જી રે લાખા ! ઋષિ રે વૈશંપાયન… – સતી લોયણ 1


જી રે લાખા ! ઋષિ રે વૈશંપાયન મારકંડને પૂછે જી,
નિજિયા ધરમ એવું શું શું છે હાં;

જી રે લાખા ! આદિનો ધરમ, છે એ જૂનો જી,
મારગ મુક્તિનો પણ એ છે હાં..

જી રે લાખા ! શિવ શક્તિ મળીને, ધરમ ચલાવ્યો જી,
પછી નેણોથી સૃષ્ટિ રચાવી હાં;

જી રે લાખા ! એ ને ધરમને કોઈ જાણે રે વિવેકી જી,
જેને ભક્તિ હ્રદયમાં ભાવી હાં…

જી રે લાખા ! ઉચ્છવાસ શ્વાસના, જાપ જેને જડિયા જી,
તે તો નિત કેણી પેરે કરશે હાં;

જી રે લાખા ! પાંચ રે તત્વને, કોરે રે મૂકીને જી,
એ તો જઈને અવિનાશીમાં ભળશે હાં…

જી રે લાખા ! શ્વાસ જો ને શિવજીને ઉચ્છવાસ જો ને શક્તિ જી,
એની જુક્તિ રે કોઈ વિરલા તો જાણે હાં;

જી રે લાખા ! નૂરતમાં કોઈ, જપે રે અજપા જી,
એ તો બ્રહ્મના સુખ ને માણે હાં…

જી રે લાખા ! ધ્રુવનો ધરમ તેને, શિવજી તો વખાણે જી
જે સમજે તે ન મત ના તાણે હાં,

જી રે લાખા ! શેલર્ષીની ચેલી, સતી લોયણ બોલ્યાં જી,
તે તો ચાલે ગુરુના વચન પરમાણે હાં….

– સતી લોયણ

(સંતવાણી તત્વ અને તંત્ર’ સંપાદન – બળવંત જાની‚ પ્રકાશન – ગુજરાત સાહિત્ય અકાદમી‚ ગાંધીનગર, ૧૯૯૬ માંથી સાભાર.)

અત્યારના અમરેલી જીલ્લામાના એક નાનકડા ગામની કાંઈ કેટલાય વર્ષો જૂની આ વાત છે. ગામમાં એક સંતની પધરામણી થઈ અને વાજતે ગાજતે ગામલોકોએ તેમનું સામૈયું કર્યું છે. રાતનો પહોર થયો અને સંતવાણીનો દોર શરૂ થાય છે, ડાયરો ધીમે ધીમે જામતો જાય છે, એક પછી એક મર્મસભર ભજનો રામસાગરના રણકારે ગવાઈ રહ્યાં છે અને એમાં એક કોડીલી જુવાન કન્યા પણ ડાયરામાં ધ્યાન દઈને વચનોને હૈયામાં ઉતારે છે અને અંતરમનમાં અલખને આરાધે છે. મોડી રાતનો – લગભગ પ્રભાતનો પહોર થયો છે, અને ડાયરો વિખેરાઈ રહ્યો છે, પણ કન્યા પોતાના સ્થાને અવિચળ છે. સંતના ધ્યાનમાં આ વાત આવી એટલે તેમણે કન્યાને પૂછ્યું, “બોલ દીકરી, શું વાત છે? કાંઈ કહેવું છે?”

અને “ફક્ત ગુરુજ્ઞાનની અપેક્ષા છે” એમ કહેતી એ કન્યા ત્યાર પછી સંતના આશિર્વાદે એ જ જગ્યામાં અલખની ધૂણી ધખાવે છે. લુહાર જ્ઞાતિમાં વીરાભગતને ત્યાં કીડી ગામ તા. બાબરા‚ જિ. અમરેલીમાં જન્મેલ એ કન્યા એટલે સતી લોયણ. આટકોટના લંપટ રાજવી લાખો વિલાસી હતો‚ તે લોયણના સ્વરૂપ પાછળ અંધ બનેલો. લોયણને સ્પર્શ કરવા જતાં તે કોઢિયો થયો. તે પછી લોયણ એના કોઢ સાથેની કાયાનું જતન અને સેવા સુશ્રુષા કરતાં કરતાં વર્ષો સુધી તેને મુક્તિનો – અલખનો મારગ બતાવતાં ૮૪ જેટલાં ભજનો લાખાને અને તેની રાણીને ઉદેશીને ગાયેલા. એક પછી એક ક્રમમાં નિજિયા પંથની ઓળખ‚ ગુરુ‚ અને ગુરુગમ‚ શિષ્યના લાયાકાત, મનની શુધ્ધિ‚ યોગની બાર ક્રિયાઓ રહેણી અને કરણી‚ સહજ સાધના‚ બ્રહ્માંડનું અને બ્રહ્મનું રહસ્ય‚ વૃત્તિ‚ રસ‚ સત્સંગ‚ દેહ‚ માયા‚ જ્ઞાન અને ભક્તિ દ્વારા પરમતત્વની પ્રાપ્તિ… એમ વિવિધ વિષય પર જાગરણ ઉપદેશ‚ તત્વ‚ સાધના‚ પરિચય અને પ્રેમ પ્રાપ્તિ. એ રીતે ગૂઢ રહસ્યવાણી આલેખાઈ છે. પ્રત્યક્ષ કથન શૈલીમાં‚ સીધા સાદા સરળ શબ્દોમાં અપાયેલું ગહન ચિંતન આ ભજનોને ઉચ્ચ ભૂમિકાએ પહોંચાડે છે.

પ્રસ્તુત ભજનમાં પણ લોયણ લાખાને નિજ ધરમ વિશે સમજાવે છે. સરળ અને પ્રત્યક્ષ વાત રૂપે કહેવાયેલ ઉદાહરણોથી આ ભજન જેટલું સરળ બને છે એટલું જ ગૂઢ રહસ્ય પણ તેમાં સમાયું છે, ખાસ કરીને

નૂરતમાં કોઈ, જપે રે અજપા જી,
એ તો બ્રહ્મના સુખ ને માણે હાં…

જેવી પંક્તિઓ ભારોભાર અર્થ ધરાવે છે. આપણા સાધના ધર્મ અને સંસ્કૃતિના આવા અણમોલ મોતી પ્રાપ્ત કરનાર મરજીવારૂપી સંતસાહિત્યના મરમીઓને ખૂબ ખૂબ પ્રણામ.

(માહિતિ સંદર્ભ ડૉ. નિરંજન રાજ્યગુરૂ – http://anand-ashram.com)


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One thought on “જી રે લાખા ! ઋષિ રે વૈશંપાયન… – સતી લોયણ

  • રૂપેન પટેલ

    જીગ્નેશભાઇ સતી લોયણનું સરસ ભજન માણવા મળ્યું અને વધુ ૮૪ જેટલાં ભજનો જે ગાયેલાં તેમાંથી પણ મુકશો .
    જીગ્નેશભાઇ સતી લોયણનો ટૂંકો પરિચય પણ આપના પ્રયાસ થકી જાણવા મળ્યો .