KE TETHI TEONI TE AAPELA HATHTHI PREMTHI THODI GHANI SEVA KARU. THANK YOU MR WORLD BEST PARENTS. SHUNA MAT PITANE KOTI KOTI VANDAN. THANK YOU SIR

  • jadeja kedarsinhji m

    કાલ કોને દીઠી છે ?

    કરીલે આજ ની વાત, જોજે ન કાલની વાટ
    કાલ કોને દીઠી છે…

    લખ ચોરાશી પાર ઉતરવા, અવસર આવ્યો આજ
    ક્રુપા કરી કરૂણાકરે આપી, મોંઘી માનવ જાત…

    જીવડો જાણે હું મોજું કરી લંવ,પછી ભજન ની વાત
    અધવચ્ચે આવી અટવાતો, ખાત યમ ની લાત…

    પિતા પ્રભુનાએ કાલ પર રાખી, રામના રજ્ય ની વાત
    ચૌદ વરસ માં કૈક કપાણા, કૈકે ખાધી મ્હાત…

    કાલ ન કરતાં આજ ભજીલે, બાજી છે તારે હાથ
    ખબર નથી ક્યારે ખોળીયું પડશે, કોન દિવસ કઇ રાત..

    આ સંસાર અસાર છે જીવડા, સાચો જગનો તાત
    ભવ સાગર નું ભાતું ભરી લે, ભજીલે તજી ઉતપાત…

    દીન”કેદાર”નો દીન દયાળુ, કરે ક્રુપા જો કિરતાર
    એક પલક માં પાર ઉતારે, વસમી ન લાગે વાટ..

    રચયિતા
    કેદારસિંહજી મે જાડેજા
    ગાંધીધામ કચ્છ.
    kedarsinhjim@gmail.com

  • K Sheth

    બહુ જ સરસ. હવે ની પેઢી ને સંભળાવવાની જરુર છે. બધાને મારી વિનંતી તમારા થી થાય એટલાને આવી સરસ વેબસાઈટ વિશે જણાવો..

  • Kedarsinhji M. Jadeja

    ઢાળ:- માં બાપ ને ભૂલશો નહીં – જેવો
    માં બાપની સેવા કરો

    સેવા કરો માં બાપ ની,-તો- સંતાન સુખ સૌ આપશે,
    અનાદર કર્યો હશે એમનો, આદર તને કોણ આપશે…

    ભુખ્યા પિતા છે પ્રેમના, માતા ઝંખે નિજ બાળ ને
    સન્માન નો એક શબ્દ બસ, એને અતિ સુખ આપશે..

    કરતાં અહર્નિશ પ્રાર્થના, આપો બધું સુખ બાળને
    નિજ કાજ ના ક’દિ માંગતાં, એ ઉપાસના તને તારશે…

    ભટક્યો અગર તુજ કર્મ થી, કે અવર અવગણના કરી
    અંતર બળ્યું જો એમનું, તુજ વેદના કોણ ઠારશે…

    “કેદાર” એકજ પ્રાર્થના, આપો મતી શુભ સર્વ ને
    જેણે બતાવ્યું જગત છે, એ જ્ઞાન ને ના વિસારશે..

    પુનિત મહારાજ ના પાવન અંતર માંથી ઉદ્ભવેલ “માં બાપ ને ભૂલશો નહીં” વારમ વાર સાંભળતાં સાંભળતાં મારા મનમાં પણ એક રચના આકાર પામી, એ રચના સાથે સરખામણી કરવા નો તો કોઇ સવાલ જ ન હોય, હા એમની પ્રેરણા જરૂર ગણાય, તેથી મેં પણ બાળકો ને પણ પ્રેરણા મળે એવી આશા સાથે આ રચના અહિં પ્રસ્તુત કરેલ છે.

    રચયિતા
    કેદારસિંહજી મે જાડેજા
    ગાંધીધામ કચ્છ.
    http://www.kedarsinhjim.blogspot.com

  • Kedarsinhji M.Jadeja

    પુનિત મહારાજ ની રચના માટે મારી પાંસે પ્રસંસા ના કોઇજ શ્બ્દો નથી, પણ મારી મતી અનુસાર મેં એક રચના “માં” બનાવી છે જે આ પ્રસંગે રજુ કરવા પ્રેરાયો છું,
    મા

    જેનો જગમાં જડે નહીં જોટો..
    ઉપકાર કર્યો બહુ મોટો, કેવિ મીઠડી માં તેં બનાવી….

    નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
    પય પાન કાજ ઉર તાણ્યો….કેવિ…

    મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજને બચાવી
    જીવનની રાહ બતાવી….કેવિ..

    જ્યાં હું આવું રોતો રોતો, થોળો સાચો થોળો ખોટો
    ત્યાંતો આવે દેતી દોટો..કેવિ…

    જ્યારે યોવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
    પ્યારી ટપલી મારી ટપાર્યો…કેવિ…

    ભાલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિં તોટો
    તોએ માને મન ઘાણી ખોટો…કેવિ..

    પ્રભુ “કેદાર” કરૂણા તારી, બસ એકજ અરજી મારી
    ભવે ભવ હું બનું એનો બેટો…કેવિ..

    રચયિતા
    કેદારસિંહજી મે જાડેજા
    ગાંધીધામ કચ્છ.
    http://www.kedarsinhjim.blogspot.com

  • JBG

    અક્ષરનાદ અને શ્રી માર્કંડભાઈ દવેનો આભાર. મારા ભત્રીજાએ તેના મોબાઇલના રીંગટોનમાં આ ગીત સેટ કર્યું છે પણ કોણે રચ્યું છે તે ખબર નો’તી. આ રચના સંત પુનીતની છે તેની જાણ થઈ અક્ષરનાદનો ફરી આભાર.

  • PH Bharadia

    ‘મા’ ના ગુણગાન જેટલાં ગાઓ કે કરો તેટલાં ઓછા પડે, ‘ માં’ નો પ્રેમ અને વાત્સ્લ્ય એ આપણે બધાંએ માણ્યું અને અનુભવ્યું હોય છે.જગતનાં બધી ભાષાના સહિત્યમાં ‘માં’ વિશે ઘણું બધું લખાયું છે.મહાન રશિયન લેખક મેકસિમ ગોર્કિની ‘મધર’ નવલકથામાં ‘માં’ ના પ્રેમ અને લાગણીઓ વિશે લેખકે ઘણું સરસ લખેલ છે.ગુજરાતી ભાષાના સાહિત્યમાં પણ ‘મા’ વિશે ઘણુ લખાયું છે પણ
    કોઇ એવી નવલકથા નથી રચાઈ કે ‘મા’ ના પાત્રની આસપાસ કે મુખ્ય ભુમિકાએ હોય!!
    એક હિન્દી ચિત્ર ‘ દાદીમા’ નું મન્ના ડે અને મહેન્દ્ર કપુરના સ્વરમાં ગવાયેલ ગીત ખુબજ લાગણશીલ શબ્દોમાં છે ‘હે મા તેરી સુરતસે આગે ભગવાનકી સુરત ક્યા હોગી!!
    આ છે ‘મા’ નો મહિમા…………

  • સેજલ

    મા-બાપને ભૂલશો નહિ જેટલી વાર સાંભળીએ તેટલી વાર સાંભળવુ ગમે છે. મને આ ખૂબ જ ગમે છે.
    ખૂબ ખૂબ આભાર.

  • Suresh Jani

    આ ગીત અક્ષરનાદ ના મિત્રો સુધી પહોંચાડવા અને આવા સરસ રેકોર્ડિંગ અને સ્વર આયોજન બદલ શ્રી માર્કંડભાઈ દવે ને અભિનંદન