પૂછવાનું ટાણું (ગીત) – રવિન્દ્ર પારેખ


આ તો ઉખાણું પૂછવાનું ટાણું –
મારામાં માંડ માંડ તેડાવું ખુદને
તો એને કે’વાય ખરું આણું ?

કાંઠા પર લ્હેર લ્હેર વધતી આવે
ને એમ ભીંતો પર આવે છે તડકો,
કાંડીની જેમ યાદ મારામાં ફેંકીને
રોજ રોજ કરતી તું ભડકો !

ચોમાસુ છાંટે ને ના પણ હોલાય,
હું તો ધોધમાર ધુમાતું છાણું.

મારામાં રોમ રોમ વાવી તો તુંય
એમ ફણગી કે હું જ થયો ગુમ,
હું જ નહીં હોઉં એવા દેહમાં તું પાડે
તો ક્યાંથી સંભળાય તારી બૂમ ?

મારું ઠેકાણુંયે માંડ હોય પડતું
તો એવામાં કેમ તને જાણું ?

– રવિન્દ્ર પારેખ

પ્રસ્તુત ગીતના અનુભવમાંથી પસાર થયા પછી સહેજે સમજાય કે કવિ શ્રી રવિન્દ્ર પારેખ કયા સમયને “ઉખાણું પૂછવાનું ટાણું” કહે છે. પ્રિયતમાના અસ્તિત્વની પોતાનામાં વણાઈ ગયેલી વાતને તેઓ અર્થસભર રીતે અને અનેક પ્રકૃતિગત ઉદાહરણો મારફતે રજૂ કરે છે. પ્રિયતમાની યાદે જ્યાં ભડકો થાય છે તેવા મનના હવનકુડમાં આખું ચોમાસુ છાંટે તો પણ એ આગ હોલવાતી નથી, તો એકબીજાના થવાની આ ઘટનામાં કવિ પોતાનામાંથી જ ગુમ થયા હોવાનું અનુભવે છે, પોતાને હજુ જ્યાં પૂરા સમજવાનું થયું નથી ત્યાં તેને કઈ રીતે પૂરેપૂરી સમજી શકે? પ્રણયના રંગોમાં આલેખાયેલું આ અનોખું ગીત પ્રણયભીના હૈયાઓ માટેની આ વેલેન્ટાઈની મૌસમમાં પ્રસ્તુત છે.

બિલિપત્ર

કાં ફૂલ મેં બૂ ખોટ, કાં ભમરે મેં ભાવજી
લગે ચિતમેં ચોટ, ત પેલી રાત પ્રભાત વે.

– કચ્છી કવિ લાલજી નાનજી જોશી નો દુહો

[કાં ફૂલમાં સુગંધની ઉણપ હોય કાં ભમરામાં ભાવ ની, નહિંતો ચિતમાં ચોટ લાગે કે પહેલી રાતે સીધું પ્રભાત જ હોય.]