‘ના, હું તો ગાઈશ જ….’ – પંચતંત્રની વાર્તા 5


એક ધોબી પાસે એક ગધેડો હતો. ધોબી આખો દિવસ એ ગધેડા પાસે સખત કામ કરાવતો. પણ રાતના સમયે એને છૂટો મૂકી દેતો. રાત્રે તે ગધેડો અહીં તહીં ચરીને પોતાનું પેટ ભરતો.

એક રાત્રે એ ગધેડાને એક શિયાળ મળ્યું. બન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ. શિયાળે ગધેડાને કહ્યું, ‘ચાલ આજે હું તને સરસ મજાની જગ્યા બતાવું. ત્યાં આપણને ધરાઈને ખાવાનું મળશે.’

શિયાળ ગધેડાને એક ખેતર પાસે લઈ ગયું. જુવારના ખેતરમાં કૂણી કૂણી કાકડી અને વેલા પથરાયેલા હતા. ખેતરની વાડમાં એક છીંડુ હતું એમાંથી બંને અંદર પેઠા.આવી સરસ તાજી કાકડીઓ જોઈને ગધેડાના મોઢામાં તો પાણી આવવા લાગ્યું. ગધેડાએ ધરાઈને કાકડી ખાધી.

કાકડી ખાઈને ગધેડો ગેલમાં આવી ગયો. તેને ગાવાની ઈચ્છા થઈ આવી. તેણે શિયાળને કહ્યું, ‘ભાઈ શિયાળ, આજે કેવી રૂપાળી સરસ મજાની પૂનમની રાત છે, આકાશમાં ચાંદો ય કેવો સોહામણો લાગે છે ! આવા મજાના વાતાવરણમાં હું ગાઉં અને તું સૂર પૂરાવ તો કેવું ?’

શિયાળ કહે, ‘અરે ગધેડાભાઈ, હાથે કરીને ઉપાધી શીદને વહોરી લેવી? આપણે અત્યારે ચોરની જેમ આ ખેતરમાં છાનામાના પેઠા છીએ. એટલે મૂંગા રહેવામાં જ મજા છે. તમે ગાશો કે તરતજ રખેવાળ તમારો ઉંચો સૂર સાંભળી જાગી જશે. અને આપણા બાર વાગી જશે.’

ગધેડો બોલ્યો, ‘મૂર્ખ, તું તો જંગલી જ રહ્યો. સંગીતના રસને તું શું સમજે?’

શિયાળે ગધેડાને ન ગાવા માટે ઘણુંય સમજાવ્યો, પણ હવે ગધેડો તેની હઠ લઈને બેઠો હતો. તે કહે, ‘ના હું તો ગાઈશ જ…’

ગધેડો ગાવાનું શરૂ કરે એ પહેલાં ચતુર શિયાળ બોલ્યું, ‘ગધેડાભાઈ, તમે ઘડીવાર થોભો. હું પેલા ઝાંપા પાસે ઉભો રહી રખેવાળનું ધ્યાન રાખું છું. પછી તમે નિરાંતે ગાઓ….’

શિયાળ વાડીની બહાર નીકળી ગયું. હવે ગધેડો ડોક ઉંચી રાખીને મોટે મોટેથી ગાવાનું શરૂ કર્યું, ‘હોં… ચી…. હોં…. ચી…’ એના ભૂંકવાનો અવાજ સાંભળીને ખેતરનો રખેવાળ દોડી આવ્યો. તેણે પોતાની જાડી ડાંગ વડે ગધેડાને મારી મારીને અધમૂવો કરી નાંખ્યો. પછી તેના ગળે વજનદાર પથરો બાંધીને તે ચાલ્યો ગયો.

થોડીવાર પછી ગધેડો મહામહેનતે ઉભો થયો. તે ગળે લટકાવેલ મોટા પથરા સાથે લંગડાતો લંગડાતો ખેતરની બહાર આવ્યો. શિયાળે પૂછ્યું, ‘ગધેડાભાઈ, આ શું થયું?’

ગધેડો હવે શું બોલે ? તેને હવે સમજાઈ ગયું હતું કે તેણે શિયાળની સલાહ માનીને ગાવાનું માંડી વાળ્યું હોત તો આ દશા ન થાત.

– પંડિત વિષ્ણુશર્મા


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

5 thoughts on “‘ના, હું તો ગાઈશ જ….’ – પંચતંત્રની વાર્તા