મા, મને વાર્તા કહો…- નીના જે. ક્રિસ્ટી 5


[ કેટલીક રચનાઓ વાંચીને અવાચક થઈ જવાય છે, કાંઈ કહેવાનું રહેતું નથી, પોતાની માંને વાર્તા કહેવાની આજીજી કરતી એક દિકરી પ્રસ્તુત રચનામાં પરીઓની કે રાજકુમારની વાત સાંભળવા માંગતી નથી. તેને હકીકતનો સામનો કરવો છે એવા અર્થનું પ્રસ્તુત અછાંદસ સિક્કાની બીજી બાજુ બતાવી જાય છે અને એમાંય અંતિમ પંક્તિઓમાં જાણે કવયિત્રી અચાનક ખૂબ ઉંડી વાત કરી જાય છે, એક સચોટ ધ્વનિ સાથેનું અને પ્રથમથી અંતિમ પંક્તિ સુધી જકડી રાખતું આવું કાવ્ય ખરેખર માણવાનો લહાવો ચૂકવા જેવો નથી. પ્રસ્તુત અછાંદસ પુસ્તક ‘શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ …..’ – અર્વાચીન ગુજરાતી કવયિત્રીઓનાં કાવ્યો, સં. ઉષા ઉપાધ્યાય માંથી સાભાર લેવામાં આવ્યું છે. ]

મા, મને વાર્તા કહો,
એક પરી જેવી કુંવરી હતી
ને રૂપાળો રાજકુમાર સાત સાગર પાર કરી
એને પાંખાળા ઘોડા પર ઉઠાવી લઈ ગયો
ને એમણે ખાધું પીધું અને રાજ કર્યું નહીં.

પણ
કાંટો ચૂભે, શૂળ ઊપડે ને પછી
ચણોઠીના દાણા જેવું લોહીનું ટીપું સુકાઈને આંખે
બાઝે તેની
આજન્મ સત્યકથા કહો મા !
કારણ
વેદનાથી મુક્ત કોઈ જીવન હોઈ શકે નહીં.
પરીકથાનાં પાત્રો તો કલ્પનાએ ઘડેલ, સ્વપ્ને મઢેલ
એક છલના છે, આત્મ વંચના છે.
જન્મની વેદનાની કથા કહો મા !
પળે પળે બદલાંતા જીવનનાં રૂપ અને પ્રતિરૂપની,
પ્રખર પ્રસવવેદનાની વાત મને કહો.

આંખે પાછાં વાળેલાં અતિથિઓની કથા માંડો, મા !
એક ષોડશીની સ્વપ્નીલ આંખો ફોડી નાખો.
ભરી દો એમાં હાડ- ચામ- માંસથી ભરેલ પાર્થિવ
જગતનું જીવન,
ને પછી જડી દો એને નવજાત શિશુસમ સુકુમાર
કવિતાના કોસ પર
ને પછી એને કહો, ‘આત્મા બળતો નથી,
હણાતો નથી મૃત્યુ પામતો નથી.’

– નીના જે. ક્રિસ્ટી

બિલિપત્ર

શક્યતાના સૌ પ્રકારો પર લખ્યું મેં નામ ત્હારું,
‘છે નથી’ ના સૌ વિચારો પર લખ્યું મેં નામ ત્હારું.
– નિર્મિશ ઠાકર


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

5 thoughts on “મા, મને વાર્તા કહો…- નીના જે. ક્રિસ્ટી