કિસ્મત મારું પાજી – લાલજી કાનપરિયા 1


આજે બિલિપત્રમાં શ્રી શૂન્ય પાલનપુરીનો જે શે’ર મૂક્યો છે, તે કદાચ શ્રી લાલજી કાનપરિયાની પ્રસ્તુત રચનાનો સાર કહી જાય છે. જો કે બંને રચનાઓનાં ભાવો અલગ છે. પ્રસ્તુત રચનામાં કવિને કિસ્મત સાથે કોઈ ફરીયાદ નથી, તેમણે સ્વીકારી લીધું છે કે કિસ્મત બેઅદબ, લુચ્ચું અને બદમાશ છે, તેમણે કિસ્મતની આ દુષ્ટતાને પ્રસ્તુત રચનામાં કોઈ ફરીયાદ વગર સહજતાથી વર્ણવી છે. એક સાંધતા તેર તૂટે એવા જીવનને તેઓ રાબેતા મુજબનું કહે છે, એ જ દર્શાવે છે કે તેમને હવે નસીબના સાથની કોઈ આશા નથી. છતાંય લાગણીઓની બાબતમાં એક કરમાય અને બીજી ખીલી ઉઠે તેવું તેમની સાથે થયા કરે છે, અહીં પણ તેઓ કિસ્મતને પાજી કહે છે, જેનો અર્થ જરીક જુદો તારવી શકાય.

ટચૂકડું એક ફૂલ ખીલે તો પતંગિયું થાય રાજી
અવસર એવા મળ્યા નહીં રે, કિસ્મત મારું પાજી !

જીવતર રાબેતા મુજબ છે, નથી આમ તો વાંધો,
શમણાં તેર તૂટે છે કેવળ એકાદું જ્યાં સાંધો !
મન ખુદ છે અપરાધી અને મન ખુદ છે કાજી !
રે કિસ્મત મારું પાજી !

કાળ આખરે સરી ગયો ને સ્મરણો પણ ભૂંસાયા,
લીલો વૈભવ ઉડી ગયો ને ઊના વાયરા વાયા !
એક લાગણી કરમાતી ત્યાં ફૂટે બીજી તાજી !
રે કિસ્મત મારું પાજી !

– લાલજી કાનપરિયા

બિલિપત્ર

કિસ્મતમાં કોઇના, કદી એવી ન પ્રીત હો,
જેમાં મિલનના હોઠે, જુદાઇનાં ગીત હો.
– શૂન્ય પાલનપુરી


આપનો પ્રતિભાવ આપો....

One thought on “કિસ્મત મારું પાજી – લાલજી કાનપરિયા