વાંચન અને તેના શક્ય વિવિધ સ્વરૂપો – પ્રા. વ્રજરાય દેસાઈ


[ ઈ.સ. ૧૯૭૨માં આંતરરાષ્ટ્રીય પુસ્તક વર્ષની ઉજવણી દરમ્યાન યુનેસ્કો તરફથી પ્રસિધ્ધ કરવામાં આવેલ પુસ્તક ‘ધ બુક હંગર’ નો અનુવાદ ‘વાંચનક્ષુધા’ એ નામે માર્ચ ૧૯૭૮માં ભાષાન્તર નિધિ, ભાવનગર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલો. મૂળ લેખક રોનાલ્ડ બાર્કર અને રોબર્ટ એસ્કાર્પીડના પુસ્તકનો અનુવાદ પ્રા. વ્રજરાય મુકુન્દરાય દેસાઈએ કર્યો છે. પુસ્તકોની જરૂરત, કૃતિની ઉત્પત્તિના વિવિધ આયામો, તેના ભાવિ વલણો, વિતરણકાર્ય તથા વાંચનની ટેવો વિશે અહીં વિશદ અને સાહિત્યિક છણાવટ થઈ છે. પ્રસ્તુત લેખ આ પુસ્તકના પ્રકરણ વાંચનની ટેવો માંથી લેવામાં આવ્યો છે. માણસની બીજી ટેવો કરતા વાંચનની ટેવોનો અભ્યાસ વધુ કઠિન છે. આ ક્રિયા સીધી અવલોકવી શક્ય નથી. કેટલીક વાર તો પુસ્તકો ફક્ત શોભા અર્થે ખરીદવામાં આવે છે. વાંચકોને પૂછીને કરેલ સર્વેક્ષણો પણ ઘણી વખત ભ્રામક હોય છે. પ્રસ્તુત લેખમાં આ ક્રિયાનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાનો અને તારણ મેળવવાનો યત્ન કરવામાં આવ્યો છે. ]

કોઈ લખાણને ઉકેલી દેવાની ક્રિયા તે વાંચન, એમ વ્યાખ્યા થઈ શકે એવું પહેલી નજરે લાગે પણ તે દ્રારા આપણને નહિ જેવું જ જાણવા મળે છે. ઉકેલની ક્રિયા જુદાજુદા સ્તરની હોઈ શકે, ને લખવા માટે જે ઘણા ઘણા સંકેતો વપરાય છે તે પૈકી એક કે વઘુ સંકેતનો ઉપયોગ કોઈ પણ પાઠ્યકૃતિમાં થયો હોય છે. પ્રશ્ન એ છે કે જ્યારે આપણે લખાણના અક્ષરો અને તેમનું ચોક્કસ મૂલ્ય ઓળખીને, તેમને ઉચ્ચારપાત્ર શબ્દરૂપે ગોઠવીએ છીએ ત્યારે શું આપણે વાંચીએ છીએ એમ કહેવાય? હવે બીજી બાજુ લઈએ; એક બાળક શબ્દોના સામાન્ય દેખાવ પરથી અને પુસ્તકમાં આપેલા ચિત્રોની મદદથી સમગ્ર વાર્તાના મુદ્દા સમજી શીખીને આખી વાત મોઢે કરી શક્યો છે, ને જ્યારે પુસ્તકમાંથી પાર નીકળવા ફાંફા મારતો હોય ત્યારે તે વાંચે છે તેમ કહેવાનો શું આપણે ઈનકાર કરીશું? પહેલા કિસ્સામાં ચિન્હો કે સંકેતો ઉકેલવાની ક્રિયા અર્થ સુઘી પહોંચી શકતી નથી; પણ બીજા કિસ્સામાં, ચિન્હો ઉકેલ્યા વિના અર્થને પહોંચી શકાયું છે.

વાંચન એટલે પ્રત્યાયનની સંપૂર્ણ પ્રક્રિયા એમ વ્યાખ્યા કરવી એ નિઃશંક વધુ સાચું છે. ત્યારે તે વાંચન પ્રસ્તુત લખાણનો સમપક્ષ સમાંતર વિભાગ છે એમ જોઈ શકાશે, લેખકનું કાર્ય વિચાર અને અભિવ્યક્તિ બંને ને ઉદ્દેશીને થતી પ્રવૃતિ છે. લેખકના માનસમાં ઉદ્દભવેલો સંપ્રત્યમ વિસ્તરીને એક જ પ્રક્રિયારૂપે પરિણમે છે ને તેમાં એક સમાવેશ, ખ્યાલોનો, વિચારોનો, મૂર્ત કલ્પના ચિત્રોના પ્રતીકોનો અને દલીલોનો તેમ જ શબ્દાર્થો તથા વાક્યાર્થોની ઉત્પતિ કરવામાં આવે છે. વિસ્તરણની આ પ્રક્રિયાને અંતે પુસ્તકપાઠ સંકેતસ્થ (શબ્દસ્થઃ) બને છે; મુદ્રિત ખતપત્ર દ્રારા એ અંતિમ સ્વરૂપ પામે છે અને પ્રમાણિત બને છે. આવો પુસ્તકપાઠ તો એક નમૂનો માત્ર છે, ને કર્તાનો અંગત અનુભવ કેવા અમાપ સમૃદ્ધ વસ્તુનો ભરેલો છે તે દર્શાવે છે, છતાં પણ તે કર્તાના સંપ્રત્યયનો અશભૂત છે અને તે દ્રારા પોતાની વિચાર સૂષ્ટિનું સંપ્રસરણ કરવા ઈચ્છે છે.

આ નમૂનાના પાયા ઉપર વાચક જે અભિનવ વસ્તુનું સર્જન કરે છે તે વાંચન, આ રીતે જોતાં બીજો નવીન અનુભવ છે; અને તેનું લક્ષણ પુસ્તકપાઠ દ્રારા નીપજનાં બંધનો અને વાંચકના અગાઉથી બંધાઈ ચૂકેલાં માનસવલણો વચ્ચે થતું ઘર્ષણ છે જો પ્રસ્તુત બંધનો કરતાં વધારે બળવાન હોય અને વધારે નિર્ણયાત્મક નીવડે તો પુસ્તકપાઠ વધારે ‘કાર્યલક્ષી’ સમજવો અને વાચકને તે આરંભ કે અભિગમનો સ્વત્ંત્ર અવકાશ ઓછો રહેવાનો; દા.ત. નૈતિક ઉદ્દબોધન, વિશિષ્ટ વિદ્યાલક્ષી કે વૈજ્ઞાનિક કૃતિઓમાં, વાચકને જેમ પોતાનાં માનવવલણો દાખવવાની વધુ છુટ મળી શકે તેમ તેટલે અંશે કૃતિ વધુ ‘સાહિત્યિક’ હોવાની.

પ્રસ્તુત ચર્ચા માટે વાચન તરીકે, તેના પૂરેપૂરા અર્થમાં, એક જ પ્રકારની ગણના કરી છેઃ વાચક પોતે એકલો પોતાને વાસ્તે પોતાના મનમાં વાંચે તે વાંચન. તે મૂક અશબ્દ વાંચન છે. તેમાં વાંચનની સઘળી શક્તિઓ ગતિમાન થાય છે; અને જે અર્થમાં લેખન એક સર્જક પ્રક્રિયા છે તે જ અર્થમાં વાંચન પણ સર્જક પ્રવૂતિ છે.

છતાંપણ, વાંચનની ટેવોનો અભ્યાસ માત્ર મૂકવાંચન પૂરતો મર્યાદિત રાખી શકાય નહિ. એમ કરીએ તો, વાંચનની પ્રક્રિયાનું એક અંગભૂત તત્વ ગણના બહાર રહી જાય અને તેનાં સામાજિક પાસાંનું પૂરતું મૂલ્યાંકન થાય નહિ. મૂકવાંચન સમયે, સૈદ્ધાન્તિક દ્રષ્ટિએ, વાચક પોતે એકલો હોય છે; વસ્તુતઃ તો, પોતે સમાજે એની આસપાસ કાંતીને ગૂંથેલી અમાપ જાળમાં વીંટળાઈ ચૂકેલો હોય છે. આજે, જ્યારે મનુષ્યજીવન સર્વવ્યાપી શ્રૃતિદ્રષ્ટિગમ્ય માધ્યમોએ રચેલી પીઠિકાના સંદર્ભમાં જીવાય છે ત્યારે, આ હકીકત ખાસ કરીને સાચી અનુભવાય છે. પરન્તુ જ્યારે લખેલો શબ્દ જ સુવિદગ્ધ જનોના પરસ્પર સંદેશ વ્યવહારનું એકમાત્ર સાધન હતો, ત્યારે પણ એ હકીકત તેટલી જ સાચી હતી; હા, એટલું ખરું કે ત્યારે પૂર્વે પરસ્પર વ્યવહાર મુખ્યત્વે બીજાં સાધનોથી – વાણી અગર ઈંગિતથી – થતો હતો.

લેખન દ્રારા થતા વ્યવહારનાં લક્ષણો કરતાં શબ્દોચ્ચાર કે ઈંગિત દ્રારા થતાં વ્યવહારનાં લક્ષણો બહુ જુદાં હોય છે. ભાષક અગર અભિનેતાના ઈરાદાનું દર્શન લેખકના ઈરાદા કરતાં વધુ સુસ્પષ્ટ અને નિશ્વયપૂર્વક થાય છે. ભાષક યા અભિનેતા જે વ્યવ્હારો કરે તે સીધેસાધા હોય છે ને વચમાં કોઈ યાંત્રિક માધ્યમ હોતું નથી. પરિણામે, એ વ્યવહારનો ઝીલનાર પણ શ્રોતા અથવા પ્રેષક – તરત જ ઉત્તર આપી શકે છે અને પોતાના પ્રતિભાવને પ્રગટ કરી શકે છે; લખેલું વાંચનાર આમ કરી શકે નહિ. વળી વિશેષમાં, સાંભળવા કે જોવાનું કૃત્ય જવલ્લે જ એકાકી કૃત્ય હોય. મોટે ભાગે, સામાન્યતઃ એ કાર્યને કોઈ જન સમૂહનો પરિવેશ હોવાથી પરસ્પર થતી ક્રિયા પ્રક્રિયા બહુ વિવિધ અને સંકુલ પણ હોય.

આ કારણને લીધે, જે બિંદુએ લેખન દ્રારા ચાલતો વ્યવહાર અટકી જાય છે તે બિન્દુથી આગળ વ્યવહારને સંભાળવાનું કામ શબ્દોચ્ચાર અને ઈંગિત દ્રારા ચાલતો વ્યવહાર પ્રસ્તુત કાર્ય ઉપાડી લે છે અને આગળ ચલાવે છે. આ હકીકતનું સત્ય મનુષ્યને ઘણું વહેલું જાણવા મળેલું; રોમન સભાગૃહો સમક્ષ મોટેથી બોલીને વાંચી સંભળાવાની પ્રથા હતી. અત્યારના આપણા સમયમાં પણ, એ સત્ય વળી વધતા જતા પ્રમાણમાં પુરવાર થતું જોવા મળે છે. હાલ તો કોઈ કૃતિ સાથે સંપર્ક એટલે ટેલિવિઝનના પડદા ઉપર લખેલું ‘વાંચવું’ એમ ગણાય. છતાં વસ્તુતઃ આ વાચન નથી, પણ તે એવું કોઈ દ્રશ્ય સ્વરૂપ છે જે જાણે વાચનક્રિયાનો વિસ્તારિત અવતાર લાગે; ને તે દ્રારા વાચનને એનાં સાચાં સામાજિક પરિણામો પણ પ્રાપ્ત થાય છે.જે વાચનક્રિયામાં દરેક જણ વાચક પણ છે અને પોતે શ્રોતા તેમજ પ્રેક્ષક પણ છે, તે ક્રિયા સમગ્ર સંદેશવ્યવહાર તંત્રથી અલગ અપરતત્ર ક્રિયા ગણી શકાય નહિ – પછી, ભલે એ વાચનક્રિયા કોઈ એવા સમાજ સમક્ષ ચાલતી હોય કે તેમાં લખાયેલા શબ્દો હરકોઈ નાના અધિકારીવર્ગ પૂરતા મર્યાદિત હોય અને વાણી તથા ઈંગિત દ્રારા બહારના વિશાળ સમાજને પણ પહોંચાડતા હોય અથવા તો કોઈ સુવિગ્ધ પરિસ્થિતિમાં – વાચક – શ્રોતા – પ્રેક્ષકના એકત્વની પરિસ્થિતિમાં ઉપયોગમાં લીધા હોય.

ધણાંખરા વાચનલક્ષી સર્વેક્ષણોના પ્રયાસ, કોઈ વિભાગની પ્રજા કેટલા જથ્થામાં અને કેવા પ્રકારનાં પુસ્તકો વાંચે છે અને તે વાસ્તે કેટલો સમય નાણાંનો વ્યય કરે છે, તે જાણવાનો હોય છે. આ રીતિથી બહુ રસપ્રદ આંકડાશાસ્ત્રીય અનુમાનો સુલભ થઈ શકે એ ખરું, પરંતુ તે દ્રારા કશો ઉપયોગી હેતુ સરતો નથી; કેમકે તેમના આધારે કોઈ સાર્વત્રિક સ્વરૂપનાં વિધાનો થઈ શકે એમ હોતું નથી.

‘જૂથલક્ષી માધ્યમો અને રાષ્ટ્રીય વિકાસ’ ( Mass Media and National Development) પુસ્તકમાં વિલ્બરશ્ર્છામ વિકાસશીલ દેશોમાં રહેતાં બે કુટુંબોનું બયાન આપે છે. એક કુટુંબ આફ્રિકન છે. કૌટુમ્બિક સમૂહમાં અંદર અંદર વાતવ્યવહાર તીવ્ર સંકેન્દ્રિક હોય છે, પણ થોડાક માઈલ દૂરના સ્થળે શું બની રહ્યું છે તેનો એ કુટુંબને કશો ખ્યાલ હોતો નથી. બાળકો પૈકી એકને નિશાળે ભણવાનો લાભ તો મળેલો; પણ મહાવરો ચાલુ રહેવાને અભાવે કરીને એ લખવું વાંચવું ભૂલી ગયો છે, કેમકે જે સમાજમાં એ રહે છે ત્યાં કોઈ વર્તમાન પત્રો કે પુસ્તકો નથી. બીજું કુટુંબ એશિયન છે બહારના સમાજ સાથે સાંકળાનાર કડીઓ એને ત્યાં બહુસંખ્ય છે અને બહુ લાંબા સમયની છે. પરંતુ સમગ્ર સમાજ રચનાતંત્ર અને ઘરના વડીલોનાં રૂઢ માનસ – બંધારણ બહારના જગત સાથે વિચારો કે ખ્યાલો તથા જ્ઞાનની સાચી આપ-લે માં અટકાયતરૂપ છે. કુટુંબ પોતે એ સઘળું જાણે – સમજે છે પણ સાથે તે બાબત ભયગ્રસ્ત રહે છે; પુરાણા કાળમાં ઘડાયેલ પ્રજ્ઞાન અનુસાર જ અનુભવ ઉત્ક્રાન્તિ પામી શકે એ સ્થિતિ છે. સદીઓથી એ પ્રજ્ઞાન લેખીત સ્વરૂપ પામેલું એ, પણ તેનું પ્રયોજન વિચારશક્તિનો પ્રચાર નથી. પણ પુરાણા વિચારનો સંગ્રહ કે સંવર્ધન છે.

– વ્રજરાય મુકુન્દરાય દેસાઈ

બિલિપત્ર

આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.

– મનહરલાલ ચોકસી.

આપનો પ્રતિભાવ આપો....