ગીરની પ્રાકૃતિક સૃષ્ટિનો ધબકાર = અકૂપાર – ધ્રુવ ભટ્ટ 8


[ નવનીત સમર્પણ માસિકમાં સત્તત લોકપ્રિયતાના શિખરો સર કર્યા પછી શ્રી ધ્રુવ ભટ્ટની ગીર અને ત્યાંની સંસ્કૃતિ અને લોકજીવનનો, એ સુંદર અને પ્રકૃતિના આશિર્વાદોથી લચી પડેલા પ્રદેશની વિશેષતાઓનો અને વન્યસૃષ્ટિ સાથેના માનવના સહજીવનનો, માન્યતાઓનો પરિચય કરાવતી સુંદર નવલકથા અકૂપાર હાલમાં જ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્રારા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. ગીરના જંગલોની પ્રાકૃતિક સૃષ્ટિનો ધબકાર રેલાવતી આ કથા દરેક પ્રકૃતિપ્રેમીએ વાંચવી જ રહી. શ્રી ભટ્ટ સાહેબની નવલકથાઓ આમ પણ આગવો ચીલો ચાતરતી રહી છે, અને ગીરની સાથે એક અનોખું આકર્ષણ હોવાને લીધે અને અનેક પાત્રો તેમજ પ્રસંગે જાણે અમારા સાવ પરિચિત હોય તેમ લાગવાને લીધે આ નવલકથા મારા હૈયાની ખૂબ જ નજીક છે. પ્રસ્તુત છે નવનીત સમર્પણના અંક માંથી તેનો એક નાનકડો ભાગ. પુસ્તક પ્રાપ્તિ માટે ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો સંપર્ક ફોન +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩ પર કરી શકાય છે. પુસ્તકની કિંમત ૨૦૦/- રૂપિયા છે. ]

સવારે ઊઠ્યો ત્યારે ભેંસોને ઝોકમાંથી બહાર લાવી,વાડામાં જ ઊભી રાખીને દાનાભાઈ અને આઈમા દોહતાં હતાં. લક્ષ્મી દોહવાયેલું દૂધ દૂર પડેલા કેનમાં ઠાલવતી હતી. કમરણ હજી દાતણ કરતો હતો.

વહેલી સવારના આછા ઉજાસમાં એકલા નદી સુધી જવું મને યોગ્ય ન લાગ્યું. હું ડંકી સુધી જઈને નહાયો. કપડાં ધોયાં અને નિચવતો હતો ત્યાં દાનાભાઈ ભેંસોને દોરતા પસાર થયા. મને કહે, ‘રામ, રામ.’

મેં ‘રામ’ કહ્યું, ઉમેર્યું, ‘હું પણ હવે નીકળું જ છું.’

‘કાં?’ પૂછીને દાનાભાઈ ઊભા રહી ગયા અને કહ્યું, ‘રોકાય જાવને. લખમીની મા બપોર જોગુંની તો મેંદપડેથી વળી આય્વસે. રોકાઈ જાવ. કાલ વયા જાજો.’

‘રોકાવાશે તો નહિ.’ મેં કહ્યું, ‘જવું પડે એમ છે.’

‘ઠીક ત્યારે. ગયરમાં રોકવ તો પાસા આવતા રેજો,’ કહીને દાનાભાઈ ભેંસો પાછળ ચાલ્યા.

હું નાહીને નેસ પર ગયો તો વાસીદાં વળાઈને આખો વાડો સાફ થઈ ગયો હતો. લક્ષ્મી એકલી જ નેસ પર હતી. મેં પૂછ્યું ‘આઈમા ક્યાં?’

‘ઈ ને કરમણ કાનકડિયાને નાકે દાણ લેવા ગ્યા. હમણે આવતાં જ હય્સે.’

હું રોકાઈ શકું તેમ નહોતું બપોરનો તડકો આકરો થાય અને બપોરે તો સડક પર કોઈ વાહન પણ ભાગ્યે જ મળે.

જતાં જતાં મેં લક્ષ્મીને પૂછ્યું, ‘લક્ષ્મી, અહીંથી સાસણ તરફ જવું હોય તો વચ્ચે ભૂતિયાવડ આવે?’

‘કેમ બીક લાગે સે?’ લક્ષ્મીએ સામે પૂછ્યું.

‘ના. મારે તો ત્યાં થઈને ચાલવું છે,’ મેં કહ્યું.

લક્ષ્મી ખાટલો ઊભો કરતી હતી તે અટકીને મારી સામે જોઈ રહી. તેને બીજી કંઈ મજાક સૂઝી હોય તેમ હસવું દબાવ્યું અને પછી ચિંતા થઈ હોય તેમ પૂછ્યું, ‘ભૂતિયાથી તારે સું જાવું સ? ન્યાથી તો આધું પડે. તરભેટેથી સીધો રોડે પોગી જાને.’

લક્ષ્મીને કહું કે મારે પેલી છોકરી ની ઝાંઝરી લેવા જાવું છે તો કદાચ તે છોકરીનું નામ પણ હું જાણી શકું. કદાચ લક્ષ્મી મારી સાથે વડલા સુધી આવે પણ ખરી. એ બધું મારે નહોતુ કરવું, મારે મારી રીતે તેને શોધવી છે અને તેની ઝાંઝરી તેના હાથમાં મૂકીને કહેવું છે. ‘જો લઈ આવ્યો છું.’

મેં લક્ષ્મીને કોઈ જવાબ ન આપ્યો એટલે તેણે કહ્યું, ‘નદી વટીને આવ્યો ઈ કેડે વયો જાજે. સઈધો ભૂતિયે પોગીસ. ન્યાં કોકનું કોક તો ભેંસું સારતું હય્સે. પૂસી લેજે. સાસણના રોદનો કેડો બતાવસે.’ બોલતી બોલતી જ નેસમાં ગઈ અને માખણ , રોટલો ને છાસ લઈને બહાર આવી કહે, ‘સિરામણ કરી લે. ફેરમાં હાલવાનું એટલે વેલું મોડું થાય. આ તો ગયરની કેડિયું. ક્યાંની કયાં પોગાડે!’

મેં સિરામણ કર્યું અને મારો થેલો ઉઠાવ્યો.

બપોર પહેલા સડક મળી જાય તો સાસણ જતું વાહન મળે તે હિસાબે ઝડપ કરી છે. ગઈ કાલે પેલી છોકરી નેસનો કેડો બતાવીને મારાથી છૂટી પડી હતી તે જગ્યા તો મળી ગઈ. આગળ ચાલતાં કાલનો આખો પ્રસંગ મનમાં તરી રહ્યો.

ગઈકાલે હું સામી દિશાએથી આ તરફ આવતો હતો અને પાછળથી શબ્દો સંભળાયા હતાઃ

‘ઊભો રેય.’

અવાજ એટલો ધીમો હતો કે જરા પણ કોલાહલવાળા સ્થળે, કોઈ ગામની બજારમાં, હું છકડામાંથી ઊતર્યો હયો તે નાકા ઉપર, અરે કોઈના ખેતરમાં પણ કદાચ હું સાંભળી શક્યો ન હોત; પરંતુ આ નીરવ સ્થળે ખરેલાં પાદડાંમાં નાના જીવડાનો કે હવાનો સંચાર પણ જણાઈ આવે તેવે સ્થળે તે સ્પષ્ટપણે સાંભળી શકાયો હતો. કોઈ મને થોભી જવા કહેતું હતું.

મેં પાછળ વળી ને જોયું. તરત તો કોઈ દેખાયું નહોતું હું બૂમ પાડીને સામો જવાબ આપવા જઉં તે પહેલાં ઢોળાવ પરનાં અપર્ણ વૃક્ષો વચ્ચે માથા પર કથ્થઈ કહિ શકાય તેવા રંગની ઓઢણી, કમ્મરથી નીચે કાળી જીમી. ઉપરના ભાગે એવું જ ભરત ભરેલું કાપડું પહેરેલી છોકરી દેખાઈ. તેણે હાથ ઊંચો કરીને મને રોકાઈ જવા, પછી તરત જ હોઠ પર આંગળી મૂકીને ચૂપ રહેવા અને પોતે મારી સાથે આવે છે તેમ જણાવતી સંજ્ઞાઓ કરી.

હું આ જ્ગ્યાએ નવો છું. આ મનોહર વિડી મારા માટે અજાણી છે. આવી જગ્યાએ અહીનું રહેવાસી લાગે તેવું કોઈ મને કંઈક કહેતું તો મારે માનવું જોઈએ તે મને સમજાતું હતું. હું મૌન તો ઊભો. આવા સ્થળે આ અજાણી છોકરી કંઈ મુશ્કેલીમાં હશે કે એકલી જતાં ડરતી હશે તે વિચાર મને આવી ગયો.

નજીક પહોંચીને છોકરીએ ઢાળ પરથી ધૂળિયા કેડા ઉપર ઊતરતાં સહેજ મોટું પગલું ભરીને કુદવાનો પ્રયત્ન કર્યો. આમ કરતાં તેના પગની ઝાંઝરી રણકી. થોડું વધુ કૂદીને તેણે ઝાંઝરી ફરી રણકાવી અને તેમ કરવામાં આનંદ આવતો હોય તેમ મારી સામે જોઈ હસી.

ક્યારેક રણકી જતી ઝાંઝરીના તાલબદ્ધ રણકા સિવાય તેની ચાલ નીરવ હતી. જો મેં તેને જોઈ ન હોય તો મારી પાછળ એટલે નજીકમાં તે ચાલી આવતી હતી તે હું જાણી શક્યો ન હોત. એકાદ પળ તે જાંબુડીના છાયમાં આવી.ત્યાંથી ફરી બહાર ખુલ્લા પ્રકાશમાં. તેના મોં પર સ્મિત જોતાં તે કોઈ મુશ્કેલીમાં હોય તેવું તો ન લાગ્યું.

હું કંઈ પૂછું તે પહેલાં તો તે છોકરીએ નજીક આવીને ગણણણતી હોય તેમ કહ્યું, “હું મોર્યે હાલું સું. તું વાંહે રેય.”

ઘડીભર માટે આ છોકરી શું કહેવા માગે છે તે મને સમજાયું નહીં. હુંથોડો બઘવાઈને ઊભો રહ્યો. મને બાઘાની જેમ ઊભો રહેલો જોઈને તેણે જરા ગુસ્સાથી કહ્યું, ‘કીધુંને? આગળ નો હાલતો. મને મોર્ય થાવા દે. ન્યાં ભૂતિયા વડના વોંકળે રમજાના બેઠી સે.’

આવી ભાષા મેં આ પહેલાં સાંભળી નહોતી. એમાં તે છોકરી એટલું ધીમે બોલતી હતી કે મારે સાંભળવાનો પ્રયત્ન કરવો પડે; આમ છતાં તે જેમ જેમ બોલતી હતી તેમ તેમ તેના હાથ, મોં, આંખો બઘાયના લહેકાથી તેના કહેવાનો ઘણો ખરો ભાવાર્થ સ્પષ્ટ થતો જતો હતો.

ભૂતિયો વડ સાંભળીને મને લાગ્યું કે છોકરી ભૂત – પ્રેતની વાત કરતી હશે. છતાં મેં તેના જેટલો જ ધીમો અવાજ કાઢવાની કોશિશ કરતાં પૂછયું, ‘કોણ રમજાના?’

જવાબમાં પહેલાં તો તે હસી પડી પછી એકદમથી બોલી, ‘તારી હમણાં કંઉ ઈ. ન્યાં પૂગીએ કે સામી દેખાસે. તારી આંખે જોઈ લે જે. હવે મૂંગો રે.’ તેણે ‘સામી’ બોલતી વખતે હ મિશ્રિત સ વાપર્યો તે મને યોગ્ય ન લાગ્યો. મીઠો લાગ્યો.

મારા જવાબની રાહ જોયા વિના તે છોકરી તો ચાલવા માંડી મને ક્રોધ આવ્યો પણ તે રમજાના કોણ અને તે શું કરે છે તે મારે જાણવું હતું. છોકરી પાછળ દોરાયા સિવાય તે થઈ શકે તેમ નહોતું.

આમેય મને આ રસ્તે જ જવાનું હતું. મારે આઈમાના નેસે જવાનો મારગ એક માલધારીએ ચીંધ્યો હતો. અહીં સુધી તો ચીંધ્યો હતો. બીજો ફાંટો ન આવે ત્યાં સુધી તો આજ રસ્તે જવાનું છે. રસ્તો ફંટાશે તો આ છોકરીને પૂછી લઈશ તેમ વિચારતો તેની પાછળ ચાલ્યો હતો; પણ એ રીતે મૌન રહીને દોરાયા કરવું મને ગમ્યું નહોતું. છોકરી સાથે વાત કરવાના આશયથી મેંપૂછ્યું, ‘તારું નામ શું છે?’

છોકરી ઊભી રહી. પાછલ ફરી પળભર એકીટશે મારા સામે જોઈ રહી પછી અચાનક હસી પડી અને હોઠ મરડીને આગળ ચાલતી થતાં બબડી, “આ તો મોઠું ભાળ્યું ન્યાં નામ પૂસવા માંડ્યો!’

આવું બનશે તે મેં ધાર્યું નહોતું. તેણે મૌન રહેવાનું કહ્યું ન હોત તો મેં બૂમો પાડીને તેની સાથે ઝધડો કર્યો હોત. તે પોતાન જાતને શું સમજે છે! તે પૂછ્યું હોત. પણ એ તો જાણે કંઈ થયું જ નથી તેમ એકધારી ગતિએ આગળ ચાલી જતી હતી.

હવે મારે તે છોકરી સાથે રહેવું નહોતું. હું જરા તેની આગળ નીકળવા ગયો કે તેણે હાથ આડો કરી મને રોકયો.

મને ચીડ ચડી. હું કંઈ કહું કરું તે પહેલાં તે છોકરી એ પાછળ ફરી મારી સામે જોયું. આંખો વિસ્તારી, હોઠ જરા ભીંસીને બીડ્યા. પળમાં તો ન જાણે શું શું કરીને ડોકું એક તરફ, કંઈક એ રીતે નમાવ્યું બીજી જ ક્ષણે મને સાવ ચોખ્ખું સમજાયું કે હું તેના શાસન હેઠળ છું અને તે મને મુક્ત ન કરે ત્યાં સુધી આમ જ ચાલવાનુ છે.

આ છોકરી શા માટે આમ કરે છે તે હું સમજી શકતો નહોતો. મારી ધીરજ ખૂટી ગઈ અને હું પૂછી બેઠો, ‘આ બધું શું છે?’

‘આ બધી ગયર સે. ગાંડી ગયર. હવે મૂંગો મયર.’ કહીને છોકરી આગળ ચાલી. હું તેની પાછળ રહીને આસપાસ જોતો ચાલતો રહ્યો. થોડે દૂર વિશાળ વડ ઊભો હતો. ત્યાં અમારો માર્ગ વોંકળામાં ઊતરતો હતો. બાકીનાં સ્થળોની સરખામણી એ વોંકળાના ભાગે લીલાશ વધારે હતી. વોંકળામાં કદાચ પાણી હશે તો પી શકાશે તે વિચારે મેં આજુબાજુ નજર કરી. તે જ પળે છોકરી ઊભી રહી. મને સિસકારો કરતાં પોતાની પાછળ ઊભા રહેવા સંજ્ઞા કરી અને પછી સામી દિશામાં આંગળી ચીંધીને બબડી, ‘આડું – આવળું જોયા કરતાં આંયાં, કરમદાંનાં ઢૂહાં કોયર જો.’

હું ખસીને તે છોકરી બરાબર પાછળ ઊભો અને તે બતાવતી હતી તે તરફ નજર નાંખી.

દ્રશ્ય જોવાની, સહેવાની કે માણવાની ચરમસીમાઓ હોય છે તેવું મેં સાંભળ્યું છે. પરમ મનોહર કે ભીષણતમ દ્રશ્યો જોનારાઓનું કહેવું છે કે એવે સમયે પોતાની વાચા હરાઈ ગયાનો અનુભવ તેમને થયો હોય છે. આવા જનો ને તેમણે જોયેલા દ્રશ્યનું વર્ણન કરતાં કરતાં એક સીમાએ મૌન થઈ અટકી જતાં મેં જોયા, સાંભળ્યા છે. આમ છતાં એ પળે તે બધાની અનુભૂતિ શી હશે તેની કલ્પના હું કદી પણ કરી શક્તો નહોતો.

Click to see full picture

કરમદાંની ઝાડી તરફ જોતાં જ મને એવી સ્થિતિ, તેવી પળે થતી અવસ્થા તેના તમામ સ્વરૂપે સમજાઈ ગઈ. મારી સામે અચાનક ખુલેલા આ દર્શનને રમ્ય કહેવું હોય તો મારા મન પર છવાઈ જઈ સમગ્ર દેહમાં વ્યાપેલાં ભયને શું કહેવું તે હું સમજી ન શક્યો. મારા હ્રદયના ધબકાર ગતિશીલ હોવા છતાં જાણે મૌન થઈ ગયા હોય તેમ હું સાવ અવાક, મૂઢ, પથ્થર સમો ઊભો રહીને માત્ર જોયે જ ગયો.

સામે જ, વોંકાળાના સામેના ઢોળાવ પર, રસ્તા વચ્ચે, માંડ દસેક મીટર જેટલે દૂર, ભૂખરી, ચમકતી, માંસલ દેહલતા, ચમકતી આંખો અને ભવ્ય અસ્તિત્વની સ્વામિની પૂંછડું લંબાવીને સૂતી હતી. સામે બીજી એક સિંહણ બેઠી હતી. તે બેઉની પાસે જ બે સિંહબાળ એક – બીજા ઉપર આળોટતાં જઈ રમતાં હતાં.

કેટલી ક્ષણો આમ ગઈ તે ખબર ન પડી. પેલી છોકરીએ પાછળ જોયા વગર કહ્યું, ‘આડી પડી ઈ રમજાના.’

હું કંઈ બોલવા સક્ષમ નહોતો. છોકરી પાછળ જોયા વગર પણ મારી સ્થિતિને પામી ગઈ હોય તેમ આગળ બોલી, ‘હવે આમ પાળિયો થઈ જામાં. હાય્લ, મારી વાંહે હાલવા મંડી જા. ઈનીં પાંહેથી જ જાવાનું સ.’

છોકરીની પાછળ જ મેં પણ ચાલવા માટે પગ ઉપાડ્યો. અમે ત્યાંથી જતાં જ રહ્યાં હોત; બરાબર એ જ પળે છોકરીની ઝાંઝરી રણકી. છોકરી તત્ક્ષણ અટકીને ઊભી રહી. પાછળ હું પણ સ્થિર ઊભો. મારા મનમાંથી ભય હજી દૂર થયો નહોતો. તે હવે વધ્યો.

આ રણકારથી પેલાં બેઉ સિંહબાળની રમતમાં ભંગ પડ્યો. નવા પ્રકારનો સ્વર ક્યાંથી આવ્યો તે જાણવા તેમણે પોતાના કાન તંગ કર્યા. વળતી પળે આંખોમાંઅપાર આશ્વર્ય ભરીને બેઉ બચ્ચાં છોકરીનાં પગને તાકી રહ્યા. થોડી વારે એક બચ્ચું બીજી સિંહણ ભણી ગયું અને બીજું ઊભું હતું ત્યાંથી એક ડગલું આગળ વધીને છોકરીના પગ તરફ આવ્યું.

પોતાનું સંતાન માણસ તરફ જાય છેતે જોતાં જ બીજી સિંહણ સાવધ થઈ ગઈ. તેણે સહેજ ધુરકાટ પણ કર્યો. રમજાના આડી પડી હતી તે માથું ઊચું કરીને બેઠી થઈ. પોતાના પગ આગળ તરફ લંબાવીને અમારી સામે જોતી શાંત બેઠી. બચ્ચું હજી પણ આગળ આવશે તો આ બન્ને સિંહણો અમારાપર આવી પડશે તે ભયે અમારાં ગાત્રો ગળવા માંડ્યાં. આસપાસ ઉપર ચડી શકાય તેવું કોઈ વૃક્ષ હોય તો મેં નજર કરી.

છોકરી સ્થિર ઊભી હતી. તેણે ખૂબ ધીમા સ્વરે મને કહ્યું ‘બીતો નંઈ. અને મરી જાય તોય ભાગતો તો નંઈય જ.’ પછી તરત બેઠી થયેલી સિંહણ તરફ જોઈને ધીમે બોલી, ‘રમજાના, માડી બીતી મા. આ બસોળિયાંને કાય નથ કરવું.’

પોતે સિંહણ સાથે વાત કરતી હોય એમ કંઈનું કંઈ બબડ્યે રાખતાં છોકરીએ પોતાનો એક પગ ગોઠણથી પાછળની બાજુએ વાળ્યો. તે એટલી સિફ્તથી પગને છેક સાથળ નજીક લઈ ગઈ કે મને સિંહણો કે સામે ઉભેલું બચ્ચું તેની જીમીની હલચલ સુધ્ધાં જોઈ શક્યું નહીં હોય.

થોડીવાર એક પગ ઉપર સ્થિર ઊભા રહીને છોકરી પોતાના બેઉ હાથ પાછળ લાવી. હાથને પગ પાસે લઈજઈને જરા પણ અવાજ ન થાય તેમ તે ઝાંઝરીની કડી ખોલી નાંખી.

કંઈક હલચલ થાય છે તેવી સમજ સામે ઊભેલા બચ્ચાને આવી ગઈ હોય તેવું લાગ્યું. તે આગળ વધતું અટકીને શંકાશીલ ધ્યાનથી તેને જોવા લાગ્યું. જો હું ઊભો ને ઊભો જ પડી જઈશ તો શું થશે તે વિચારમેં પરાણે રોકી રાખ્યો.

થોડી વારે છોકરીએ અગાઉની રીતે જ બીજા પગની ઝાંઝરી પણ કાઠી નાખી. મને હતું કે હવે અમે અહીંથી ચાલતા થશું. જેમ બને તેમ જલદી આ સ્થળ છોડી જવાની ઈચ્છા મેં કઈ રીતે દબાવી રાખી હતી તે હું પોતે સમજી શકતો નહોતો.

મારા આશ્વર્ય વચ્ચે તે છોકરીએ બેઉ ઝાંઝરી હાથમાં રાખીને બચ્ચાનું ધ્યાન ખેંચવા માગતી હોય તેમ રણકાવી. બચ્ચું થોડું ગભરાયું, કાન ઊંચા કરીને છોકરીના હાથને જોઈ રહ્યું.

બીજી પળે છોકરીએ બેઉ ઝાંઝરીનો ઘા કર્યો. રૂમઝૂમ રણકતી ઝાંઝરી સિંહણોની પાસે દૂર જઈ પડી. બન્ને સિંહણો ઊભી થઈ ગઈ અને પૂછડાં ઊંચાં કરીને હુમલો કરવાની હોય તેમ આગળ ધસી. છોકરીએ જરા પણ થડક્યા વિના સામો હાથ ઉગામ્યો અને ‘હાં. માડી હાં.’ એવું કંઈક બોલી.

ઝાંઝરીની જોડ દૂર જઈ પડી તેની પાછળ જ બચ્ચું પણ તે તરફ દોડી ગયું. રમજાના પાછી બેસી ગઈ. બીજી સિંહણ પોતાના બચ્ચાની પાછળ જતાં જતાં પણ અમારા તરફ નજર રાખતી ગઈ.

મને લાગ્યું કે હું રડી પડીશ. એ ધડીએ છોકરીએ મારો હાથ પકડી લીધો અને કહ્યું, ‘બેય જણીયે ઠાલા પૂંસડાના ઝંડા કર્યા. આપણે ડારો દઈને આઘાં રાખવા. હવે બસોળિયાં ઈનીં પાંહે છે એટલે ઈ આંય નંઈ આવે હાલ્ય, હવે મોયર થા. આણીકોયરથી નીકળી જા.’

હું છોકરીની પાછળથી નીકળીને બીજી દિશામાં ચાલ્યો. થોડે દૂર પહોંચીને પાછળ જોયું તો છોકરી પણ ચાલવા માંડી હતી. મારી પાસે આવીને તેણે ફરી મારો હાથ પકડ્યો અને મજાક કરતી હોય તેમ બોલી, ‘તાવ સડે તો કરિયાતું લઈ લેજે.’ પછી વાતાવરણ હળવું કરતાં પૂછ્યું, ‘ક્યાંથી આવ્યો સ?’

‘કોણ હું?’ મેં વિચારહીન અવસ્થામાં જ સામું પૂછ્યું.

‘તો આંય તને બીજું કોઈ ભળય સે?’ છોકરી હસતી હસતી આગળ નમી ગઈ.

‘હા. હું બસ ઘરેથી,’ હું હજીયે સ્વસ્થ થી શક્યો નહોતો.

‘ઠીક,’ છોકરીએ કહ્યું અને પૂછયું, ‘તે માસ્તર સો?’

‘ના. કેમ?’

‘તો આ સોપડા હાર્યે રાખ્યા સે ઈ? બબે વરસે સાવજની પીએસડીયું કરવા આવે સ, ઈનીં ઘોડે.’ છોકરી કાગળમાં લખતી હોય તેવો અભિનય કરીને બોલી.

‘હું ચીતરું છું. થોડું લખું. પણ રીસર્ચ માટે નહીં.’

‘ઈ જી હોય ઈ; પણ ગયરમાં બારા નીકળીયે તયેં જંગલખાતાના સિકારીને હાર્યે લેવાના. સિકારી વગર એકલા કોઈ દી નો નીકળતો. કોક દી ભાર્યે પડી જાસે.’ પછી ઉમેર્યું, ‘ને બારના ટૂરિસોને કે ભણવા આવેલાને એકલા નીકળવાનિ કાયદો નથ.’

છોકરીની વાતથી મને હસવું આવ્યું. મેં કહ્યું, ‘હું ટૂરિસ્ટ પણ નથી. થોડા દિવસ રહેવા આવ્યો છું. બસ એટલું જ.’

‘તે રેવા સારું તો મકલ પડ્યો સ.આંય ગયરમાં તારું સું કામ સે.’

હું સ્તબ્ધ થઈ ગયો. તે ‘તારે શું કામ છે’ તેમ નહીં ‘તારું શું કામ છે?’ તેમ બોલી હતી. તેનો પ્રશ્ન અવગણી શકાય તેમ નહોતો. મેં કહ્યું, ‘એનો જવાબ આજે આપું તો ચાલશે?’

‘લે, મેં કાંય પૂછ્યું નથ્ય. મેં તો કીધું સે. આને તો સાંભળતાય નથ્ય આવડતું.’છોકરી આંખો વિસ્તારીને લહેકો કરતાં બોલી.

‘તો પણ મારે તો જવાબ આપવાનો થાય છે જ.’ મેં કહ્યું, ‘હું હજી અહીં રહેવાનો છું જતાં પહેલાં તને જવાબ આપીને જઈશ.’

‘તો તો જાવાની વાત્યે મીંડું સમજી લે. ગયરમાં ગર્યો ઈ ગર્યો.’

અમે એક ત્રિબેતે અટક્યા. પછી મેં તેને પૂછ્યું, ‘આઈમાનો નેસ કઈ તરફ?’

એક રસ્તા તરફ હાથ લંબાવતા તેણે કહ્યું, ‘આણીકોયરવયો જા. આગળ બીજો મારગ પડે ન્યાં સીધે કેડે જાવાનું. પણ આય્ખું બંધ રાખીને નો હાલતો.’

કહીને તે અટકી. તેના મહેણાથી મને ખોટું તો નથી લાગ્યુંને એની ખાતરી કરતી હોય તેમ મારા તરફ જોઈ રહી. હું વિચારમાં જ ઊભો હતો તે જોઈને હસી પડી. કહે, ‘હવે વયો જાસ કે ઠેઠલગણ મેલી જાંવ?’ છોકરીનો બોલવાનો લહેકો એવો હતો જાણે તે મને દુનિયાના કોઈ પણ છેડે સલામત પહોંચાડવા સમર્થ હોય.

હું જવા માટે પગ ઉપાડું ત્યાં અચાનક છોકરીએ દૂર ઝાડીઓમાં પસાર થતા બે જણ પ્રત્યે મારું ધ્યાન દોરતા કહ્યું, ‘આ ધાનું વાંહે દોરાતી હાલી જાય.ઈ બેય હાર્યે વયો જા.’

– ધ્રુવ ભટ્ટ

બિલિપત્ર

હાથ ગજવામાં ગયો તો ધૂળ ચપટી નીકળી,
સાચવેલા ગામની એ પણ ઝલક હોઈ શકે.

– મનોહર ત્રિવેદી (‘આપોઆપ’ ગઝલસંગ્રહ)


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ગીરની પ્રાકૃતિક સૃષ્ટિનો ધબકાર = અકૂપાર – ધ્રુવ ભટ્ટ