ગુજરાતી (ઇન્ટરનેટ) સાહિત્ય વિશે એક દ્રષ્ટિકોણ – ડૉ. નિરંજન રાજ્યગુરૂ 4


શબ્દસૃષ્ટિ સામયિકનો ડિસેમ્બર ૨૦૧૦નો અંક વાંચી રહ્યો હતો ત્યારે તેના છેલ્લા થોડાંક પૃષ્ઠો પર ‘સંવાદ – વિવાદ’ ના વિભાગ તરફ નજર ગઈ. વાંચકો ને ભાવકોના પ્રતિભાવો – પ્રત્યાઘાતો દર્શાવતો આ વિભાગ – પ્રસ્તુત અંકમાં દીપોત્સવી વિશેષાંક ‘પાંચ દાયકાનું પરિદર્શન’ ના લેખો વિશે અનેક પ્રતિભાવો વડે સમૃદ્ધ હતો. સાહિત્યના અનેક સ્વરૂપો અને તેની ક્ષમતાઓ વિશે ચર્ચા કરતો પ્રસ્તુત પ્રતિભાવ શ્રી નિરંજનભાઈ રાજ્યગુરૂનો છે. ઈન્ટરનેટના-ગુજરાતી બ્લોગ વેબસાઈટ જગતના સાહિત્ય વિશે પણ અહીં વાત કરાઈ છે. એ પ્રતિભાવ અહીં સાભાર પ્રસ્તુત કર્યો છે.

પ્રિય હર્ષદભાઈ,

‘શબ્દસૃષ્ટિ’ દીપોત્સવી વિશેષાંક ‘પાંચ દાયકાનું પરિદર્શન’ આજે મળી ગયો. આપને તથા આ વિશેષાંકના તેર અભ્યાસી આલેખકોને મારા અંતરના ધન્યવાદ. છેલ્લા પચાસ વર્ષની ગુજરાતી સાહિત્યની સર્જન-સંશોધન-વિવેચન-સંપાદનયાત્રાને આ અંકમા આવરી લેવાનો પ્રશસ્ય પ્રયત્ન થયો છે. ભારતની અન્ય પ્રાદેશિક ભાષાઓને મુકાબલે ગુજરાતી ભાષા – સાહિત્યના તમામ ક્ષેત્રોમાં ગત પચાસ વર્ષોમાં જે ઉંડાણથી ખેડાણ થયું છે તેમાં હમણાનાં સમયમાં કંઈક અરાજકતા, કંઈક શિથિલતા, કંઈક મંદતાનો અનુભવ થતો હોય એવું મોટાભાગના અભ્યાસીઓને દેખાયું એમાં તથ્ય જરૂર છે. આજે તો ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં અને લગભગ તમામ કોલેજોમાં ગુજરાતી ભાષા-સાહિત્ય મુખ્ય વિષય તરીકે ભણાવાય છે. આટલી બહોળી સંખ્યામાં ગુજરાતી ભાષાના અધ્યાપકો – કવિઓ (જેમાં ગઝલથી માંડીને અછાંદસ કાવ્યો લખનારા તમામ) – સંશોધકો – વિવેચકો – કટારલેખકો – પત્રકારો – સર્જકો (તમામ પ્રકારનું સાહિત્ય સર્જનારા) – સામયિકો, ચોપાનિયાં સંપાદકો – પી.એચ.ડી ના માર્ગદર્શકો – પરીક્ષકો અને સાહિત્ય ઉત્કર્ષની ખેવના જેના બંધારણમાં જ પડી છે એવી જૂની તથા નવી ઉભી થતી જતી સંસ્થાઓ – આપણી ધરતીએ આ પહેલા ક્યારેય નહીં જોયા હોય. છતાં સરેરાશ આપણા સાહિત્યનું સ્તર નીચું ને નીચું જ જતું જાય છે એ હકીકતનો સ્વીકાર કર્યા વિના ચાલે તેમ નથી. આવા સમયે આપણી ભાષામાં છેલ્લા પચાસ વર્ષમાં આવેલા વળાંકો અને સ્થિત્યંતરો તપાસવાનો ઉપક્રમ દાખવીને આપે જે વિશેષાંકનું આયોજન કર્યું તે અભિનંદનને પાત્ર છે. આપણે આશા રાખીએ કે આપણી ભાષાના નવા સર્જકો અને અભ્યાસીઓ આ તારણોને પૂરી ગંભીરતાથી ધ્યાનમાં લઈને પોતાના આગામી સર્જન-સંશોધન-વિવેચનમાં નવા ચમકારા લાવી શકે.

એક બીજી વાત – અત્યારના વૈજ્ઞાનિક તથા અતિશય ઝડપી યુગમાં જ્યારે પ્રચાર પ્રસારના માધ્યમો બદલાયા છે ત્યારે પશ્ચિમના દેશોમાં વસવાત કરતા આપણા કેટલાક ઉત્સાહી ગુજરાતીઓ તથા અહીંના આપણા યુવાનોએ ગુજરાતી સાહિત્યનો ફેલાવો ઈન્ટરનેટના માધ્યમથી થાય એ માટે એક નવું જ બ્લૉગ-વેબસાઈટનું જગત સર્જ્યું છે. એનો પરિચય પણ મૃગેશ શાહના આલેખથી મળ્યો. આ જગત જેટલું સહજ અને સરળ છે એટલાં જ એના ભયસ્થાનો પણ છે. આજે ગુજરાતી ભાષાની કેટલીક વેબસાઈટ ઉપરથી જે રીતે વિભિન્ન પ્રકારના સાહિત્યનો ધોધમાર વરસાદ વરસે છે એમાં શુદ્ધ, સાત્વિક, શિષ્ટ કે અભિજાત સાહિત્યની સાથોસાથ તદ્દન કાચી, અભિનિવેશથી ભરપૂર કે પોતાના વિશે અતિશય ઉંચો અભિપ્રાય ધરાવનારા સાહિત્યકારો… !! -ની રચનાઓ પણ આ નવા માધ્યમ દ્વારા લોકો સમક્ષ રજૂ થતી જાય છે એ ખરેખર શબ્દસાધકો માટે ચિંતાનો વિષય હોય એમ નથી લાગતું?

આજના યુગમાં કંઈક એવા વિષમ કાળમાંથી આપણે પસાર થઈ રહ્યાં છીએ કે જીવનના તમામ ક્ષેત્રોમાં જાણે કે સાર્વત્રિક ઘેરી ઉદાસીનતાની છાયા ફરી વળી હોય એવું લાગે છે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં તો નિષ્ઠાપૂર્વકની સંશોધનવૃત્તિનો અભાવ, અને એમાંય મધ્યકાલીન સંતસાહિત્ય, ભક્તિસાહિત્ય, લોકસાહિત્ય, ચારણી – બારોટી સાહિત્ય, આદિવાસી સાહિત્ય, કંઠસ્થ પરંપરામાં કે જૂની હસ્તપ્રતોમાં સચવાયેલા લોકવાંગ્મય, પ્રશિષ્ટ જૈન કે જૈનેત્તર સાહિત્ય તથા જુદી જુદી ધર્માંતરિત પ્રજાઓના ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નવી પેઢીના વિવેચકો-અધ્યાપકો તદ્દન ઉપેક્ષાભરી નજરે જોતા હોય એવી સતત પ્રતીતિ થતી જાય છે. આજે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર વધતું જાય છે. ધર્મ, જાતિ, પ્રદેશ, ભાષા, કોમ, સંપ્રદાય, પંથ, વિચારધારા, સાહિત્યના વિવિધ વાદ કે ફાંટાઓ, રાજકીય પક્ષો, એમ માનવસમાજ વિખેરાતો રહ્યો છે. એમાં સમયે સમયે તિરાડો મોટી ને મોટી થતી જાય છે ત્યારે એક કવિ, કલાકાર, કથાકાર, પત્રકાર કે સાહિત્યકાર – સર્જક, સંશોધકનાં ધર્મ કે ફરજ કેવાં હોવાં જોઈએ તે વિષે આપણી સામે કોઈ જ આદર્શ માપદંડો નથી રહ્યાં.

અર્વાચીન-અદ્યતન સમયમાં ગુજરાતી ગદ્ય અને પદ્ય સર્જન તથા સંશોધનના ક્ષેત્રે અનેક પ્રવાહો કાર્યરત છે, એમાં મુખ્ય પાંચેક પ્રવાહોને આ રીતે આપણે વિભાજિત કરી શકીએ,

૧. પૂર્ણ સાક્ષર – શિક્ષિત-પ્રશિષ્ટ-સર્જકો-વિવેચકો-સંશોધકો જેમાંના કેટલાક તો સાહિત્ય કે શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા અધ્યાપકો-વિવેચકો અને સાહિત્યિક સંસ્થાઓના વહીવટ કરનારાઓ છે.
૨. માત્ર નિજાનંદ અર્થે જ સાહિત્યનું સર્જન – સંશોધન – સંપાદન કરનારા મરમી શબ્દસાધકો જેનું ભીતરી વ્યક્તિત્વ સમૃદ્ધ છે છતાં સમાજ પ્રત્યે ઉદાસીનતાનો ભાવ કેળવીને બેઠા છે અને જે કંઈ થોડુ ઘણું સમાજચિંતન તેમના દ્વારા થાય છે તે બહોળા લોકસમુદાય સામે ક્યારેય નથી આવતું.
૩. ધંધાદારી સાહિત્યસર્જકો અને સંશોધકો – રેડિયો, ટી.વી., ફિલ્મ, સિરિયલ, સી.ડી., કેસેટ્સ, નાટક, વર્તમાનપત્રોની કોલમો અને પત્રકારિત્વના એક ભાગ રૂપે સાહિત્યનું સર્જન – સંશોધન કરનારા સર્જકો અને સંશોધકો.
૪. કોઈ ને કોઈ વિચાર, વાદ કે પરંપરાની સાથે જોડાયેલા સભાન પ્રતિબદ્ધ સર્જકો-સંશોધકો – જેમાં નારીવાદી, દેશવાદી કે દલિત ચેતનાવાદી જેવા વિભિન્ન અભિગમોને સ્વીકારીને સાહિત્યનું સર્જન કરનારા વિદ્વાનો, એમાં પણ જે તે વિચારધારાને આત્મસાત કરીને પોતાની અભિવ્યક્તિકુશળતાથી સમસ્ત માનવજાતના ઉત્કર્ષ માટે સાહિત્યનું સર્જન કે સંશોધન કરનારા સમાજના હિતચિંતકોની સાથોસાથ પોતાની નિજી અનુભૂતિ કે સંવેદના વિના માત્ર ગતાનુગતિક રીતે ધર્મ-ધર્મ, જાતિ-જાતિ, સ્ત્રી-પુરુષ, લોક-શિષ્ટ, શહેરી-ગ્રામ્ય, એવા ખોખાં પાડીને અરસપરસ કેમ વધુ સંઘર્ષ થાય એવાં નિરુપણો સાહિત્યમાં કરવાની નેમ સાથે જ સર્જન કે સંશોધનના ક્ષેત્રમાં કાર્યરત મિશનરીઓ પણ જોવા મળે.
૫. માત્ર પદવી પ્રાપ્ત કરવા માટે જ સાહિત્યના સંશોધનમાં રસ લેનારા અધ્યાપકો.

જે સાહિત્યમાં શિષ્ટતા, વિચારમંડિત સઘનતા, પારદર્શી પ્રવાહિતા, સ્વાભાવિકતા, સાદગી, સરળતા, લાઘવ કે માનવતાભરી નિષ્ઠા ન હોય એવું સાહિત્ય સમાજમાં પોતાનો શું સંદેશો આપી શકે? અને એનું આયુષ્ય કેટલું? સમગ્ર સમાજ ઉપર એની અસર ક્યાંથી પડી શકે? વળી સાહિત્યને સર્વજન સુલભ બનાવનારા સાધનો-પુસ્તકો, સામયિકો, વર્તમાનપત્રો, રેડિયો, ટીવી, ફિલ્મ, કૅસેટ્સ, સીડી, ઈન્ટરનેટ, જાહેર કાર્યક્રમો વધતાં જ રહ્યાં છે એટલે સત્વશીલ સાહિત્યની સાથે રાજસી અને તામસી પ્રકૃતિના સાહિત્યનો પણ બહોળો પ્રચાર પ્રસાર થયા કરે છે. કેટલાક અપવાદોને બાદ કરતા સ્થાયી મૂલ્ય ધરાવનારા, શાશ્વત ટકી શકે એવા – ભવિષ્યના સમસ્ત માનવજાતના હિતનો વિચાર કરનારા અને જેને પ્રશિષ્ટ કે સાત્વિક કહી શકીએ એવા સાહિત્યનો અંશમાત્ર નજરે નથી ચડતો એ જોઈને કોઈ પણ વિચારશીલ મનુષ્યને ચિંતા થાય. ત્યારે આપણે સૌ પરમાત્માને પ્રાર્થના કરીએ અને એવી આશા અને આકાંક્ષા રાખીએ કે આવતા પચાસ વર્ષોમાં ગુજરાતી ભાષા સાહિત્ય જગતના ચોકમાં એક સમૃદ્ધ તેજસ્વી સર્જકો-સંશોધકોની નક્ષત્રમાળા રમતી મૂકે.

ફરી ફરી ધન્યવાદ.

– ડૉ. નિરંજન રાજ્યગુરૂ (આનંદ આશ્રમ, ધોઘાવદર)

(સાભાર – શબ્દસૃષ્ટિ સામયિક ડિસેમ્બર ૨૦૧૦ અંકમાંથી)


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ગુજરાતી (ઇન્ટરનેટ) સાહિત્ય વિશે એક દ્રષ્ટિકોણ – ડૉ. નિરંજન રાજ્યગુરૂ