૧૭મી સદીના અગ્રગણ્ય વિચારક બેનેડિક્ટ સ્પિનોઝાની કલમે…


બારૂચ સ્પિનોઝા (૧૬૩૨-૧૬૭૭) અથવા બેનેડિક્ટ સ્પિનોઝા નેધરલેન્ડ મૂળના યહુદી તત્વચિંતક હતાં. આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાના એ સમયમાં તેમણે ચર્ચનો, પાદરીઓની અમર્યાદ સત્તાનો અને ઈશ્વરના દૂત બની બેઠેલા કહેવાતા ગુરૂઓનો ભારે વિરોધ કર્યો. તેમના વિચારો અન્ય લોકોને પચાવવા મુશ્કેલ હતાં. ઈશ્વર સિવાય બીજા કોઈની પણ સત્તા સ્વીકારવાનો તેમણે ઈનકાર કર્યો. વૈજ્ઞાનિક તથ્યોથી ભરપૂર તેમના રેશનાલિસ્ટ વિચારોનો આજથી લગભગ સાડા ત્રણસો વર્ષ પહેલાના રૂઢિચુસ્ત અને બંધીયાર સમાજજીવનવાળા એ સમયમાં ભરપૂર વિરોધ થયો, યહૂદીઓએ તેમના વિરુદ્ધ ફરમાન જાહેર કરી તેમને અલગ કર્યા તો કેથલિક ધર્મપંથે તેમના પુસ્તકોને પ્રતિબંધિત કર્યા. તેમના વિચારો તલસ્પર્શી, માર્ગદર્શક અને વિવેચનાત્મક તથા સંશોધનાત્મક તથ્યોથી ભરપૂર રેશનાલિસ્ટ વિચારો હતાં. ડચ વિરોધીઓએ તેમના કેટલાક પુસ્તકોને બાળી મૂકેલા, તેમના મૃત્યુ પછીના કેટલાય વર્ષો સુધી પણ તેમના લખાણોનો જોઈએ તેવો પ્રચાર થયો નહીં. આજે તેમને ૧૭મી સદીના રેશનાલિસ્ટોમાં અગ્રગણ્ય માનવામાં આવે છે. અનેક સન્માનો અને પારિતોષિકોને ઠુકરાવીને, અધ્યાપકની મહત્વપૂર્ણ નોકરી છોડીને તેમણે વિરોધીઓની પરવા કર્યા વગર પોતાના વિચારોની અભિવ્યક્તિનું – લેખનનું કાર્ય કર્યે રાખ્યું. કાચ ઘસવાની તેમની નોકરીએ તેમને સિલિકોસિસ જેવા રોગની અને શ્વસનતંત્રની બીમારીઓની ભેટ આપી અને ૧૬૭૭ માં, ૪૪ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું.

સ્પિનોઝાએ તેમના પોતાના નામની આગળ સ્વયં બેનેડિક્ટ લગાડી ઉપયોગ કર્યો. ચર્ચ અને કેથલિક રૂઢીઓ અને પાદરીઓની સતાનો વિરોધ કરતા ઘણાં લોકોની સાથે તેમનો સંપર્ક થયો, એ બધાંએ વિચારવાદ, બુદ્ધિવાદનો પ્રસાર કર્યો જેને હવે રેશનાલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિતિ અને રેખાગણિતનાં ગુણલક્ષણ અને સંબંધને સાબિત કરતું શાસ્ત્ર તેમની પ્રથમ કૃતિ હતી. એ પછી સ્પિનોઝાની ફિલોસોફી અનેક સ્વરૂપે વ્યક્ત થતી રહી જેમાં મુખ્યત્વે એથિક્સ, ફિલોસોફી ઓફ રીલીજીયન, મેટાફિઝિક્સ, પોલિટીકલ ફિલોસોફી, સાયકોલોજી, એપીસ્ટેમોલોજી વગેરે વિશે તેમણે ગહન ચિંતન લગભગ ૧૬૫૦થી અભિવ્યક્ત કરવાનું શરૂ કરીને જીવનના અંત સુધી લખતાં રહ્યાં. વિશ્વસાહિત્યના મહાન નામ જેવા કે ઈલીયટ, વાન ગોધ, આલ્બર્ટ આઈનસ્ટાઈન વગેરે તેમના વિચારોથી ઘણાં પ્રભાવિત હતાં. આલ્બર્ટ આઈનસ્ટાઈનને એક વખત પૂછવામાં આવ્યું કે, “તમે ભગવાનમાં માનો છો?” તેમનો જવાબ હતો, “હું સ્પિનોઝાના દર્શાવેલા ભગવાનમાં માનું છું, જે ઈશ્વરને માણસથી અલગ ઉપરનું અનોખું અપ્રાપ્ય તત્વ નહીં, પરંતુ માનવની અંદર જ ક્યાંક વસતું, હ્રદયના તાર સાથે તાર મિલાવતું આંતરતત્વ બતાવે છે.” ઈશ્વર વિશેના તેમના વિચારો ખૂબ સ્પષ્ટ છે, ભારતીય ભક્તિમાર્ગની જેમ અહીં પણ એકેશ્વરવાદનો પડઘો સંભળાયા જ કરે છે. આ વિષય પર તેમણે ઘણું સર્જન કર્યું છે.

આજે તેમના જ એક સુંદર વિચારવંત પુસ્તક એથિક્સમાંથી થોડુંક આચમન લઈએ…

ઈશ્વર વિશે

ઈશ્વર એટલે એવું સત્વ જે સંપૂર્ણપણે અપરિમિત છે, – અનંત વિશેષતાઓ ધરાવતું એવું સત્વ જેની ખોજ અંદરથી જ કરવી પડે છે, જેની બ્રાહ્ય તત્વદર્શી રીતે પ્રાયોગીક અભિવ્યક્તિ કરવી અશક્ય છે અને છતાંય કરવામાં આવે તો સદાય અધકચરી છે એવો આભાસ થાય. એ સંપૂર્ણપણે પૂરેપૂરું અપરિમિત તત્વ છે, અમાપ છે, અને એ એક તત્વની પોતાની સીમાઓમાંજ નહીં, વૈચારીક સીમાઓની દ્રષ્ટિએ પણ અમાપ છે, અનંત છે. હકીકતોનો જે સાર છે, અને છતાંય જે અસાર છે.

મુક્ત કોણ છે? – મારા મતે એ જે પોતાની સ્વને લીધે જ અસ્તિત્વમાં છે, જેનું કાર્યકારણ તેના પોતાના વડે નક્કી કરાયેલ છે અને જે કોઈને કારણરૂપ ન હોવા છતાંય જેનું હોવું જરૂરી છે, અથવા એક રીતે બંધનપાત્ર છે, જે જીવનની અને અસ્તિત્વની કોઈ એક નિશ્ચિત પધ્ધતિને અનુસરીને અસ્તિત્વ ધરાવે છે એ મુક્ત છે.

શાશ્વતનો મારો અર્થ છે પોતાનું અસ્તિત્વ, જે શાશ્વત છે તેને અનુસરવા અને તેનાથી જ જેનું અસ્તિત્વ છે એવા તત્વને પામવાની અવસ્થા. આ પ્રકારનું અસ્તિત્વ એક ચોક્કસ દર્શન છે, એક તત્વના મર્મની જેમ કે હયાતીની જેમ તેને પણ શબ્દો દ્વારા અથવા ક્રિયાઓ દ્વારા સમજાવવું અશક્ય છે. સમયની કોઈ સીમાઓ દ્વારા પણ તેને બાંધી શકાતું નથી, છતાંય જેનું સતતપણું શરૂઆત અને અંતના છેડાઓ સિવાય પણ અસ્તિત્વ ધરાવે છે.

ઈશ્વર અથવા એવું કોઈ તત્વ કે જે અમાપ છે, દરેકની બ્રાહ્ય, આંતરીક અને મનોગત ભાવના સાથે જોડાયેલ છે, એ અસ્તિત્વ ધરાવે છે.

દરેક વસ્તુ કે જેનું અસ્તિત્વ છે તેને દલીલોથી અને તર્કોથી સાબિત કરી શકાય છે, ઉપરાંત જેનું અસ્તિત્વ અનુભવી શકાતું નથી તેને દલીલોથી ન હોવા વિશે જો સાબિત કરી શકાય તેમ થાય તો ઈશ્વર નથી એમ કહી શકાય. જેમ કે એક ત્રિકોણ અસ્તિત્વ ધરાવે છે તો તેના માટેના જરૂરી પરીબળો દ્વારા એ સાબિત કરી શકાય છે, પરંતુ એ ત્રિકોણ ચોરસ નથી એમ સાબિત કરવાથી ચોરસનું અસ્તિત્વ આપોઆપ સિદ્ધ થાય છે. ઈશ્વરનું પણ કાંઈક આવી જ રીતે અસ્તિત્વ સાબિત કરવું હોય તો કરી શકાય. અથવા તો એક ચોરસ વર્તુળનું અસ્તિત્વ શક્ય નથી એ સાબિત કરવાની જરૂર પણ પડતી નથી કારણકે એ તત્વના ઉલ્લેખમાં જ પ્રાથમિક મતભેદ છે. એટલે એના અસ્તિત્વ વિશે નકારાત્મક હોવું પૂરેપૂરું વ્યાજબી છે.

એક ત્રિકોણના અસ્તિત્વ માટે જો કોઈ અતિગંભીર મતભેદ કે તત્વદર્શી કારણ ન હોય તો તેના અસ્તિત્વને નકારી શકાય નહીં. આમ અસ્તિત્વનું કારણ એ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિના ગુણધર્મોમાં આપોઆપ ઉભરી આવે છે અથવા અથવા બ્રાહ્ય પરીબળો દ્વારા સમજાવવું પડે છે.

ઈશ્વરીય સત્તાનું અસ્તિત્વ એક અવશ્યંભાવી હકીકત છે, તાત્વિક સત્ય છે.

ઈશ્વરીય કે ઈશ્વરી સત્તા દ્વારા બનાવવામાં આવેલી અથવા પ્રેરીત વસ્તુઓનું અસ્તિત્વ નથી હોતું, જેમ એક તત્વને પૂર્ણતઃ મિટાવી શકાતું નથી કે કોઈ નવા તત્વને નિર્મિત કરી શકાતું નથી, ફક્ત તેમનો સ્વરૂપફેર થાય છે, તેમ પ્રભુ દ્વારા પ્રેરીત વસ્તુઓ જો હોય તો અવિનાશી હોવી જોઈએ અથવા તેમનું અસ્તિત્વ માની શકવાને કારણ નથી.

એક વસ્તુ જે તેના ગુણધર્મો અને સારરૂપ સત્વ અનુસાર કાર્ય કરે છે તેને એવા જ ગુણધર્મો અપાયા છે – જો તેમ ન હોય તો કોઈ વસ્તુ પોતે પોતાને કોઈ વિશેષ કાર્ય કે કોઈ ગુણધર્મ આપી શક્તી નથી. આમ દરેક વસ્તુના ગુણધર્મ ઈશ્વરારોપિત છે.

કોઈ પણ વસ્તુ કે જેનુ અસ્તિત્વ અમાપ છે અને જે શરતી અસ્તિત્વ ધરાવે છે એવી વસ્તુના પોતાના અસ્તિત્વ સિવાયના કારણો માટે તેનું સંભવ હોવું શક્ય નથી.

લાગણીના ઉદભવ અને સ્વરૂપ

ઘણા કિસ્સાઓમાં આપણું મગજ સક્રિય અને ઘણી વાતોમાં નિષ્ક્રિય હોય છે. તેની પાસે વિચારવાન મુદ્દાઓનો જથ્થો હોય ત્યાં સુધી તે સક્રિય છે અને એ વિચારોની અનુપસ્થિતિ નિષ્ક્રિયતા છે.

મનને શું વિચારવું એ માટે શરીર કોઈ પણ રીતે બાધિત કરી શક્તું નથી. અને એ જ રીતે મન પણ શરીરે કઈ રીતે ક્રિયાઓ કરવી અથવા ન કરવી એ વિષે નિર્ણય કરી શકતું નથી.

મન પર જ્યારે કોઈ વખત એક સાથે બે ભિન્ન પ્રકારની લાગણીઓનો અનુભવ થાય છે, ત્યાર પછી જ્યારે પણ એ બે માંથી એક લાગણી અનુભવાય ત્યારે બીજી લાગણીનો અનુભવ અવશ્યંભાવી રીતે થાય જ છે.

એ જે પોતાના મનગમતા પદાર્થનો નાશ થયેલો જાણે છે તે નક્કી દુઃખી થાય છે, એને જો એમ અનુભવાય કે એ પદાર્થ સદાય સુરક્ષિત છે તો તે આનંદિત રહેશે, એ જ રીતે પોતાની અણગમતી વસ્તુનો નાશ થયેલો જાણીને પણ તે આનંદિત થશે.

આપણે જો એવું અનુભવીએ કે કોઈ પદાર્થ કે ક્રિયા સુખદ રીતે આપણી મનગમતી વ્યક્તિ સાથે સંકળાય છે, તોએ પદાર્થ કે ક્રિયામાં આપણે અનુભવ્યા વગર પણ પ્રસન્નતા અનુભવીએ છીએ, અને એ જ રીતે આપણે જો આપણા પ્રેમના પદાર્થને નડતી કોઈ વસ્તુ વિશે જાણીશું તો તેના તરફ ઘૃણાનો ભાવ પણ આપોઆપ ઉદભવશે.

દુઃખ-સુખ, નફરત-પ્રેમ માં જે ઈચ્છાઓ જન્મે છે એ તે દરમ્યાનની લાગણીઓ જેટલી જ પ્રબળ હોય છે.

એ વાતથી ઉદભવતો આનંદ, કે આપને જેને નફરત કે ધૃણા કરીએ છીએ એ વસ્તુ પદાર્થ કે વ્યક્તિ તકલીફ કે દુઃખમાં છે – આપણને પણ અમુક અંશે અજાણતા દુઃખ તો આપે જ છે.

આત્મવિશ્વાસ એ ભૂતકાળના કે ભવિષ્યના કોઈક બનાવ કે વસ્તુને લઈને ઉદભવતો આનંદ છે, એવો બનાવ જેમાં શંકાના બધા કારણો નિર્મૂળ થઈ ગયા છે.

અમાપ વસ્તુઓ જે ઈશ્વરને અમાપ રીતોથી વર્ણવે છે તે હકીકતમાં એક જ છે.

માનવના શરીરના નષ્ટ થવા સાથે બધુંજ નષ્ટ નથી થઈ જતું, કાંઈક સત્વ કાયમી રહી જાય છે.

– બેનેડિક્ટ સ્પિનોઝા,

ભાવાનુવાદનો પ્રયત્ન – જીજ્ઞેશ અધ્યારૂ

આપનો પ્રતિભાવ આપો....