નમીયા સો સાહેબકું ગમીયા.. – લીરલબાઈ 2


નમીયા સો સાહેબકું ગમીયા, જ્ઞાન ગરીબી અધિકારી,
નમે સોહી નર ભારી રે જી.

નારદ નમીયા આવી ગરીબી, મટી ગઈ મનની ચોરી રે જી;
ગુરૂ કરીને એવાં લક્ષ લીધાં, તત્ક્ષણ ચોરાશી છોડી રે. નમે…

પ્રહલાદ નમીયા પ્રેમરસ પીધો, તાતે થંભ બથ ડારી રે જી;
થંભ ફાડ નૃસિંહ રૂપ ધરીયું, હિરણ્યકશિપુ લીધો મારી રે. નમે.

ભક્ત વિભિષણ રામને નમીયા, આપી લંકાની સરદારી રે જી;
પલ એકમાં નિર્બળ કરી નાંખ્યા, ભીલડીને ઓદ્ધારી રે નમે.

રામજીના સામો રાવણ ભીડીયો આંખે આવીતી અંધારી રે જી;
ગુરૂ પ્રતાપે લીલણદેબાઈ હું, નામ ઉપર જાઉં વારી રે. નમે.

– લીરલબાઈ / લીલણબાઈ / લીલણદેબાઈ
(‘નવીન કાવ્ય સંગ્રહ’ માંથી સાભાર.)

પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમની ચૌદમી સદીમાં વીરાજી આંબાજી નામે પીઠવા શાખાના લુહાર રહેતા હતા‚ એમને ત્યાં મીણલદેની કુખે લીરલબાઈ કે નીરલદે નામની દીકરીનો જન્મ થયો. વીરાભગત લુહાર ભજનપ્રેમી ભક્તજન હતા. પોતાના ગુરુના આદેશથી ગિરનાર નજીક આવેલા મજેવડી ગામે દેવતણખી ભગતે નાનકડી મઢી બનાવી અને પોતાના પરંપરાથી લુહારકામની કોઢ શરૂ કરી.

એ સમયમાં મારવાડના ભજનિક સંત ભાટી ઉગમશી અને તેમના શિષ્ય શેલર્ષિ સૌરાષ્ટ્રની યાત્રાએ નીકળેલા અને ગામડે ગામડે નિજારધર્મનો પ્રચાર કરતા અનેક શિષ્યો બનાવેલા. દેવતણખી અને તેની દીકરી લીરલબાઈએ પણ ઉગમશી ગુરુ પાસે દીક્ષા લીધેલ. પ્રસ્તુત ભજનમાં નમ્રતાનો મહિમા વ્યક્ત થતો હોય એવું ઉપરછલ્લું ચિત્ર, પણ તેના મૂળભૂત ભાવમાં ભક્તિ અને સમર્પણની વાત પડી છે. ધાર્મિક પાત્રોના ઉદાહરણો સાથે ખૂબ સુંદર એવા આ ભજનની રચના જેટલી સરળ દેખાય છે એટલી જ તેની અભિવ્યક્તિ ગહન છે.

(સાભાર માહિતિ સંદર્ભ – http://anand-ashram.com)


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “નમીયા સો સાહેબકું ગમીયા.. – લીરલબાઈ