તડ ને ફડ – વર્ષા જોષી 9


કેટલીક વખત આપણી પોતાની માન્યતાઓ અને ધારણાઓ વાતને કેવી ખોટા વિચારે પરોવી આપે છે એવું દ્રષ્ટાંત તાદ્દશ્ય કરતી પ્રસ્તુત વાર્તા ખરેખર આંખ ઉઘાડનારી ઘટના જેવી છે. મનજી એ આપણા ગ્રામ્યસમાજના માનસનો પડઘો છે, એ જેટલો નિખાલસ છે એટલો જ તરત નિર્ણય લઈ લેનારો પણ છે, તો શારદા એક ગૃહિણી હોવા ઉપરાંત એક પ્રેમાળ અને કાળજી લેનારી પત્ની પણ છે, એ વાતનો અહેસાસ આ વાર્તા વાંચ્યા પછી સહેજે થાય. ખૂબ સુંદર ગૂંથણી સાથેનો સતત વાર્તા પ્રવાહ આ ટૂંકી વાર્તાને અનેરા રંગે રંગી જાય છે.

* * * *

“એય, સાંભળો તો…” મનજી સવારમાં ઘર બહાર પગ મૂકવા જતો હતો ત્યાં જ તેની પત્ની શારદાએ ધીરેથી ટહુકો કર્યો.

મનજી આગળ જતો અટકી ગયો, શારદાને ટીકી ટીકીને જોવા લાગ્યો. મનમાં બબડ્યો પણ ખરો, “મને ખબર છે… તારે શું કામ છે.”

સાડીના છેડા નીચેથી પરબીડિયું કાઢીને શારદા બોલી, “આને ટપાલપેટીમાં નાખી દેજો.”

“એ.. હો” કહીને મનજીએ પરબીડિયું ઝૂંટવી લીધું. શારદાની નજર સામે જ એણે આપેલા પરબીડિયાને મસળી નાખવાની ઈચ્છા થઈ આવી, પણ તેણે ગુસ્સાને રોકી લીધો.

શારદાને પણ મનજીના આવા વર્તનથી થોડુંક આશ્ચર્ય થયું. પણ ઝાઝું ગણકાર્યા વિના એ મનજી સામે મલકીને રસોડામાં જતી રહી.

મનજીએ ધૂંધવાતા મને કવરને બેવડું કરીને ખિસ્સામાં નાખ્યું. ટપાલપેટી ગામના ચોરે ટીંગાતી હતી, ચોરા તરફ જવાને બદલે તેની વિરુદ્ધ દિશામાં રમેશના ઘર તરફ પગલાં માંડ્યા. રમેશ તેનો નાનપણનો ભાઈબંધ હતો, ભણેલો હતો.

મનજીના મનમાં ગુસ્સાનો ચરુ ઉકળતો હતો, “તને એમ કે મને કંઈ ખબર નથી? રાતે છાનીમાની ઉઠીને ફાનસના અજવાળે તું લખતી’તી ઈ બધુંય આ ભાયડો જોતો’તો. તને એમ કે આ અભણ મનજીને શું ખબર પડવાની છે? મનજીને તેં સાવ ડોબા જેવો માન્યો હશે કાં? પણ તનેય ભૂ ન પાઈ દઊં તો મારું નામ મનજી નહીં. તું ભણેલી છો તે શું થયું? મારાથી છાની છાની ટપાલું લખવા માંડી? કોણ જાણે શું ય લખ્યું હશે એના બાપને?”

“નક્કી એવું લખ્યું હશે કે મને આ અભણ હાર્યે ક્યાં ભટકાદી, મને અહીં જરાય ગમતું નથી. અહીંથી મને તેડી જાવ. બસ મારી જ ફરીયાદ કરી હશે.”

“પણ ઈ ભણેશરીની દિકરી નથી જાણતી કે હવે એના બાપને અહીંનો ઉંબરો પણ નહીં ચડવા દઉં.”

“શું લખ્યું છે એ પહેલા રમેશ પાસે જઈને વંચાવી લઉં! બધું જાણી લઉં; પછી એ ભણેલીની ખેર નથી. તેની ઓકાત ખાટી ન કરી નાખું તો મારું નામ…. મનજી નૈ!”

રમેશના ઘર તરફ વળતાં મનજીને થયું, મને થોડું ઘણું વાંચતા આવડતું હોત તો મારે આમ કોઈની પાસે વંચાવવા ન જવું પડત. પણ વાંધો નૈ, આજે એને ય બતાડી દઉં કે…

“રમેશ…” સાદ સાંભળીને રમેશ બહાર આવ્યો, એને બાવડેથી પકડીને મનજી એકાંત જગ્યાએ લઈ ગયો.

“પણ ક્યાં લઈ જાય છે?” રમેશ મનજીની પાછળ પાછળ ઢસડાતો ચાલવા લાગ્યો.

ખિસ્સામાંથી કવર કાઢી મનજીએ કહ્યું, “લે… આ વાંચી દેખાડ… ઈવડી એણે શું લખ્યું છે ઈ…”

“આતો… આતો… ભાભીએ ટપાલ લખી છે… તેના પિતાને ત્યાં”

“હવે ભાભીનો સવાદિયો થા માં, મને ખબર છે એણે એમાં શું લખ્યું છે, ઈ ભસવા માંડ એટલે ઘરે જઈને તારી ભાભીનેય મજા ચખાડું…” મનજીનો રોષ ઉછળતો હતો.

રમેશેહળવેથી બંધ કવર ખોલ્યું પછી વાંચવા લાગ્યો, જેમ જેમ વાંચતો ગયો , મનજી સાંભળતો ગયો તેમ તેમ મનજી વિશે તેણે લખેલા વાક્યોથી એ ભીંજાતો રહ્યો.

શારદાએ એના પિતાજીને લખ્યું હતું કે એ ભણ્યા નથી પણ એટલા હેતાળવા છે કે ન પૂછો વાત, એની કોઠાસૂઝ ભલભલા ભણેલાને પણ પાછા પાડી દે એવી છે. મને તો એકેય વાતે ઓછું જ નથી આવવા દેતા, મારી ખૂબ જ કાળજી રાખે છે, કામઢા એવા છે કે કામ કરતાં થાકે જ નહીં, મારે પરાણે તેમની પાસેથી કામ છોડાવવું પડે છે, થોડા ખીજાળ છે પણ તરતજ ગુસ્સો ઉતરી જાય છે, મને ઘણી વાર થાય છે કે એ ભણેલ હોત તો? સોનામાં સુગંધ ભળત. થાય છે કે તેને હું જ ભણાવું. ને વાંચતા લખતા શીખવી દઉં. પણ એને મારી પાસે ભણતા નાનપ નહીં લાગે ને? એને અપમાન જેવું લાગે તો? એટલે એને હું કહી શક્તી નથી, તમે આવો ત્યારે મારા વતી તમે એને વાત કરજો, જેથી એને નાનપ ન લાગે…

“બસ બસ… રમેશ બસ…” રમેશને આગળ વાંચતો અટકાવીને મનજી બોલ્યો, “હવે આગળ નથી વાંચવું.”

“અરે, પણ હજી તો ઘણુંય બાકી છે.” રમેશે વ્યંગમાં કહ્યું.

“બસ… હું હૈયાફૂટ્યો… કે હીરાને કાચ માની બેઠો, સબળાને મેં સાવ અબળા માની…” આંખના ખૂણા લૂછતો મનજી બોલ્યો, “જે સ્ત્રીને માને અબળા ઈ પુરુષ નબળા.” હવે હું જ તારી ભાભી પાસે ભણીશ. એમાં નાનપ શેની?”

પછી સ્વસ્થ થઈને અસલ રંગમાં આવીને મનજી બોલ્યો, “બસ, તમારા ભણેલાની આ કઠણાઈ, મોંએથી હોય એવું ફાટે નહીં અને અમે તો હોય એવું તડ ને ફડ કરીએ.”

આમ કહી મનજી દોડ્યો ચોરા બાજુ ટપાલ નાખવા.

– વર્ષાબેન જોષી (અખંડ આનંદ સામયિક, મે-૨૦૦૮ ના અંકમાંથી સાભાર.)


Leave a Reply to Hemant PunekarCancel reply

9 thoughts on “તડ ને ફડ – વર્ષા જોષી