બે ગઝલો – લલિત ત્રિવેદી 5


૧). પાર કર

તારું હોવું ભલે તું ન સાકાર કર,
મારા આકારનો તું ન ઈન્કાર કર.

ક્યાં કહું છું તને કે મને પાર કર,
મારી એકાદ ક્ષણને તદાકાર કર.

સર્વ આધારથી મુક્ત કર તું મને,
આભ જેવો મને તું નિરાધાર કર.

તો પછી કેમ હું એક પડછાયો છું?
તારા તેજોતમસનો તું ઈકરાર કર.

એનાં મંજીરાં પણ થૈ ગયા છે ભજન,
તારી મૂરતમાં તું પણ ચમત્કાર કર.

૨). બેઠા છીએ

જાતથી પણ દૂર થૈ બેઠા છીએ,
ક્યારના મંજૂર થૈ બેઠા છીએ.

પાત્રતા ને પાત્ર ઓગળતાં ગયાં,
એટલા ભરપૂર થૈ બેઠા છીએ !

આંખ સામે સાંજ પણ થૈ ગૈ પસાર,
ને અમે મજબૂર થૈ બેઠા છીએ !

મોરના રંગોય ક્યાં દેખાય છે ?
કેટલા ઘેઘૂર થૈ બેઠા છીએ ?

કોઈ આવે ને સમેટી લે હવે,
સાવ ચકનાચૂર થૈ બેઠા છીએ.

શું ફરક, ઝાકળ છીએ કે જળ છીએ ?
આમ, ક્ષણભંગુર થૈ બેઠા છીએ.

– લલિત ત્રિવેદી

(સાભાર – કવિલોક સામયિક, જાન્યુઆરી-ફેબ્રુઆરી ૧૯૯૯ અંક. માંથી)

શ્રી લલિત ત્રિવેદીની ઉપરોક્ત બંને ગઝલો ચોટદાર અંદાઝેબયાંના સજ્જડ ઉદાહરણો પ્રસ્તુત કરે છે, પ્રથમ ગઝલમાં જ્યાં ગઝલકાર પ્રિયતમા અને/અથવા પરમેશ્વરને સંબોધતાં હોય તેવો અહેસાસ ભાવકના મનમાં સહેજે ઉપસે, પ્રભુને કાંઈક પ્રત્યક્ષ કરી દેખાડવાની વાત તો ફક્ત ગઝલકાર જ કહી શકે, તો બીજી ગઝલમાં પોતાની – સ્વની સીમાઓને વર્ણવતા તેઓ એ જ ઇશ્વરને સંબોધીને પોતાના અસ્તિત્વને વિવિધ સ્વરૂપોમાં જેમ કે, ક્ષણભ્ંગુર, ઘેઘૂર, મજબૂર, ચકનાચૂર જેવા કાફિયાઓ દ્વારા ખૂબ અસરકારક રીતે કહી જાય છે. ટૂંકમાં બંને ગઝલો નમૂનેદાર અને માણવાલાયક બની છે.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 thoughts on “બે ગઝલો – લલિત ત્રિવેદી