અભિનેત્રી – અંશુ જોશી (ટૂંકી વાર્તા) 2


તારિકા મહેતાએ આજે તેના 69મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો. જોકે તેની જીવનકથનીને જોતાં આ પ્રવેશને અમંગળ પ્રવેશ કહી શકાય. તારિકા મહેતા ચંદુલાલ મંડળીવાલાનું એક માત્ર સંતાન હતી. ચંદુલાલ એક જમાનામાં નાટકની બહુ જ પ્રતિષ્ઠિત મંડળી રંગબહાર ચલાવતા હતા. તારિકાના જન્મ બાદ મંડળીમાં દિવસે ન થાય તેટલી રાતે અને રાતે ન થાય તેટલી દિવસે પ્રગતિ થવા માંડી હતી. જોકે તારિકાના જન્મ બાદ પત્ની સરિતાનું ટૂંકી માંદગીમાં અવસાન થયું હતું પરંતુ તે વાતને ચંદુલાલે ધ્યાન ઉપર નહોતી લીધી. ચંદુલાલ તારિકાને ખૂબ જ શુકનવંતી માનતા હતા અને તેમની પુત્રી એક દિવસ ખૂબ જ ઉત્કૃષ્ટ અભિનેત્રી બનીને માત્ર મંડળીનું જ નહીં પરંતુ સમગ્ર કુળનું નામ ઉજાળશે તેવું ચંદુલાલ 1940ના દાયકાના રૂઢિચુસ્ત સમાજમાં પણ માનતા હતા. એક ઉત્કૃષ્ટ અભિનેત્રી એટલે કે તારિકા જ હોય ને તેમ વિચારીને ચંદુલાલે એકની એક દીકરીનું નામ તારિકા પાડ્યું હતું,

પરંતુ બાંધ્યા કરમની કોને ખબર હોય છે? તારિકાએ જેવો 14મા વર્ષમાં પગ મૂક્યો કે તરત જ તેનું હૈયું અને મન મરકટની જેમ ઉછળકૂદ કરવા લાગ્યાં. 14 વર્ષની તારિકા જોબનથી છલકતી કીશોરી હતી. ગામ આખુંય તેની જુવાનીને નીરખતાં થાકતું નહીં. કાજળ આંજેલી મસમોટી કમળનાં પાંદડાં જેવી આંખ, ગાલે પડતાં બે ખંજન રતુંબડા હોઠ અને દેહલાલિત્ય તો જાણે કે કોઈ રાજકુમારીને પણ ભગવાને ન આપ્યું હોય તેવું. ખજૂરાહો કે અજન્તા-ઈલોરાની ગુફામાંની મૂર્તિઓમાં જોવા મળે તેવું સુંદર શરીરસૌષ્ઠવ તારિકાનું હતું.

એક તરફ ગામ આખું તારિકાની પાછળ ભમરાઓનાં ઝુંડની જેમ પડ્યું હતું પણ તારિકાનું મન બીજે ક્યાંક જ વળી ગયું હતું! રંગબહારમાં સામાન્ય કારકુનની અને એકાઉન્ટન્ટની બેવડી ભૂમિકા ભજવતા પ્રદ્યુમન મહેતા તરફ. પ્રદ્યુમન મહેતા શરીરે એકવડિયો બાંધો ધરાવતો ફુટડો યુવાન હતો. તેલથી તરબતર લાંબા ઝુલ્ફેદાર વાળ, વાંકડીયાળી કાળી ભમ્મર મૂછો અને પાન ખાઈને આવે ત્યારે લાલ ચટ્ટક થઈ ગયેલા હોઠ તેનાં રૂપમાં ચાર ચાંદ ઉમેરી દેતા. ઉંમર સહજ સ્વભાવને કારણે તારિકાને પ્રદ્યુમનનું જબરદસ્ત આકર્ષણ થયું હતું.

ચંદુલાલ ઘરે ન હોય ત્યારે પ્રદ્યુમન ઘરે મંડળીના હિસાબો સમજાવવા માટે આવતો આ ક્ષણ એવી હતી કે જ્યારે હિસાબનો ચોપડો જોવાને બહાને તારિકાને પ્રદ્યુમનની નજીક આવવાનો મોકો મળતો હતો. પ્રદ્યુમનના મ્હોંમાંથી આવતી બનારસી પાનની ખુશ્બુને કારણે તારિકા લગભગ તેને લગોલગ ચીપકીને ઊભી રહી જતી. ઘણી વખત તેને એમ થતું કે આ પાનની ખુશ્બુને કારણે તે કદાચ અર્ધપાગલ તો નહીં થઈ જાય ને?! પ્રદ્યુમન પણ કંઈ સાવ ભોળો નહોતો. તારિકા કરતાં ઉંમરમાં તે લગભગ દસેક વર્ષ મોટો હતો પરંતુ એ જમાનામાં નાટક સાથે સંકળાયેલા લોકોને કોઈ જલદીથી કન્યા આપતું નહીં એટલે તેનાં લગ્ન થયાં નહોતાં. તારિકાનું નજીક આવવું, તેનાં શરીરને સ્પર્શવું વગેરે સંકેતોને એ સારી રીતે સમજી શકતો હતો. પણ હજી તારિકા અને તેના વચ્ચેની બોલચાલની મર્યાદા હતી તે તૂટી નહોતી. એક વખત તે રોજની જેમ હિસાબો બતાવવા માટે ઘરે આવ્યો તે વખતે ચંદુલાલ ઘરે નહોતા. હિસાબો દેખાડ્યા પછી પ્રદ્યુમને કહ્યું “હવે હું રજા લઉં, શેઠ આવે તો આ હિસાબો બતાવી દેજો” અને તારિકાથી અનાયાસે જ બોલાઈ ગયું “બેસોને શું ઉતાવળ છે?”

બસ, આ ક્ષણથી જ બંને વચ્ચેની જે બોલચાલની મર્યાદા હતી તે તૂટી ગઈ. તેમની મુલાકાતો વધવા માંડી, તેમનો પ્રણય જગજાહેર થવા માંડ્યો અને બંનેએ એકબીજા સાથે જીવવા મરવાના કોલ આપી દીધા તે તો ઠીક પણ લગ્ન ક્યારે અને કેવી રીતે કરવાં તે પણ નક્કી કરી લીધું. કારણ કે ચંદુલાલ આ સંબંધને ક્યારેય પરવાનગી નહીં આપે તેવી તેમને ગળા સુધી ખાતરી હતી.

તારિકાના રૂમમાં તકિયા નીચેથી તારિકાની ચીઠ્ઠી મળી અને તે વાંચતાંની સાથે જ ચંદુલાલની આંખોમાંથા દુઃખ, આક્રોશ, ગુસ્સો, લાગણી અને વહાલના દરિયા એક સાથે ઉભરાયા. પલંગ ઉપર ફસડાઈ પડતા તેઓ એટલું જ બોલી શક્યા “મને એક વખત પૂછ્યું હોત તો સારું થાત દીકરી….”

મુંબઈ શહેર તારિકા માટે તે વખતે ખૂબ જ નવું સવું હતું. પિતાની નાટક મંડળીના પ્રયોગો દરમિયાન તારિકાએ મુંબઈની અનેક મુલાકાતો લીધી હતી પણ મુંબઈ આવીને અહીં સ્થાયી થવાનો કે રહેવાનો વિચાર તેણે કદીય કર્યો નહોતો. પ્રદ્યુમન તારિકાને એક ગંદી, ગોબરી અને ગંધાતી ચાલી તરફ લઈ જઈ રહ્યો હતો. ચાલીને જોતા જ તારિકાને થોડી ઉબ તો જરૂરથી આવી ગઈ હતી કારણ કે આ પ્રકારનાં મકાનમાં રહેવાનો તો શું પગ મૂકવાનો પણ તેનો પ્રથમ અનુભવ હતો. પ્રદ્યુમને તારિકા સાથે ભાડાંનાં મકાનમાં ગૃહપ્રવેશ કર્યો.
જર્જરિત થઈને પડવાની રાહ જોઈ રહ્યું હોય તેવું મકાન એકદમ અવાવરું હતું. માથે નળિયાં ખસી ગયાં હતાં અને સૂરજ રોજ સવારે અને બપોરે ઘરમાં સંતાકૂકડી રમતો હતો. નીચે સામાન્ય પ્લાસ્ટર કરેલું ફર્શ અને ચારેયબાજુ જીર્ણ થઈ ગયેલી દીવાલો સિવાય બીજું કશું જ ઘરમાં દેખાતું નહોતું.

“તારિકા, થોડા દિવસ આ ઘરમાં રહીશું અને ત્યાર બાદ મને નવી નોકરી મળે કે તરત જ આપણે પોતાનાં મકાનમાં રહેવા જતાં રહીશું.” પ્રદ્યુમને ઠાવકાઈથી કહ્યું. “ચાલ હવે તું ઘરની સાફસફાઈ કરી લે હું જરા ઘરનો સામાન લઈને આવું છું.” એમ કહીને પ્રદ્યુમન ઘરનો સામાન ખરીદવા માટે નીકળ્યો.

તારિકાએ માંડમાંડ જેવું આવડે અને જેટલું આવડે તેવું ઘરનું કામ કર્યું, કામ કરતાં-કરતાં તેની આંખોમાં આંસુ આવી ગયાં. એક સમયે તો એમ પણ થઈ ગયું કે આ ઘર છોડીને પિતાજીને ત્યાં પાછી જતી રહું પણ જે મોઢે ગોળ ખાધો હોય તે મોઢે કોલસા કેમ ચાવવા, વળી પ્રદ્યુમન સાથે જીવવા મરવાના કોલ દીધા છે. આજે નહીં તો કાલે સ્થિત સુધરવાની જ છે, તેમ માનીને તેણે મન મનાવી લીધું.

થોડા સમય બાદ પ્રદ્યુમન ઝુલતો ઝુલતો ઘરનો સામાન લઈને બજારમાંથી આવ્યો. તારિકા તેના હાથમાંથી સામાન લેવા માટે નજીક ગઈ તો તેને પ્રદ્યુમનના મ્હોંમાંથી બનારસી પાન ઉપરાંત કંઈક વિચિત્ર પ્રકારની વાસ આવી. તેને ખ્યાલ આવી ગયો કે પ્રદ્યુમન દારૂનો નશો કરીને આવ્યો છે. તેણે ટકોર કરી “તમે દારૂ પીને આવ્યા છો?” પ્રદ્યુમન વધારે માત્રામાં પીને નહોતો આવ્યો એટલે તેણે હસતા-હસતા કહ્યું “અરે! ગાંડી આ તો સોમરસ છે, આ તો દેવતાઓ પણ પીતા હતા તો હું તો સામાન્ય માણસ છું.” નવાં ઘરમાં તારિકા તેમજ પ્રદ્યુમનના જીવનની શરૂઆતની આ પ્રથમ રાત્રિ હતી. તારિકા સુંદર સાજશણગાર સજીને પ્રદ્યુમનની રાહ જોતી બેઠી હતી. તેણે વિચાર્યું કે આજે પ્રદ્યુમન અને તે બંને જણા સાથે જમશે અને તેમના નવપલ્લવિત જીવનનો પ્રારંભ કરશે. તારિકા સુંદર જીવનનાં વિચારોમાં ખોવાયેલી હતી કે ‘ધડાક’ દઈને ઘરનો દરવાજો ખુલ્યો. તેણે ચમકીને જોયું તો પ્રદ્યુમન એટલે બધો દારૂ પી ગયો હતો કે તે ઊભો પણ નહોતો રહી શકતો. તારિકાએ ફરી પાછું પૂછ્યું કે “તમે દારૂ….” પણ પ્રદ્યુમને અટકાવતા જણાવ્યું “મેં તને કહ્યું ને કે સોમરસ….” આટલું બોલતાં બોલતાં પ્રદ્યુમન પથારીમાં પછડાયો. તારિકા આઘાત સાથે ઘરનો દરવાજો બંધ કરીને સૂઈ ગઈ.

તારિકાની રાત ખૂબ જ પીડાદાયક વીતિ હતી તેને શરીરની પીડા કરતાં માનસિક પીડા વધારે કોરી ખાતી હતી. દારૂના નશામાં પ્રદ્યુમને પ્રાણીઓને પણ શરમાવે તેવી હરકતો તારિકા સાથે કરી હતી જેને કારણે તારિકા ઊંડા આઘાતમાં સરી પડી હતી. રાતના વિચારોમાં ખોવાયેલી તારિકાને એ વાતનું ભાન જ ન રહ્યું કે પ્રદ્યુમન તો ઘરમાં છે જ નહીં. એક ક્ષણ માટે તે વિહવળ બની ગઈ પણ દૂરથી પ્રદ્યુમન આવતો દેખાયો એટલે તેને હાશ થઈ. ફિક્કા સ્વરે તારિકાને પડીકું આપતા પ્રદ્યુમન બોલ્યો લે આ નાસ્તો લઈ આવ્યો છું, તું ચા બનાવ. તારિકા ચા બનાવવા માટે સ્ટવ ચાલુ કર્યો કે તેને કંઇક અવાજ સંભળાયો તેણે પાછળ ફરીને જોયું તો પ્રદ્યુમન પથારીમાં પડ્યા પડ્યા ડુસકાં ભરી રહ્યો હતો તારિકાએ નજીક જઈને તેને પૂછ્યું “શું થયું? કેમ રડો છો? ” પ્રદ્યુમને લાગણીસભર ચહેરે જવાબ આપ્યો “ગઈ કાલે રાતે….” તે વધુ કંઈ બોલે તે પહેલા જ તારિકાએ તેને અટકાવ્યો “બસ… જે વીતિ ગયું તેને ભૂલી જાવ.”

“ના પણ મારી ભૂલ….”

“હશે હવે….”

“ના તને મારાથી…..”

“ના મને તમારાથી ખોટું નથી લાગ્યું પ્રદ્યુમન…” તારિકાએ પ્રેમથી કહ્યું.

“મને માફ કરી દે આજ પછી ક્યારેય….”

“આ શું ગાંડા કાઢો છો તમારે માફી માગવાની હોય…. ”

“ના પણ તું મને માફ નહીં કરે તો….. ”

“સારું ભાઇસાબ મેં તમને માફ કર્યા બસ….. ”

એ દિવસથી કરીને આજ સુધી પ્રદ્યુમને દારૂ પીને તારિકાની માફી માગી હોય અને તારિકાએ તેને માફ કર્યો હોય તેવા કિસ્સાઓનો હિસાબ કાઢવા બેસીએ તો કદાચ પાંચ આંકડામાં પહોંચી જાય.

આ આઘાતો વળી ઓછા હોય તેમ તેને સમયાંતરે કૌટુંબિક આઘાતો પણ મળતા રહ્યા જેમ કે તેમનાં ઘર છોડ્યા બાદ રંગબહાર વિખેરાઈ ગયું, ચંદુલાલ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા, ચંદુલાલનું અવસાન વગેરે વગેરે….

પ્રદ્યુમન અર્થોપાર્જન માટે એક નવો પૈસો ન કમાઈ શક્યો અને અધૂરામાં પૂરું હોય તેમ બાળકને પણ જન્મ ન આપી શક્યો. પ્રદ્યુમન આજ કમાશે કે કાલ કમાશે, હું આજ માતા બનીશ કે કાલ, તેમ વિચારતાં વિચારતાં તારિકાનું સમગ્ર જીવન ગંદી, ગંધાતી અને ગોબરી ચાલીમાં પસાર થઈ ગયું. પ્રદ્યુમને બનારસી પાન ક્યારનાય છોડી દીધાં હતાં કારણ કે તેને પોસાય તેમ નહોતું હવે તે બીડીઓના રવાડે ચડી ગયો હતો અને સાથે દેશી દારૂ તો ખરો જ. બીડી પીને પ્રદ્યુમન ખાંસે એટલે ચાલીવાળાઓની પણ ઊંઘ હરામ થઈ જતી, ગળફો તે ઘરના દરવાજાની સામે જ થૂંકતો જે તારિકા સવારે ઉઠીને સાફ કરી દેતી હતી. એક વખત તારિકાએ રોજની જેમ ગળફો સાફ કરતાં જોયું તો ચાર-પાંચ ગળફામાં લોહી પડેલું જોવા મળ્યું હતું પણ શું કરે ડોક્ટર પાસે દવા કરાવવાના પૈસા તો હોવા જોઇએને.

ચાલીમાંના માણસો સતત બદલાતા રહેતા હતા. આ બે જ અહીં રહેતા હતા. તારિકા લોકોના કપડા હાથેથી સીવી આપીને કે ગોદડાં સીવી આપીને માંડમાંડ ઘરનું પૂરૂં કરી શકતી હતી. તેમાંય અડધા પૈસા તો પ્રદ્યુમનની બીડી અને દારૂમાં જતા રહેતા. જોકે તારિકાને પાડોશ હંમેશા સારો મળી રહેતો હતો. ફિલ્મ અને ટીવી લાઇનમાં સ્ટ્રગલ કરવા માટે પણ ઘણા છોકરા-છોકરીઓ આવતા, તેઓ પણ ચાલીમાં રહેતા હતા. એક વખત તો એક સુંદર યુવતીએ તારિકાને કહ્યું પણ હતું કે “આન્ટી આપ કા ફેસ બહુત ફોટોજેનિક હૈ આપ ટીવી સિરિયલો યા ફિલ્મોમે કામ કરો. ” ત્યારે તારિકાએ હસતા હસતા જવાબ આપ્યો હતો “બેટા મુજે ઈસ ઉમરમેં કૌન બુલાયેગા? ” ત્યારે તે છોકરીએ કહ્યું હતું કે “અરે! આન્ટી હમારી જીતની ઉંમરવાલી લડકિયાં એક ઢૂંઢો તો હઝાર મિલતી હૈ, આપકી ઉમર કી ઓરતેંહી નહીં મિલ રહી હૈ. આપ ટ્રાય કરકે તો દેખો. આપકો પતા હૈ આજકલ ફિલ્મવાલો સે ઝ્યાદા પૈસા ટીવીમે કામ કરનેવાલે કમાતે હૈ. ”

કાગનું બેસવવું અને ડાળનું પડવું. બીજે દિવસે તારિકા પડોશમાં ગોદડું સીવીને આપવા ગઈ ત્યાં તેની નજર અખબારમાં આવેલી જાહેરખબર ઉપર પડી, જેમાં લખ્યું હતું કે એક જાણીતા પ્રોડક્શન હાઉસને દરેક પ્રકારના કલાકારોની જરૂર છે. તારિકાની નજર સમક્ષ પેલી યુવતીનાં વાક્યો અને પથારીમાં ખાંસતો પ્રદ્યુમન તરવરી ઉઠ્યા. તેણે પાડોશી પાસેથી પેન અને કાગળ માગીને સરનામું લીધું. બાજુવાળા પાસેથી દસ રૂપિયા ઉછીનાં લઈને તે ઓડિશન ટેસ્ટ આપવા માટે નીકળી પડી. પ્રદ્યુમન અને તારિકાના સંબંધો માત્ર ઘરે સાથે રહેવા પૂરતા જ સીમિત થઈ ગયા હતા. એટલે તારિકા કોઈ જ કામ શરૂ કરતાં પહેલાં પ્રદ્યુમનની મંજૂરી લેવાનું જરૂરી નહોતી સમજતી અને સામે પક્ષે પ્રદ્યુમન પણ તેને કોઈ વાતે ટોકતો નહોતો.

ઓડિશન એક સ્ટુ઼ડિયોમાં હતું ત્યાં પહોંચીને તારિકાએ જોયું તો જુવાની ફાટફાટ થતી હોય તેવા લબરમૂછીયાઓની લાંબી લાઇન લાગી હતી. તારિકાને એક પળ માટે શરમ આવી ગઈ કે આટલા બધાં જુવાનિયાઓ વચ્ચે તે એકલી ડોશી કેવી લાગશે પણ તરત જ તેણે વિચાર્યું “જે થશે તે જોયું જશે. ” તેણે સ્ટુડિયોમાં પ્રવેશ કર્યો, એક આસિસ્ટન્ટ ડિરેક્ટરે તેને અટકાવી “મેડમ કિસસે મિલના હૈ? ” તારિકાએ જવાબ આપ્યો “ઓડિશન કે લિયે. ” આસિસ્ટન્ટે કહ્યું “આપ ઓડિશન કે લિયે?! ” તારિકાએ જણાવ્યું “આપને પેપરમેં એડ દિયા હૈ કિ આપકો હર ઉમર કે કલાકાર ચાહિએ. ” આસિસ્ટન્ટે કહ્યું “ઠીક હૈ આપ બૈઠિયે મૈં ડિરેક્ટર સે બાત કર લેતા હું.”

તારિકા રાહ જોતી બેઠી હતી કે તેને તેની ચાલવાળી છોકરી મળી તે તારિકાને જોઈને તરત જ ઉછળી પડી અને બોલી “વાઉ! આન્ટી યે હુઈ ના બાત. આપ ભી આ ગઈના ઓડિશન કે લિયે પર યે ક્યા આન્ટી ઓડિશન કે લિયે થોડા સજધજ કે આના ચાહિયે ઐસી મૈલી સાડી યહાં નહીં ચલતી. ”

તારિકાએ જવાબ આપ્યો “યે સબ તો ઠીક હૈ બેટા પર મુઝે યે બતા યે ઓડિશનમેં કરના ક્યા હોતા હૈ? ”

છોકરીએ જણાવ્યું “અરે! કુછ નહીં આન્ટી, આપકો સ્ક્રિપ્ટ દેંગે જિસમે ડાયલોગ્સ લિખે હોંગે. આપકો ઉસે ઠીક સે પઢના હૈ બસ, અગર ડિરેક્ટર કો આપકી એક્ટિંગ પસંદ આ ગઈ તો આપકા મોબાઇલ નંબર લેંગે ઔર આપકો એક્ટિંગ કરને કે લિયે બુલાયેંગે. ”

તારિકાને સહેજ ક્ષોભ થયો તે બોલી “ઔર મોબાઇલ ના હો તો? ”

છોકરી હસવા માંડી “અરે! આન્ટી આજકલ કામવાલીયાં ઔર સબ્જીવાલિયાંભી મોબાઇલ રખતી હૈ. આપકે પાસ મોબાઇલ નહીં હૈ? ”

તારિકાએ સંકોચ સાથે જણાવ્યું “નહીં બેટા, તુ તો જાનતી હૈ તેરે અન્કલ કી તબિયત, ઘરમેં ખાને કે ભી પૈસે…. ”

છોકરી અટકાવતા જ બોલી “કોઈ બાત નહીં આન્ટી આપ મેરા મોબાઈલ નંબર દે દિજીયે. આપકે લિયે ફોન આયેગા તો મૈં આપકો મેસેજ દે દૂંગી” એમ કહીને છોકરીએ તેનો મોબાઇલ નંબર લખી આપ્યો કે તરત જ આસિસ્ટન્ટ આવ્યો

“આપકો ડિરેક્ટર બુલા રહે હૈં”

તારિકા અંદર પહોંચી તો ખૂબ જ ચકાચોંધ થઈ ગઈ સ્ટુડિયોમાં દિવસને પણ શરમાવે એટલો બધો પ્રકાશ હતો. ડિરેક્ટર કોઇની સાથે વાતોમાં હતો તેણે તારિકાને જોઈ અને એક-બે સેકન્ડ માટે તેની નજર તારિકા ઉપર સ્થગિત થઈ ગઈ. ડિરેક્ટર માંડ 35થી 36 વર્ષનો હશે તે તારિકા પાસે આવ્યો અને કહ્યું “મિસિસ તારિકા મહેતા આઈ એમ હર્ષ, ડિરેક્ટર ઓફ ધ સિરિયલ. ”

તારિકાએ બે હાથ જોડીને નમસ્તે કર્યા.

ડિરેક્ટરે પૂછ્યું “આપ અપના બાયોડેટા ઔર ફોટોગ્રાફ્સ વગૈરહ લાયી હૈં? ”

“જી, નહીં મૈ તો ઐસે હી….”

“મતલબ આપકે પાસ અપના બાયોડેટા ઔર ફોટોગ્રાફ્સ નહીં હૈ!”

“જી નહીં.”

“આપને કભી સિરિયલ યા ફિલ્મ યા નાટક મૈં કામ કિયા હૈ?”

“જી નહીં પર મેરે પિતાજી નાટક મંડલી ચલાયા કરતે થે ઔર…..”

ડિરેક્ટરે વાત કાપતાં જ પૂછ્યું “આપને કામ કિયા હૈ કિ નહીં?”

“જી નહીં.”

ડિરેક્ટરે સ્પષ્ટ જણાવી દીધું “દેખિયે તારિકાજી આપ હમારે રોલમેં ફિઝિકલી એકદમ ફિટ બૈઠતી હૈ, લેકિન આપકા કોઈ ઇસ ફિલ્ડમૈં એક્સપિરિયન્સ નહીં હૈ, ફિર ભી મૈં આપકા સ્ક્રીન ટેસ્ટ લૂંગા, પર અબ બાત આપકે પરફોર્મન્સ પે જાતી હૈ. યદિ આપને ઠીકસે પરફોર્મ નહીં કિયા તો મૈં કુછ નહીં કર સકતા. સામને પ્રોડ્યુસર્સ ઔર ચેનલ કે આદમી ભી બૈઠે હૈ. યે આપકી સ્ક્રિપ્ટ હૈ, ડાયલોગ્સ રેડી રખિયે, મૈં આપકો 15 મિનિટ મેં વાપસ બુલાતા હૂં.”

તારિકાને સ્ક્રીન ટેસ્ટ માટે પાછી બોલાવવામાં આવી. તેણે કેમેરા સામે જોઇને ડાયલોગ્સ બોલવાનું શરૂ કર્યું અને તારિકાની કિસ્મતનું પત્તું ફરી ગયું.

તારિકા હવે એક નહીં પણ બે અને ત્રણ ત્રણ સિરિયલ્સમાં એકસાથે કામ કરવા માંડી. કેરેક્ટર એક્ટર્સની દુનિયામાં તે છવાઈ ગઈ હતી. માના રોલમાં અને દાદીના રોલમાં તે વિશેષ દેખાવા માંડી હતી. ફિલ્મોના નિવૃત્ત અભિનેતા વિજયકુમાર સાથે તેની જોડી ખૂબ જ જામતી અને લોકો તેમના ભરપેટ વખાણ કરતાં.

વિજયકુમાર સાથે તેની પ્રથમ મુલાકાત વિચિત્ર સ્થિતિમાં થઈ હતી. પહેલી જ મુલાકાતમાં બંનેએ યુવાનીને યાદ કરીને રોમેન્ટિક સિન ભજવવાનો હતો. સિનના રિહર્સલ માટે બંને એકમેકની નજીક આવ્યા ત્યારે તારિકાને જાણીતી ખુશ્બુ વિજયકુમારના મ્હોંમાંથી આવી. તેણે પૂછ્યું “આપ યે ક્યા ખાતે હો?” વિજયકુમારે જણાવ્યું “યે ફોરેન કી ચ્યુઇંગમ હૈ ઔર ઇસકા ટેસ્ટ બનારસી પાન જૈસા હોતા હૈ.”

હવે તારિકા અને વિજયકુમાર એકબીજાને સારી રીતે ઓળખતા થઈ ગયા હતા. વિજયકુમારને બે મોટા સંતાનો હતા અને બંને અમેરિકામાં સેટલ થયા હતા. તેમની પત્ની યોગીની થોડા સમય પહેલાં મૃત્યુ પામી હતી. તેઓ ખૂબ જ એકાકી મહેસૂસ કરી રહ્યા હતા. ઘણી વખત તે અને તારિકા લોંગ ડ્રાઈવ ઉપર પણ જતાં. અંદરખાને કેટલાક લોકો એમ પણ માનતા કે આ બુઢ્ઢો-બુઢ્ઢી એકબીજાના પ્રેમમાં છે.

જોકે, વાત સાવ ખોટી પણ નહોતી. તારિકા અને વિજયકુમાર બંને પરસ્પર હૂંફના ભૂખ્યા હતા. એક વખત વિજયકુમારથી રહેવાયું નહીં અને તેણે પૂછી નાંખ્યું “તારિકા, મેરે સાથ મેરે ઘરમેં રહેના પસંદ કરોગી?”

તારિકા અવાક્ તો થઈ ગઈ પણ ક્ષણેક વાર થોભ્યા પછી તેણે વિજયકુમારના ખભે માથું મૂકી દીધું અને એટલું જ બોલી “કબ આઉં તુમ્હારે ઘર?”

તારિકા હજી નવો ફ્લેટ ખરીદી શકે તેટલા રૂપિયા કમાઇ નહોતી. તે ચાલીના ઘરે પોતાનો સામાન લેવા ગઈ. પથારીમાં પ્રદ્યુમન ખાંસતો હતો એક પળ તારિકાનું મન થંભી ગયું પણ તેને વિચાર આવ્યો કે આ માણસના કારણે જીવનનો પૂર્વાર્ધ બગડ્યો પણ ઉત્તરાર્ધ નથી બગાડવો. તેણે સામાન પેક કરવા માંડ્યો. તારિકાની સામાન પેક કરવાની ઝડપ જેમજેમ વધતી જતી હતી તેમતેમ પ્રદ્યુમનની ખાંસી વધતી જતી હતી. પ્રદ્યુમન કંઇક કહેવા માગતો હતો. તારિકાને સાંભળવાનો સમય નહોતો. પ્રદ્યુમન બોલ્યો “તારિકા, તું મને રજા…..”

“તું મને રજા આપે તો હું જાઉં” પ્રદ્યુમનના છેલ્લા શબ્દો સાંભળવા પણ તારિકા રોકાઈ નહીં અને તેણે વિજય સાથે સહવાસ શરૂ કરી દીધો. પ્રદ્યુમનનાં મૃત્યુ બાદ સમાચાર માધ્યમોએ થોડા છાંટા ઉડાડ્યા પણ વિજયકુમારે પૈસા ખવડાવીને સ્થિતિ થાળે પાડી દીધી.

વિજયકુમાર સાથેનાં શરૂઆતના દિવસો ખૂબ જ આનંદથી પસાર થયા. તારિકાને જેલમાંથી મુક્તિ મળ્યાનો અહેસાસ થયો હતો. જોકે, વિજયકુમારને ઇમ્પોર્ટેડ સિગરેટ પીવાની અને ઉચ્ચ ગુણવત્તાની શરાબો પીવાની ટેવ હતી પણ આ તમામ ટેવોથી તારિકા ટેવાયેલી હતી.

પણ તારિકાનું કિસ્મત બદલાઈ ગયું હતું અને તેમાંય હવે વળાંક આવ્યો હતો. એક વખત તારિકાએ ઉઠીને જોયું તો વિજયકુમાર પથારીમાં નહોતો. તેને બાથરૂમમાંથી કંઇક વિચિત્ર અવાજ આવ્યો. તે ચમકી તેણે બૂમ પાડી “ક્યા હુઆ વિજય?” દરવાજાને ધક્કો મારીને ખોલીને જોયું તો વિજયકુમાર ખાંસતો હતો અને તેના ગળફામાંથી લોહી પડતું હતું.
કેટલું બધું બદલાઈ ગયું હતું તારા કિસ્મતમાં, પહેલા રોજ બીડીઓનાં ઠૂંઠા અને દેશી શરાબની વાસ આવતી હતી તેના બદલે હવે ઇમ્પોર્ટેડ દારૂ અને સિગારેટની વાસ આવતી હતી, પહેલા જે લોહીના ગળફા ગંધાતીને ગોબરી ચાલીમાં પડતા હતા તે હવે ચકચકિત વોશબેઝિનમાં પડતાં હતાં. તારિકાનો આ વિચાર પૂરો થાય તે પહેલાં જ વિજયકુમાર ચક્કર ખાઈને ફસડાઈ પડ્યો. તેને હોસ્પિટલમાં ખસેડી શકાય તેવી સ્થિતિ નહોતી એટલે ઘરે જ ડોક્ટરને બોલાવીને સારવાર આપવી પડી.

સાંજે તારિકા બાલ્કનીમાં ઊભી હતી. આકાશ ગોરંભાયેલું હતું. એટલામાં વિજયકુમારના વકીલની એન્ટ્રી થઈ. તેણે તારિકાને પૂછ્યું “તમે તો સર સાથે એમ જ રહેતા હતાં ને કે કોઈ લિગલ ફોર્માલિટિઝ કરી હતી, સિવિલ મેરેજ કે બીજું કઈં?”

તારિકાએ નકારમાં માથું ધૂણાવ્યું.

“ઓકે ફાઈન જુઓ, સાહેબના નામે આશરે 70 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે બધી જ તેમણે તેમના દિકરાઓમાં સરખે હિસ્સે વહેંચી દીધી છે. આ મકાન તેમના મોટા દિકરાના નામે છે. મારી પાસે તેમનો નંબર છે, હું તેમને જાણ કરી દઈશ. બાકી મારે તમને બીજી કોઈ જાણ કરવાની જરૂર નથી લાગતી.” એટલામાં નર્સ બેબાકળી દોડતી આવી “મેડમ, સર

તમને યાદ કરે છે.” તારિકા દોડતી વિજયના રૂમમાં પહોંચી. તે ખાંસીખાંસીને બેવડ વળી ગયો હતો અને તે માંડમાંડ બોલી શક્યો,

“તું મને રજા આપે તો હું જાઉં તારિકા….”

અને ગોરંભાયેલું આકાશ ધોધમાર રડી પડ્યું.

– અંશુ જોશી

અમદાવાદ નિવાસી શ્રી અંશુભાઈની પ્રસ્તુત ટૂંકી વાર્તા એક સ્ત્રીના જીવનની અનોખી વ્યથાનું શબ્દસ્વરૂપ વર્ણવે છે. સતત પ્રવાહમાં વહાવતી અને છતાંય અંત માટે પકડી રાખતી આ વાત સાદ્યાંત માણવાલાયક રચના છે. અક્ષરનાદને પ્રસ્તુત રચના મોકલવા બદલ શ્રી અંશુભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “અભિનેત્રી – અંશુ જોશી (ટૂંકી વાર્તા)