વહાલની વાવણી…. “મા ફલેષુ કદાચન” – જીજ્ઞેશ અધ્યારૂ 3


વહાલની વાવણી…. “મા ફલેષુ કદાચન” – જીજ્ઞેશ અધ્યારૂ
(શ્રી ગૌરાંગ ઠાકરના ગઝલસંગ્રહ “વહાલ વાવી જોઈએ” નો આસ્વાદ)

સૂરત શહેરની ગુજરાતી ગઝલના સમૃદ્ધ વારસાની મીરાંત જોતાં તેને ગુજરાતી ગઝલનું મક્કા હોવાનું જે ઉપનામ મળ્યું છે, તે સમયની સાથે વધુ ને વધુ સાર્થક થઈ રહ્યું છે. ગઝલકારોની અનેક પેઢીઓ જોઈ ચૂકેલા આ શહેરના અગ્રણી ગઝલકારોની પંગતમાં બેસે તેવું એક જાણીતું નામ એટલે શ્રી ગૌરાંગ ઠાકર. ગઝલના ચાહકોને તેમનો પરિચય આપવાની જરૂરત ન પડે એવી કાબિલેદાદ છબી તેમણે તેમના પ્રથમ ગઝલસંગ્રહ “મારા હિસ્સાનો સૂરજ (મે ૨૦૦૬)” વડે ઉભી કરી છે. આ સંગ્રહ “મારા હિસ્સાનો સૂરજ” (મે ૨૦૦૬) નો આસ્વાદ શ્રી તરુણભાઈ મહેતાની કલમે આપણે અક્ષરનાદ પર આ પહેલા માણ્યો હતો. તેમની રચનાઓમાં પરંપરાનું અનુસરણ જોવા મળે છે, તો પ્રયોગશીલતા તેમની ગઝલોની જીવંતતા છે. ભાવ ઉર્મિઓની અનેરી અભિવ્યક્તિ તેમની હથોટી છે, તો અધ્યાત્મિકતાનો રંગ પણ તેમાં ભળેલો જોવા મળે છે. તેમની રચનાઓમાં વિષયોની જેટલી વિવિધતા અને વિપુલતા છે, એટલી જ સમૃદ્ધિ અને નાવિન્ય પણ છે. તેમનો બીજો ગઝલસંગ્રહ “વહાલ વાવી જોઈએ” મે ૨૦૧૦માં પ્રકાશિત થયો છે. લાગણીના ખેતરમાં કવિએ જે વહાલ વાવ્યું છે તેનો આસ્વાદ લઈએ.

વહાલ વાવી જોઈએ - ગૌરાંગ ઠાકર
વહાલ વાવી જોઈએ – ગૌરાંગ ઠાકર

ગૌરાંગભાઈના સર્જનોમાં એક અગમ્ય આશાવાદ ઘૂઘવે છે અને તેની વાછટ આ સંગ્રહથી ભીંજાતા ભાવકને અચૂક પહોંચે છે. ક્યાંક અહીં ગીતાજીના પેલા ખૂબ પ્રચલિત શ્લોક “કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન” ની ભાવના પણ “વહાલ વાવી જોઈએ” વિચાર સાથે જોડાતી લાગે. હકારાત્મક ઉર્જા અને ખુમારીની વિભાવનાથી સભર આ સંગ્રહના પ્રત્યેક શે’રમાં એક અનોખી છટા જોઈ શકાય છે. એક ઈજનેર જેમ બાંધકામ પહેલા તેના પાયા મજબૂત કરે તેવી જ રીતે આ સંગ્રહના પાયામાં શ્રદ્ધા અને આત્મવિશ્વાસ ભારોભાર છે.

આ આખોય સંગ્રહ એક ખૂબ સુંદર લયબદ્ધ ગઝલ જેવો છે. કહેવાયું છે કે ‘મત્લા’ ગઝલનો ચહેરો છે, તો ગૌરાંગભાઈના આ સંગ્રહને જ્યારે ગઝલ સાથે સરખાવીએ, ત્યારે આ ઘરના પ્રવેશદ્વાર જેવી મત્લાની ગઝલ, આખાંય સંગ્રહની સમૃદ્ધિનો, ભવ્યતાનો અને છતાંય તેની મૂલતઃ સાદગીનો પરિચય આપે છે. તે શ્રદ્ધાની ભૂમી પર ઉભેલી અડીખમ ઈમારતનું ભવ્ય પ્રવેશદ્વાર છે. ગઝલકારને માણસની માણસાઈ પર હજી વિશ્વાસ છે, મત્લાના શે’રમાં માણસમાં આજકાલ જે ખૂટે છે તે વહાલની, લાગણીની વાવણી કરવાની વાત થઈ છે,

ચાલને, માણસમાં થોડું વહાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.

તો એ જ ગઝલના અંતિમ શે’રમાં જગતને જીતી જવા પોતાની જાતને પણ હરાવી શકવાની ખુમારીની પ્રતીતી થયા વગર ન રહે, એક અગરબત્તીની જેમ પોતે બળીને પણ જગતને સુવાસિત કરવાની ભાવના અહીં ઉડીને આંખે વળગે છે,

બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલા હરાવી જોઈએ. (પૃ. ૧)

ભીની વરસાદી મૌસમમાં વહાલની વાવણી કરવા કવિ કયા બીજ વાપરે છે?

ભીનો વખત કહે અહીં કૈં પણ ઉગી શકે,
ભીતરમાં માણસાઈના બસ બીજ બોઈએ.(પૃ. ૫૧)

કોઈના જેવું થવામાં, અનુસરવામાં ક્યાંક સ્વત્વ જોખમાઇ જાય, કવિને ફક્ત પોતાના જેવું થવું છે. તેમની ગઝલોમાં ઉપસતા આવા ખુદ્દારીના ભાવો તેમના સ્વભાવના પરિચાયક બની રહે છે. અહીં શબ્દ ચમત્કૃતિથી આંજી દેવાનો કોઈ પ્રયાસ નથી, સહજ રીતે એક મિત્ર સાથે વાત કરતાં હોઈએ તેટલી સિફતથી ગહન વાત કહેવાની તેમની હથોટીનો પરિચય આપતો આ મત્લો જુઓ,

ભીડ સાથે ચાલવાનું આપણાંથી નહિં બને,
ને બધા જેવા થવાનું આપણાંથી નહિં બને.(પૃ. ૨૩)

આ દુનિયામાં જીવવા માટે દરેક સમયે, દરેક ક્ષણે અને દરેક પડાવ પર સત્તત સાબિત થવું પડતું હોય છે, દુનિયા તો સરખામણીની ફુટપટ્ટી લઈને માણસને કાયમ માપતી જ રહે છે,

અહીં માપપટ્ટી બધાની અલગ છે,
અને આપણે રોજ સાબિત થવાનું. (પૃ. ૧૨)

પરંતુ દોસ્તોની વાત અલગ છે, દોસ્તીમાં પોતાની આઝમાઈશ કોઈની સાથે સરખામણીથી થાય તે કવિને મંજૂર નથી,

તું મને ના આ રીતે અજમાવ દોસ્ત,
બસ, મને ના કોઈથી સરખાવ દોસ્ત. (પૃ. ૧૬)

ઈશ્વરને પણ સાચી વાત કહી દેવાનું સાહસ કાં તો એક યોગી કરી શકે અથવા એક કવિ. પ્રસ્તુત સંગ્રહમાં ઈશ્વર સાથે સંવાદના ઘણાં અવસર કવિએ મૂક્યાં છે, સાથે ફરિયાદનો અને ઘણી જગ્યાએ સાચે સાચું જણાવી દેવાનો પણ તેમણે યત્ન કર્યો છે, દુન્યવી તકલીફો અને પીડાઓને સમજવા એક માણસનું ખોળીયું જોઈએ, ઈશ્વરની સમજમાં એ તર્ક આવી શકે નહીં એ સમજતા કવિ ઈશ્વરને કહી દે છે,

પ્રત્યેક પીડાનું વર્ણન કરાય એવું નથી
પ્રભુ ! તને બધું સમજાઈ જાય એવું નથી. (પૃ. ૩૫)

તો શ્રદ્ધાના પ્રદેશમાં ભ્રમણ કરતા વણઝારાઓમાં સ્થાપિત થવા ઈશ્વરને શું કરવું પડે છે? –

ઘણાંને હસાવી ઘણાંને રડાવે,
એ રીતે જ ઈશ્વરને સ્થાપિત થવાનું. (પૃ. ૧૨)

ક્યાંક ઈશ્વરની પણ આબરુ બચાવવાની નોબત આવે ત્યારે કવિ એ અવસર ઝડપી લે છે. શ્રદ્ધાનો મલાજો જાળવતા આ મત્લાના શે’ર પણ મનના તાર ઝંકૃત કરી મૂકે,

સાવ ખાલી મેં હથેળીને છુપાવી રાખી,
એ રીતે આબરૂ ઈશ્વરની બચાવી રાખી. (પૃ. ૨૭)

શ્રદ્ધા હવા ઉપર હતી એનું પ્રમાણ છે,
આ ખારવા વિનાનું અમારું વહાણ છે. (પૃ. ૫૮)

ઈશ્વરની સામે કવિને ફરીયાદ પણ છે, અને તેને પ્રશ્નો પૂછી શકવા જેટલી હિંમત પણ છે, સતત દર્દ આપતાં ઈશ્વરને તેઓ સંભળાવી દે છે,

તું એક વખત સઘળું લઈ લે, આ દર્દ હજારો શા માટે,
આ પાન વગરના વૃક્ષો પર આ ડાળનો ભારો શા માટે ? (પૃ. ૧૫)

ગૌરાંગભાઈની કલમ કુદરતની સાથે અનેરું તાદમ્ય ધરાવે છે, પ્રકૃતિના તત્વો તેમના ગઝલતત્વમાં અહર્નિશભાવે વણાયેલા છે, અને એ તત્વોનો પ્રતિકાત્મક ઉપયોગ અનેરી આભા ઉપસાવે છે, તેમની કલમથી ઉગેલા એ પ્રકૃતિગત સર્જનોની પ્રસાદી ભાવકના મનમાં મનોહર અને રમણીય દ્રશ્ય ઉભું કરવામાં ખૂબ સફળ રહે છે, સર્જક અને સૃષ્ટિનો આ લીલોછમ્મ સંબંધ અનેક જગ્યાઓએ ઉગી આવે છે,

બાગ પરણાવે પવનથી મ્હેકને
જાણે કન્યાદાનનો મોકો થયો. (પૃ. ૬)

વૃક્ષો હસી પવનને કહે પાનખર વિશે
એનાથી પર્ણથી વધુ શું લઈ જવાય છે? (પૃ.  ૩)૮

હું બાદ કરું ઘાસ અને બીજ ઉમેરું,
જીવન આ બને બાગ અહીં એમ જીવાયું.  (પૃ. ૪૮)

કવિ પ્રકૃતિના તત્વોને પણ વાણીનું વરદાન આપે છે, આ તત્વોના મુખેથી તેમણે પ્રગટાવેલું શબ્દલાલિત્ય તેમના મનની ભાવનાનું પરિવહન ખૂબ સરળતાથી કરે છે, એક વૃક્ષની ઘરડાં હોવા છતાં પરોપકારની અખૂટ ભાવનાને માધ્યમ બનાવી ગઝલકાર ઘણુંય કહી જાય છે,

ઘરડા થયેલા વૃક્ષે ફુટપાથને કહ્યું કે,
મારાથી છાંયડો નહીં, બસ બાંકડો થવાશે. (પૃ. ૭)

તો કવિ છાંયડાને પણ બોલતા કરી શકવાની તાકાત ધરાવે છે, છાંયડાઓ શું કહે છે એ સાંભળ્યું છે?

તને હાથપગની છે ડાળીઓ, તને લાગણીના છે પાંદડા,
તું પડાવ કોઈનો થઈ શકે, મને છાંયડો એ કહી ગયો. (પૃ. ૩૩)

ગૌરાંગ ઠાકર કોઈ Larger Then Life વાતો કરતા નથી, તેમની કલમ હકીકતની ખૂબ નજીક રહીને આ આધુનિક જીવનની તકલીફો અને મજબૂરીઓને સહજતાથી અભિવ્યક્ત કરી જાય છે, અને એક કવિ માટે પોતાના સર્જનોમાં સાંપ્રત જીવનનું પ્રતિબિંબ પાડવું જરૂરી પણ છે જ ને ! તેમની રચનાઓ આ રીતે કડવી હકીકતો તરફ અંગુલિનિર્દેશ કરે છે, સ્વપ્નને એક મોંઘા રમકડાની ઉપમા આપી નિર્ધન પિતાની નજરોથી પરીઓના દેશની કોઈ વસ્તુ જેવું આલેખતા આ શેરનો ચમત્કાર જુઓ –

મોંઘા રમકડાને અહીં નિર્ધન પિતા જુએ,
મેં એમ સ્વપ્ન જોઈને મૂકી દીધું હતું.  (પૃ. ૧૮)

તો આ યુગની સામાજીક અસમાનતાની વાત પણ તેમણે આ ગઝલસંગ્રહમાં ઉચ્ચારી છે,

પેટનો ચૂલો ન માંગે એક પણ દીવાસળી,
ઘરનો ચૂલો ફૂંકવામાં આપણે સળગી ગયાં. (પૃ. ૨૨)

કદાચ આધુનિક યુગના કોઈક ગોપબાળની વેદના કાંઇક આવી હોઈ શકે.

વાંસળીને કાજ ક્યાંથી લાવશું ?
ફૂંક તો ચૂલા ઉપર વપરાઈ ગઈ !

પ્રણયાનુભૂતી અને તેનુ આલેખન એ સર્જકોનો મનપસંદ વિસ્તાર છે, અને એ વિસ્તારમાં નિતનવું ખેડાણ થતું જ રહે છે, ગૌરાંગ ઠાકર તો આ વિસ્તારમાં ખેડ કરતાં જ રહ્યાં છે, વાવણીની આ મોસમમાં પણ તેમણે વહાલના બીજ વાવ્યા છે,

હું તો માત્ર શ્વેત લકીર ને, તમે સાત રંગનો સાથિયો,
હું ભળી શકું બધા રંગમાં, મને બેઉ હાથે મિલાવજો.  (પૃ. ૧૧)

પ્રસંગ મારી દીવાનગીનો, હું રોજ ઊજવું છું ધામધૂમથી,
બધાં જ દર્દોને આવકારી, ગઝલમાં પીડાનું ગાન રાખું. (પૃ. ૨૪)

તારા સુધી જવા મને પરવાનગી હતી,
કારણકે મારી યોગ્યતા દીવાનગી હતી. (પૃ. ૫૦)

ગૌરાંગભાઈની રચનાઓમાં સર્વગ્રાહી વિશદતા છે, વિષયોમાં સંપૂર્ણતા છે અને એક પરથી બીજા વિષય પર સહજતાથી સરકી જવા જેટલી ફાવટ પણ છે. તેઓ સૂકા ઉપદેશ આપવાનો પ્રયત્ન કર્યા વગર પોતાની વાત, દ્રષ્ટિકોણ સજ્જડ રીતે મૂકીને સંદેશની મહત્તા સિદ્ધ કરે છે. તેમની ભાષામાં સરળતા છે, આડંબર નથી, સ્મિત હોય છે પણ અટ્ટહાસ્ય નથી, ગર્ભિત બોધ હોય છે, પ્રત્યક્ષમાં ઉપદેશો નથી, સંસ્કારિતાના પરિઘમાં રહીને પણ તેઓ સહજોક્તિ કરી જાય છે અને કદાચ આ વહાલની વાવણી તેમને સંતોષ અને આત્મવિકાસનો મબલખ પાક આપવાની છે એ ચોક્કસ.

‘વહાલ વાવી જોઈએ’ ગઝલસંગ્રહ સાદ્યાંત માણવાલાયક થયો છે, અને એનું કારણ છે સર્જકનો ઈશ્વર, પ્રકૃતિ અને પ્રિયજનની સાથે શૂન્યાવકાશમાં થયેલો સંવાદ. સંગ્રહની પ્રસ્તાવનામાં ડૉ. રશીદ મીર કહે છે તેમ, “ગૌરાંગભાઈ પાસે ગઝલના વારસા અને સ્વરૂપની ઉંડી સૂઝ છે, સંવેદનાની સચ્ચાઈ અને ભાષાની સજ્જતા છે. આવી પર્યાપ્ત પૃષ્ઠભૂમી પર ઉભા રહી જ્યારે એ ગઝલ કહે છે ત્યારે અનુભૂતિની સચ્ચાઈ શોકને શ્લોકત્વ સુધી લઈ જાય છે.” કેટલીક ગઝલો અમર થવા માટે જ સર્જાઈ હોય છે, અને ગૌરાંગભાઈએ કરેલી વહાલની વાવણી સર્જનની વસંતમાં મહોરી છે, ગઝલ સર્જનશીલતાના બધાંજ પરિમાણોમાં તેમની હથોટી સુપેરે દેખાઈ આવે છે. તેમની કલમને ખૂબ ખૂબ અભિનંદન સાથે ગૌરાંગભાઈ આપણને આવી વાવણીની અનેક મૌસમનો પરિપાક આપ્યા કરે તેવી અભ્યર્થના સહિત અનેકો શુભકામનાઓ.

અસ્તુ

– જીજ્ઞેશ અધ્યારૂ

બિલિપત્ર

દૂરથી લાગ્યું કે એને ગઝલનું ઘેલું છે,
નજીક જઈ અને જોયું તો સત ચડેલું છે !
– અદમ ટંકારવી


Leave a Reply to Jignesh ChavdaCancel reply

3 thoughts on “વહાલની વાવણી…. “મા ફલેષુ કદાચન” – જીજ્ઞેશ અધ્યારૂ

  • Parth Thakkar

    વાહ ભાઈ, ખૂબ સરસ આસ્વાદ કરાવ્યો છે….

    ખાસ કરીને મત્લાના શેર વિશે આલખ્યું છે એ બધાંય જોરદાર છે,

    ગૌરાંગભાઈનો આભાર.

  • Jignesh Chavda

    શ્રી ગૌરાંગભાઈ દ્રારા લખાયેલ બધા જ શેર ખુબજ સરસ છે..

    હવે તો બધિ જ ગઝલો માણવિ પડશે…