દોસ્ત આનું નામ તો… જિન્દગાની – જિજ્ઞેશ અધ્યારૂ 14


ક્યારેક કોઈક મનપસંદ ગીત ગણગણતા, એની કડીઓમાં, એના સંગીતના પ્રભાવમાં કાંઈક નવું સર્જન થાય એવું મારી સાથે આ પહેલા પણ એકાદ બે વખત થયું છે. આ વખતે આ પ્રક્રિયા થોડીક ઝડપી રહી કારણકે કોઈ સુધારા વધારાની અપેક્ષા વગર સતત એક પછી એક પંક્તિઓ સાથે આ આખુંય ગીત સ્ફૂર્યું છે. આજે એ જ આપ સૌની સાથે વહેંચી રહ્યો છું, જેથી તેના વિશે આપના પ્રતિભાવો જાણી શકાય.

* * * *

જ્યાં શરૂ, ત્યાં ખતમ, આમ થઈ આ કહાની,
દોસ્ત આનું નામ તો રાખશું જિન્દગાની

હિંમતને શ્રદ્ધા કેરી,
કોઈ કમી મળે ના !
મંડ્યા જ રહેવું સતત,
છો ને કશું ફળે ના !

આંખમાં છે આપણી, સપનાઓની ઉજાણી,
દોસ્ત આનું નામ તો રાખશું જિન્દગાની.

મંઝિલને પામવાની,
છો ને ઉતાવળ ઘણી,
દરિયે એ લહેર જાણે,
દોડું કિનારા ભણી.

ક્ષણ બે ક્ષણમાં ઇન્દ્રધનુસમ ઉગી આથમવાની
દોસ્ત આનું નામ તો રાખશું જિન્દગાની.

કોને સહારો દીધો,
કોનો સહારો લીધો,
જીવનની ખતવણીમાં
તો યે ન લીટો કીધો.

કફનોમાં ન મળતી સગવડ, કાંઈ પણ લઈ જવાની
દોસ્ત આનું નામ તો રાખશું જિન્દગાની.

– જિજ્ઞેશ અધ્યારૂ


Leave a Reply to Umesh joshiCancel reply

14 thoughts on “દોસ્ત આનું નામ તો… જિન્દગાની – જિજ્ઞેશ અધ્યારૂ