સર્વે નંબર ૭ – જીજ્ઞેશ અધ્યારૂ (ટૂંકી વાર્તા) 11


આ એક નાનકડી વાર્તા છે જેનું મૂળ એક સત્યઘટનારૂપી નાનકડા બીજમાં પડ્યું છે, ને વાર્તાની અન્ય કલ્પનાઓ મારી છે. એ સિવાય આ વાત માટે બીજુ કાંઈ કહેવાપણું રહેતું નથી.

* * *

વાતાવરણમાં ભયંકર ઉકળાટ હતો, ભાદરવા મહીનાની ગરમી જાણે ઉનાળાની યાદ અપાવતી તો વરસાદના અભાવે એ બફારાને વધુ અસહ્ય બનાવી દીધો. રોડના બાંધકામ વખતે ડામર પથરાઈ રહ્યો હતો, એની ગરમી જાણે સૂરજની ગરમી સાથે સ્પર્ધામાં ઉતરી હોય એમ કાળો કેર વેરી રહી હતી. આ ડામરની ને રોડ બાંધકામની ગુણવત્તાની સતત તકેદારી રાખતા અને મકાદમને – મજૂરોને સતત સૂચનાઓ આપતા, ડામર ભરેલા ખટારાઓ અને મશીનોના ઓપરેટરને વારંવાર દોરવણી આપ્યા કરતા, ડામરના મશીનની આગળ પથરાતા ટારનું પણ ધ્યાન રાખતા આ રોડના એન્જીનીયર વિહંગની હાલત ખરાબ થઈ રહી હતી, એ સવારના સાડા ચાર વાગ્યાનો અહીં કામે વળગ્યો હતો અને અત્યારે બપોરના સાડા બાર થવા આવેલા, સતત ઉભા રહીને, બૂમબરાડા અને કામના ભારથી એ થાકી ગયેલો, પાણીની ખાલી થયેલી અનેક બોટલો પણ તેની તરસ અને ઉકળાટને શમાવવામાં નિષ્ફળ રહી. એટલામાં જમવા જવાનો સમય મળ્યો કે તેને અદભુત હાશકારો થયો. પરસેવે રેબઝેબ હાલતમાં તે ગાડીમાં બેસીને સાઈટ ઓફિસ પર આવ્યો અને પંખાની નીચે શર્ટના બટન ખોલીને રિવોલ્વિંગ ચેરમાં તેણે લબાવ્યું, પટાવાળો તેને પાણી આપી ગયો, પણ હજુ એ પાણી પીવા જતો હતો કે તરત,

“દીકરા, આટલું કામ કરી દૈશ મારું?” એમ કહેતા એક માજી તેની ઓફીસમાં આવી ચડ્યા. કાંઈક કંટાળાના ભાવથી અને થોડા તુચ્છકારથી તેણે માજીની સામે જોયું.

“આ આખોય ભવ તારો પાડ નૈ ભૂલું બાપલા, આટલું કામ કરી દે ને, તને ભગવાન હો વરહનો કરે બાપ!” કહેતા એ માજી એક ફાટેલું ગડી વળેલું જીર્ણ કાગળ તેની સામે ધરી રહ્યાં, એ કોઈક ખેતરનો દસ્તાવેજ હતો, અને એ કાગળમાં એની નિશાની ચોખ્ખી લખેલી, “સર્વે નંબર ૭”.

વિહંગે એક અછડતી નજર એ કાગળ પર ફેરવી, કોઈક જીવીબેન રામના ખેતરનો એ ઉતારો હતો.

“આનું શું છે માજી?” એણે પૂછ્યું.

“બાપલા, આ ખેતર તો મેં તમારી કંપનીને થોડાક મહીના થ્યે રોડ કરવા હારૂ વેસી દીધું’તું. પણ આજે મારે ઈ પાસું જોઈ સે, તું કેય ઈટલા રૂપિયા દેવા હું રેડી સંવ, પણ આ ખેતર પાસું દેવડાવ. હરવે નંબર હાત સે દીકરા!”

“માજી, એ બધું કામ હું નથી જોતો, જમીનની બાબતો માટે તમારે અમારી કંપનીના લાયેઝન વિભાગમાં જઈને શર્મા સાહેબને મળવું પડે.”

“બાપલા, ઈવડા ઈ શરમાભાયનેય હું મળી ને તમારા સાયબનેય હું મળી પણ ઈ હંધાય બારુંના, કોઈ નથ હમજતું મારી વાત, તું એક જ આપણાવારો સે, તી થ્યું તું કદાચ મારી વાત હમજે.” ‘તું’ ના સહારે માજીની વાતમાં વહાલ ભળ્યું કે આજીજી એ સમજવું મુશ્કેલ હતું.

“માજી, મારું કામ રોડ બનાવવાનું છે, જમીનની બાબતોમાં હું પડતો નથી ને એ મારો વિષય પણ નથી, એટલે તમે મહેરબાની કરી એમને મળો. હું આમાં કાંઈ કરી શકીશ નહીં.” એમ કહી વિહંગે જમવા માટે ડાઈનિંગ હોલ તરફ જવા ઉભા થવાનું કર્યું ત્યાં પેલા માજી તેની આડે ઉભા રહી ગયાં,

“દીકરા, કાનુડો ન કરે ને તારે કો’ક દી કો’કની હામે આમ હાથ પહારવા પડે, મારી મદદ કર ભાઈ, ઉપરવાળો તને પુન દેહે.”

પણ કામનો થાક, વાતાવરણનો ઉકળાટ અને ઉપરથી થોડીક આરામની પળોમાં આવેલી પળોજણે વિહંગને ક્ષણિક લાગણીશૂન્ય કરી નાંખ્યો હશે, એણે કહ્યું, “માજી, એક વખત ના પાડી ને, પાછળ ન પડી જાવ. પેલી ઓફીસમાં જાવ અને શર્માજીને મળો.” અને આટલું કહી તેણે જમવા માટે ચાલતી પકડી.

આ વાતને થોડાક મહીના વીતી ગયાં, વિહંગની કંપનીએ બનાવવા લીધેલો રોડ લગભગ પૂરો થવા આવ્યો. એક દિવસ તેમની સાથે કામ કરતા નજીકના જ ગામના વિરમભાઈના ઘરે તેને જમવા જવાનું હતું. કામ પરથી આવી, નહાઈને સ્વસ્થ થઈને તે પાછો પોતાનું બાઈક લઈને ગામ તરફ જવા નીકળ્યો. સંધ્યાનો અનેરો સોનેરી રંગ પ્રસર્યો હતો, વાતાવરણમાં આહ્લાદક ઠંડક હતી. વિહંગ ગામમાં પ્રવેશ્યો કે તરતજ તેને ગાયોનું ધણ સામે મળ્યું. મંદિરમાં ઘંટનાદ થઈ રહ્યો ને આરતીના સ્વર ગૂંજી રહ્યાં, નળીયાવાળા ઘરોની ચીમનીઓમાંથી ધુમ્રસેરો હવામાં ઉંચે ચડી રહી હતી, ક્યાંક ખેતર ખેડીને પાછા આવતાં કોઈક ખેડુનું ગાડું તો ક્યાંક ગાયો ચરાવીને પાછા ફરતા ભરવાડને જોઈને તેનું મન પ્રસન્ન થઈ ગયું. વિરમભાઈના ઘરની ડેલી પાસે પહોચીને એણે બાઈક પાર્ક કર્યું. વિરમભાઈએ તેને આવકાર્યો અને ફળીયામાં ખાટલો ઢાળી તેના પર ગોદડું પાથરી દીધું. બંનેએ ત્યાં જ જમાવ્યું, વિરમભાઈની નાનકડી દીકરી પાણી લઈને આવી, અને એ પછી બંને કામ સંદર્ભની ને બીજી અહીંતહીંની વાતો કરતા બેઠાં.

અચાનક ડેલીમાંથી દોડતો ને હાંફતો વિરમભાઈનો નાનો ભાઈ જીવણ આવ્યો, અને લગભગ ખેંચતો હોય એમ વિરમભાઈનો હાથ પકડીને તેમને લઈ જવા દોરતો હોય એવા પ્રયત્ન સાથે કહેવા લાગ્યો, “આતા, હાલો તો જરીક, લાગે સે કે અતુલની સેવટની ઘડીયું સે.”

વિરમભાઈ પોતાનું ફાળીયું લઈને લગભગ દોડ્યા, સાથે વિહંગને પણ કહેતા ગયા, “હાલો ને વિહંગ સા’બ, મારી પાસળ પાસળ આવો, કદાસ તમારી જરૂર પડે.”

વિરમભાઈના ઘરથી દસેક ઘર દૂર, જીવણ તેમને જે જગ્યાએ લઈ ગયો એ અવાવરૂ મહેલ જેવી લાગતી જગ્યા હતી, ખૂબ મોટી ડેલી, ઓરડાબંધ મકાન પરંતુ જાણે કોઈએ વર્ષોથી કાંઈ સાફ ન કર્યું હોય એવું, ઘણાં લોકો એ જ મકાનમાં જઈ રહ્યાં હતાં, જીવણ પણ ભીડને ચીરતો ચીરતો એમને અંદર સુધી લઈ આવ્યો, અને અંસરનું દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયો. એક શાંત ક્ષીણકાય યુવાનનું માથું પોતાના ખોળામાં લઈને બેઠેલી વૃદ્ધાનો ચહેરો તેને ક્યાંક જોયો હોય એમ લાગ્યું, અચાનક તેના મનમાં ઝબકારો થયો, “અરે હા, આ તો એ જ માજી જે પેલા દિવસે જમીન માટે તેની ઓફીસમાં આવેલા.”

કોઈકની ગાડી આવી એટલે બધાંએ પેલા યુવાનને ઉપાડીને તેમાં મૂક્યો, લગભગ બેભાન જેવા એ યુવાનના શરીરમાં જાણે બિલકુલ ચેતન જ નહોતું. વિરમભાઈ પણ ગાડીમાં બેઠાં અને વિહંગને પણ બૂમ પાડી, “સા’બ, હોસ્પીટલ હુધી ભેગા આવો ને, કદાચ અમને કૈં’ક ખબર ન પડે ને તમે હોવ તો હારુ રયે.”

વિહંગ પણ તેમની સાથે ગાડીમાં બેઠો, એ બંનેએ વચ્ચે પેલા યુવાનને કાળજી પૂર્વક બેસાડી તેને બંને તરફથી પકડી લીધો. ગાડી પૂરઝડપે વીસ કિલોમીટર દૂર આવેલી તાલુકાની એકમાત્ર હોસ્પીટલ તરફ દોડવા લાગી.

“સા’બ, હું કવ? આ અતુલ ને અમારો જીવણો, બેય નિહાળના ભેરૂ, બે’ય આખાય ગામની આંખ્યુ, ગામમાં કોઈનેય જરૂર હોય તો આખુંય ગામ ઉભું જ હોય, પણ આ બેયની વાંહે, જેવા ભોળા એવા જ કામઢા. એમાંય જીવીકાકીના આતુને તો જાણે ભગવાને ગુસ્સો કે ઈર્ષ્યા જેવી કોઈ લાગણી જ આપી ન હોય એવો, પણ ક્યાં ઈ દી’ ને ક્યાં આજનો દી’?”

“પણ આમને શું થયું છે?”

“ઈ તો જાણે કે ભગવાનનો વાંક, એમાં થ્યું એવું કે જીવીકાકીને ખોરડાંની પેઢીઓથી હાલતી હો વિઘા જમીન, દાડીયા રાખીને ખેડ કરાવે, કપાહ ને બાજરો વાવે, ને બાજરો ગામમાં જરૂર હોય ઈને કાંઈ લીધા વગર આપી દેય, ને કપાહ વેસીને ઘર હલાવે. એવામાં તમારી કંપની આવી ને હાયવે થી આંય ફેક્ટરી હુધીનો રોડ બનાવવા ખેડુને જમીનના ધાર્યા ભાવ આપવાની વાત કરી. જીવીકાકીએ એ પેઢીઓથી હાસવેલી જમીન વેંસી જ નઈ, પણ પસી તો ઈમાં એવું થ્યું કે જીવીકાકીની જમીન ન મળે તો રોડ અધવસાળે ઉભો રૈ જાય, એક પા ફેક્ટરી ને એક પા નદી, ઈમાં વસાળે જીવીકાકીની જમીન, એટલે તમારા મોટા સાયબુ ઈને મનાવવા ગ્યા, જીવીકાકીને કીધું કે ફેક્ટરી બનશે તો કેટલાંયને નોકરી મળશે, કેટલાંયના ઘર હાલશે ને તમને આશીરવાદ મળે, તમે જમીન ન આપો તો ઈમાં વિઘન પડે, રોડ ક્યાં બાંધવો એવી મૂંઝવણેય થઈ.”

ગાડી પૂરઝડપે દોડતી રહી અને સાથે સાથે વિરમભાઈની અસ્ખલિત વાણી સાંભળવામાં મગ્ન એવા વિહંગની નજરો અતુલના શાંત ચહેરા પર સ્થિર થઈ રહી. વિરમભાઈ બોલતા રહ્યાં,

“એવામાં એક દી’ અતુલ આણું વાળવાની વાત થૈ, ઈનું પાંહેના ગામના સરપસની સોડી હારે નાનપણથી જ પાકું તું, જીવીકાકી ને સોડીની માએ પેટે સાંદલા કરેલા. પણ ઈ આંય આવીને ઘર જોઈ ગ્યા, ઘરની હાલત ને પૈહો-ટકો જોઈ ગ્યા, ઈને માણહ ને ખંડેર જેવો આ મે’લ દેખાણો પણ મે’લની અંદરના માણહુના મે’લથીય મોટા હૈયા નો કળાણાં. ઈન્યે કીધું કે આવામાં મારી સોડી નો આવે, ને અમારામાં આણું કરવાની ના પાડવી એટલે હામેવાળાને તલવારથીય મોટો ઘા મારવો. એટલે જીવીકાકી તો કોઈને મોંઢું દેખાડવાને તૈયારેય નો થૈ હકે એવા હેબતાઈ ગ્યાં. તો અતુલેય ઘાંઘો થૈ ગ્યો. ને ઈમાં આ કંપની ને રોડ ને પૈહા ને જીવીકાકીની જમીનની ઈ બધીય વાતું ભેગી થૈ, જીવીકાકીને એમ કે જમીનનો અડધો ભાગ વેંસી દૈ ને અધધધ થૈ જવાય એટલા રૂપિયા મળતા હોય તો આ વે’વાર તૂટતો બસે ને ગામમાં આબરુંય.”

અતુલના શ્વાસોશ્વાસ હવે ધીમા થઈ ગયેલા, તેનું શરીર હવે ઠંડુ પડતું જતું હતું, ને શિથિલ પણ, પરંતુ વિહંગ અને વિરમભાઈએ તેને બરાબર પકડી રાખેલો, હોસ્પીટલ પહોંચ્યા એટલે તરત તેને સ્ટ્રેચરમાં લઈને ડોક્ટરે આઈ સી યુ માં લઈ લીધો, બીજા બધાં બહાર બાંકડે બેઠાં. જાણે બધુંય ગોઠવાયેલું ને પહેલેથી નક્કી હોય એમ ચાલતું રહ્યું. પાસેના એક કૂલરમાંથી પાણી પી ને વિરમભાઈએ વાત આગળ વધારી,

“પસી તો પૈસાના વિસારે જીવીકાકીએ અરધું ખેતર બીજાથી ત્રણગણી કિંમતે વેંસવા કાઢ્યું, ને તમારી કંપનીએ હાથોહાથ લઈ લીધું, ભેગું કારખાનામાં અતુલને નોકરીય મળવાની હતી. લાખો રૂપિયાય મલ્યા ને અતુલને નોકરીનો કાગરેય મલ્યો, ને મામાને હમજાવીને આણું વારવા તૈયારેય કરી દીધાં. ને ઈનું આણું જે’દી થાવાનું તું’ ઈના બે દી’ પેલા ઈ ખેડ કરતા ખેતરમાં બેભાન થૈ ગ્યો, ને થ્યો તી કેવો, કેટલાંય કલાકું. ને ડોક્ટરુંએ કેટલાય ટેસ્ટ કર્યા ને અમદાવાદ હુધી દેખાયડું, તયેં અમદાવાદના મોટા ડૉક્ટરે કીધું કે ઈને લોહીનું કેન્સર સે.”

ડોક્ટર આઈ સી યુ માંથી બહાર આવ્યા, ને બહાર બાંકડે બેઠેલા બધાંય તેમના ચહેરા તરફ તાકી રહ્યાં, જાણે ભાગ્યની નક્કી થયેલી ક્ષણોએ અત્યારનું મૂરત નક્કી કર્યું ના હોય?

ડોક્ટર પણ શું બોલે? હાર નક્કી હોય એવી રમતના ખેલાડી જેવી હાલતે એ મહામહેનતે બોલ્યા; “એમના માં ને યાદ કરે છે, માડીને કહો છેલ્લા સમયમાં છોકરાની સાથે રહે. અત્યારે બેભાન છે, કદાચ થોડીક વારમાં ભાનમાં આવી જશે, પણ સમય હવે ઓછો છે.” ને એ પોતાની કેબિન તરફ જતા રહ્યાં. જીવીકાકીને લેવા ગયેલી ગાડીના આવવાની રાહ જોવાઈ રહી, જીવણ અતુલને જોવા અંદર ગયો અને બધાં બાંકડે બેઠાં.

વિરમભાઈએ પોતાની આંખોના ખૂણાં લૂછ્યાં, “હું કવ સા’બ, ઉપરવારાનેય આવા ખેલું કરવામાં મૌજ આવતી હસે ને?”

વિહંગ કહે, “પણ આ જીવીકાકી તે દિવસે મારી પાસે જમીન પાછી મેળવવા વિશેની કાંઈક વાત કરતા હતા તે શું?”

“ઈ તો ગામના બૈરાંવે ઈને કીધું કે તમે પરથમીને વેસવા કાઢી ને પેઢીયુંની વારસાઈના મૂલ કર્યા ઈના પરીણામ કે અતુલને કેન્સર થયું, ઈમાં ગમે એટલા પૈહા નાખો, ઈનો કોઈ ઈલાજ નૈ, ને વળી અમદાવાદના દાગતરે કીધું કે અતુલ હવે થોડાક જ દી’નો મે’માન છે, તેદુનાં જીવીકાકી ઘાંઘા થૈ ગ્યા, ઈને થ્યું કે મેં તો જમીન ગામનાને નોકરીયું મળે ને હૌ હુખી થાય ઈટલે વેસી’તી, પણ એના પૈહા લીધા ઈ પરથમીને કઠી ગ્યું, ને ભોગ અતુલનો થૈ ગ્યો. એટલે જીવીકાકીને એમ કે જો જમીન પાસી મલે તો અતુલને હારુ થૈ જાય, પણ આજે સ મહીના થ્યા, હવે કોઈ ઈને જવાબ આપે? જમીનના મળેલા પૈહા ઉપરથી આ મકાન વેસીને બમણા પૈહા આપવાનીય વાત જીવીકાકીએ તમારા સાયબુંને કરી, પણ કોણ હવે જવાબ આપે?” વિહંગના મનમાં એક અગમ્ય અપરાધભાવ ઉપસી આવ્યો. તે દિવસે જ્યારે જીવીકાકી તેની પાસે મદદ માંગવા આવ્યા ત્યારે ધાર્યું હોત તો મદદ ન કરી શક્યો હોત? જ, જમીન કદાચ પાછી અપાવવા જેટલો તેનો અધિકાર ન હોય પરંતુ પ્રયત્ન ન કર્યો એ વાતનો અફસોસ તેને કાંટાની જેમ ભોંકાવા લાગી. પણ હવે વખત વીતી ચૂક્યો હતો.

જીવીકાકી આવી ગયા અને અતુલની સ્થિતિ થોડીક સુધરી એટલે બધાં પાછા વળ્યા. એ વાતના દસેક દિવસ પછી વિહંગ ફરીથી હોસ્પીટલમાં અતુલને જોવા ગયો, વચ્ચે તેને સમાચાર મળતા રહેતા કે અતુલની તબીયત સતત બગડતી જાય છે, અંતનો આરંભ થઈ ચૂક્યો છે, એ વિચારતો કે આ કેવી દશા? માણસને ખબર હોય કે તેનો અંત હાથવેંતમાં છે ત્યારે બધું છોડવું કેટલું સહેલું કે અઘરું હશે?

જીવીકાકી ભીની આંખે બહાર ઉભા હતા, અતુલે આવીને તેમને રામરામ કર્યા પણ એટલામાં તરત ડોક્ટરો અને નર્સો આઈ સી યુ માં દોડી ગયા, જીવણે આવીને કહ્યું કે અતુલને મોં માંથી થોડુંક લોહી નીકળ્યું અને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી છે. જીવીકાકીય અંદર દોડી ગ્યા, બે ત્રણ કલાક ડોક્ટરોની ને નર્સોની મૃત્યુ સાથેની લડાઈરૂપ દોડાદોડ ચાલતી રહી, ને અચાનક એ થંભી ગઈ, ને અંદરથી કોઈ અવાજ ન આવ્યો, કારણકે અંદર એક નહીં, બબ્બે જણાં મૃત્યુ સામેની લડાઈ હારી ચૂક્યા હતાં.

ને આ તરફ જીવીકાકીના ખેતરના એક છેડે મંત્રીશ્રી રસ્તાનું ઉદઘાટન કરી રહ્યાં હતાં.

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “સર્વે નંબર ૭ – જીજ્ઞેશ અધ્યારૂ (ટૂંકી વાર્તા)