આઉચ્ચ … – અશોક દવે 4


[ હાસ્યલેખોની આપણે ત્યાં એક આગવી પધ્ધતિ છે અને ગુજરાતી હાસ્યલેખકોની બોલબાલા તો આજકાલ આખા ભારતમાં ફેલાઈ રહી છે. વર્ષોથી બુધવારની બપોર વડે લોકોની સવારોને હાસ્યમય બનાવતા આપણાં આદરણીય લેખક શ્રી અશોક દવેનું પુસ્તક પેટ છૂટી વાત હમણાં વાંચવામાં આવ્યું, અને હસતાં હસતાં કોઈકને લાગે કે આપણું ખસી ગયું છે એટલું હસ્યાં. આ જ પુસ્તકમાંથી એક કૃતિ અત્રે પ્રસ્તુત છે. રાધેશ્યામ શર્માએ તેમના માટે કહ્યું છે કે, “આ માણસે બુધવારની સવાર વર્ષો પર્યંત પડવા નથી દીધી!…..હાસ્યજ્યોતિથી બપોરિયાં ઊજવે છે.” પ્રસ્તુત લેખ અંગ્રેજી શબ્દો પરનો ગુજરાતી કટાક્ષ છે. આ લેખ અક્ષરનાદ પર મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી અશોકભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમનો સંપર્ક તેમના ઈ-મેલ એડ્રેસ ashokdave_52@yahoo.com પર કરી શકાય છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપી છે. ]

‘આઉચ’

આ ‘આઉચ’ એટલે શું ?

છેલ્લા પાંચ સાત વર્ષથી, ખાસ કરીને ઈંગ્લિશ – મીડિયમમાં ભણતી છોકરીઓમાં આવું ‘આઉચ’ બોલવાની ફેશન ચાલે છે. (હવે તો જોકે, ‘ફેશન’ ને બદલે ‘ક્રેઝ’ (ગાંડપણ) ચાલે છે. એવું બોલવાની ફેં.. સોરી, ક્રેઝ ચાલે છે.)

ઇંગ્લિશ – મીડિયમની મહેરબાનીથી આજની પેઠી વાત વાતમાં ‘ઓહ. નો…’, ‘બુલ-શીટ’, ‘યૂ નો’, ‘રબ્બિશ’, અને ‘ઓ માય ગોડ…’ બોલતી રહે છે. બાકીનું બધું ભલે ગુજરાતીમાં હાલ્યું આવે. કારણકે ઉપરના શબ્દો ગુજરાતીમાં બોલવાથી ગોટાળા થાય એમ છે, જેમ કે ‘બુલ – શીટ’ એકલું જ ગુજરાતીમાં બોલવું હોય તો ‘આખલાનો પોદળો’ એવો અર્થ થાય !

અલબત્ત, આ જ ‘અંગ્રેજી – ઝેરોક્સોને’ ચાલતા ચાલતા સામાન્ય ઠેસ વાગે કે ખાવામાં કાંઈક તીખું આવી ગયું હોય ત્યાં સુધી જ ‘આઉચ્ચ’ બોલાય છે, પણ બારણામાં આંગળી આવી ગઈ હોય ત્યારે આપણી અસલ મહેસાણા – ભાવનગરવાળી બૂમો ‘ઓ બાપા રે… મારી નાંખ્યો રે’ જ આવી જાય છે… ત્યાં ‘આઉચ’ કામમાં ન આવે.

અનુકરણ ની અદા ય અનોખી હોય છે. ‘આઉચ’ પછીનો સૌથી જાણીતો શબ્દ છે, ‘યોગા’. કેવી હાસ્યાસ્પદ કરૂણા છે ને આ ? ભારત વિશ્વને બીજું કાંઈ ન આપી શક્યું, પણ એનો દિવ્ય આધ્યાત્મિક વારસો અને ‘યોગ’ જરૂર આપ્યા. ચારે બાજુ વિશ્વમાં ‘હરે રામ – હરે કૃષ્ણ’, ‘પ્રજાપતિ બ્રહ્માકુમારી’, ‘રજનીશવાદ’, ‘મહેશયોગીનું ભાવાતીત યાન’ તેમજ અનન્ય પ્રકારની યોગશક્તિને કારણે વિદેશોમાં ભારત માટે સન્માનની લાગણી વ્યાપક છે.

પણ વિદેશીઓનું તો સમજ્યા કે, ઉચ્ચાર શુદ્ધિમાં ફેર પડે, પરંતુ એમનું જોઈને આપણા દેશી બલૂનો ય ‘યોગા યોગા’ કરતા થઈ ગય છે. રામને બદલે ‘રામા’ રાગને બદલે ‘રાગા’, ‘રાવણ’ ને બદલે ‘રાવના’ કે પછી શીવનું શિવા કરી નાખે ત્યાં સુધી તો બરાબર છે પણ ‘લોટ’ ને બદલે ‘લોટા’ કે ‘હોઠ’ ને બદલે ‘હોઠા’ કરશે ત્યારે જ સાચા અર્થમાં આપણે ભારતીય સભ્યતા વિદેશથી આયાત કરી શકશું.

આ હિસાબે મૂળ ભારતની પણ ત્યાંના રંગે રંગાઈને પાછી આવેલી બે ચીજોની ‘ક્રેઝ’ આજકાલ પૂરજોશમાં ચાલુ છે. તે પૈકીની એક ‘યોગના ક્લાસ’ અને બીજી ‘બ્યુટી – પાર્લર’.

અહીં હું લગભગ ૭૭ કે ૭૮ ટકા સુધી શુદ્ધ મણિભાઈ છાપનો સાદો યુવાન છું. જ્યારે મારી પત્ની તો મૂળથી જ વિદેશથી આયાત કરેલી હતી ને હમણાં પાછી લંડન જઈ આવી એટલે શરૂઆત તો ભલે ‘અશોકા’ થી થઈ, પણ યોગાના ક્લાસીસ શરૂ કરવાનો તાત્કાલિક નિર્ણય અમલી બનાવાયો. ‘ત્યાં તો ધોળિયાઓ ફટાફટ નિર્ણયું લઈ લિયે અને ફટાફટ અમલ ય કરવા માંડે. આપણા જેવું નહિ !’ એવ બીવરામણી બતાવીને મારા ઘરમાં ‘બ્રિટિશ – યોગા સેન્ટર’ પણ શરૂ કરવામાં આવ્યું હતું.

પણ સેન્ટર ખાસ ચાલ્યું નહિ. વહેલું પડી ભાગ્યું.

કારણ હતું…… ,

મહિલાઓ માટે યોગાના ક્લાસમાં દેખીતું છે કે, બહુ કમસીન કાયાઓવાળી નાજૂક નમણી નારો તો ભાગ્યે જ આવે ! એને બદલે ૨૦ માળનું બિલ્ડિંગ બંધાતું હોય એની નીચે નિયમિતપણે ‘ભખ – ભખ – ભખ’ કરતી ભરેલી ટ્રકો જ આવે જાય, એમ શરીર ઉપર નોંધપાત્ર બાંધકામો ધરાવતી સ્ત્રીઓ ‘પાતળી થવા’ અમારા ક્લાસીસમાં આવવા માંડી. એ બધીઓની સંખ્યા અને સાઈઝ જોયા પછી એક વખતતો વિચાર આવી જાય કે, ‘આ બધીઓની શરીરો તો ઊતરતાં ઊતરશે પણ અમારાં ફ્લેટ નો ગ્રાઉન્ડ – ફ્લોર બેશક જમીનમાં ઉતરી જશે.’

‘યોગા’ શીખતી પ્રત્યેક નારીને રાતોરાત ‘૩૬-૨૪-૩૬’ ની બની જવું હોય છે અને એમાં ય પહેલે અઠવાડિયે તો ઉત્સાહ હૈયામાં કે ક્લાસમાં મ્હાય નહિ ! ભૂલો અમારી શિક્ષણ પ્રથાની હોય કે લોકોના વધુ પડતાં ઉત્સાહની, પણ શરૂઆતના પાંચ- છ કેસ કાંઈક વધુ પડતાં બગડ્યા ! ગુલાબનું ફુલ નહિ પણ ગુલાબની આખી વાડી જેટલો દેહ વિસ્તાર ધરાવતી એક મહિલાને ગુલાબની કળી જેવી કોમળ થઈ જવાના ડોડળિયા ‘ફાટી’ નીકળ્યા હતા. એ મારી પત્નીની સૂચના પ્રમાણે ‘હેડ- રોલ’ (જેમાં ડોકીને ટેબલ-ફેનની માફક રાખીને આમથી તેમ હલાવે રાખવાની હોય છે, જેથી ચરબીનાં ગચ્ચાં બાઝી ન જાય) કરવા ગઈ એમાં કડાકો, બનતાં સુધી એની કરોડરજ્જુના ઉપલા મણકા ની દિશામાંથી સંભળાયો હતો, એ હિસાબે એ મહિલાની ગરદન ખભા તરફ કાયમ માટે વળી ગઈ. આજે પણ એને અમે ક્યારેક જોઈએ છીએ ત્યારે ખભામાંથી કાંઈ સાંભળવાનું હોય એમ એની ડોકી ઝૂકેલી છે.

એવી જ રીતે, Knee – Bend ની સ્ટેચ -એક્સરસાઈઝમાં બન્ને પગ પહોળા કરી, બન્ને હાથોને ઢીંચણો ઉપર ગોઠવી મૂકવાના હોય છે. ત્યારબાદ વારાફરતી એક તરફ ઢીંચણ વાળી ખેંચવાનું હોય છે. બરડો સીધો રાખવાનો અને આવું – આવું માત્ર પાંચ વાર કરવાનું હોય છે. પણ એક મહિલાને ‘આવું પાંચ જ વખત કરવાનું હોય છે’ એવી સૂચના આપવાનું પત્ની ભૂલી ગઈ અને પેલી એ જ હાલતમાં છોડીને કાંઈક કામ યાદ આવ્તાં ૧૨-૨૦ મિનિટ સૂધી બાજુના ફ્લેટમાં એની સખીને મળવા જતી રહેલી.

અમને પાછળથી મળેલા અહેવાલ મુજબ, પેલીએ પાંચને બદલે છ – સાત વખત તો ઢીંચણો બહુ વફાદારી પૂર્વક વાળે રાખ્યા હતા. પણ ૩૪ કે ૩ માં રાઉન્ડમાં એ ઢળી પડી હતી….. આજે એના ઢીંચણ માત્ર આગલી તરફ જ નહિ, પાછલી તરફ પણ વળી શકે છે… મતલબ કે, અમારે ત્યાંથી યોગ શીખ્યા પછી એને ઊભા રહેવાની નોબત જ આવી નથી.

બે જ વિદ્યાર્થીઓની નિષ્ફળતાએ અમારી ‘યોગા-યુનિવર્સિટી’ બંધ કરાવી, એટલે પત્ની એ ‘બ્યુટી – પાર્લર’ શરૂ કર્યું. બ્યુટી પાર્લરો સ્ત્રીની ઉંમર એટ્લી હદે નાની કરાવી આપે છે (બાય ગોડ ?) કે એમ કહેવાય છે કે બ્યુટી – પાર્લરમાંથી નીકળતી કોઈ યુવતીને જોઈ સિસોટી ન વગાડવી…. કદાચ એ આપણી દાદીમા ય હોય ! એવું રમૂજમાં કહેવાય છે.

અમે ઘરમાં જ બ્યુટી – પાર્લર ખોલ્યું એ જોઈને પાડોશીઓ તો એવું સમજેલા કે, અમે લોકોએ ફર્નિચર વેચવા કાઢ્યું છે, કારણ કે પાર્લર માટે બાકી વધેલા ફર્નિચરથી આભાસ એવો ઊભો થતો કે અમે લોકો હવે વાળંદના વ્યવસાયમાં પણ પડવા માંગીએ છીએ.

હજારો રૂપિયાનો ખર્ચો કર્યા પછી ઉદઘાટનને દિવસે જ અમારું પાર્લર બંધ કરી દેવું પડ્યું.

એક બહેને ભારે હોંશથી અમારા કુટિર – ઉધોગને પ્રોત્સાહન આપવા પોતાની ‘આઈ-બ્રો’ સેટ કરી આપવાનો પહેલો જ કેસ અમને સોંપ્યો. પણા પગના અંગૂઠા પર ચંપલની પટ્ટી નો જેટલો કકડો હોય એટલી મોટી સાઈઝના બે કકડાની એની ‘આઈ-બ્રો’ હતી. આવાં કેસો બહુ આવતા ન હોવાથી પત્નીએ વિચાર્યું કે, એની ભ્રમર કાપવામાં થ્રેડિંગ કરવા માટે મીણિયાદોરી કે સૂતળી નહિ ચાલે, કાતર જ લેવી પડશે…અને આમેય ધંધામાં રિસ્ક તો લેવું જ પડતું હોય છે…. લીધું… પણ પત્ની બન્ને કકડાઓ વચ્ચે બેલેન્સ ન જાળવી શકી અને એક કકડો થોડો વધુ કપાઈ જતા બીજાને ય સરખો કરવો પડતો…. આખરી અંજામ એ આવ્યો કે, બેનેની બંન્ને ભ્રમરો છોલી નાંખવી પડી. ચામડી અને ભ્રમરનો રંગ એક જ થઈ ગયો. ‘કલ જહાં બસતી થી ખુશીયા, આજ હૈ માતમ વહાં…!’ સામાન્ય રીતે માણાસ ડૉકટર પાસે દાંત ખેંચવતા જેટલી રાડારાડ કરે, એટલી એ સ્ત્રી એ અરીસામાં પેલાં બન્ને ગુમ થયેલા કકડા જોઈને કરી…પાર્લર બંધ થયું!

‘આઉચ…બુલ – શીટ….યોગા….બ્યુટી – પાર્લર’…આ બધું આપણે ત્યાં આપણી રીતનું છે જ …પણ ભારતનું છે ને ?… ન ચાલે…! આપણને તો ‘ભારત’ કરતા ય ‘ઇન્ડિયા’ વધુ ગમે છે… અંગ્રેજો આપી ગયા છે ને ?

– અશોક દવે

પુસ્તકપ્રાપ્તિ માટેની વિગતો – પેટ છૂટી વાત, પબ્લિશર – ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ. પાનાં – ૧૮૪

બિલિપત્ર

મોટા ભાગના પુરૂષો એમ માનતા હોય છે કે પોતાની પત્નીની આંખો ચૂમીને એને આંધળી કે તેના હોઠો પર તસતસતું ચુંબન ચોડીને એને મૂંગી બનાવી શકે છે … !!
નોંધ – તો એ ખાંડ ખાય છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “આઉચ્ચ … – અશોક દવે