ચાલો ગઝલ શીખીએ (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ (લઘુ ગુરુ અક્ષરોની સમજ) 14


શ્રી રઈશ મનીઆર તેમના પુસ્તક ‘ગઝલનું છંદોવિધાન’ માં આ વિષયની પ્રાથમિક સમજ આપતાં લખે છે તેમ, વાણી શબ્દોની બનેલી છે અને શબ્દો અક્ષરોના બનેલા છે. અક્ષરોમાં સ્વરો તેમજ સ્વરના ટેકાથી ઉચ્ચારાતા વ્યંજનોનો સમાવેશ થાય છે. અક્ષરો ઉચ્ચારના એકમ છે. પદ્યના લયબદ્ધ પઠન અને તાલ સહિતના ગાયન માટે અક્ષરોને લઘુ અને ગુરુ એમ બે માપમાં વહેંચી શકાય. ભારતીય પિંગળના અક્ષરમેળ અને માત્રામેળ, બંને પ્રકારના છંદોમાં લઘુ અને ગુરુની વિભાવના પાયાના સ્થાને છે. લઘુ અને ગુરુ અક્ષરના ઉચ્ચાર સમયનું પ્રમાણ ગઝલની પરિભાષામાં વજન તરીકે ઓળખાય છે. તેથી ગુરુ અક્ષરનું વજન લઘુ અક્ષરના વજનથી બમણું છે તેમ કહેવાય છે. આજે લઘુ ગુરુ અક્ષરોની વિભાવનાની અહીં વિગતે ચર્ચા કરીશું તથા નિયમોમાંથી લેવામાં આવતા અપવાદો વિશે નોંધવાનો પ્રયત્ન પણ કરીશું.

ચાલો ગઝલ શીખીએ…. ભાગ ૨
લઘુ ગુરુ અક્ષરોની સમજ

અક્ષરો બે પ્રકારના છે, ૧ – સ્વરો અને ૨ – વ્યંજનો

સ્વરો – જે અક્ષરો એકલા, સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાય તેવા હોય તેમને સ્વરો કહે છે.
વ્યંજનો – જે અક્ષરો એકલા, સ્વતંત્ર રીતે, સ્વરો મેળવ્યા વગર ઉચ્ચારી શકાતા નથી તે વ્યંજનો કહેવાય છે. વ્યંજનોમાં ફક્ત એક જ અપવાદ ઋ નો છે જે સ્વતંત્ર રીતે સ્વર મેળવ્યા વગર પણ ઉચ્ચારી શકાય છે.

સ્વરો – અ, આ, ઇ, ઈ, ઉ, ઊ વગેરે…
વ્યંજનો – ક્ ખ્ ગ્ … વગેરે તથા ઋ

હવે આ સ્વરો અને વ્યંજનોને બે વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે.

લઘુ અથવા હ્રસ્વ અક્ષરો
સ્વર – અ, હ્રસ્વ ઇ, ઉ
વ્યંજન – ક, કિ, કુ, ઋ વગેરે
ટૂંકુ રૂપ – ‘લ’
ચિહ્ન : U કે I
ઉચ્ચાર કોમળ છે અને બોલવામાં ઓછો સમય લાગે છે.

ગુરુ અથવા દીર્ઘ અક્ષરો
સ્વર – આ, ઈ, ઊ, એ ઐ, ઓ, ઔ, અં, અઃ
વ્યંજન – કા, કી, કૂ, કે, કૈ, કો, કૌ, કં, કઃ વગેરે
ટૂંકુ રૂપ – ‘ગા’
ચિહ્ન :  ¯ કે =
ઉચ્ચાર ભારી છે અને બોલવામાં લઘુ અક્ષરોથી વધારે સમય લાગે છે.

અનુસ્વાર વાળા અક્ષરો

અનુસ્વાર વાળા અક્ષરો સામાન્ય રીતે ઉપર જણાવેલા નિયમ મુજબ ગુરુ અક્ષર ગણાય છે પણ ગુજરાતીમાં જે શબ્દો તળપદી બોલીમાંથી આવ્યા હોય ત્યાં અનુસ્વારવાળા અક્ષરને લઘુ પણ ગણી શકાય છે. દા.ત.

કુંવારી – લગાગા
સુંવાળું – લગાલ
તાળું – ગાલ
કાણું – ગાલ
કંઈ – લલ અથવા ગા

જો કે અનુસ્વારનો ઉચ્ચાર કઠોર થતો હોય ત્યાં તેને લઘુ ગણી શકાય નહીં. દા.ત.

અંધ – ગાલ
કુંભાર – ગાગાલ
જંજાળ – ગાગાલ

વિસર્ગવાળા અક્ષરો

વિસર્ગવાળા અક્ષરો ગુરુ ગણાય છે, જેમ કે અંતઃકરણ – ગાગાલગા

જોડાક્ષરો

જોડાક્ષરોને જો મૂલતઃ સંસ્કૃતમાંથી આવેલા અને તળપદી બોલીમાંથી આવેલા એમ બે વિભાગોમાં વહેંચીએ તો તેમના ઉચ્ચાર દરમ્યાન જોડાક્ષરના આગળના અક્ષરને લાગતા થડકા પરથી તે લઘુ છે કે ગુરુ તે નક્કી કરી શકાય. સામાન્ય રીતે સંસ્કૃતમાંથી ઉતરી આવેલા શબ્દોમાં જોડાક્ષરની આગળના અક્ષરને થડકો લાગે છે, અહીં જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગણાય છે. જેમ કે

સત્ય, કૃત્ય, પુષ્પ વગેરેનું લગાત્મક સ્વરૂપ ‘ગાલ’ થાય છે.

તળપદા જોડાક્ષરો કોમળતાથી બોલાય છે, આગળના અક્ષરને થડકો લાગતો નથી, તેથી આગળનો અક્ષર લઘુ હોય તો લઘુ જ રહે છે. જેમ કે,

સાંભળ્યું – ગાલગા

બે લઘુ = ગુરુ

સંસ્કૃતમાં બે લઘુ અક્ષર લઘુ જ રહે છે, પણ ગઝલના છંદોમાં શબ્દોના ઉચ્ચાર દરમ્યાન લાગતા વજનના લીધે બે લઘુનો એક ગુરુ ગણી શકાય છે. જેમ કે,

અમર, નયન – લગા
કુશળ, વિગત – લગા
કસરત, મનહર – ગાગા
ટર્મિનસ – ગાલગા

નોંધ – પાસપાસેના બે લઘુઓ માટે અપવાદો

૧. પાસપાસે આવેલા બે લઘુઓમાં એક કે બંને લઘુઓ હ્રસ્વ ઈ કે ઉ સ્વરભાર વાળા હોય ત્યાં બંને લઘુ તરીકે જ રહે છે, જેમ કે,
સુખ, ઋણ, કુળ, રવિ, પિયુ વગેરેનું ‘લગા’ત્મક સ્વરૂપ – ‘લલ’ જ થાય છે. કામિલ જેવા છંદમાં પાસપાસે બે લઘુઓ લઘુ તરીકે જ નિભાવવાના હોય છે.

૨. શબ્દ બે શબ્દોના વિન્યાસથી બન્યો હોય અને આગલો શબ્દ લઘુથી અંત પામતો હોય અને બીજો શબ્દ લઘુથી શરૂ થતો હોય ત્યાં બંને લઘુ, લઘુ જ રહે છે, જેમ કે,
રાજરમત = રા-જ-ર-મત = ગા-લ-લ-ગા
કુવચન = કુ-વ-ચન = લ-લ-ગા
અસહાય = અ-સ-હા-ય = લ-લ-ગા-લ

પંક્તિને છેડે લઘુ

ગઝલના છંદોમાં પંક્તિને છેડે આવતો લઘુ અક્ષર છંદમાં અનિવાર્ય ન હોય ત્યાં આગળન લઘુ કે ગુરુ સાથે મેળવી ગુરુ ગણવામા આવે છે, કાં તો એ લઘુનો લોપ કરવામાં આવે છે.

હવે ઉપરોક્ત નિયમોને અનુસરીને જોઈએ કેટલાક શબ્દોના ‘લગા’ત્મક સ્વરૂપો

ગુરુ, તિથિ, ક્રમ, ઋણ, કૃમિ, શ્રૃતિ, વધુ, ગુણ = લલ = ગા
વન, હઠ, ઝટ, મન, ગમ = ગા
કૈં, જૈ, થૈ = ગા

પ્રમુખ, વિમુખ, શિશિર, ગણિત, ચક્તિ, શ્રમિત, તિમિર, કુસુમ = (કુ-સુમ) = લગા

મુક્ત, શાંત, ધર્મ, સૌમ્ય, કાર્ય, અશ્રુ, મિત્ર, ભ્રષ્ટ = (ભ્રષ-ટ) = ગાલ

સરવર, થાક્યું, ગણના, જીપ્સી, સૌરભ, અત્રે, અક્ષર, અડિયલ = (અડિ-યલ) = ગાગા

સંયુક્ત, આકૃષ્ટ, નિર્મુક્ત, વિશ્વાસ, નિર્વિર્ય, ધિક્કાર, દિલચશ્પ, ઇજનેર, સ્મરણીય = (સં-યુક્-ત) = ગાગાલ

કૂદકો, અક્ષરો, ખુશખબર, મશ્કરી, બરતરફ, સંકુચિત = (સં-કુ-ચિત) = ગાલગા

સરોવર, જણાવ્યું, ગણતરી, ભિખારણ, ફિરંગી, સમયસર = (સ-મય-સર) = લગાગા

સરિતા, કુવચન, અતિશય, કુલટા = (કુ-લ-ટા) = લલગા

વિભક્ત, વિચિત્ર, પર્યાપ્ત, કુનેહ = (વિ-ચિત્-ર) = લગાલ

હંમેશા, સળવળતો, ઘરવખરી, છૂમંતર = (છૂ-મં-તર) = ગાગાગા

માણસાઈ, એકતારો – (એ-ક-તા-રો) = ગાલગાગા

પયગમ્બરી, વાતાવરણ = (વા-તા-વ-રણ) – ગાગાલગા

રાજકમલ, કામગરું, હાથવગું = (હા-થ-વ-ગું) = ગાલલગા

શબ્દોને બોલીને તેના ઉચ્ચાર દરમ્યાન અક્ષરો પર આવતા વજનને અનુસરીને લઘુ ગુરુની માપણી કરી શકાય છે, મહાવરે આ સરળ બની રહે છે. ઘણી વખત એક જ અક્ષરનો ઉચ્ચાર સમાન વપરાશ છતાં અલગ હોવાથી માપ અલગ આવે છે, જેમ કે પરણ્યો અને અરણ્યો બંનેમાં ‘ણ’ છે, પરણ્યોમાં ‘ણ’ નું વજન આગળના અક્ષર પર ઢળતું નથી, તેથી તેનું માપ પર+ણ્યો = ગાગા થશે જ્યારે અ+રણ્+યો = લગાગા ગણાશે. ક્ષણિક અને રણક્ષેત્રમાં પણ આવો તાત્વિક ભાર ભેદ રહે છે, ક્ષણિકમાં ‘ક્ષ’ લઘુ થશે જ્યારે રણક્ષેત્રમાં સામસિક શબ્દ હોવાથી ‘લગા’ત્મક સ્વરૂપ લગાગાલ નહીં થાય, ગાગાલ થશે.

અભ્યાસ અર્થે નીચેના શબ્દો માટે ઉપરોક્ત નિયમોને અનુસરીને ‘લગા’ત્મક સ્વરૂપ નક્કી કરવાનું રહે છે,

અનુભવ
અવિચારી
વિકિરણો
કસમયે
કુરિવાજ
સમય
કવિતા
ભિન્ન
સાચવણી
સફરજન
દિવસ
તુચ્છ
એકલતા
દુઃસાધ્ય
અમૃત
નગરવધૂ
આદરણીય
અસમર્થ
આળસુ
મંત્રતંત્ર
ટહુકાર
રાજ્ય
એરિંગ
ભિખારણ
ઝંઝાવાત

– જીજ્ઞેશ અધ્યારૂ

સાભાર સંદર્ભ –
ગઝલ શીખીએ પુસ્તક, લેખક ડૉ. પ્રફુલ્લ દેસાઈ
ગઝલનું છંદોવિધાન પુસ્તક, લેખક રઈશ મનીઆર

(ક્રમશઃ)

નોંધ – આ શ્રેણીના બધાં લેખોનો અનુક્રમ અહીં ક્લિક કરીને મેળવી શકાય છે.


14 thoughts on “ચાલો ગઝલ શીખીએ (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ (લઘુ ગુરુ અક્ષરોની સમજ)

  • Chavda krishna

    ખૂબ જ ઉપયોગી માહિતી આપી જીગ્નેશ ભાઈએ..પણ આ તમામ માહિતી ફોનમાં લઇ શકાતી નથી , ફોનમાં કેવી રીતે ડાઉનલોડ કરવી એ જણાવવા વિનંતી…

  • Induben Shah

    જીજ્ઞેશભાઇ,
    મને’ ગઝલનું છંદોવિધાન” બુકમાં નહોતુ સમજાયું, તે આપના લેખમાં આપેલ શબ્દોના ઉદાહરણથી વધારે સમજાયું .

    આભાર

  • ભરત ત્રિવેદી

    કોલેજમાં ગઝલ લખવી શરૂ કરી ત્યારે ગુજરાતી ભાષામાં આવું ભાગ્યે જ કશું ઉપલબદ્ધ હતું એટલે ગઝલ લખવામાં કાનસેન બનીને ચલાવવું પડતું . આજે આ બધું આટલી આસાનીથી મળી શકે છે તે આજના ગઝલ રસિયાઓ માટે આશીર્વાદ જ ગણાય. આ કામ હાથ ધરવા બદલ આપ ખૂબ ખૂબ અભિનંદન॰

  • યશવંત ઠક્કર

    આ કામ બહુ જ જરૂરી હતું. તમે હાથ પર લીધું તે બદલ આભાર. વાચકો અને ખાસ કરીને બ્લોગલેખકો આ લેખમાળાનો યોગ્ય લાભ લેશે તો ઘણી અફડાતફડી ઓછી થશે.

  • Mukund Joshi

    જીગ્નેશભાઇ,
    લેખમાળા સરસ લખાઇ રહી છે. સ્વર-વ્યંજન અને લઘુ-ગુરુની સમજ ઉદાહરણો સહીત સારી રીતે આપી છે. ધન્યવાદ.

  • Dipak Joshi

    તમારો આ પ્રયત્ન ગમ્યો. મારી પાસે પણ આ માટેના અમુક પુસ્તકો પડ્યા છે. આ સારો અને જરુરી પ્રયત્ન છે. ધન્યવાદ.
    .
    -દીપક જોષી
    ૧૦૪, ઉમા ફ્લેટ,
    મહુવા
    મો. ૯૯૭૮૯૧૦૮૫૫