ભગત પીપાજી મહારાજનું પીપાવાવ – જીજ્ઞેશ અધ્યારૂ (ભાગ-૨) 10


આ લેખનો પ્રથમ ભાગ અહીં ક્લિક કરવાથી વાંચી શકાશે.

મહુવાથી દસેક કિલોમીટર દૂર દરિયાકિનારે શ્રી ભવાની માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં પાસે આજે જે કતપર નામે ઓળખાતું ગામ છે તે પુરાતન સમયમાં કુંદનપુર નામે ઓળખાતુ ગામ હતું. ભવાની તે રાજ્યના કુળદેવી હતાં. વિદર્ભના રાજા ભિષ્મકની ઈચ્છા તો રૂક્મિણીના લગ્ન શ્રીકૃષ્ણ સાથે કરાવવાની હતી, પરંતુ ભીષ્મક મગધના રાજા જરાસંઘની અસર તળે હતો, જ્યારે રૂક્મિ, રૂક્મિણીના ભાઈએ આ વાતનો વિરોધ કર્યો. તેની ઈચ્છા રૂક્મિણીના લગ્ન ચેદી રાજકુમાર શિશુપાલ સાથે થાય એવી હતી, કારણકે ચેદી જરાસંઘની રહેમનજર હેઠળનું રાજ્ય હતું. આમ તેના અને ભીષ્મકના વાર્તાલાપને સાંભળી જતા રૂક્મિણીએ સુનંદ નામના બ્રાહ્મણને કૃષ્ણને નામે એક પત્ર આપીને સંદેશાવાહક તરીકે રવાના કર્યો. પત્રમાં રૂક્મિણીની ચતુરાઈ અને બુદ્ધિમતા છતી થાય છે, પત્રમાં રૂક્મિણી શ્રીકૃષ્ણને ઉદ્દેશીને પોતાના પ્રેમનો સ્વીકાર કરે છે, અને ગિરિજાના મંદિરેથી દિવસે પોતાનું અપહરણ કરવા તથા પોતાને સ્વીકારવા શ્રીકૃષ્ણને પ્રાર્થે છે. ભાગવતના દસમ સ્કંધમાં આ પત્રનો ઉલ્લેખ છે. સંદેશ મળતા કૃષ્ણ અને બલરામ કુંદનપુર જવા રવાના થાય છે. આ તરફ શિશુપાલને રૂક્મિ તરફથી સમાચાર મળે છે કે કુન્દી જઈ તે રૂક્મિણી સાથે લગ્ન કરવા તૈયાર રહે. ગુપ્તચરો મારફત ભીષ્મક અને શિશુપાલ બંનેને કૃષ્ણના આગમન અંગે સમાચાર મળે છે. આ તરફ મંદિરે પહોંચ્યા છતાં કૃષ્ણને આવેલા ન જોઈ રૂક્મિણી નિરાશ થાય છે. તે મંદિરમાં જઈ માતાના દર્શન કરી બહાર આવે છે ત્યાં તે સુનંદ અને કૃષ્ણ બંનેને જુએ છે અને કૃષ્ણ તેમને રથમાં લઈને દ્વારકા તરફ રવાના થાય છે.

શિશુપાલ અને રૂક્મિ આ ઘટનાને લઈને તેમનો પીછો પકડે છે, જો કે બલરામ બીજા બધાને રોકી પાડે છે, પરંતુ રૂક્મિ કૃષ્ણના રથની લગોલગ પહોંચે છે, કૃષ્ણનું તેની સાથે યુદ્ધ અને પછી તેનું મુંડન કરીને છોડી મૂકવાની ઘટનાઓ પછી તે પાછો ફરે છે. આ તરફ કૃષ્ણનો રથ રાત્રી સમયે એક લીમડા નીચે આવીને વિરામ કરે છે. એ લીમડાનું ઝાડ અને એ સ્થળ આજના પીપાવાવ ધામને ગણવામાં આવે છે, જ્યાં તેઓ ગાંધર્વલગ્ન કરે છે. આ પછી બીજા દિવસે કૃષ્ણ અહીંથી આગળ વધે છે અને કોડીનાર પાસે મૂળદ્વારકાના રણછોડરાયના મંદિર વાળી જગ્યામાં રાત્રીમુકામ કરે છે, અંતે દ્વારકાની હદમાં આવેલા માધવપુર ઘેડમાં તેમના રૂક્મિણી સાથે વિધિવત લગ્ન થાય છે. આજે પણ ચૈત્ર સુદ નોમ ના દિવસે અહીં આ ઉત્સવ મેળા સાથે ઉજવાય છે.

ઈ.સ. ૧૪૪૦ માં પોતાના સ્વપ્નને લઈને મહાજનોને કરેલી વાતને આધારે પીપાજી મહારાજે કૂવો ખોદાવતાં અને એમાંથી કૃષ્ણની મૂર્તી મળી આવી હતી. એ મૂર્તીની સ્થાપના કરી તેઓ સીતાદેવી સાથે અહીં જ રહ્યાં. તેમના ચમત્કાર અને કાર્યોની અનેક વાયકાઓ અહીં મળી આવે છે. શ્રીમદ ભાગવતની કથામાં એ વાતનો પુરાવો મળે છે કે કૃષ્ણ અહીં આવ્યા હતાં. તો નીલકંઠ તેમના ભારતભ્રમણ દરમ્યાન અહીં આવ્યા હતાં. સ્વામીનારાયણ સંપ્રદાયમાં આ વાવ પ્રસાદીની વાવ મનાય છે, સહજાનંદ મહારાજ આ વાવમાંના પાણીથી નહાયા હતા અને પીપાવાવનું મહાત્મય ગાયુ હતું સ્વામીનારાયણ સંપ્રદાયના હરી લીલામૃતમાં પણ એ વાતનો ઉલ્લેખ આવે છે.

પીપાભગત વિશે અનેક વાયકાઓ અને વાતો પ્રસિદ્ધ છે. દ્વારકાધીશના દર્શન કરીને પાછા ફરતાં ચાલતા ચાલતા બપોર ટાણું થયું. રસ્તામાં એક ગામ આવ્યું. ગામમાં થોડા માણસો ચોરે બેઠા હતાં. “રામ રામ” પીપાજીએ કહ્યું, “આ ગામમાં કોઈ ભગતનું ઘર ખરું? બપોરા કરવા છે.” કોઈક બોલ્યું, “છે ને, ઢાંગર ભગતનું ઘર છે, ત્યાં જાઓ, બહુ મોટા ભગત છે.”

ઢાંગર ભગત સાચા પણ ઘરની હાલત પણ ભગતના ઘર જેવી જ, હાંલ્લા કુસ્તી કરે, ભગત અને પત્ની બે જ જીવ, પીપાભગત અને સીતાદેવી પૂછતા પૂછતા તેમના ઘરે આવ્યાં, “છે ભગત ઘરમાં? રામ રામ.” ભગત તો માળા કરતાં ઉભા થયાં, કહે, “આવો આવો મારા બાપ, મારે આંગણે મહેમાન ક્યાંથી?” રાજી થઈ આવકાર આપ્યો, તૂતેલા વાણવાળો ખાટલો ઢાળ્યો. માથે ફાટેલી ગોદડી પાથરી ઉપર બેસાડ્યા.

“તમે ઢાંગર ભગત?” તો કહે “બાપા ભગત તો બધા ગામલોકો કહે છે, બાકી તો ભગવાનનું નામ લઊં છું.” પીપાજી કહે, “ભગત દ્વારકાધીશની જાત્રાએથી આવીએ છીએ, થયું ગામમાં કોઈ ભગત હોય તો બપોરા કરીએ.” ભગત કહે, “ભલે પધાર્યા, ભલે આવ્યા.” જમાડવાના છે, રોટલા કરવાના થશે એટલે અંદર જઈ પત્નીને કહે, “બે અતિથિ છે, રસોઈ કરો, એમને જમાડીએ.” પત્ની કહે, “અહીં આવો તો.” રસોડામાં લઈ ગયાં, ” ઘરમાં કાંઈ નથી. શું બનાવું?” ભગત કહે, “અરે આજ આપણો અભ્યાગત ધર્મ લાજશે. એના કરતા વાણીયાની દુકાનેથી ઉધાર લઈ આવું. પછી પૈસા આપી દઈશું.” પત્ની કહે, “પણ હવે કોઈ ઉધાર આપે તેમ નથી, અગાઊના પૈસા હજી બાકી છે, ઉધારી એટલી ચડી છે કે હવે કોઈ આપવાય તૈયાર નથી.”

ભગતની આંખમાં આંસુ આવી ગયા કે આજ અતિથિ ભૂખ્યા જાય તો? એ તો બનવા ન દેવાય, પત્નિના શરીર ઉપર, અંગ ઉપર એક જ સાડી હતી. કોઠી સાવ ખાલી હતી, ભગતના પત્ની કોઠીમાં ઉતર્યા, અને સાડી અંદરથી કાઢીને આપતાં કહે, “જાઓ આ વેચી આવો અને જે પૈસા મળે એમાંથી લોટ લઈ આવો.” એટલે ભગત સાડી લઈને ગયાં, પત્નીએ બારણું બંધ કર્યું. સાડી વેચવાથી જે પૈસા ઉપજ્યા એમાંથી લોટ લઈ આવ્યા અને પત્નીને અંદર અંબાવી દીધો રોટલા ઘડવા.

રસોઈ તૈયાર થઈ અને ઘરમાં પીપાભગત અને ઢાંગર ભગત ભજન કરતા હતાં ત્યાં અંદરથી સાદ પડ્યો, “રોટલા તૈયાર છે, જમી લો.” એટલે ઢાંગર ભગતે પીપાભગતને કહ્યું, “ચાલો વહાલા, હાથપગ ધોઈ લો, જમવાનું તૈયાર છે.” પીપાભગત અને સીતાદેવી હાથપગ ધોઈને જમવા બેઠા. થાળી પીરસી, રોટલા મૂકાયા. ભગત કહે, “દેવ જમો.” એટલે પીપાજી કહે, “એમ ન જમાય, આ તો પ્રસાદ છે, એ સાથે જ લેવાય, અમારા માને બોલાવો.” ઢાંગર ભગત કહે, “અમે બેય પછી જમીશું, તમે જમો.” પીપાજી કહે, “નહીં નહીં સાથે જ જમીએ.” ભગતનો ખચકાટ પીપાજી પારખી ગયા. કહે, “ના બોલાવશો.” ઢાંગર ભગત રડી પડ્યાં, કહે, “દેવ આવી શકાય તેમ નથી.” ભગત કહે, “ના કહો તો આણ છે.” ઢાંગર ભગત કહે, “આ નહોતુ કહેવુ પણ તેના અંગ માથેની છેલ્લી સાડી વેચીને આ રોટલા કર્યા છે, અમારો અભ્યાગત ધર્મ ન લાજે દેવ, તમે ભોજન કરો.”

પીપા ભગત ઉભા થઈ ગયા, કહે, “પ્રસાદ લઈશું તો ચારેય સાથે.” મહારાણીનો હાથ પકડ્યો અને કહે ચાલો દેવી. ભગત આડા ઉભા રહી ગયા, કહે “દેવ અમારા અતિથિધર્મને ડાઘ લાગશે, જમીને જ જાઓ.” પીપાજી કહે, “ભોજન તો ચારેય સાથે જ કરીશું. અમે જતાં નથી, તમારા ઘરનું જ જમીશું, પણ ચારેય સાથે જ જમીશું. અમે હમણાં આવ્યા.”

મહારાણીને લઈને પીપાભગત ગામમાં આવ્યા. ઠાકરના મંદિરના પૂજારીને મળ્યા, “એક ઢોલકું મળશે બાપા? અને મંજીરા હોય તો.” પૂજારી કહે, “મંદિર છે એટલે એ તો હોય જ, પણ તમે કયા ગામના? ક્યાં આવ્યા છો?” પીપાજી કહે, “અમે અજાણ્યા છીએ પણ હમણાં પાછા આપી જઈશું.” એ લઈને પીપાજી સીતાદેવી પાસે આવ્યા, ગામના ચોરાની વચ્ચોવચ ભગત ઢોલકુ વગાડે, અને ભગવાનના નામની ધૂન લે અને મહારાણી નાચે ચોરાની વચ્ચે. એટલે લોકો જોવા ભેગા થયા અને પછી કોઈકે પૈસો અને કોઈકે બે પૈસા ફેંક્યા. એ બધાય ભેગા કરી, ઠાકર મંદિરે ઢોલકું મંજીરા પાછા આપીને એક આનો મંદિરે ધરી બાકીના પૈસાથી સાડી લીધી. પછી લૂગડું લઈ ગયા ઘેર, ઢાંગર ભગતને કહે, “લ્યો, મારા માને કહો બહાર આવે.” એ સાડી પહેરીને પછી ઢાંગર ભગતના પત્ની બહાર આવ્યા. ચારેય જણાએ પ્રસાદ લીધો.

પીપો ભગત અને સીતાજી જવા તૈયાર થયા એટલે ભગત કહે, “હવે અમેય તમારી સંગે સંગે જ પ્રભુભક્તિ કરીશું.” પીપાજી કહે, “સાચું છે, બે થી ચાર ભલા.” અને સંઘ ઉપડ્યો. ચારેય ચાલી નીકળ્યા.

મહારાણીને તરસ લાગી, આસપાસ જોયું તો ક્યાંય પાણી નહીં, આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા હતાં એમાં એક સિંહ ડણક દેતો સામે દેખાયો. એને જોઈને પીપાજી કહે, “આ રહ્યો મારો દ્વારકાનાથ, નરસિંહ રૂપ લઈને દર્શન આપે છે.” એની ડણકમાંથી પીપાએ સંદેશ સાંભળ્યો કે અહીં કંઇક યાત્રાળુઓ તરસ્યા જાય છે, કંઈક કરો. પછી ચારે જણાએ ત્યાં વાવ ખોદવાનું નક્કી કર્યું, બાજુના ગામમાં જઈને જરૂરી વસ્તુઓ લઈ આવ્યા, ઢાંગર ભગત ને પીપો ખોદતા જાય ને બન્ને સ્ત્રીઓ ધમેલા ભરતી જાય, માટી કાઢતી જાય, એમ કરતા વાવ ખોદી અને મીઠું મધ જેવું પાણી નીકળ્યું. આજે એ વાવ પીપાવાવના નામથી પ્રખ્યાત છે, એના નામ પરથી ગામનું નામ પીપાવાવ પડેલું. અંગ્રેજોના સમયમાં દરિયાકિનારાની આ પટ્ટી પરના આસપાસના બંદરોના અંગ્રેજ નામકરણ થયાં, જેમ કે પોર્ટ વિક્ટર, પણ પીપાવાવ બંદર તથા શિપયાર્ડ અને તેની ખ્યાતિ એ સર્વેને આંબી ગઈ એમાં ક્યાંક મૂળમાં પીપાજીના આશિર્વાદ જ હશે ને ક્યાંક? આજે પણ પીપાવાવ ધામના મંદિરે એ પ્રતિમા અને કૂવાના દર્શન કરી ધન્ય થવાનો લહાવો લેવા જેવો છે.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “ભગત પીપાજી મહારાજનું પીપાવાવ – જીજ્ઞેશ અધ્યારૂ (ભાગ-૨)