પ્રવાસ ચિંતન તિર્થાટન યાત્રા – હરસુખરાય જોશી 2


વ્યસ્ત જીવનમાં સંજોગો અનુકુળ હોય તો સમય કાઢી પ્રવાસ, યાત્રા અવશ્ય કરવા જોઈએ. જીવ્યા કરતાં જોયું ભલું, અલગ અલગ સ્થળ દર્શન ધાર્મિક, ઐતિહાસિક સ્થળો અને તેની સાથે સંલગ્ન કથાઓ ક્યાંક અનુકુળતાઓ તો કયાંક પ્રતિકુળતાઓ, જીવનમાં થોડા સમય માટે આવતું પરિવર્તન તાજગી આપે છે. ભવિષ્યમાં તેના સંસ્મરણો વાતચિત વગેરે માનસિક આનંદ આપે છે. આ બધી અનુભૂતિ જીવન ઘડતરમાં ખૂબ મદદરૂપ થાય છે.

ચાલે આપણે આપણી જન્મભૂમી ભાર્તદેશનું વિહંગાવલોકન કરીએ. શ્રી ગણપતિ ને પ્રણામ કરી દિવ્ય જ્યોતિલિંગ દર્શન – શિવ દર્શનથી પ્રારંભ કરીએ.

સૌરાષ્ટ્ર સ્થિત સોમનાથ મહાદેવને પ્રણામ કરીએ. પ્રભાસ પાટણની એ પવિત્ર તપસ્થલી ભૂમી, સમુદ્ર દર્શન, જુના સોમનાથ, વેણેશ્વર મહાદેવ, હિંગળાજ માતાની ગુફા, પ્રાચી, ભાલકાતીર્થ, શ્રી કૃષ્ણભગવાનનું દેહોત્સર્ગ સ્થળ, મહંમદ ગઝનીની ચઢાઈ, હિંસક અને ઘાતક હુમલાઓ છતાં આ સ્થળ અડીખમ ઊભું છે, અને યાત્રિકોને આકર્ષે છે. જુનાગઢ ગિરનાર જે હિમાલય કરતાં પણ જૂનો છે. ગિરનાર પરિક્રમા, અંબાજી, મહાકાળી, ગુરૂદત્ત શિખર, અશોકસ્તંભ, ભવનાથ, એતિહાસિક વિગતોથી ધમધમતું સ્થળ છે. દ્રારકા શ્રી કૂષ્ણની રાજ્યભૂમિ, બેટદ્રારકા, સમુદ્ર નાગેશ્વર મહાદેવ, રુકમણી મંદિર મહાભારત કાળના પ્રાચીન અવશેષો પણ પ્રાપ્ત છે. દ્રારામતી તરીકે ઉલ્લેખ પામેલી આ મોક્ષદાયિકા નગરી છે. પોરબંદર પણ જુનું અને સુદામાપૂરી તરીકે ઓળખાતું નગર છે. મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે. દિવ કેન્દ્રશાસિત પ્રદેશ, અગાઊ પોર્ટુગીઝનું શાસન હતું. સમુદ્રથી આવરિત એ પ્રાચીન જલંધરની ભૂમિ છે. સાસણ ગીર સિંહોના વસવાટની ભૂમિ, અનેક સંતો મહંતો આશ્રમો વિ. આગવી ઓળખ ધરાવતું સૌરાષ્ટ્ર એક જોવાલાયક પ્રદેશ છે.

દક્ષિણ ભારતમાં શૈલ પર્વત પર મલ્લિકાર્જુન જ્યોતિલિંગ છે. તાડકાસુરનો વધ, કાર્તિકેય સ્વામી વિ. શિવ સંલગ્ન વાર્તાઓ જાણીતી છે. વિજયવાડાથી લગભગ છ કલાક થયા ત્યાં નજીક અમરાવતીમાં ભસ્મઆરતી દર્શન જીવનનો અમુલ્ય લહાવો છે. તે ઊપરાંત કુંભમેળાની આ ભૂમિ નગરી, ક્ષિપા નદી, હરસિદ્ધ માતા, ભૈરવમંદિર, સાંદિપની આશ્રમ વિ. અનેક જોવાજેવા સ્થળ છે. ત્યાંથી જ થોડે દૂર જ ઓમકારેશ્વર નર્મદાતીરે આવેલું જ્યોતિલિંગ છે. આ ઊપરાંત પર્લિ મહારાષ્ટ્રમાં આવેલ વૈજનાથ, દક્ષિણ મહારાષ્ટ્રમાં આવેલ ભીમાશંકર, ઓઢા નાગનાથ (દ્રારકામાં આવેક નાગેશ્વર પણ જ્યોતિલિંગ હોવાનો દાવો કરે છે.) જ્યોતિલિંગો છે. વારાણસી (કાશીમાં) કાશીવિશ્વનાથ (ઊત્તર કાશીમાં આવેલ વારણા નદીને કિનારે કાશી વિશ્વનાથનો પણ જ્યોતિલિંગ હોવાનો દાવો છે.) મહારાષ્ટ્રમાં નાસિક પાસે આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિલિંગ છે. ત્યાં કુશાવર્તકુંડ નિલામ્બિકા, નિલગીરી, બ્રહ્માગીરી (પહાડો) છે. નાસિકમાં મુક્તિધામ, ગોદાવરી નદી, શિરડી સાંઈમંદિર, શનિશ્વરમંદિર દર્શનિય સ્થળો છે. અજંતા ઈલોરા પાસે ધુણેશ્વર મહાદેવ પણ દર્શનિય સ્થળ છે.

ઊત્તરાખંડમાં આવેલ ચારધામ યાત્રા તો જીંદગીનું સ્વપ્ન છે. આ સ્વપ્ન સાકાર થાય તેવી દરેક શ્રદ્ધાળુ હિંદુ સ્થિત ભાવના હોય છે. યમનોત્રી યમનાજીનું ઊદગમ સ્થાન, ગંગોત્રી ગંગાજીનું ઊગદમ સ્થાન, કેદારનાથ દિવ્ય જ્યોતિલિંગ, એને ભેટીને દર્શન કરવાથી જીવ-શિવ મિલનની અનુભૂતિ થાય છે. ઘીનું લેપન તેમને બહું પ્રિય છે. તેનો બીજો બાકીનો ભાગ નેપાળમાં (કાઠમંડુમાં) પશુપતિનાથ તરીકે બિરાજે છે. તેના દર્શનથી આની ખરેખર પ્રતિતિ અનુભવાય છે. અને બદ્રીનાથ બદ્રીવિશાલ શ્રી કૃષ્ણ ભગવાનની તપસ્થલી ભૂમિ છે. ધન્યતાનો અને હદય પાવન થયાનો અનુભવ થાય છે.

મથુરા, ગોકુળ, વૃંદાવન, ગોવર્ધન પર્વત, ગિરિરાજ ધરણની પરિક્રમા, હરિદ્રાર, ઋષિકેશ, અલ્હાબાદ પ્રયાગ સ્નાન, ગંગાસાગર સ્નાન, જગન્નાથપૂરી, કોર્ણાક મંદિર(સૂર્યમંદિર), કાલિમંદિર કલકત્તા, દક્ષિણામૂર્તિ બેલુરમઠ, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, હૂલલી નદી, બ્રહ્મપૂત્રાનદી, શુકલેશ્વર મહાદેવ (ગૌહક્ષી), શિવમંદિર (શિલોંગ) , કામખ્યાદેવી ( ગૌહક્ષી). અમરનાથ હિમલિંગ દર્શન, અને મારી પાસે શબ્દો જ નથી. દિલની એ ભાવના જેની હું ફક્ત અનુભૂતિ જ કરી શકુ છું તે કૈલાસ માનસરોવરના દર્શન જેનો ખ્યાલ મને ધ્યાનસ્થ બનાવી દે છે.

ગોવા ,સમુદ્રતટ, વિવિધ બિચીઝ, ભગવાન મંગેશ, ભવ્ય ચર્ચ, પોર્ટુગીઝ શાસનની છાપ ધરાવતું આ સ્થળ પરશુરામની ભૂમિ છે. મુંબઈ આધુનિક મેટ્રો નગરી, આર્થિક રાજધાની. એક દ્રષ્ટીએ નીરખો તો પૂર્ણ યાત્રા નગરી છે. બધાં ધર્મોને સમાવતી, ભાવુક્તાથી ધબકતી નગરી. અહીં તહેવારો દેખાય છે. જનસમૂહનો ઉત્સાહ અને આનંદ પૂર્વક દોડતા ભાગતા જીવનને માણે છે.

ઊપરોક્ત વિહગાંવલોકન સંપૂર્ણ નથી, આંશિક છે. શાંત ચીત્તે બેસી, શ્રદ્ધા પૂર્વક, ઈશ્વરમાં ધ્યાન પરોવી ચિંતન કરશો તો અંતઃચક્ષુ સમક્ષ યાત્રા સ્થળોની છબી ઊપસશે. ચિત્ત એકાગ્ર થઈ ધ્યાનસ્થ બનશે. ધ્યાનની એક ક્ષર્ણાધ ક્ષણ જીવન દેહને વીજળીક પ્રવાહના આનંદથી તરબોળ કરી દેશે. આવી ઉત્તમક્ષણ તમને સાંપડે તેવી શુભેચ્છા.


Leave a Reply to BAKUL PATELCancel reply

2 thoughts on “પ્રવાસ ચિંતન તિર્થાટન યાત્રા – હરસુખરાય જોશી

  • Pushpakant Talati

    ખુબ જ સરસ અને સાત્વિક પ્રકારનું આ વાંચન માણવા મળ્યું . ભલે વધારે વિગત આમાં પ્રાપ્ત નથી પરન્તુ એક વિહંગાવલોકન કરાવતો આ લેખ ઘણો જ પસન્દ પડ્યો . અતિ પવિત્ર અને દર્શનિય સ્થળોની એક યાદી તથા ઝાંખી આ દારા થઈ શકી . આથી કોઈ પ્રવાસ રસિક ને એક પ્રેરણા જરુર મળે . વળી જે જઈઆવ્યા છે તેને તો REFRESHING SESSION જેવું થઈ જાય .
    આ લેખ બદલ આભાર.