અને શબમાં સંજીવની પ્રકટી – મનસુખલાલ ઝવેરી 1


[ શ્રી કાકા કાલેલકરે કહ્યું છે કે માણસજાતને માણસાઈની દીક્ષા આપનાર ઋષિમુનિઓ અને પયગમ્બરોની પરંપરાના ગાંધીજીએ પોતાના જીવન દ્વારા માણસજાતની એવી તે સેવા કરી, એટલી પ્રેરણા, શ્રધ્ધા અને દીક્ષા આપી છે કે તે જીવનમાં ઉતારતાં, વિસ્તારતાં અને આત્મસાત કરતાં હજાર વરસનો પુરૂષાર્થ માણસજાતે વાપરવાનો રહેશે. ગાંધીજી વિશે ઘણુંય લખાયું છે, લખાય છે અને લખાતું રહેશે. ગાંધીજી વિશેના આવા સુંદર લખાણોને વીણી વીણીને સંકલન કરનાર શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીના ગાંધી-ગંગા એ નામના બંને પુસ્તકો ખૂબ હોંશથી વંચાય છે, વહેંચાય છે, તેમાંથી પ્રસ્તુત રચના લીધી છે. ગાંધીજીએ જાણે કે ભારતના શબવતજનોમાં સંજીવની પ્રગટાવી, શ્રધ્ધા અને આત્મવિશ્વાસનું સિંચન કર્યું, અને તેમની દોરવણી હેઠળ આખાય દેશને સ્વરાજ્યનો એક માર્ગ મળ્યો અને જ્યારે વિદેશથી પાછા ફરી ગાંધીજીએ ભારતની ભૂમી પર પગ મૂક્યો હતો એ દિવસે ભારતમાં સૂરજ ઉગેલો એ મતલબની પ્રસ્તુત રચના ખૂબ મનનીય છે. ]

તે દિ’ કારમું કૌતુક એક થયું.
થયું તો પણ હૈયું ન માને કયું.

મારો દેશ વિદેશની એડી તળે કચડાઈ બન્યો મુડદાલ હતો,
એનું હીર હણાઈ ગયું હતું ને એની યાતનાને નહીં આરો હતો.

નદીઓ મહીં એનાં એ નીર હતાં,
વરસાદ તણી હતી એ જ છટા;

હતું એનું એ સર્વ; પરંતુ ગયા હતા દેવતા ઉઠી બધેથી અરે !
એના દીનદુણાયલ કોટિક માનવી ધાન્યતણા કણ કાજ મરે.

એક જોગીતણાં નયનો જ્યાં અડ્યાં,
એના બાળક માસૂમ ખીલી ઉઠ્યાં.

એની જાગી જુવાની ઉઠી, જેની છાતીમાં છોળ નવી છલકી જ રહી,
એની થાકેલ આંખ બુઢાપણની નવા સ્વપ્ન નિહાળી રહી જ રહી.

એની આંખ કને નવી સૃષ્ટિ ખડી,
એની ડોક ખુમારીથી આભ અડી.

એની નસનસમાં કંઈ ધસમસતાં નવશોણિતની ભરતી શી ચડી,
એનાં જર્જર અંગ મહીં રમણા મચી પ્રાણભર્યાં પમરાટ તણી,

એનો સૂરજ તેજ નેવું વરસે,
એના સાયર નીર નવું તરતે,

એના કોકિલ મોર બપૈયા નવે રસ કંઠ ફુલાવીને મ્હેકી રહે,
મારા દેશ પુરાતનને ઉર જોબન તાજું જ તાજું જ મ્હેકી રહે !

જે દિ’ નીર સમુંદરકેરાં તરી,
ઘનશ્યામળ દેહડી ગાંધીતણી,

ઊતરી અમ ભોમ પરે; દિન તે યુગ નવ્ય તણો અમ ભાણ ઉગ્યો,
અને માનવજાત બળેલજળેલને શીતલ એક સહારો મળ્યો !

– મનસુખલાલ ઝવેરી
(શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તક ગાંધી-ગંગા ભાગ ૨ માંથી સાભાર.)

બિલિપત્ર

છેલ્લો કટોરો ઝેરનો શું પી ગયા બાપુ !
જગમાં અમીવર્ષણ કરી વિષ પી ગયા બાપુ !
અંતેય ઉચર્યા ‘રામ’ ગોળી ઝીલતા બાપુ !
મૃત્યુ ધ્રુજી ઉઠ્યું – રડ્યું, જીત્યા તમે બાપુ !
– જ્યોત્સ્ના શુક્લ


આપનો પ્રતિભાવ આપો....

One thought on “અને શબમાં સંજીવની પ્રકટી – મનસુખલાલ ઝવેરી

  • PRAFUL SHAH

    I THANK FOR THIS POET AND AKSHARNAAD FOR ..DEVAEE GAYUE..AND NOW THIS
    TO BAPU, OUR GENERATION OF MY AGE 88 DONT TRY TO UNDERSTAND, AS NOT UNDERSTOOD WHEN HE WAS WITH US. HE HAS LEFT HIS LIFE AS MESSAGE, I THANK NAVJEEVAN AND MAHEDRABHAI FOR BRINGING GANDHI LITRATURE TO PUBLIC..GREAT WORK,GOVT. IS INDIFFERENT TO THIS. WE NEED IN OUR SCHOOL EDUCATION, BUT SORRY ONLY GOD CAN HELP US. WE LOST GANDHI AND NOW DAY BY DAY LOSING HIS WISDOM OR I DONT KNOW.