Daily Archives: July 30, 2010


લોકસાહિત્યના કોપીરાઇટ – ઝવેરચંદ મેઘાણી 1

લોકસાહિત્યના કોપીરાઈટ પ્રશ્ને આજથી અડધી સદીથીય વધારે સમય પહેલા શ્રી ઝવેરચંદ મેઘાણીએ ગ્રામોફોન કંપનીઓ સામે કરેલી લડતની વાત અહીં તેમણે આલેખી છે. જન્મભૂમીમાં તેમણે ૨૯ જુલાઈ ૧૯૩૭, આજથી બરાબર ૭૩ વર્ષ પહેલા આ લેખ લખેલો. જો કે સાહિત્યના અનેક પ્રકારો વચ્ચે આ પ્રસંગ એક અલગ વાત લઈને આજે પ્રસ્તુત કર્યો છે છતાં એક અનોખો પ્રસંગ છે, લોકસાહિત્યની તેમની રચનાઓ વિશે શ્રી મેઘાણી લખે છે, ‘જોગીદાસ ખુમાણ જ્યારે તમે વાંચતા હશો ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ કોઈએ ઉતરાવી આપી હશે. એ કથાને નાટક લેખે વાપરનારાઓ, વૃતાંતોને રેડીઓ ઉપર કથનારાઓ, બીજી-ત્રીજી રીતે જાહેર મૂકનારાઓ, સહુ એવો સંતોષ અને દાવો ધરાવતાં કે આ તો પ્રચલિત સાહિત્ય છે, એ સર્વકોઈના અધિકારની સામગ્રી છે. તમને ભાગ્યે જ એ સત્ય સમજાશે કે એ સમગ્ર કથા વણવા મારે વાણાતાણા કરવા પડ્યાં છે, ગઢવી માધવદાને, પીંગળશી પાતાભાઈ, ગઢવી દાદાભાઈ, ખોજા વાલજી ઠક્કરે, ડુંગરના સ્ંધી પસાયતાએ – નામો જેનાં નથી એવા બીજા કેટકેટલાએ અક્કેક અસ્થિ આપ્યું. આખું કલેવર એ અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડ્યું, અને તેના ઉપર ઉર્મિની અંજલી છાંટીને પ્રાણ જગાડ્યો છે.”