સ્વામી અને સાંઇ – મકરંદ દવે 4


પૂજ્ય દાદા,

ઘણા વખતથી તમને લખ્યું નથી. વચ્ચે અહીં જીવનમાં મોટો ધરતીકંપ થઇ ગયો. તેના ખબર આપ્યા હતા પણ તે છાપેલું પત્તું હતું એટલે તમારા ધ્યાનમાં નહીં આવ્યું હોય. મારા ભાઇનું (મનુભાઇ, બજરંગના ઉપાસક) ગયા વર્ષના જુલાઇ મહિનામાં અવસાન થયું. લીવરનો સોજો ને એકાદ મહિનાની માંદગીમાં આવો કંધોતર ઉપડી ગયો. પૂ. બાને માટે આ કેટલો મોટો આઘાત તે કલ્પી શકાશે.

આવા આઘાતમાં ક્યાંક તે વલોપાતમાં દેહ છોડે તો અપમૃત્યુ થાય અને એટલે ભેટ વાળીને તેમને સંતકથા, પ્રભુસ્મરણને રસ્તે પકડીને દોરવા લાગ્યો. ભારે શ્રમ પડ્યો પણ તેમનું મન તો માળાને પ્રતાપે આઘાતમાંથી બહાર નીકળી ગયું. એક વરસ આવો કારભાર ચલાવ્યો ને મારા શરીર ઉપર તેની અસર થઇ. સારી પેઠે બીમારી ભોગવી. મુંબઇ ત્રણ મહિના સારવાર લેવી પડી અને પાછો સાજોતાજો થઇ હળે જૂતી ગયો છું.

તમને આમાંથી કાંઇ લખ્યું નથી. તમારા સમાચાર અવારનવાર મળ્યા કરે છે. સણોસરાવાળા શ્રી નટુભાઇ બુચ મળ્યા હતા. તેમણે ખબર આપ્યા કે હવે તમને આંખે ઝાંખપ આવી ગઇ છે. આ શરીર, મન, બુદ્ધિ બધાં જ કાટમાળ છે ને કાટ ચડી જાય છે. બુદ્ધ જેવા બુદ્ધે પણ કહેલું કે ‘આનંદ, જૂના ખખડ ગાડાને જેમ રાંઢવું બાંધીને ચલાવે એમ આ દેહને ચલાવું છું. એમાં તથાગતને ક્યાંય સુખ જણાતું નથી, પણ ધ્યાનમાં બેસું છું ત્યારે આ ઢાંચાનું દુ:ખ માતર રહેતું નથી.’

આપણે માટે ધ્યાન નહીં તો ભજન-સુમિરણ મોટો સહારો છે. અને દરેક જાતના દુ:ખને હાંકી કાઢવા માટે રામબાણ ઇલાજ છે. પૂ. બાનું શરીર દુ:ખ – પીડાનો પોટલો બની ગયું છે, પણ ભજન સાંભળે એટલે પીડા માંડે ઓગળવા. આમ કરતાં ખેપ પૂરી કરી નાખીશું.

સરોદભાઇનો ગઝલસંગ્રહ પ્રેસમાં છે. એ ચોટદાર વાણી છે. પ્રસ્તાવના લખી. તમે એમના અવસાન પર જે ટચૂકડો પત્ર મને લખેલો તે સરોદભાઇનો સાચો પરિચય કરાવે છે એટલે પ્રસ્તાવનામાં ટાંક્યો છે. આમ આપણા ભાઇબંધનું જરા જેટલુંયે ઋણ ચૂકવવામાં તમારા બોલ સાથે છે એનું મોટું બળ છે.

તમારાથી પત્ર ન લખાય તો કોઇ પાસે બે લીટી લખાવશો. તમને લખવાનું મન થાય પણ હમણાં તો આવી આપવીતીમાં ગળાબૂડ એટલે નથી લખી શક્યો અને આંખ ને જીવ –બેયને ઉદ્વેગ ક્યાં કરાવવો? પણ આવા કારમા ને કરુણ ઘટનાચક્રમાં આપણે તો એક માત્ર કિરતારને જ જોવો. પડછાયા સામે જોશું તો પાર નહીં આવે પણ પ્રકાશના એકમાત્ર કેન્દ્ર ભણી નજર નોંધી આનંદથી ચાલ્યા જવું.

હમણાં એક ભજન લખ્યું તે ઉતારી આપું છું. જ્યાં જુઓ ત્યાં એ જ રમી રહ્યો છે. ત્યાં વેષને ક્યાં વળગવું? વેષને વળગે એના હાથમાં અંતે ગાભા સિવાય કાંઇ આવતું નથી. લ્યો, ભજન જ ગાઉં:

જેને ઊંચા ઉતારા રે, ઓછા પડે આભ તણા,
એ તો ભાંગલી ભીંતે રે, હસી ઊભા આ હમણાં.

આંખ આડી છો ચાલે રે, ચાલે ઊંધા ચરણ છતાં,
એ તો આવે ને આવે રે આવે હસતાં હસતાં.

હરિ, આ કોને કહેવું રે, ભૂલોમાં જે રોજ ભમે,
એને પંથ સુઝાડો રે, સામેથી તમે જ તમે.

તમે શેરી વચાળે રે, વળી તમે સીમ મહીં,
ક્યાં ને શી રીતે મળશો રે, એનું કોઇ નીમ નહીં.

કાલ ગરવાને માથે રે, બેઠા અવધૂત થઇ,
આજ જોયા તો બેઠા રે, બજારે બકાલું લઇ.

સ્વામી આ કેવી લીલા રે, કેવી આ તે જાદુગરી,
નજરું ખાલી ને ખાલી રે, ને તોય ભરી ને ભરી.

હવે હરખે હું હાલું રે, હવે હાલું કોઇ દિશે,
એક તમને નિહાળું રે, હું કોઇ ને કોઇ મિશે.

મારા સરવે મનોરથ રે, બળ્યા તો ભલે ને બળ્યા,
આ તે અચરજ કેવું રે, કે એમાં તમે જ મળ્યા !

હવે ઢોલ પીટાવું રે કે નગર ઢંઢેરો કરી,
કોઇ આઘા મ જાજો રે, કે અમથાં ને અમથાં મરી.

જેનું કાંઇ ન હાલે રે, જેનું નહીં કોઇ જગે,
હોંશે હોંશે રહે છે રે, હરિ એને હાથવગે.

– મકરન્દના વંદન

સ્વામીનો જવાબ

કોસબાડ હિલ, જિ.થાણા, વેસ્ટર્ન રેલવે, 401703

12/12/1973

પ્રિય સાંઇ,

લાંબે ગાળે તમારો કાગળ મળ્યો. અક્ષર જોતાંવેંત ખુશી ખુશી થઇ જે ફોડીને વાંચતાં વિલાઇ ગઇ. આ વજ્રાઘાત હેઠળ પૂ.બાની શી સ્થિતિ થઇ હશે તેની કલ્પના કરતાંય ધ્રૂજી ઊઠ્યો. આ દુ:ખ જોવા જ શું પ્રભુએ એમનું આયખું લંબાવ્યું હશે? ‘હે મા’રાજ ! તમને ગમતું થાજો,’ એ જ એક માત્ર એમનું આલંબન અને આશ્વાસન નીવડી શકે -બીજા કોનું ગજું કે એમને આશ્વાસનનો બોલ કહી શકે?

તમારી ભજનભક્તિ અને આત્મચિંતન… એ જ આ આઘાતને ખાળવાનું બળ આપી શકે. તે તમને મળો એ જ પ્રાર્થના. ….મોત તો બારણાની આડશે જ ઊભું છે. મારા જેવા ખોખડધજનો કોઇને ખપ નથી એટલું જ સાચું !

મારી આંખો આથમી. રતનમાંથી જ્યોત જ ગઇ એટલે હવે ચશ્માં, મેગ્નિફાઇંગ કાચ, મોતિયા કઢાવવો કશાનો ઉપયોગ નથી. જુલાઇથી વાંચવા—લખવાનું સદંતર બંધ પડ્યું . છાપાનાં મોટાં હેડિંગ પણ વાંચી શકતો નથી. માત્ર કુમળા તડકામાં બેસી ક્યારેક જરૂરી કાગળ જે મારે જ લખવા જોઇએ તે – મોટે ભાગે ટૂંકા કાર્ડો — ભાળ્યા વિના આડેધડ લખું છું તે કેવળ ટેવને કારણે. શું લખાયું તે વાંચી તો અલબત્ત નથી શકતો. પણ લખી કાઢુ છું. એ પણ મહિના બે મહિના પછી અટકશે કેમ કે ઝાંખપ વધતી જાય છે. બે ફૂટથી વધુ દૂર ઊભેલાને ઓળખી શકતો નથી. પગથિયું ખાડો ટેકરો ભળાય નહિ એટલે એકલો ક્યાંયે પણ ઘરબહર જઇ શકતો નથી.

આ થઇ મારી કેફિયત. રામજી રાખે તેમ રહેવું. તમારું ભજન વારંવાર વંચાવીને રહું છું એ જ સૌથી મોટો સહારો. બીજું તમામ મિથ્યા – …. ભજનભક્તિની મૂડી વધાર્યે જાઓ. એટલી જ એક વસ્તુ શાશ્વત છે.

– દાદા

સ્વામી અને સાંઇ (સ્વામી આનંદ અને મકરન્દ દવેના પત્રો ) સંપાદન:હિમાંશી શેલત, (નવભારત – પ્રથમ આવૃત્તિ : 1993) પત્ર:167, પાનું:195થી 199

આપણી ભાષાના સાહિત્યમાં સંતત્વની પરિભાષા ઉમેરનાર, સાંઇ મકરંદ સ્વ. શ્રી મકરંદ દવેની આજે પુણ્યતિથિ છે. અક્ષરનાદ તરફથી પ્રસ્તુત છે આજે તેમની કલમની ત્રણ પ્રસાદી. આ ત્રીજા લેખમાં માણીએ સ્વામી આનંદ અને મકરંદ દવે વચ્ચેના પત્રવ્યવહારને સંકલિત કરીને હિમાંશીબેન શેલત દ્વારા પ્રકાશિત પુસ્તક ‘સ્વામી અને સાંઈ’ માંથી એક પત્ર અને તેનો સ્વામીજીનો જવાબ.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “સ્વામી અને સાંઇ – મકરંદ દવે

  • Dinesh Pandya

    સ્વામી આનંદ અને સાંઇ શ્રી મકરંદ દવેના પત્રો એક ઉત્તમ સાહિત્યક્રુતિ છે.
    હરિ, આ કોને કહેવું રે, ભૂલોમાં જે રોજ ભમે,
    એને પંથ સુઝાડો રે, સામેથી તમે જ તમે
    હવે હરખે હું હાલું રે, હવે હાલું કોઇ દિશે,
    એક તમને નિહાળું રે, હું કોઇ ને કોઇ મિશે.
    જેનું કાંઇ ન હાલે રે, જેનું નહીં કોઇ જગે,
    હોંશે હોંશે રહે છે રે, હરિ એને હાથવગે.

    પ્રાર્થના, ભજન, સત્સંગ, વ. ખૂબ જ વ્યાવસાઈક થઈ ગયા
    છે તે સમયે આવું ઉત્તમ સાહિત્ય ઈન્ટરનેટ પર વિશાળ વાચકવર્ગ સમક્ષ રજુ કરવાનું સુંદર કાર્ય કરો છો.
    અભિનંદન!

    દિનેશ પંડ્યા

  • pragnaju

    સ્વ. શ્રી મકરંદ દવેની પુણ્યતિથિએ તેમના જ વિચારોથી શ્રધાંજલી …ગુરુએસતવચનની વાવ ખોદાવી આપી છે. તારે ક્યાંયે દૂર જવું પડે એમ નથી કે બીજું કષ્ટ ઉઠાવવું પડે એમ નથી.ગુરુએ આપેલા જ્ઞાનના ગંગા જેવા નિર્મળ નીર વડે હે મન, તું સમજી કારવીને બધી મલિનતા ધોઇ કાઢ.

    ’તન મન કી તું તો કર લે મટકી’—શરીરની ક્રિયા અને મનની વૃત્તિઓને તું’મટકી’—સાધનાને ધારણ કરનારી બનાવીને તારી ‘કરણીની કુંડિયા’—આચઋણની કૂંડી ભરી લે. સર્વ દ્વિધા મટાડીને સાધનાને જીવનમાં ઉતાર. ‘સુરતિ’—તન્મયતાની શિલા ઉપર નામસ્મરણ્ના ઝટકા લગાવ્યે જા. અને એ રીતે બધી મલિનતા દૂર કર.

    ’સાબુન સુમિરણ જલ સતસંગ,

    સકલ સુકૃત કરિ નિર્મલ અંગ,

    રજ્જ્બ રજ ઉતરૈ ઇહિ રૂપ,

    આતમ—અંબર હોઇ અનુપ.’

  • PRAFUL SHAH, NY,USA

    WHAT TO WRITE. IN OLD AGE OR IN LIFE ONE CAN LEAVE BY GRACE OF GOD OR AS PER WILL OF GOD. OR ACCORDING TO HIS PAST OR PRESENT KARM, WE AND MANY BELIEVE, BUT IT IS HARD TO LEAD OUR LIFE ACCORDINGLY, OLD AGE ONLY WHEN WE ARE LOSSING ALL OUR ABILITIES ONE HAS NO CONTROL
    TO PRAY GOD OR ENJOY BHAJANS OR PRAISES OF ALMIGHTY ONLY