પ્રેમસૂત્રમાં પરોવાયેલાં – ક્ષિતિમોહન સેન 1


[ પહેલાના સમયમાં ગુરૂ શિષ્ય પરંપરાનો યુગ હતો, વિદ્યાર્થીઓ ગુરૂના આશ્રમે રહી વિદ્યા અભ્યાસ કરતા, સાથે આશ્રમના બધાં કામ કરતાં, નાના મોટા કે ઉંચા નીચા કામનો ભેદ ત્યાં કદી આડો ન આવતો અને આમ જીવનનો સૌથી મહત્વનો પાઠ તેઓ ત્યાં શીખતાં. તો સામે પક્ષે ગુરૂઓ પણ વિદ્યાર્થીઓના જીવનમાં ઉચ્ચ ભાવનાઓ અને સદવિચારના પ્રસાર માટે બધું કરી છૂટતાં. ગુરૂ શિષ્યના સુંદર સંબંધો વિશેની વાતો અને કથાઓ આપણે ત્યાં અપાર છે. એક ગુરૂની પોતાની મુશ્કેલીઓ અને અંગત સંબંધોને વીસરીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની ઉચ્ચભાવના અહીં પ્રસ્તુત કરેલા પ્રસંગમાં વર્ણવાઈ છે. ગુરૂપૂર્ણિમા આવી રહી છે ત્યારે આશા છે પ્રસ્તુત પ્રસંગ સમયોચિત બની રહેશે. ]

હું સંસ્કૃત ભણતો તે વેળા ચતુષ્પાઠીઓની પ્રથા હતી. મંદિરો કે શ્રીમંતોના આશ્રયે ચાલતાં આ ગુરુકેન્દ્રિત વિદ્યાલયોમાં ચતુર્વેદ અને ષટ્શાસ્ત્રોનું શિક્ષણ અપાતું હતું. વિદ્યાર્થીઓ ગુરુને ઘેર તેમનાં સંતાનોની જેમ રહેતા અને ભણતા. ગુરુ તથા ગુરુપત્ની એ શિષ્યો અને પોતાનાં સંતાનો વચ્ચે કોઈ પ્રકારનો ભેદભાવ રાખતાં નહીં. આવી આત્મીયતાને કારણે ગુરુ અને શિષ્યોનાં કુટુંબો ઘણી પેઢીઓ સુધી પ્રેમસૂત્રમાં પરોવાયેલાં રહેતાં.

તે કાળે કાશીમાં કેશવ શાસ્ત્રી નામના મહારાષ્ટ્રી પંડિત વસતા. પોતે નિઃસંતાન અને વિધુર હતા; ઘરની દેખરેખ એમનાં બહેન રાખતાં. બધાં વિદ્યાર્થીઓનાં તે ફોઈ હતાં. પંડિતજીને ત્યાં લગભગ રોજ કોઈ ને કોઈ ભક્તને ત્યાંથી મીઠાઈ વગેરે આવતું. કોઈ નવો વિદ્યાર્થી આવ્યો હોય અને મીઠાઈ પર હાથ મારતાં સંકોચ પામે, તો ફઈબા પંડિતજી પાસે જઈને ફરિયાદ કરતાં; “આ છોકરાઓને કોણ જાણે શું થયું છે – જાણે પારકું ઘર હોય એમ રહે છે. પહેલાંના છોકરા તો મીઠાઈ કેવી ચટ કરી જતાં !” મમતાના આ વાતાવરણમાં કર્તવ્યભાવનાનો અગ્નિ પણ સદા પ્રજ્વલિત રહેતો.

બીજા એક વિખ્યાત પંડિત ગંગાધર શાસ્ત્રીનો પુત્ર ઢૂંઢિરાજ નાના સરખા મંદવાડમાં એક દિવસ ચાલી નીકળ્યો. પણ પંડિતજીએ તો તે દિવસે પણ અમને નિત્ય ક્રમ મુજબ ભણાવ્યા. એમના મુખ ઉપર ઊંડી રેખાઓનું કારણ અમે કલ્પી શક્યા નહીં. તે દિવસે અમારો પ્રિય સાથીદાર ઢૂંઢિરાજ વર્ગમાં આવેલો નહીં, એટલે વર્ગ પૂરો થતાં જ અમે તેના નામની બૂમ મારી. ત્યારે પંડિતજી બોલ્યા કે, “ઢૂંઢિરાજ તો હવે એટલો દૂર ચાલ્યો ગયો છે કે તમારો અવાજ ત્યાં સુધી નહીં પહોંચી શકે.”

પહેલાં તો અમે કાંઈ સમજ્યા નહીં. પછી બનેલી ઘટનાનો ખ્યાલ આવ્યો, ત્યારે અમારામાંથી એક જણે આશ્વર્ય અને વિનયથી પૂછ્યું, ” ગુરુજી, આવા દુઃખમાં પણ તમે આજે પાઠ બંધ કેમ ન રાખ્યો?”

“આવું શી રીતે થાય, બેટા?” પંડિતજીએ સમજાવ્યું. ” તમે બધા બાળકો ક્યાં ક્યાંથી અહીં આવ્યા છો ! તમારો એક દિવસ પણ હું શું રીતે બગાડું? પુત્રશોક તો મારી અંગત બાબત છે. પણ આ જ્ઞાનની આ ઉપાસનાનો સંબંધ તો તમારી સહુની સાથે છે. તેમાં વિઘ્ન નાખીને તમારો વિકાસ અટકાવું, એ શું મારે માટે યોગ્ય કહેવાય?”

– ક્ષિતિમોહન સેન

બિલિપત્ર

જીંદગી ખુલ્લી કિતાબ છે, એનો અર્થ એ નહિં કે મન ફાવે ત્યારે પાના ફાડી નાંખો !
– ઈશિતા


આપનો પ્રતિભાવ આપો....

One thought on “પ્રેમસૂત્રમાં પરોવાયેલાં – ક્ષિતિમોહન સેન

  • Pushpakant Talati

    કાશ આજે પણ જો આવા શિક્ષકો હોય !!!

    આવી જ એક વાત આપણા સરદાર વલ્લભભાઈ પટેલ ની પણ વાન્ચેલી છે – તે પોતાના અસિલનો કેસ કોર્ટમા ચલાવી રહ્યા હતા ત્યારે કોઈ sad news (આઘાત જનક સમાચાર) નો તાર મ્ળ્યો. પણ તેમણે તે વાન્ચીને ખીસામા મુકી દીધો અને જાણે કઈજ બન્યુ નથી તેમ પોતાનો કેસ ચલાવતા રહ્યા હતા.

    આવા ફરજ નિષ્ઠ “આદમી” નહી પણ ખરા અર્થ મા “ઈન્સાન” કહેવાય જેની પાસે ભગવાનને પણ ઝુકવુ પડે. – આવા નરબન્કાઓને શત – શત સલામ.