વરસ પૂરું થવામાં છે – મહેશ શાહ 3


દીવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. લોકો પોતાના ઘરની, ખૂણે ખાંચરેથી સફાઈ કરે છે, પણ મનમાં મેલના થર જામેલા જ રહે છે, એવી સફાઈનો શો અર્થ? એક તહેવાર ઉજવવા માટેના અવસરમાં વધારો ન કરે તો તેવા તહેવારનો એક સામાન્ય દિવસથી વધુ ઉપયોગ કેવો થઈ શકે? આ જ ભાવની વાત પ્રસ્તુત ગઝલમાં શ્રી મહેશ શાહ ખૂબ સુંદર રીતે કરી જાય છે. ‘વરસ પૂરું થવામાં છે’ જેવો સુંદર કાફિયા વાપરવાથી ગઝલ સાંગોપાંગ સુંદર અને માણવાલાયક રચના થઈ છે.

જરા ઠીકઠાક કર ઘરમાં વરસ પૂરું થવામાં છે.
ઉમેરો કર તું અવસરમાં વરસ પૂરું થવામાં છે.

પવનના શ્વાસ લેવાના અવાજો હોય છે કાતિલ
તું માથું રાખ મફલરમાં વરસ પૂરું થવામાં છે.

નરી આંખે નહીં દેખાય તારા ઘાવ જીવતરનાં,
સહજતા લાવ તું સ્વરમાં વરસ પૂરું થવામાં છે.

જૂની ઓળખ લઈને શ્વાસના ફૂલો પ્રગટ થશે,
ફરક રહેવાનો અંતરમાં વરસ પૂરું થવામાં છે.

જરા બેધ્યાન રહેશે તો ઊગી જાવાનું નિંદામણ,
હવે કંઈ વાવ પડતરમાં વરસ પૂરું થવામાં છે.

ગલી જો યાદ છે તો એમનો સામાન આપી દે,
તું શું શું રાખશે ઘરમાં વરસ પૂરું થવામાં છે.

નથી શબ્દોનું ઋણ ચૂકવી શકાવાનું ભવોભવમાં,
તું ચિંતા હરવખત કર માં, વરસ પૂરું થવામાં છે.

– મહેશ શાહ


3 thoughts on “વરસ પૂરું થવામાં છે – મહેશ શાહ