આજ – દક્ષા વ્યાસ 3


એમ ને એમ એક વધુ સાંજ
ઢળી રહે છે
પ્રતીક્ષાપથ પર મંડરાતી નજર
ઝંખવાઈ રહે છે.

દૂર સુદૂરની અગોચર
યાત્રાએથી પાછું ફરેલું
ભોળુ પંખી
વિશ્લથ પાંખો
નીડની કાલિમામાં
ખરડી રહે છે.

આરતને એકાંત ચાદરમાં લપેટીને
પોઢવા કરતું અસ્તિત્વ
નામશેષ થઈ રહે છે.

સૂરજ રાણો થાય છે.
હવા થંભી જાય છે,
આકાશ અદ્રશ્ય થાય છે,
ધરતી પેટાળ ખોલે છે,
અંધકારનો ઓળો
ધૃતરાષ્ટ્રનું ભુજાબળ ધારે છે.

કાલને કાળકોઠરીમાં
ધરબી દઈને
ચેતનાનો દિપક બુઝાવા કરે છે.
અને
એમ –
‘આજ’ની ઓળખ ગુમાવી ચૂકેલી
આજ
વીતી જાય છે.

– દક્ષા વ્યાસ

(‘અલ્પના’ (૨૦૦૦) માંથી સાભાર)

વિવેચક અને કવયિત્રી દક્ષા વ્યાસ વ્યારાની કોલેજમાં ગુજરાતીના અધ્યાપિકા છે. ‘ભાવપ્રતિભાવ’ (૧૯૮૧) અને ‘સૌંદર્યદર્શી કવિઓ’ (૧૯૮૪) એમના સંશોધન વિવેચનના ગ્રંથો છે. ‘અલ્પના’ (૨૦૦૦) એમનો કાવ્યસંગ્રહ છે.

પ્રસ્તુત રચનામાં વીતી રહેલી આજનું માનસ દર્શન કવયિત્રીએ કરાવ્યું છે. સાંજની વીતતી ક્ષણો અને રાત ઢળવાની ઘટનાને અનોખા મિજાજથી આલેખીને તેમણે અહીં કમાલ કરી છે. વિશેષણો અને ઘટનાઓની અનોખી ગૂંથણી પ્રસ્તુત અછાંદસને સુંદર માણવાલાયક રચના બનાવે છે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “આજ – દક્ષા વ્યાસ

  • himanshu patel

    આવન-જાવન કે જીવચક્ર માણસ હોવાનો શાપ છે કે આશિર્વાદ છે તે સમજાય તે પહેલાં તો ગતિ શરું થઈ જાય છે
    અને તે ગતિને અહીં પક્ષીથી પકડી છે તે ગમ્યું.

  • pragnaju

    કાલને કાળકોઠરીમાં
    ધરબી દઈને
    ચેતનાનો દિપક બુઝાવા કરે છે.
    અને
    એમ –
    ‘આજ’ની ઓળખ ગુમાવી ચૂકેલી
    આજ
    વીતી જાય છે.
    પરિવર્તન દુનિયા નો વણલેખ્યો શિરસ્તો હોય છતાં એ જુના -નવા ની તુલના તો થવાની જ. પ્રત્યેક પરિવર્તન પ્રારંભે પ્રભાવિત કરનારું ને મનલુભાવન લાગે પણ સમયની રેત સરકતા સિક્કા ની અન્ય બાજુ દશ્યમાન થાય,ત્યારે લેખાંજોખા ની વાત મંડાય.
    આપણી આવનારી પેઢીઓ માટે આપણે સગવડો નો સથવારો નહિ માંગીએ તો ચાલશે ,એ હાંસલ કરવું સહેલું છે ,પણ શાંતિ,સહિષ્ણુતા,ધીરજ,ને સુકુન ની દુઆ કરવી પડશે,નહિ તો સમગ્ર સગવડો ના સલીલ માં એની દશા “पानी में मिन पियासी “જેવી થશે.અને તેની એ દશા માટે એ આપણને જવાબદાર ગણે તો નવાઈ નહિ