પરંપરાગત વિરુદ્ધ પ્રગતિશીલ કેળવણી – જોન ડ્યૂઈ, અનુ. નટવરલાલ બુચ


( જોન ડ્યૂઈ છેલ્લા પોણોસો વર્ષોમાં કેળવણીના ક્ષેત્રમાં પ્રયોગો કરી તેમાંથી નવી પેઢીને સારી અને ઉપયોગી કેળવણી મળે તેવા પ્રયત્નો કરતા વિચારકોમાં મોખરે છે. તેમના ૧૯૩૮માં પ્રકાશિત નાના પણ ઘણાં ઉપયોગી પુસ્તક “Experience and Education” નો ગુજરાતીમાં અનુવાદ શ્રી નટવરલાલ બૂચ ગુજરાતીમાં “અનુભવ અને કેળવણી” અંતર્ગત કર્યો છે.

આપણી સમજમાં કેળવણી શબ્દનો સ્પષ્ટ અર્થ શું થાય? જોન ડ્યૂઈ કહે છે, “કેળવણીનું વસ્તુ તે ભૂતકાળમાં તૈયાર થયેલ માહિતિના જથ્થા અને આવડતોનું બનેલ છે; તેથી શાળાનું મુખ્ય કામ આ બન્નેને નવી પેઢીને પહોંચાડવાનું છે.” પ્રસ્તુત લેખ જે પુસ્તક “અનુભવ અને કેળવણી” માંથી લેવામાં આવ્યો છે તેમાં લેખક પરંપરાપ્રાપ્ત અને પ્રગતિશીલ એ બંને કેળવણી પ્રવાહોનું પૃથક્કરણ કરે છે. મૂલતઃ અમેરિકન શિક્ષણશાસ્ત્ર અને વ્યવસ્થા ઉપર આધારિત આ પુસ્તક આપણી શિક્ષણવ્યવસ્થાને એથીય વધુ લાગુ પડે છે. અહીં એક એવી શિક્ષણ વ્યવસ્થાનું સ્વરૂપ વિચારાયું છે જે નકારાત્મક નહીં, વિધેયાત્મક રચના અને કેળવણી પર આધારિત હોય.  પ્રસ્તુત લેખ આ પુસ્તકના પ્રથમ પ્રકરણ માંથી લેવામાં આવ્યો છે.)

માનવજાતને આત્યંતિક વિચારવાનું ગમે છે. પોતાની માન્યતાઓને તે “કાં આ કાં તે” ની રીતે રજુ કરે છે. એ બે ની વચ્ચે મધ્યમ માર્ગની શક્યતાને તે સ્વીકારતી નથી. બે આત્યંતિક વિચારોનો એક સાથે અમલ થઈ શકે તેમ નથી એમ જ્યારે તેને સ્વીકારવું જ પડે છે ત્યારે પણ તે એમ કહેવાનું વલણ રાખે છે કે બંને છેડાઓ સિદ્ધાન્તમાં તો સાચા જ છે; પણ વ્યાવહારિક પરિસ્થિતિ આપણને બન્ને વચ્ચે મેળ કરવા મજબૂર બનાવે છે. કેળવણીનું તત્વજ્ઞાન આમાં અપવાદ નથી. કેળવણીના સિદ્ધાંતના ઈતિહાસમાં એક બાજુ, ‘કેળવણી એ માનવીની અંદરથી વિકાસ પામતી પ્રક્રિયા છે.’ એ એક વિચાર અને ‘બહારથી કરવામાં આવતી ઘડતરની પ્રક્રિયા છે.’ એ બીજો વિચાર; ‘કેળવણી માનવની સહજ શક્તિ પર આધારિત છે.’ એ એક વિચાર અને ‘કેળવણી એ માનવીનાં સહજ વલણોને નિયમનમાં રાખી બ્રાહ્ય દબાણોની જગ્યાએ સુટેવો પાડવાની પ્રક્રિયા છે’ એ બીજો વિચાર, – આમ બે વિચારોનો પરસ્પર વિરોધ થતો રહ્યો જોવામાં આવ્યો છે.

આજકાલ શાળામાં ચાલતા કેળવણીના વ્યવહાર પરત્વે આ વિરોધ પરંપરાગત કેળવણી અને પ્રગતિશીલ કેળવણી વચ્ચેના વિરોધ રૂપે વ્યક્ત થવા તરફ છે. જો પરંપરાગત કેળવણી પછી તે રહેલા વિચારોને, ચોક્કસ વિધાન કરવા માટે જરૂરી વિશેષો વિના, જાડી ભાષામાં મૂકીએ તો તે આમ રજૂ થાય – કેળવણીનું વસ્તુ તે ભૂતકાળમાં તૈયાર થયેલ માહિતિના જથ્થા અને આવડતોનું બનેલ છે; તેથી શાળાનું મુખ્ય કામ આ બન્નેને નવી પેઢીને પહોંચાડવાનું છે. ભૂતકાળમાં વર્તનના ધોરણો અને નિયમો પણ તૈયાર કરવામાં આવ્યા છે; નીતિ શિક્ષણ આ ધોરણો – નિયમોને અનુરૂપ ટેવો પાડવામાં રહેલું છે, અને તેથી છેવટે શિક્ષણની તંત્રરચના (એટલે કે વિદ્યાર્થીઓની વચ્ચેના અંદર અંદરના અને વિદ્યાર્થીઓના શિક્ષક સાથેના સંબંધો એમ હું કહેવા માંગું છું) શાળાને બીજી બધી સામાનિક સંસ્થાઓમાંથી તદ્દન જુદી પાડે છે. શાળાનો વર્ગખંડ, એનાં સમયપત્રકો, ધોરણોનું વર્ગીકરણ, પરીક્ષાઓ અને ચડાવાની પદ્ધતિ, વ્યવસ્થાના નિયમો આ બધાનું ચિત્ર તમારી કલ્પનામાં લાવો એટલે મને લાગે છે કે તમે સમજી જશો કે શિક્ષણની તંત્રરચના એટલે શું. હવે જો તમે આ દ્રશ્યને બીજી કોઈ સમાજસંસ્થા, દાખલા તરીકે કુટુંબસંસ્થા સાથે સરખાવો તો શાળા અન્ય સમાજસંસ્થાથી, તદ્દન જુદી પડે છે એ વિધાન તમને સમજાશે.

હમણાં કહેલી ત્રણ લાક્ષણિકતાઓ શિક્ષણ અને શિસ્તના હેતુઓ અને પદ્ધતિઓ નિશ્ચિત કરે છે. મુખ્ય હેતુ કે ઉદ્દેશ્ય ઉગતાં બાળકોને વિવિધ વ્યવસ્થિત માહિતી અને આવડતોરૂપી શિક્ષણ વસ્તુની પ્રાપ્તિ દ્વારા ભાવિની જવાબદારીઓ અદા કરવા અને જીવનની સફળતા પ્રાપ્ત કરવા માટે તૈયાર કરવાનો છે. વસ્તુ અને યોગ્ય વર્તનના ગજ ભૂતકાળથી પરંપરાપ્રાપ્ત છે તેથી વિદ્યાર્થીઓનું વલણ એકંદર, કહ્યાગરાપણા, ગ્રહણતત્પરતા અને આજ્ઞાધારકતાનું હોવું જોઈએ. પુસ્તકો, ખાસ કરીને પાઠ્યપુસ્તકો ભૂતકાળના વારસા અને ડહાપણના મુખ્ય સંપર્કમાં મૂકનારાં સાધનો છે. – શિક્ષકો રૂપી ઔજારો દ્વારા એમને આ જ્ઞાન અને આવડતો પહોંચાડવામાં આવે છે, અને શિસ્તપાલન કરાવાય છે.

આ શિક્ષણરચનાની પછીતે રહેલા સિદ્ધાંતોની આ ટૂંકી નોંધ મેં એની ટીકા કરવા માટે નથી કરી. જેને આજ નવી કેળવણી અને પ્રગતિશીલ શાળા કહેવાય છે તેનો ઉદય પોતે જ કેળવનીની પરંપરાપ્રાપ્ત રચના પ્રત્યેના અસંતોષમાંથી થયો છે. હકીકતમાં તે જૂની કેળવણીની જ ટીકા છે. આ ગર્ભિત ટીકા સ્પષ્ટ શબ્દોમાં મૂકવામાં આવે તો આવું કાંઈક થાય, પરંપરાપ્રાપ્ત રચના, મૂળમાં બહારથી અને ઉપરથી લદાયેલી કેળવણીની છે. જે બાળકો હજી માત્ર પક્વતા તરફ ગતિ કરતાં હોય છે તેમના પર પુખ્ત ઉંમરવાળા માટેના ગજ, જ્ઞાનનું વસ્તુ અને પદ્ધતિઓ આ રચના લાદે છે. બંને વચ્ચે અંતર એટલું બધું છે કે ભણવાની અને વર્તનની પદ્ધતિઓ બાળકોની વર્તમાન શક્તિઓને માટે તદ્દન ક્ષેત્રબ્રાહ્ય છે. આ નાના વિદ્યાર્થીઓના વર્તમાન અનુભવોના ક્ષેત્રથી ક્યાંય દૂર આ બધાં છે તેથી એ લાદવાં પડે; જો કે સારા શિક્ષકો એનાં સ્પષ્ટ અમાનવીય લક્ષણોમાંથી કંઈક રાહત આપે એવી રીતે શીખવવાને હિકમતો અજમાવશે. પણ પુખ્ત પરિપક્વ ઉમરવાળા માટેના વસ્તુ અને બીજી બાજુ બાળકોના અનુભવો અને શક્તિ વચ્ચેની ખાઈ એટલી પહોંઈ છે કે જે ભણાવવામાં આવે છે તેને સમજવા સંવર્ધવાના કાર્યમાં ભણનારાઓ સક્રિય ભાગ લઈ શકે જ નહીં. પેલા છસો ઘોડેસવારોને જેમ, ‘કરવાનું કે મરવાનું જ હતું #’ તેમ આ બાળકોએ તો કહ્યું કરવાનું અને ભણવાનું જ હતું. ભણવું એટલે આ સ્થળે ચોપડીઓમાં અને વડીલોના મગજમાં જે જ્ઞાન જમા થયું છે તે બધું પ્રાપ્ત કરવું. વળી ભણાવાય છે તે બધું સ્થિર, ચોક્કસ છે એમ માનવામાં આવે છે. એ જ્ઞાન પૂરા તૈયાર માલ તરીકે તે મૂળથી કેવી રીતે વધ્યું, વિકસ્યું કે તેનાથી ભવિષ્યમાં જે ફેરફારો થવાનાં જ છે તે બન્નેથી નિરપેક્ષ રીતે આપવામાં આવે છે. આ જ્ઞાન જાજે અંશે જે સમાજોએ એમ માની લીધેલું કે ભવિષ્ય ભૂતકાળ જેવો જ હશે એ સમાજોની સંસ્કૃતિના ફળરૂપ છે. અને છતાં સમાજમાં પરિવર્તન સતત થતું જ રહે છે. માત્ર અપવાદરૂપ નથી એવા સમાજના શિક્ષણ ખાદ્ય તરીકે એ જ્ઞાન પિરસાય છે.

જો નવી કેળવણીના વ્યવહારમાં જે સિદ્ધાંત ગૃહીત છે તેને શબ્દમાં મૂકવા મથીએ તો મને લાગે છે, આજ ચાલતી વિવિધ પ્રકારની પ્રગતિશીલ શાળાઓ વચ્ચે અમુક સર્વસામાન્ય સિદ્ધાંતો આપણને દેખાશે. ઉપરથી લાદેલા ભણતરના વિચારોમાં વ્યક્તિત્વના આવિષ્કાર અને વિકાસને સ્થાન અપાયું છે. બ્રાહ્ય શિસ્તને સ્થાને મુક્ત પ્રવૃત્તિ રહે છે. પાઠ્યપુસ્તકો અને શિક્ષકો પાસેથી જ્ઞાન લેવાને બદલે જાત અનુભવથી શિક્ષણ લેવાની વાત છે. છૂટી-છવાઈ આવડતો અને ટેકનીકો પ્રાપ્ત કરવાને સ્થાને બાળકોને સીધી અપીલ કરે તેવી પ્રવૃત્તિઓ દ્વારા એ આવડતો પ્રાપ્ત કરવાની છે; નજીક કે દૂરના ભવિષ્ય માટે તૈયારી કરવાને બદલે વર્તમાન જીવનમાં મળતી તકોનો બને તેટલો ઉપયોગ કરવાની વાત છે. નિશ્ચિત હેતુઓ અને બીબાંઢાળ વસ્તુઓની સામે બદલાતી રહેતી દુનિયાનો પરિચય કરવાનો છે.

હવે સિદ્ધાંત માત્ર સિદ્ધાંત રૂપે ભાવાત્મક હોય છે. એના અમલથી મળેલા પરિણામથી જ જે તે પ્રત્યક્ષ થાય છે. આ નવી કેળવણીના સિદ્ધાંતો મૂળ ગામી અને દૂરગામી છે, તેથી જ શાળામાં અને ઘરમાં એના અમલ વખતે તેનું જે અર્થઘટન થાય છે તેના પર બધો આધાર છે. આ સ્થળે જ્ અગાઊ જે “કાં આ કાં તે” ની વાત કરવામાં આવી તે ખાસ મહત્વની બને છે. નવી કેળવણીના સામાન્ય સિદ્ધાંતો બરાબર હોય, અને તોયે જૂના-નવા વચ્ચેના ભાવાત્મક સિદ્ધાંતોના ભેદનિરૂપણથી, નવામાં જે નૈતિક અને બૌદ્ધિક અગ્રિમતાઓ અપાઈ છે તેનો અમલ કેમ થઈ શકે તે નક્કી થઈ શક્શે નહીં. નવા કોઈ પણ આંદોલનમાં ભયસ્થાન એ હોય છે કે જે નવાને માટે જૂનાના હેતુઓ અને પદ્ધતિઓને તિલાંજલી આપવામાં આવે છે, તે નવાનો અમલ વિધેયાત્મક અને રચનાત્મક રીતે થવાને બદલે નકારાત્મક રીતે કરવામાં આવે ત્યારે પછી નવું, જે જૂનાને કાઢવામાં આવ્યું છે તેને જ અનુસરે અને સિદ્ધાંતના રચનાત્મક વિકાસને ચૂકી જાય.

પ્રત્યક્ષ અનુભવ અને કેળવણીની પ્રક્રિયાઓ વચ્ચે ખૂબ નિકટ અને અવિનાભાવ સંબંધ છે. એવા ખ્યાલમાંથી નવી કેળવણીના સિદ્ધાંતોને અનુસરનારી પ્રગતિશીલ શાળાઓ વચ્ચે મૂળગામી સામ્ય જન્મે છે. જો આ વાત બરાબર હોય તો અનુભવના સિદ્ધાંતના વિધેયાત્મક અને રચનાત્મક અમલનો આધાર અનુભવના સ્વરૂપનો સાચો ખ્યાલ બાંધવા પર છે. દાખલા તરીકે શિક્ષણની વ્યવસ્થિત વસ્તુસામગ્રીનો પ્રશ્ન લો, – નવી કેળવણી માટેનો પ્રશ્ન આ છે, અનુભવમાં પોતાનામાં જ શિક્ષણની સામગ્રી અને તંત્રરચનાનું સ્થાન શું? અને તેનો અર્થ શું? અનુભવમાં તેને સહજ એવું કાંઈ છે જે શીખવવાની વસ્તુની વ્યવસ્થિત રચનાના આપોઆપ ઉભી કરે? શિક્ષણનું વસ્તુ કઈ રીતે કામ કરે? અનુભવમાં જ એવું કાંઈ સહજ તત્વ છે, જે અનુભવમાં આવેલ વસ્તુને આપોઆપ ક્રમશઃ ગોઠવે ? જ્યારે અનુભવમાં આવતું વસ્તુ કે હકીકતો ક્રમસર વ્યવસ્થિત થાય કે ન કરવામાં આવે ત્યારે શા પરિણામ આવે છે? જે સિદ્ધાંત કેવળ વિરોધ કરવામાં જ સાબિત હોય તે આવા પ્રશ્નોની ઉપેક્ષા કરશે. એનું વલણ તો એવું રહેવા સંભવ છે કે જૂની કેળવણી તૈયાર વ્યવસ્થા પર આધારિત હતી, તેથી વ્યવસ્થાનો સિદ્ધાંત એટલે શું અને અનુભવના સિદ્ધાંતના અમલમાં એનો ઉપયોગ કેવી રીતે થઈ શકે એવું કાંઈ વિચારવાને બદલે એ જૂના સિદ્ધાંતને સમૂગળો ફેંકી દેવો. અલબત્ત એવું બની શકે ખરું કે એક વાર આપણે જૂના અને નવા વચ્ચેના ભેદના મુદ્દાઓ તપાસી જઈએ અને પછી આવા જ નિર્ણય ઉપર આવીએ, જે જુદી વાત છે. જ્યારે બ્રાહ્ય નિયમન કાઢી નાંખવામાં આવે ત્યારે અનુભવની પ્રક્રિયામાંથી જ નિયમનો કેમ આવે તે શોધવું એ આપણો મુખ્ય પ્રશ્ન બને છે. જ્યારે બ્રાહ્ય નિયમનો ફેંકી દેવામાં આવે ત્યારે એનો અર્થ એવો નથી કે નિયમ ન જ હોય, પણ ઉલટું એમ હોવું જોઈએ કે વધુ અસરકારક નિયમ કેમ બને એ જોવું જોઈએ. જૂની પધ્ધતિ જ્ઞાન, અને તેના પ્રદાન – વિતરણની પદ્ધતિઓ અને પુખ્ત ઉંમરવાળા માટે વર્તનના નિયમો નાના બાળકો ઉપર લાદતી, તેથી એવું ફલિત નથી થતું કે પુખ્ત ઉંમરના માણસોના જ્ઞાન અને આવડતની ઉપયોગીતા નાનાંને માર્ગદર્શન આપવા જેટલી પણ નથી – સિવાય કે આપણે અગાઊ કહેલી ‘કાં આ કાં તે’ વાળી વાતને વળગી રહીએ, એથી ઉલટું એનો અર્થ તો એવો થાય કે બાળકના જાત અનુભવ પર કેળવણીનું મંડાણ કરીએ તો જુની કેળવણીમાં મોટા અને નાના વચ્ચે હતા તેથી અનેકગણા અને વધુ નિકટ સંપર્કો આ નવી કેળવણીમાં રહે અને તેથી નાનાંઓ મોટા પાસેથી ઉલટું માર્ગદર્શન ઈચ્છે ને મેળવે. ત્યારે પ્રશ્ન આ છે – અનુભવ દ્વારા કેળવણીના સિદ્ધાંતને બાધા આવ્યા વિના આવા સંપર્કો કેમ સાધવા ? આ પ્રશ્નના ઉકેલ માટે વ્યક્તિગત અનુભવની પ્રક્રિયામાં જે સામાજિક પરીબળો કામ કરે છે તેનો પૂરો વિચાર કરવો જોઈએ.

ઉપરની ચર્ચા દ્વારા એ બતાવવાનો હેતુ છે કે નવી કેળવણીના સામાન્ય સિદ્ધાંતો પ્રગતિશીલ શાળાઓમાં વર્તનના નિયમો અને એ વ્યવસ્થાના પ્રશ્નો ઉકેલી શક્શે નહીં, ઉલટૂં એ પોતાના નવા પ્રશ્નો પણ ઉભા કરશે જેનો ઉકેલ અનુભવના નવા સિદ્ધાંતના પાયા પર શોધવો પડશે. પણ જ્યારે જૂની કેળવણીના સિદ્ધાંતો અને વ્યવહારોને તિલાંજલી આપી સામે છેડે જઈ બેસીએ એટલે પત્યું એમ જ માની લેવામાં આવે ત્યારે આ નવા પ્રશ્નોના નિકાલની વાત તો કોરે રહી, એ પ્રશ્નો વરતાતાયે નથી, સ્વીકારાતાયે નથી. નવી કેળવણીની ઘણી શાળાઓ અભ્યાસમાં નિશ્ચિત અને વ્યવસ્થિત ગોઠવેલ વસ્તુ નું કોઈ સ્થાન જ નથી ગણતી. મોટાઓ તરફથી આદેશ કે માર્ગદર્શનને પણ તેઓ બાળકના વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર તરાપ ગણે છે. અને કેળવણીને માત્ર વર્તમાન અને ભવિષ્ય સાથે જ સંબંધ છે. અને ભૂટકાળના પરિચય કે જ્ઞાનને અનુભવથી મળતી કેળવણી સાથે કશી લેવાદેવા નથી એમ કહે છે.

અનુભવના સિદ્ધાંતના પાયા પર તેના હેતુઓ, પદ્ધતિઓ અને શિક્ષણનું વસ્તુ અને તેની ભાવિ શક્યતાઓ વિશે વિધેયાત્મક અને રચનાત્મક રીતે વિચાર કરવાને બદલે કેળવણીમાં આજ સુધી જે પ્રવર્તે છે તેની સામે પ્રત્યાઘાત રૂપે કે નકારાત્મક રીતે જ કેંઅવણીના સિદ્ધાન્તનો અર્થ થાય છે એટલે નવી કેળવણીના આ અભિગમની ઊણપ વધુ ભારપૂર્વક વર્ણવ્યા વિના જ સમજાઈ જશે.

સ્વતંત્રતાના વિચાર પર મંડિત હોવાનો દાવો કરનાર કેળવણીનો સિદ્ધાંત, પોતે પણ જે પરંપરાપ્રાપ્ત પુરાણી કેળવણીના વિરોધમાં એ આગ્રહ કરવામાં આવે છે તેના જેટલો જ જડ આગ્રહ હોઈ શકે છે. જે સિદ્ધાંત અને વ્યવહાર પોતાના અસ્તિત્વની પછીતે રહેલા વિચારોની કડક પરીક્ષા પર આધારિત ન હોય તે જડાગ્રહી છે. આપણે કહીશું કે નવી કેળવણી ભણનારની સ્વતંત્રતા પર ભાર મૂકે છે, ભલે, હવે એ પ્રશ્ન ઉઠે કે સ્વતંત્રતા એટલે શું અને કઈ પરિસ્થિતિ વચ્ચે તે સાકાર બની શકે? આપણે કહીશું કે જૂની શાળાઓમાં જે બ્રાહ્ય નિયમન પ્રવર્તતું હતું તે બાળકના બૌદ્ધિક અને નૈતિક વિકાસને વેગ આપવાને બદલે તેને રૂંધતું હતું. આ ગંભીર ઉણપનો સ્વીકાર એક પ્રશ્ન ઉભો કરે છે, તે એ કે અપક્વ બાળકના કેળવણીગત વિકાસને વધારવામાં શિક્ષકનો અને પુસ્તકોનો ફાળો શો? એમ સ્વીકારીએ કે અભ્યાસના વસ્તુ તરીકે પરંપરાપ્રાપ્ત કેળવણી જે નિયત કરતી તે હકીકતો અને વિચારો એટલા બધા ભૂતકાલીન હતા કે તે વર્તમાન અને ભાવિના પ્રશ્નોની વિચારણામાં બહુ મદદરૂપ ન થઈ શકે. ભલે, તો હવે આપણો પ્રશ્ન એ છે કે ભૂતકાળની પ્રાપ્તિઓ અને વર્તમાનના પ્રશ્નો વચ્ચે અનુભવની પ્રક્રિયામાં પોતાના જે સંબંધ હોય તે કેમ શોધવો? ભૂતકાળ સાથેનો પરિચય ભાવિ માટે ફળદાયી રીતે ઉપયોગમાં કેમ લઈ શકાય તે નક્કી કરવાનો પ્રશ્ન આપણી સામે આવે છે. ભૂતકાળનું જ્ઞાન કેળવણીના સાધ્ય તરીકે ન સ્વીકારીએ; પણ કેળવણીના સાધન તરીકે તેનો સ્વીકાર કરવો રહે. જ્યારે આપણે એમ કહીએ ત્યારે કેળવણીની કથામાં એક નવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે; ભણનાર બાળક ભૂતકાળ સાથે કેવી રીતનો પરિચય કરશે, જેથી સજીવ વર્તમાનને સમજવામાં તે પ્રબળ સાધન બને?

આમ પરંપરાપ્રાપ્ત કેળવનીના સિદ્ધાંત અને વ્યવહારને તિલાંજલી અપાય એટલે જેઓ નવા પ્રકારની કેળવણીમાં છે તેમની સામે એક નવા પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થશે. આ હકીકત નહીં સ્વીકારીએ ત્યાં સુધી, અને જૂનું ત્યાગવા માત્રથી પ્રશ્ન પતતો નથી એવું નહીં સમજીએ ત્યાં સુધી અંધારે અટવાયા કરીશું. બધી અનિશ્ચિતતાઓ વચ્ચે એક મુદ્દો પૂર્વનિશ્ચિત છે, તે એ કે કેળવણી અને ભણનારના જાત અનુભવની વચ્ચે મૂળગામી સંબંધ છે. અથવા તો નવી કેળવણીનું તત્વજ્ઞાન કોઈક જાતના અનુભવજન્ય અને પ્રાયોગિક તત્વજ્ઞાનથી સંબંધ્ધ હોવું જોઈએ.

* *

નોંધ – અહીં ક્લિક કરીને આ આખુંય પુસ્તક અંગ્રેજીમાં ઓનલાઈન વાંચી શકાય છે.

બિલિપત્ર

નિશ્ચેતનાના ખડકને જે માણસ આત્મવિશ્વાસ અને મહેનતની શારડી વડે ભેદી શકે છે તેને માટે જીવન પાતાળકૂવાના ફૂવારાની માફક ફૂટી નીકળે છે.

આપનો પ્રતિભાવ આપો....