ગાંધી મૂલ્યો : પ્રવર્તમાન પરિસ્થિતિ માટે દીવાદાંડી – મહિમ્ન પંડ્યા 2


સમાજ પરિવર્તનશીલ છે. સમાજના ઉત્કર્ષ વિકાસ માટે પરિવર્તન નિરંતર પરંપરિત ચાલ્યા જ કરે છે. આ ક્રિયા દરમ્યાન કોઈ દીર્ઘદ્રષ્ટા પોતાના વિચારો દ્વારા સમૂહજીવનને અસરકર્તા બની રહે છે, જેને સમાજના રાહબર તરીકે ઓળખી શકાય. ગાંધીજી આવા જ એક વ્યક્તિ વિશેષ હતાં.

ઈ.સ. ૧૯૧૫ થી ૧૯૪૭ સુધીનો યુગ જેના નામે ઓળખાય છે, સ્વાભાવિક છે કે તેવા યુગપુરૂષનું વિચારજગત વ્યાપક અને અસરકારક હશે. વિશ્વની મહાન વ્યક્તિઓમાં જેમની ગણના થાય છે અને જેના વિચારો અને વ્યક્તિત્વ નેલ્સન મંડેલા અને માર્ટિન લ્યૂથર જેવા મહાન નેતાઓને પણ આંબી જાય છે. એવા મહાત્મા ગાંધીજીના વિચારો પાસે આજની અને તે વખતની સમસ્યાઓને ઉકેલવાની અદ્વિતિય તાકાત છે.

વિશ્વમાનવ તેવા મહાત્મા ગાંધીએ દરેક સમસ્યાને પોતાના રચનાત્મક કાર્યક્રમમાં સમાવી હતી. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચારમાં છે જ, તેમ કહેવું અતિશયોક્તિ ભર્યું લાગશે. પરંતુ મહદ અંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શક્શે. ગાંધીને ‘મહાત્મા’ નું બિરુદ અમસ્તુ જ નહોતું અપાયું. તેમનો આત્મા અન્ય સામાન્ય વ્યક્તિ કરતાં વધુ પ્રકાશિત હતો. વળી, તેઓ આત્માના અવાજને અનુસરવાનું કહેતા. તેને કારણે જ તેમના દ્વારા લેવામા આવતા નિર્ણયો વધુ સારા અને યોગ્ય રહેતા.

વર્તમાન વિશ્વમાં શાંતિની ઝંખનામાં અશાંતિ બેરોકટોક વધી રહી છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને આર્થિક સદ્ધરતાની હોડમાં ઉલટાનું પરતંત્રતા, પરાવલંબન અને અસ્થિરતા વધતા જાય છે. પ્રગતિશીલ દેશના વિકાસનો પાયો છે ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ, પરંતુ ઝડપી ઔદ્યોગિકીકરણથી પર્યાવરણની સમતુલા ખોરવાઈ રહી છે. દિનપ્રતિદિન પર્યાવરણની સમસ્યાઓ વકરી રહી છે. અથાગ પ્રયત્નો છતાં બેરોજગારી ને બેકારી બેફામ વધી રહ્યાં છે. સરકારનું પૂર્ણ સ્વરોજગારી લક્ષ્ય વિકટ બનતું જાય છે. શિક્ષણ કેળવણીનાં પ્રચાર – પ્રસાર – વ્યાપ વધવાં છતાં બેકારોની ફોજ ફૂલી ફાલી રહી છે. ભૂખમરો – ગરીબી અને અન્ય સમસ્યાઓ વણઉકેલી વ્યથાઓ બની રહી છે. નેતા અને પ્રજામાં ઉપભોક્તાવાદ પ્રસરી રહ્યો છે, જે લોકશાહીના પાયાને ખોખલો બનાવીને જ રહેશે. લોકશાહીના નૈતિક મૂલ્યોનું અધઃપતન પૂરઝડપે થઈ રહ્યું છે.

આમ, પ્રોત્સાહક પ્રગતિકારક અને પ્રક્રિયાત્મક પ્રયાસો છતાં નકારાત્મક, વિનાશાત્મક અને હાનિકારક વિટંબણાઓ વિરાટરૂપ સર્જી રહી છે. આવા તો કંઈ કેટલાય વિરોધાભાસો વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખવા વર્તમાન વિશ્વ હવાતીયાં મારી રહ્યું છે. આવા સંજોગોમાં જ ગાંધીવાદી વિચારસરણીની પ્રસ્તુતતા તાતી જરૂરીયાત ઉદભવે છે.

આપણા આગવા ગુજરાતના ગૌરવશાળી ગરવા ગુજરાતીઓને પણ ગાંધીવાદ અવ્યવહારૂ જણાય છે તે અત્યંત ખેદજનક, દૂર્ભાગ્યપૂર્ણ અને વિચાર – વિમર્શ – વિશ્લેષણ માંગી લે તેવી બાબત છે. વેસ્ટર્ન કલ્ચર ધરાવતા વિકસિત દેશો માટે કદાચ ગાંધીવાદ અજુગતો ને અપ્રિય લાગે તે સહજ સ્વાભાવિક છે.

વિશ્વમાં અને ભારતમાં ભલે છેલ્લા દશકથી ભૌતિક વિકાસદરમાં વૃદ્ધિ કરી હોય પરંતુ માનવીય વિકાસની મુખ્ય સમસ્યાઓ જેવી કે ગરીબી, બેકારી, વસ્તીવધારો, પછાત ગ્રામ્ય વિસ્તારો, અસ્પૃશ્યતા, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, ત્રાસવાદ, સંપતિની અસમાન વહેંચણી – આ બધી સમસ્યાના નિરાકરણ માટે ઘણું કાર્ય કરવાનું બાકી છે.

આજે આતંકવાદ, વસ્તીવધારો, પ્રદૂષણ એ પાયાની સમસ્યાઓ છે. ગાંધીવિચાર ઉપરોક્ત સમસ્યાનો ઉકેલ રચનાત્મક કાર્યક્રમના સંદર્ભમાં આપે છે. આતંકવાદને નાથવા માટે સમગ્ર વિશ્વ પ્રયાસ કરી રહ્યું છે તેમ છતાં પણ તેનો ઉકેલ મળતો નથી. ગાંધીજી આતંકવાદને દૂર કરવા માટે અહિંસા નામના શસ્ત્રનો ઉપયોગ કરવા માટે આપેલ છે. ગાંધીવિચાર આપણને અહિંસાના માર્ગે ચાલવાની સલાહ આપે છે. આજની બીજી સમસ્યા તે વસ્તીવધારો છે તે માટે ગાંધીજીના બ્રહ્મચર્યના પાલન દ્રારા ઉકેલ આવી શકે છે. તેમજ તેમની ‘મહિલા જાગૃતિ’, ‘સ્ત્રી શિક્ષણ’, વગેરેના આધારે આપણે જનજાગૃતિ કેળવીને વસ્તીવધારાને કાબુમાં લાવી શકીએ. શિક્ષિત સમાજ હશે તો વસ્તીનું પ્રમાણ મર્યાદિત હશે. પ્રદૂષણ એ આપણા માટે પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. ગાંધીજીના સ્વચ્છતા અભિયાન દ્વારા કંઈક અંશે તેને હળવો કરી શકાય છે. ગ્રામસફાઈ અને ગ્રામોદ્ધારના કાર્યક્રમ હાથ ધરવાથી તેમજ વ્યક્તિ પોતાની નૈતિક ફરજોનું પાલન કરે તો પ્રદૂષણ અટકાવી શકાય. આ ઉપરાંત ગરીબી-બેકારી, નિરક્ષરતા, રૂઢિચુસ્તતા, કોમી એકતાનો અભાવ, ધર્મની વિસંવાદિતા, મોંઘવારી, જેવી સમસ્યાનો ઉકેલ આપણને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમમાંથી મળી રહે છે. ગાંધીજીએ આપેલ બુનિયાદી શિક્ષણથી બેરોજગારી તેમજ ગરીબીની સમસ્યાનો ઉકેલ આપણને ગાંધીજીના ધાર્મિક વિચારોથી ધર્મની વિસંવાદિતા, અસ્પૃશ્યતા નિવારણ દ્વારા કોમવાદ જેવી સમસ્યા ઉકેલી શકાય છે. આજના દરેક પ્રશ્નોનો ઉકેલ ગાંધીવિચારમાં આપેલ છે. માત્ર તેનું અનુકરણ કરવાનું બાકી છે.

ગાંધીવાદનું અન્ય હકારાત્મક અને અનુકરણીય પાસું છે જન-કલ્યાણની ભાવના. દેશવાસીઓની દુર્દશા જોઈ પોતે એક ધોતી માત્ર અંગિકાર કરી, સામૂહિક લોકકલ્યાણ પ્રક્રિયાનો પ્રારંભ કર્યો. પ્રજાકલ્યાણ અર્થે તેઓએ પોતાના પરિવારની ચિંતા પણ કરી નથી. નીતિમતાના જીવનમંત્રને લઈને અન્યનું લોકહિત વિચારવાની વૃત્તિ આજના વિશ્વમાનવમાં અભિપ્રેત કરવી હોય, તો ગાંધીવાદ અતિ આવશ્યક અને અનિવાર્ય છે.

કોઈપણ દેશના વિકાસનો પાયો તે દેશનું શિક્ષણ છે. જો તે દેશનું શિક્ષણ અસરકારક અને વાસ્તવલક્ષી હશે તો તે દેશના નાગરિક પાસે દરેક સમસ્યાનો ઉકેલ હશે. આજનું શિક્ષણ પરીક્ષાલક્ષી બની ગયું છે, અને તેથી જ કેટલીય શિક્ષિત વ્યક્તિઓ બેકાર અને દેશ માટે નિરુપયોગી બની રહે છે, પણ ગાંધીજીના મતે મનુષ્યનું માનવી તરીકેનું સંપૂર્ણ પ્રાગટીકરણ કરાવે તે જ સાચું શિક્ષણ આ માટે તેમણે બુનિયાદી શિક્ષણનો ખ્યાલ જગતને આપ્યો.

આપણે આજે કુદરતી સંપતિનો બેફામ ઉપયોગ કરી રહ્યાં છીએ, ત્યારે ગાંધીજીની ટ્રસ્ટીશીપની ભાવના યાદ આવે, તેઓ માનતા કે પોતાની જરૂરિયાત કરતાં જે વધારે વાપરે છે તે પણ હિંસા છે.

આજના યુગને સૌથી વધારે ગાંધીના તત્વદર્શનની જરૂરિયાત હોય તો તે છે ધાર્મિક ક્ષેત્રે, સમગ્ર વિશ્વમાં ફાટી નીકળતા યુદ્ધો કે સંઘર્ષોનું જો બારીકાઈથી નિરીક્ષણ કરીએ તો તેમાં ૮૦ % ઝઘડાઓનું મૂળ ધર્મ વિશેની અજ્ઞાનતાને કારણે છે. એક સામાન્ય બાબતમાં ફાટી નીકળતા કોમી હુલ્લડો, ધાર્મિક ઉત્સવો વખતે શેરીઓમાં નીકળતી રથયાત્રાઓ ઉપર થતાં હુમલાઓ વગેરેનું મૂળ કારણ ખોટી ધાર્મિક માન્યતાઓ અને ખોટો ધર્મઝનૂનવાદ છે. છેલ્લા કેટલાય વર્ષોથી આવી ધાર્મિક કટ્ટરતાને લીધે આવા બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. સમગ્ર દુનિયાના લોકો ધર્મ વિશેના ગાંધીના વિચારોનો અમલ કરે તો આટલી જાનહાની ન થાય. ગાંધીજીના ધર્મ વિશેના મંતવ્યોમાં તેમનું સૂક્ષ્મ અવલોકન અને ધર્મની સાદી પરંતુ ખૂબજ અસરકારક અને વાસ્તવિક વ્યાખ્યા જોવામાં આવે છે. “સર્વધર્મ સમભાવ નીતિમાત્રનો સમાવેશ સત્યમાં છે.”

આમ ગાંધીજી અહિંસા અને સત્યને જ ઈશ્વર ગણતા હતાં. તેમના મતે અહિંસા અને સત્ય જ વ્યક્તિને ઉન્નતિના શિખરો સર કરાવે છે.

ગાંધીજીએ ધાર્મિક, આર્થિક, રાજકીય, સામાજિક, શૈક્ષણિક જેવી તમામ પરિસ્થિતિ ઉપર ગહન અભ્યાસ કરીને અનુભવસિદ્ધ વિચારો આપણને આપ્યા છે. તેમનો દરેક વિચાર તેમણે આચરણમાં મૂક્યા બાદ જ સમાજમાં પ્રસ્થાપિત કર્યો છે. આથી જ ગાંધી વિચારનું મહત્વ અનેક ગણું વધી જાય છે. વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ માટે ગાંધીવિચારો એકમાત્ર અક્સીર અને રામબાણ ઈલાજ છે.

– પ્રા. મહિમ્ન જી પંડ્યા

(ધાંગધ્રાની એસ પી કોલેજમાં પંદર વર્ષથી ગુજરાતી વિષયના પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં અને કોલેજના ભીંતપત્ર ‘સ્પંદન’ નું સંપાદન કરતા શ્રી મહિમ્ન ભાઈ જુદી જુદી શાળાઓમાં બાળવાંચન શિબિર, માતૃભાષા કૌશલ્ય, કાવ્ય શિક્ષણ વગેરે માટે પ્રવૃત્તિઓ કરે છે. ધાંગધ્રા કોલેજમાં જ તેઓ ગાંધીદર્શન કેન્દ્ર ચલાવે છે જેના માધ્યમથી તેઓ પ્રશ્નોત્તરી સ્પર્ધા, નિબંધ, વકૃત્વ સ્પર્ધા જેવા આયોજનો કરે છે. વિદ્યાર્થીઓની સર્જનાત્મક પ્રવૃત્તિ ખીલવવાના કાર્યમાં સદાય રત રહેતા મહિમ્નભાઈને સાહિત્ય સંગીત, પ્રવાસ તથા સામાજિક પ્રવૃત્તિઓ વગેરેનો શોખ છે.

ગાંધી નિર્વાણ દિન નિમિતે તેમણે અક્ષરનાદને પ્રસિદ્ધ કરવા પાઠવેલો આ સરસ ચિંતન લેખ અમુક કારણોસર થોડોક વિલંબથી આવી રહ્યો છે. ગાંધી મૂલ્યો માટે પ્રવર્તમાન પરિસ્થિતિઓની જરૂરતો તથા તેની મદદથી સમાજના વિભિન્ન વિભાગો અને અંગોને વિકસિત તથા તંદુરસ્ત રાખવા માટેની વિચારસરણી તેમણે પ્રસ્તુત લેખમાં વિગતે આપી છે. આ સુંદર કૃતિ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી મહિમ્નભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ રચનાઓ આપણને મળતી રહે તેવી શુભેચ્છાઓ.)


Leave a Reply to atul vithalaniCancel reply

2 thoughts on “ગાંધી મૂલ્યો : પ્રવર્તમાન પરિસ્થિતિ માટે દીવાદાંડી – મહિમ્ન પંડ્યા

  • pragnaju

    ગાંધીજીએ ધાર્મિક, આર્થિક, રાજકીય, સામાજિક, શૈક્ષણિક જેવી તમામ પરિસ્થિતિ ઉપર ગહન અભ્યાસ કરીને અનુભવસિદ્ધ વિચારો આપણને આપ્યા છે. તેમનો દરેક વિચાર તેમણે આચરણમાં મૂક્યા બાદ જ સમાજમાં પ્રસ્થાપિત કર્યો છે. આથી જ ગાંધી વિચારનું મહત્વ અનેક ગણું વધી જાય છે. વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ માટે ગાંધીવિચારો એકમાત્ર અક્સીર અને રામબાણ ઈલાજ છે.
    સરસ ચિંતન લેખ