રાજના વેર – હાર્દિક યાજ્ઞિક 11


એક વાર્તાની સાથે સાથે તેની પૂરક અથવા સમાંતર ચાલતી બીજી વાત મૂળ વાર્તાના પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવે તો વાર્તાની અસરકારકતામાં અનેરો બદલાવ આવે છે. રા’ નવઘણની વાતના તાર સાથે ચાલતી વાર્તાની મુખ્ય ધારા એવી સરસ રીતે ભળી જાય છે કે વાર્તાનું એક અભિન્ન અંગ બની જાય છે. અક્ષરનાદના વાચક મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક દૂરદર્શન અમદાવાદમાં ન્યૂઝરીડર તરીકે ફરજ બજાવે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને મોકલવા તથા પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ કૃતિઓ મળતી રહે તેવી અનેક શુભકામનાઓ.

* * * *
પાટણની પ્રજા અત્યારે મીઠી નીંદરડીને વ્હાલી કરી ઊંઘી રહી છે. ત્યાં પાટણના દરવાજાથી થોડે દૂર ચાચરના ઓવારે, જેની કસોક્સ બંધાયેલ ચોરણીમા ફાટુ ફાટુ કરતી છાતી હિલોળા લે છે, તેવો વિરભદ્ર જેવા એક માણસની લાલઘૂમ આંખો એકીટશે પાટણ ના ધ્વજ ને જોઇ રહી છે. લાગે છે કે હમણા પાટણ ની સત્તાને એ પળમા વિખેરી નાખશે. પાછળ ઉભેલા ઘરડા પણ જમાનાને ઘોળીને પી ગયા હોય તેવા ચાકરે ધીમા અવાજે કહ્યું, “રા! ખમૈયા મારા બાપ.. દરવાજે રોન વધુ હશે. થોડો આરામ કરી લ્યો ને બાપુ ..”

હજી પણ ચાતક નજરે પાટણ તરફ જોતાએ યોધ્ધાએ જવાબ આપ્યો, “હવે તો આ રા’નવઘણ માંટે પાટણના જયસિંહને હરાવે નહી ત્યા સુધી આરામ કરવો એ તણખલુ મોંમા દાબવા બરોબર છે.”

ત્યાં દૂર કોઈના ધીમા પગલાનો અવાજ સંભળાતાજ રા’સાબદો થાય છે. પોતાની રાણી કરતા પણ વધુ વ્હાલી તલવારની મુઠ પર તેનો હાથ જાય છે. ત્યાંજ તેને અવાજ સંભળાય છે..

* * *

“સૂરજ, જરા ગાડીનું એ.સી ચાલુ કરી દે, સાહેબ પાંચ મીનીટમાં આવી રહ્યા છે.” રા’નવઘણ હવે શુ કરશે તેની ચિઁતામાંથી સૂરજ સીધ્ધોજ રાજેન્દ્રભાઈ પટેલ ગાડી ઠંડી નહી હોય તો શુ કહેશે ની ચિઁતામાં આવી ગયો. જલ્દી જલ્દી પોતાની મનગમતી નોવેલને ડેશબોર્ડ પર મૂકી દીધી.

સૂરજ આમતો રાજેન્દ્રભાઇ ના ડ્રાઇવરનો દિકરો , બી.એ ના બીજા વર્ષમા અભ્યાસ કરે. હમણા પપ્પાની તબીયત નરમગરમ હોવાથી કુંટુબને મદદ કરવા માટે થઈને પપ્પાની જગ્યાએ નોકરી ઉપર છે. નોકરી કરવાની ઇચ્છા થવાનું કારણ એક કે નવી નક્કોર મર્સિડીઝ બેન્ઝ ચલાવવા મળે અને રાજેન્દ્રભાઈ એકવાર ઓફિસની અંદર જાય પછી સાંજે જ બહાર આવે. આખો દિવસ પાર્કિગમા બેસી ને પોતાના મનગમતા ક. મા. મુનશી અને ધૂમકેતુની સુદર રચનાઓ ને વાંચવાની મજાની મજા અને પગાર નો પગાર.

રાજેન્દ્રભાઈને લઈને જયાં તેમની ગાડી જી. આઇ. ડી. સીના પોતાના સૌથી મોટા કમ્પાઉન્ડ માંથી બહાર નીકળી અને આગળ વધી કે તરતજ પાછળથી તેમના જેવા જ રંગની અને ઈ કલાસ બેન્ઝના હોર્નનો અવાજ સતત સંભળાયો. રસ્તો નાનો હોવા છતાય પાછળની ગાડીને ઓવરટેક જોઇતો હતો. રાજેન્દ્રભાઇએ સૂરજ ને ગાડી બાજુમાં દબાવી ને ઉભી રાખવા કહ્યું. પાછળથી જતી ગાડીમાં હતા તેમના કંમ્પાઉન્ડની પાછળ આવેલી તેમના જેવી જ પણ પ્રમાણમા નાની પ્લાસ્ટીક કંપનીના માલિક જંયતભાઈ. રાજેન્દ્રભાઈએ જંયતભાઈને જોઈ એક સ્મીત આપ્યું પણ જંયતભાઈએ તમની સામે મોં ચડાવીને, હમણાં થયેલા ગાડીના ઓવરટેકને જીતેલો જંગ માની આગળ વધ્યા.

સૂરજને આ ન ગમ્યુ, તેણે પૂછ્યું, “મોટાભાઈ, (નાનપણથી તે રાજેન્દ્રભાઈને આ જ નામે સંબોધતો.) આ જંયતભાઇ તમને દુશ્મન માને છે અને તમે હંમેશા તેમને કેમ માનથી બોલાવો છો? તેમને જોઇ કાયમ સ્મિત આપો છો?”

રાજેન્દ્રભાઈએ હસીને વળતો જવાબ આપ્યો, “હશે ! એમને ટેવ પડી.”

ગાડી ચલાવતા સૂરજને મોં ચડાવેલા જયંતભાઈનો ચહેરો યાદ આવ્યો. તેમની આંખોમાં તેણે જે કડકાઇ ને દુશ્મનાવટ જોયા તે તેણે પહેલા પણ ક્યાંક અનુભવ્યા હતા અને તે વિચરતાં જ તરત તેની નજર ગાડીના ડેશબોર્ડ પર પડેલ નોવેલ તરફ ગઇ.

વાત જાણે એમ હતી કે જયંતભાઈએ સૌપ્રથમ પ્લાસ્ટીકની ઈન્ડસ્ટ્રી આ જી. આઇ. ડી. સી માં નાંખી હતી. અને રાજેન્દ્રભાઈના પપ્પા તેમના ભાગીદાર હતા. વખત જતા જયંતભાઈને અંગત દેવુ વધ્યું. સમય પારખી રાજેન્દ્રભાઇના પપ્પા છૂટા પડ્યા. એકાઉન્ટ સેટલમેન્ટ ના પરીણામે આખીય જી. આઇ. ડી. સી નો સૌથી મોટો બ્લોક બે ભાગમા વહેંચાયો અને લેણદેણના અંતે જયંતભાઈના ભાગે પાછળનો નાનો ભાગ જ બચ્યો. પિતાના મૃત્યુ બાદ રાજેન્દ્રભાઇ ધંધામા જોડાયા અને તેમની અભ્યુદય પ્લાસ્ટીક્સ પ્રા.લી કંપની ગુજરાત ની ગણનાપાત્ર પ્લાસ્ટીક ક્મ્પનીઓમાંની એક બની ગઈ. ખબર નહી કેમ પણ જંયતભાઇ હંમેશા રાજેન્દ્રભાઈને પોતાનો દુશ્મનજ ગણતા આવ્યા. ધંધામા તેમની લીટી કેમ કરી લાંબી કરવી તે વિચારવા કરતા અભ્યુદય પ્લાસ્ટીક્સ પ્રા.લી. ની લીટી કેમ કરી નાની કરવી તેની વેતરણમાંજ તે રહેતા. અને રાજેન્દ્રભાઇ તેમના ભૂતકાળના જીતુકાકાની આ હરકતોને હંમેશા હસતા હસતા સ્વીકારતા રહ્યા.

આજે સૂરજ સમય થયે ગાડી લૂછી ને મોટાભાઈની રાહ જોતો વિશાળ બંગલાના પાર્કિગ મા બેઠો હતો. ત્યાંજ રતને આવી સમચાર આપ્યા, ‘આજે સાહેબ ને મોડું થશે. તેઓ કંઈક ચિંતામાં મોટીબા સાથે વાત કરી રહ્યા છે.’ સૂરજ જાણી ગયો કે વળી પાછુ મોટીબાએ ભાઇના લગ્નની વાત કાઢી હશે. બન્ને મા-દિકરો થોડી વાર ઝઘડશે અને એ હિસાબે આજે કલાક તો પાકો.

એટલે એણે નોવેલ કાઢી

* * * *

મહાઆમાત્ય મુંજાલ મહેતા આંખો વડે મીનળદેવીને સમજાવી રહ્યા હતાં કે ટાઢે પાણીએ ખસ ગઇ છે, હવે જયસિંહને સમજાવો કે પાછળ જાય નહીં. મીનળદેવી સમજતી હતી કે જયસિંહ આમ સીધો છે પણ તેને છંછેડવામા આવ્યો છે. તે સોરઠની ભૂમી પર તેના પાટણનું બધું બળ લગાડી દેશે. પણ હવે દિકરાને સમજાવવો કેમ? સિધ્ધરાજ માટે આ ઘા પોતાની કીર્તિ ઉપરનો ડાઘ હોય તેમ લાગ્યો હતો. પોતે જેને પરણીને પાટણની મહારાણીપદે સ્થાપવાનુ સ્વપ્ન જોતો હતો તે દેવડી આજે નવઘણના દિકરા ખેંગાર સાથે ભાગી ગઈ હતી. દેવપ્રસાદને પોતાની શોર્યબુધ્ધીથીજ વિચારવાની ટેવ હતી અને તેને થતુ કે હવે જયસિંહ શેની રાહ જુવે છે. હવે તો જુનાગઢ ના દરવાજા તોડે નહીં તો ફટ છે એને..

* * * *

“સૂરજભાઇ બધ્ધુ જાણી આવ્યો છું. ખરું થયું છે સાહેબ જોડે…” રતને પાછા આવીને જાણે કાનમાં કહેતો હોય તેમ ધીમેથી કહ્યું.

સુરજે માથૂ ઉચક્યું અને એના ચહેરા પર પ્રશ્ન હતો, એ સમજીને રતને આગળ ચલાવ્યુ કે રાજેન્દ્રભાઇના લગ્ન ની વાત છાને છપને છેલ્લા ૬ મહિનાથી તારકેશ અમીનની દિકરી સાથે ચાલતી હતી. લગભગ બધું પાકે પાયે હતું. રાજેન્દ્રભાઇની પણ લગભગ ના માંથી હા થઇ ગઈ હતી અને આ હમણાંજ સમાચાર આવ્યા કે જંયતભાઇ નો દિકરો આજે સવારે જ તારકેશ અમીનની દિકરી ને લઇ ભાગી ગયો. બા નું માનવું છે કે જંયતભાઇનો આમાં હાથ હશે કારણ કે સુધાભાભી (જંયતભાઇના પત્ની) ને આપણે ત્યાં માંગુ નાખ્યુ છે તેની જાણ હતી.

સૂરજ ને થયુ કે જંયતભાઇને ત્યાં જઈ તેમને મારી મારીને અધમૂવો કરી નાખું. ત્યાંજ કશુ બન્યું જ ન હોય તેમ રાજેન્દ્ર ગાડીમાં આવીને ગોઠવાયો અને એ જ સરસ સ્મિત આપી ને કહ્યુ, “ચાલ ભાઇ સૂરજ, આજે ખરેખર મોડું થઇ ગયું. રઘુકાકા (સૂરજ ના પપ્પા) ના કાલે ટેસ્ટ કરાવેલા તે બધા બરોબરજ આવ્યા છે ને? કંઈ ચિંતા જેવું નથી ને?”

સુરજે ડોકુ હલાવી નોવેલ બંધ કરી તેને ડેશબોર્ડમાં ગોઠવતા ગોઠવતા મનમાં મમળાવ્યુ કે મોટાભાઇ સમજતા કેમ નથી, આ જે થાય છે તે ચિંતા જેવું જ છે.

આ વાત ને લગભગ ૬ મહિના વીતી ચૂક્યા છે. આ દરમ્યાન જંયતભાઇના નાના મોટા સના ચાલુ જ છે. રાજેન્દ્રભાઇએ પોતાની ઉંમર કરતા પણ વધુ ઠાવકાઇથી જંયતભાઇ સાથેના તેમના સંબધો જાળવી રાખ્યા છે. સૂરજ દિન પ્રતિદીન જંયતભાઇ અને એમની ફેકટરીના બધા માણસોને દુશ્મન માની રહ્યો છે. થોડા અંશે તો તેને મોટાભાઇ પર પણ ચીડ હતી. તેને લાગતુ કે જયંતભાઇના એ દિકરાના રીસેપ્શનમાં ભાઇ ને જવાની શી જરૂર હતી?

* * * *
લગભગ છેલ્લા દોઢ કલાકથી દોડતા ઘોડાના ફૂલેલા શ્વાસનો અવાજ જયસિંહને સભળાઇ રહ્યો છે, પણ આજે તેના મગજમાં કોઇ પણ સંજોગોમા રા’નવઘણ ને પકડવાની રટ લાગી છે. તે જાણે છે કે એક તો આ થોડાક જ ખેતરો બાકી છે ને પછી શિવજીની ફેલાયેલ જટા જેવુ વિશાળ રણ આગળ પોકાર કરે છે. દૂર ભાગતો રા’ પોતાની માનીતી સાંઢણી પર છે. તેની નાગજણ સાંઢણીની અનેક વાતો અનેક લોકોના મોઢે જયસિંહે નાનપણથી સાંભળી છે. એવું કહેવાય છે કે રા’ દુનિયામાં સૌથી વધુ આ “નાગજણ” ને જ પ્રેમ કરે છે. અને જયાં સુધી રા’ નાગજણ પર સવાર હોય ત્યા સુધી દુનિયામાં કોઇ જ અસવાર એવો નથી કે જે તેમને પકડી શકે.

નાગજણ માંટે પણ આ ઉક્તિ સાચી કરવાનો આ પ્રસંગ હતો. સાંઢણી પોતાના માલિકની પાછળ પડેલા એ કાળમુખા દુશ્મનથી બચાવવા આજે થાકને પોતાના અંગોને અડવા નથી દેતી..

“બેટા, બસ હવે બે ગાઉ નુ છેટું છે માં… જાળવી જાજે. એક વાર રણે વર્તીશુ પછી તો જયસિંહ શું એનો બાબરો ભૂતેય આપણને નહીં પકડી શકે. આખી જીંદગી હારે હાલ્યા છે બા, મરશું તોય સાથે અને જીતશુ તોય સાથે હાલ માં હાલ…” નવઘણના શબ્દો નાગજણ માંટે જાણે અમરતનું કામ કરે છે. હાંફતી સાંઢણી બમણા જોરથી દોડે છે.

રસ્તામાં એક નાનકડું તળાવ આવે છે ને એ નાનકડા પાણીની પેલે પારથી શરૂ થાય છે અમાપ રણ. જો ધારે ધારે જાય તો પકડાઇ જવાય તેની જાણ રા’ ને છે. એક ક્ષણ માંટે નાગજણની આંખ સામે જોવે છે અને જાણે સઘળુ સમજી ગઈ હોય તેમ એ ડાહી સાંઢણી પોતાની જાતને, સ્વામીને તકલીફ ન પડે તેમ સાચવી ને પાણીમા નાંખે છે.

દૂરથી માર માર કરતા આવતો સીધ્ધરાજ આ દ્રશ્ય જુએ છે. દુશ્મન અને એની સાંઢણીની બહાદુરી અને જોમ જોઇ તેના મોંમાથી પણ શબ્દો સરી પડે છે, “ધન્ય રા’ ધન્ય તારી નાગજણ. રાજાને દુશ્મન મળે તો આવો મળે..”

સાંઢણી સ્વામીને સાચવતા તરતા તરતા બહાર નીકળવા જાય છે, સો ગાઉ નુ છેટું એકી શ્વાસે દોડી માથાડુબ પાણીમાં તરવાનું કૌવત નાગજણ સીવાય કોઇ કરી શકે તેવું તો કોઇ આ ધરા પર હતુ નહીં. પણ બહાર નીકળતા ચીકણી માટી પર તેનો પગ લપસે છે. એક મોટા ધમાકા સાથે સાંઢણી નીચે પડે છે. અનુભવી સવાર રા’ સમજી જાય છે કે હવે નાગજણ નહી ઉભી થઈ શકે. પોતાની જનમો જનમ ની સાથીને પડેલી, હાંફતી જોઈ કદાચ નવઘણ ની કરડી આંખો ના ખૂણા પહેલી વાર ભીના થાય છે. દુનિયાનો એ પ્રસિધ્ધ યોધ્ધો પોતાના ગળામાં ડૂમો જીવનમાં પહેલી વાર જ અનુભવે છે.

એ હથિયાર બાજુમાં મૂકીને હાંફળો ફાંફળો થઈ જાય છે. મરતી નાગજણને ન જોઇ શકતો હોવાથી તે પોતે તેનાથી વહેલો મરવા તૈયાર થાય છે. ત્યાંજ જયસિંહ અને તેમના યોધ્ધા આવી જાય છે. પરીસ્થિતિનો તાગ ક્ષણમાં મેળવી સિધ્ધરાજ પોતાની સેનામાં રહેલા બન્ને વૈદોને બોલાવી નાગજણ ની તાત્કાલીક સારવાર માંટે આદેશ આપે છે. સિધ્ધરાજ નુ આ વર્તન જોઇ રા’ નવઘણ ડઘાઇ જાય છે. તેના મત મુજબ જયસિંહ તેને અને તેની સાંઢણી ને પળમાં ખતમ કરત પણ…..

* * * *
“આગ… આગ…. ” ની બૂમો ચારેય તરફથી સંભળાય છે. સૂરજ જુએ છે તો આજુબાજુની ફેકટરીઓના કામદારો જંયતભાઇ ની ફેકટરી તરફ દોડતા દેખાય છે. ખબર પડે છે કે તેમની ફેકટરીમાં આગ લાગી છે અને અંદર ૫ થી ૭ કામદારો ભરાયા છે. મોટા મોટા લાહ્યબંબા અને ફાયરબ્રિગેડની ગાડીઓ બહાર સુધી આવી ગઈ છે. જંયતભાઇની ફેકટરી પાછળના ભાગમાં હોવાથી ત્યાં સુધી પાણીના બંબાઓ જઈ શકે તેમ નથી. રસ્તો ઘણો જ સાંકડો છે.

સૂરજ પોતાની જગ્યાએથી સહેજ પણ ખસતો નથી, ઉલટુ મનોમન ખુશ થાય છે, ‘ચાલો સારુ થયું, ભગવાન આવા લોકોને બદલો આવો જ આપે છે.’ પણ ત્યાંજ તે રાજેન્દ્રભાઇ ને જુએ છે. ગાડીઓ ઝડપથી જંયતભાઇ ની ફેકટરી સુધી પહોચી શકે તે માટે થઈને પોતાની ફેકટરીની બન્ને આગળની અને પાછળની દિવાલ પોતાનાં જ કામદારો જોડે તોડાવતા હતા.

સુરજે જોયુ કે રાજેન્દ્રભાઇ ની અનુમતિ અને પ્રયાસો થી દિવાલો તૂટી અને પોતાની કંપનીના આગળ ના સરસ મઝાના બગીચાને અસ્તવ્યસ્ત કરી ફાયરબ્રીગેડની ગાડીઓ દોડી રહી છે, અને લગભગ આગ બુઝાઇ જવા આવી છે, કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. એક ખૂણામાં શૂન્ય મસ્તકે ઉભેલા જંયતભાઇની પાસે રાજેન્દ્રભાઇ પહોચી ખભે હાથ મુકે છે,

ને સિધ્ધરાજ જયસિંહ રા’ નવઘણ ને ઉભા કરતા બોલે છે
“રા’ વેર રાજના હોય એમાં પ્રજા ને પશુનો ભોગ ના હોય ….”

– હાર્દિક યાજ્ઞિક


Leave a Reply to vipulCancel reply

11 thoughts on “રાજના વેર – હાર્દિક યાજ્ઞિક

  • gopal khetani

    હાર્દિક ભાઇ, સૌ પ્રથમ તો ક્ષમા ચાહુ છુ કે આટલે મોડે થી આ વાર્તા વાંચી.
    એક દમ સુપર્બ. જાણે ફિલ્મ “રંગ દે બસંતી”.

  • Tapan Raval

    શું લખું એજ ખબર નથી પડતી બે શોર્યવાન રાજા અને આજ ના બે ઉદ્યોગપતિ એક ૪૦૦ થી ૫૦૦ વર્ષ પેલા ની વાત અને એક આજની બંને ને સરખો ન્યાય આપે આપ્યો છે, એક પછી એક વસ્તુ ને એટલી સરસ રીતે ગોઠવી છે કે મેતો મારા માનસ પટલ પર આખી વાર્તા ને એક નાટક કહો તો નાટક અને ફિલ્મ કહો તો ફિલ્મ રીતે જોઈ નાખી ને અ પણ એક વાર ની બે બે વાર,

    એક દમ સરસ અને સુંદર અનુભવ આજે થયો કે બે અલગ અલગ વાર્તા એક સાથે અરે મારા માટે તો આજે ઊંધીયા સાથે લાડુ નું જમણ થઇ ગયા જેવું છે

    ખુબ ખુબ સરસ વાર્તા મજા મજા આવી ગઈ.

    આપનો આભાર

  • gujjustuff

    હાર્દિકભાઈ, બે વાર્તાઓનુ સરસ જોડાન કર્યુ છે.. સારી વાર્તા પિરસવા બદલ ખુબ-ખુબ આભાર્…