તરાપાથી ૪૩૦૦ માઈલની દરિયાઈ ‘કોન-ટિકિ’ સફર – જીજ્ઞેશ અધ્યારૂ 9


[ પંદર સૈકાઓ પહેલા દક્ષિણ અમેરિકાના આદિવાસીઓ વાપરતા તેવા વાંસના તરાપા પર ચઢીને વીસમી સદીના મધ્યમાં પેસિફિક મહાસાગરનો ૪,૩૦૦ માઈલનો પટ ઓળંગનારા છ યુરોપી જવાંમર્દોની આ આપવીતી આપણા જમાનાની શ્રેષ્ઠ સાહસકથા બની રહી છે. પંદરથી વધુ ભાષાઓમાં તેના અનુવાદો થયા છે તો કરોડો નકલો વેચાઈ ગઈ છે. વાત મૂળ તો લગનની છે. લેખક નોર્વેના વતની છે અને દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આવેલા ટાપુઓમાં વસતા લોકોના પૂર્વજો ક્યાંથી ત્યાં પહોંચ્યા એ વિશે મતમતાંતરો હતાં, શ્રી હાયરડાલે સાબિત કરવાનો યત્ન કર્યો કે તેઓ દક્ષિણ અમેરીકાથી જ ત્યાં જઈને વસ્યા હોવા જોઈએ. જો કે તેમના આ દાવાને સજ્જડ ફગાવી દેવાયો. દક્ષિણ અમેરીકાથી મધ્ય પેસિફિકનો આ ૪૩૦૦ માઈલનો પંથ ૧૫૦૦ વર્ષ પહેલા કઈ રીતે પાર કરી શકાય એ પ્રશ્નનો ઉત્તર આપવા તેમણે વાંસના તરાપા પર આ આખોય પ્રવાસ ખેડ્યો. પ્રસ્તુત છે આ પુસ્તક વિશે કેટલીક વાત અને અંશો. શ્રી મહેન્દ્ર મેઘાણીએ વિશ્વના કેટલાક અપ્રતિમ પુસ્તકોનો અનુવાદ કરી આપણી ભાષાનું અનેરું ગૌરવ કર્યું છે અને સાથે આપણા માટે વિશ્વ સાહિત્યની નવી ક્ષિતિજ પણ ખોલી આપી છે.]

કોન ટિકિ પુસ્તકનું મુખપૃષ્ઠ ( Click to see full size )

પુસ્તકના લેખક શ્રી થોર હાયરડાલ નોર્વેના વતની છે અને નોર્વેથી હજારો માઈલ દૂર મધ્ય પેસિફિકના ટાપુઓનો તેમણે એકાદ વખત પ્રવાસ કરેલો અને એ ટાપુઓની પ્રજાનો, એમના ઈતિહાસ અને એમની જૂની સંસ્કૃતિનો એમણે અભ્યાસ કરવા માંડ્યો. એમ કરતાં એમને વિચાર આવ્યો કે આટલા વિશાળ મહાસાગરની મધ્યમાં એ ટાપુવાસી પ્રજા આદિકાળમાં આવી હશે ક્યાંથી ?

ન્યૂયોર્ક શહેરના એક પ્રસિધ્ધ સંગ્રહસ્થાનના ઉચ્ચ પદવીધારી વૈજ્ઞાનિક પાસે તેમણે એ અંગેનું પોતાનું સંશોધન મૂક્યું, રોષભેર પેલા વૈજ્ઞાનિકે તેમને કહ્યું, “વાત સાચી કે ભૂતકાળની કેટલીક અત્યંત અનોખી માનવ સંસ્કૃતિઓ દક્ષિણ અમેરિકામાં વિકસી હતી. એ સંસ્કૃતિના માનવી કોણ હતાં ને ક્યાં અદ્રશ્ય થઈ ગયાં તે આપણે જાણતા નથી, પણ એક વાત તો નક્કી અને તે એ કે દક્ષિણ અમેરિકાની કોઈ પ્રજા મધ્ય પેસિફિકના ટાપુઓ સુધી પહોંચી જ નહોતી. અને એનું કારણ સાવ સહેલું છે, એની પાસે વહાણો જ નહોતાં.”

“પણ તરાપા તો એમની પાસે હતાં ને, બાલ્સાના લાકડાના તરાપા …” લેખકે પોતાના મનોભાવ વ્યક્ત કર્યાં.

“ભલે તો પછી બાલ્સા લાકડાના તરાપા પર બેસીને પેરુથી મધ્ય પેસિફિકના ટાપુઓ સુધીની એક સફર તમે કરી જુઓ…! ” વાત તો ત્યાં અટકી ગઈ પરંતુ એક અત્યંત મહત્વના ઘટનાચક્રની શરૂઆત અહીંથી થઈ.

મજાકમાં અને તુચ્છકારમાં કહેવાયેલી આ વાતને શ્રી હાયરડાલે ગાંઠ વાળી લીધી અને આ ૪૩૦૦ માઈલનો સફર તરાપા પર કરવાનો નિશ્ચય કરી લીધો. એ પછી એની તૈયારીઓ થઈ. દરમ્યાનમાં સાથીઓ જોડાતા રહ્યાં, નોર્વેનો એક ઈજનેરી ગ્રેજ્યુએટ હેર્માન વાત્ઝીંગર, ચિત્રકાર અને ગિટાર વગાડતા અને પ્રવાસના શોખીન એરિક હેસ્સલબર્ગ, રેડીયો તરંગોના જાણકાર કનુટ હાઊગ્લાંડ અને ટોર્સટિન રોબી, એમેઝોન નદીની ઉપરવાસના જંગલવાસીઓ વચ્ચે સંશોધન કરવા ગયેલી યુરોપી ટુકડીના એક સદસ્ય એવા બેંટ ડાનિયલ્સોન એ બધાં એક પછી એક જોડાતા રહ્યાં અને છ જણાની ટુકડી આ અપ્રતિમ સાહસ કરવા તૈયાર થઈ ગઈ.

આ દરમ્યાન પ્રવાસ વિશેની વિવિધ ગણતરીઓ, પ્રવાસનો માર્ગ, તરાપાની બનાવટ, વહાણવટાની વિવિધ રીતભાતો અને ખલાસીઓના અનુભવો વગેરેનું અધ્યયન પણ થતું રહ્યું. દક્ષિણ અમેરિકા જઈ તરાપો બાંધવાનું નક્કી થયું, પેરુના પ્રાચીન તરાપા બાલ્સા વૃક્ષના લાકડાના બનેલા હતાં. એ લાકડું સૂકું હોય ત્યારે બૂચ કરતાંય હલકું હોય છે. જૂના કાળના સાગરખેડુઓ પેરુની ઉત્તરે અત્યારે જ્યાં એક્વેડોર છે ત્યાં જતાં અને પેસિફિકને કાંઠાના જંગલોમાંથી લાકડા કાપીને લાવતાં.

Kon Tiki travel route
Kon Tiki travel route (Click to see bigger view)

એક્વેડોર પહોંચી બાલ્સાના મોટા મોટા વૃક્ષોના લાકડા મેળવી, પેરુના કાલાવ બંદરની ગોદીમાં નવ મોટા વૃક્ષોના બીમનો તરાપો બંધાયો, તેના પર નાના બીમ આડા ગોઠવાયા, શણના દોરડાથી તેમને બાંધવામાં આવ્યા, વાંસ, વેલા અને લાકડામાંથી તરાપો બન્યો જેમાં એક પણ ખીલી, સળીયો કે તારનો ટૂકડો ન હતો. આ સફરની શરૂઆત પહેલાની ક્ષણો વિશે શ્રી હાયરડાલ લખે છે –

“કેટલીય વાર મારા મનમાં પ્રશ્ન ઉભો થતો કે આ અમે શું કરીએ છીએ તેનું અમને પૂરું ભાન છે ખરું? આવી સફરની નિષ્ફળતા વિશેની બધી ચેતવણીનો જવાબ હું આપી શકું તેમ નહોતો.; કારણકે વહાણવટાનો મને અનુભવ નહોતો. પણ મારી પાસે એક હુકમનું પાનું હતું, ને એ જ અમારી સફરનો અડગ પાયો હતો. અંતરના ઉંડાણમાં મને એટલી ધરપત હતી કે વીતી ચૂકેલા એક જમાનામાં અમારા જેવા જ તરાપા પર બેસીને એક આખી પ્રજા પેરુથી પેસિફિકના ટાપુઓ સુધી પહોંચી હતી. હું એક જ વાત તારવતો કે જો ઈ.સ. ૫૦૦ માં બાલ્સાના લાકડાં તર્યા અને વેલાના દોરડા ઘસાયા નહીં તો અમે પણ એના તરાપાની આંધળી નકલ કરીએ તો એ કેમ ન તરે? “

તેમણે સાથે લીધેલા સરસામાન વિશે તેઓએ લખ્યું છે, “ઉપડતા પહેલા થોડા દિવસે અમારું બધું ભાતું, પાણી અને બીજો સરસામાન તરાપા પર ચઢાવી દીધો. છ માણસને ચાર મહીના ચાલે એટલું ખાવાનું અમે સાથે રાખ્યું. ઉંચે ડુંગરામાં જઈને સ્વચ્છ ઝરણામાંથી ૨૭૫ ગેલન પીવાના પાણીના ૫૬ ડબા ભરી બીમની વચ્ચે રાખ્યા જેથી મોજાંની છાલકોથી એ ઠંડા રહે. ફળ અને કંદમૂળના ટોપલાઓ ભરીને વાંસના તૂતક પર બાંધી દીધા. ૧૫૦૦ વર્ષ પૂર્વે પેરૂની પશ્ચિમે મહાસાગરમાં ગાયબ બનીને પેસિફિકના ટાપુઓમાં પહોંચનારા સૂર્ય રાજાના માનમાં અમે તરાપાનું નામ ‘કોન-ટિકિ’ રાખ્યું હતું.”

આગબોટે તેમને દોરડે બાંધીને આશરે પચાસેક માઈલ ખેંચી ગઈ, મહાસાગરના પ્રવેશદ્વાર સુધી ખેંચી તેમને છૂટા મૂકી દીધાં. ૨૮ એપ્રિલ, ૧૯૪૭ના બપોરે તેમની આ સફર શરૂ થઈ. અહીંથી પુસ્તકના અંત સુધી એક બેઠકે, ધડકતા હૈયે તેને પૂરું કરવું જ પડે તેવા અનુભવોનું વર્ણન તેમાં છે. તેમના આ અનુભવો તદ્દન અનોખા હતાં કારણકે મોટા જહાજોના અવાજ અને કદને લીધે જે દરિયાઈ સૃષ્ટિ તેનાથી દૂર ભાગે છે એ જ આ તરાપાની આસપાસ કાયમ વિહરતી રહી.શાર્ક માછલીની મોટામાં મોટી જાત એવી વ્હેઈલ શાર્ક સાથે તેમનો ભેટો થયો, બિહામણા અને ભયંકર કદને લીધે તેને ભૂતાવળો સાથે સરખાવતા આ છયે સાહસવીરો તેને સત્તત અવલોકતા રહ્યાં, તેની સરેરાશ લંબાઈ લગભગ ૫૦ ફુટ, અને વજન ૧૫ ટનની આસપાસ હોય છે. ૬૦-૬૫ ફુટ લાંબી આવી વ્હેઈલ શાર્કના અવશેષો પણ ચર્ચાતા. તો જૂજ લોકોએ જેને નિહાળ્યો હશે તેવો સર્પ મચ્છ, ઉડણ માછલીઓ વગેરે બધું તેમને નિહાળવા મળ્યું.

સાથે આપેલા કોન ટિકિના માર્ગમાં દર્શાવ્યા મુજબ તેઓ હંબોલ્ટના સાગર પ્રવાહમાં આથમણી દિશા તરફ હવાઓની સાથે ખેંચાતા રહ્યાં, સરેરાશ ૪૦ થી ૪૧ માઈલની ઝડપ સાથે કોનટિકિ એ આખાય જળપ્રવાહમાં એકલો મુસાફર હતો કારણકે એ મુખ્ય વહાણવટા માર્ગ નહોતો. પ્રચંડ મોજા અને જુવાળ વખતે પણ કોન ટિકિ ગગન ભણી છલાંગ મારતો, ને જુવાળ ઉપર સવાર બની જતો, પાણીનો પ્રવાહ તેની બંને બાજુએથી વહી જતો. બબ્બે કલાકની અવધિમાં બધા સુકાનના હલેસાને વળગી રહેતા. રસોઈ કરવી કે રેડીયો સાથે કામ કરવું વગેરે જેવા કામ વહેંચી લીધેલાં. આમ તોફાનો અને શાંત વાતાવરણના અજબ વાતાવરણ વચ્ચે, વિવિધ વિસ્મયકારી દરિયાઈ જીવોને જોતા જોતાં અને પુરાતન પેરુવાસીઓની એ સફરને અને તેમના દરિયાઈ સફરના અગાધ જ્ઞાનને અનુભવતા, આવા પ્રવાસ પાછળની એ પુરાતન પ્રજાની મજબૂરી હતી પણ એ યાત્રા આંધળુકીયું ન હતી.

raft in museum
Click to see bigger view

સમુદ્રમાં માર્ગદર્શક સ્તંભો ક્યાંય હતાં નહીં, અનંત સાગર પથરાયેલો હોય તેના અંતર માપી શકાય તેવી કોઈ સ્થિર નિશાનીઓ હતી નહીં, મોજા ને માછલાં, સૂરજ ને તારા વારાફરતી ચાલ્યા આવે અને પોતાના પંથે પડે. પેરુ અને મધ્ય પેસિફિકના ટાપુઓ વચ્ચેના ૪૩૦૦ માઈલના વિરાટ દરીયાઈ પટમાં કોઈ જ પ્રકારની જમીન નથી. દરીયો બહુ તોફાની ન હોય ત્યારે તેઓ સાથે લીધેલી રબરની નાનકડી હોડકીમાં બેસીને સહેલ કરવા નીકળતા અને છબીઓ પાડતા. પુરાતન પેસિફિકવાસીઓ અવ્વલ દરજ્જાના વહાણવટીઓ હતાં. દિવસે સૂર્ય પરથી અને રાત્રે તારાઓ અને નક્ષત્રો પરથી તેઓ દિશાઓ કાઢતા, આમ પણ તારાઓ અને નક્ષત્રો સિવાય જોવા જેવું રાત્રે બીજુ હતું પણ શું? જુદા જુદા તારાઓ આકાશમાં ક્યાં ક્યાં ઉગશે, રાતના કયા પ્રહરે તે ક્યાં હશે, અને કઈ ઋતુમાં એ ક્યાં ક્યાં દેખા દેશે એ પણ એ કાળના કુશળ વહાણવટીઓ જાણતા, એટલે થોડાક દિવસ પછી તારાઓની એંધાણીએ તરાપાને દોરવાનું કામ આ સાહસવીરોને પણ સહજ લાગવા માંડ્યું, અને એ વાતનું આશ્ચર્ય પણ તેમને થયું. તોફાનો, ઉંચા નીચા મોજાઓ અને નાની મોટી મુસીબતોને પાર કરતાં આ મિત્રો એકાદ બે ટાપુઓને દૂરથી નિહાળતા આગળ વધ્યા, મધ્ય પેસિફિકના ટાપુઓની હારમાળા હવે શરૂ થઈ ચૂકી હતી, અને એ સાથે પાણીની અંદરના ખડકોનું જોખમ પણ વધી રહ્યું હતું. અંતે એક ખડક તરફ પવન તેમને ઘસડી રહ્યો, અને પરવાળાના એ ખડકો પર પછડાઈને કોન ટિકિ ખલાસ થઈ જવાનો એ નિશ્ચિત દેખાયું છતાંય કોઈ ગભરાટના લક્ષણો તેમનામાં ન વર્તાયા, જાણે બધા આ અનિવાર્ય માટે સજ્જ થઈ રહ્યાં, સામાન પલળે નહીં તે માટે કોથળીઓમાં કામના કાગળો, ફિલ્મો વગેરે ભરી લીધાં, ઝૂંપડીને કેનવાસથી ઢાંકી બાંધી દીધી અને બધાં તૈયારીઓ કરતાં રહ્યાં. તરાપાના જુદા જુદા ભાગોને પકડીને રહેલા લોકો સાથે તરાપો એ ભયાનક લોઢમાં સપડાયો, હવામાં વીંઝાયો અને મોજાની કતારો પરથી હડસેલાયો. અંતે મોજાનાં એક પછી એક પાણીના પહાડો તેની ઉપર પછડાતા રહ્યાં. અંતે તરાપો સીધો ખડક પર પછડાયો અને તેનો થોડોક ભાગ તૂટી ગયો, પણ મહદ અંશે તે સલામત જ દેખાતો. સદભાગ્યે બધાં બચી ગયા અને એ ખડકોના ઉંચાણવાળા ભાગ પર બચેલા સામાનની સાથે ચાલવા લાગ્યાં. બરાબર ૧૦૧ દિવસો પછી, ૭ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે એ ખડકો પર તેમની દરિયાઈ યાત્રા પૂરી થઈ. તે પછી થોડાક દિવસ એ ખડકો પર જ તેમનો સઘળો સંસાર ચાલુ થયો. રેડીયો તરંગો ફરી વહેતા થયાં, બચી ગયેલો સ્ટવ અને વાસણો ફરી ઉપયોગમાં લેવાયા અને મહીનાઓ પછી એ બધાં જમીનની મૌજ માણતા એ ખડકોને અને તેના નાળીયેરીના વૃક્ષોને ધમરોળતા રહ્યાં.

થોડાક દિવસ પછી એક સફેદ સઢ વાળી હોડી ત્યાં આવતી દેખાઈ, ખાડીના સામે છેડેના એક બેટ પરના પોતાના ગામમાંથી એ ટાપુવાસીઓએ રાતવેળાએ પ્રગટાવેલા તાપણાં જોયા, વળી એક ખોખાનું પાટીયું જેના પર ટિકિ લખેલું હતું, એ તરતું તરતું ત્યાં પહોંચ્યું, એટલે ગામના ઘરડાઓએ માન્યું કે અહીં ભૂતપ્રેત ભડકા કરી રહ્યાં છે, કારણકે ટિકિ તેમના પૂર્વજ સૂર્ય-રાજાનું નામ હતું. પણ પછી પતરાના ડબામાં ભરેલી પાઊંરોટી, સિગારેટો અને કોફી એમને તરતા મળ્યાં ત્યારે ધરપત થઈ કે ખડકોને પેલે પાર કોઈ વહાણ ખરાબે ચઢ્યું હશે, ને બચેલા ખલાસીઓજ એ તાપણાં કરતાં હશે. જો કે ખડક પર ભંગાર થઈ પડેલા તરાપામાં જ આટલો પ્રવાસ થયો છે એમ જાણી તેમણે આશ્ચર્યના પોકારો કર્યાં. તેઓ આ બધાને પોતાને ગામ લઈ જવા માંગતા હતાં, પરંતુ કોન ટિકિને ખડક પરથી ખસીને તરતો થઈ જાય ત્યારે સાથે લઈ જવાની વાતને લઈને ફક્ત બેંટને એ ટાપુ પર મુખી પાસે મોકલવાનું નક્કી કર્યું. વળતાં ગામના મુખી તેમનું સ્વાગત કરવા આવ્યા. તેમણે જહાજ જોવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ કોન ટિકિને જોઈને તેઓ અજાયબીના પોકારો કરી ઉઠ્યા, ખૂબ ઉત્સાહમાં આવી તેઓ કોન ટિકિને ઘેરી વળ્યા. જો કે વળતા દિવસે ટાપુનો નીચાણવાળો પાણીમાં ગરક થઈ જશે એમ મુખીએ કહ્યું અને થયું પણ એમ જ. હોડી સાથે કોન ટિકિને બાંધીને એ લોકોના ટાપુ તરફ ચાલ્યા. ત્યાં પોતાના દરિયાઈ અનુભવોની વાતો કહી, જળચર પ્રાણીઓ વિશે તેમને કહ્યું, તો મુખીએ ગામલોકો સમક્ષ પોતાની લાગણી ઠાલવી, એમના મુજબ એના પિતા, પિતાના પિતા અને તેમના બાપદાદાઓની અનેક પેઢીએ ટિકિની વાતો કહેલી, બાલ્સના તરાપામાં આમ જ તેઓ અહીં સુધી પહોંચ્યા હતા અને હવે તેઓ સ્વર્ગમાં બિરાજે છે એ વાતો, પણ ગોરાઓ તેને નર્યાં ગપ્પા જ માનતા, તેઓ કહેતા કે ટિકિ તો કાફરનો દેવ ગણાય અને સ્વર્ગમાં તો યહોવાનું સાશન છે એટલે એવી વાત કોઈએ માનવી નહીં, પણ આ ગોરાઓએ પે – પે એટલે કે તરાપામાં બેસીને કરેલા પ્રવાસને કારણે તેમના પૂર્વજોની વાતોને સાચી ઠેરવી ચૂક્યા છે.

એ પછી થોડાક દિવસો બાદ એક જહાજ ખાસ આ સાહસવીરોનું સ્વાગત કરવા તેમને લેવા આવ્યું અને અમેરિકા તેડી ગયું. પ્રાચીન કાળની પ્રજા – હિજરતો વિશેની આ કે તે માન્યતાની સાબિતિમાં નજીવો રસ ધરાવતી આજની ધમાલભરી દુનિયાને તો હાયરડાલની આ સફરમાંથી વીસમી સદીની શ્રેઠ સાહસકથા સાંપડી ગઈ. કોન ટિકિ વિશેનું તેમનું પુસ્તક ૧૯૪૮માં પ્રકાશિત થયું અને તેની કરોડો નકલ ખપી ગઈ. નોર્વેના એક સંગ્રહાલયમાં હજુ પણ કોન ટિકિ જોઈ શકાય છે, જો કે તેના સવાર છયે સાહસવીરો હવે રહ્યા નથી. પરંતુ તેમનું સાહસ અનેકોને પ્રેરણા આપતો સાગર બની રહ્યો છે. બરાબર સાત વર્ષે ૭ ઓગસ્ટ ૧૯૫૨ના દિવસે શ્રી મહેન્દ્ર મેઘાણીએ ગુજરાતી ભાષાને આ અપ્રતિમ સાહસકથાનો અનુવાદ આપ્યો અને એ પણ કેવો યોગાનુયોગ ? પુસ્તક વાંચતા સમયનું ભાન ન રહે, એક બેઠકે વાંચવાનું મન થાય એવું આ પુસ્તક જાણે દિલધડક સાહસના આપણે એક ભાગ હોઈએ એવી લાગણી આપ્યા વિના ન રહે.

પુસ્તકની છેલ્લી લીટીઓમાં લખેલી વાત કેટલી સૂચક છે? “હવે અમે કુદરતનો સામનો કરીને ઊલટી દિશાનો પંથ કાપતા હતાં, દૂર દૂર પડેલી વીસમી સદી તરફની મજલ અમે કાપી રહ્યાં હતાં.

બિલિપત્ર –

અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ, ……..
લોપવી સીમ, અણદીઠને દેખવું,
તાગવો અતલ દરિયાવ,- તળીયે જવું,
ઘૂમવા દિગ્દિગંતો, ….. …. …..
ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ

– ઝવેરચંદ મેઘાણી (અનુવાદિત પુસ્તકની પ્રસ્તાવનામાંથી સાભાર)


9 thoughts on “તરાપાથી ૪૩૦૦ માઈલની દરિયાઈ ‘કોન-ટિકિ’ સફર – જીજ્ઞેશ અધ્યારૂ

 • Pancham Shukla

  આ પુસ્તક મેં મારા શાળાના અભ્યાસ દરમ્યાન અનેક વખત વાંચ્યું હશે. એ વખતના મને ખુબ ગમતા પુસ્તકોમાં કોનટિકિ મોખરે હતું.

  (શ્રી મહેન્દ્ર મેઘાણીએ વિશ્વના કેટલાક અપ્રતિમ પુસ્તકોનો અનુવાદ કરી આપણી ભાષાનું અનેરું ગૌરવ કર્યું છે અને સાથે આપણા માટે વિશ્વ સાહિત્યની નવી ક્ષિતિજ પણ ખોલી આપી છે)- સાચી વાત.

 • Jigar Mehta

  HI Jignesh,
  I remember when I was in standard 8, our complex had our own librarty funded by the complex and had all such stories. I remember one author, Jules Verne who was French writer and someone was translating his stries in Gujarati. I am not sure this story was from him or not but I have read this story. I am sure, when you read first ten pages, you won’t stop till end. These are great stories really.
  And thanks to you to remind this. Your description about the book is really great and attractive. One would like to read book from your description.
  Good on you.
  Thanks
  JM

 • યશવંત ઠક્કર

  જિગ્નેશભઈ,
  ખૂબ જ રસપ્રદ. આખો લેખ જકડી રાખનારો છે. પુસ્તક મજેદાર હોવાનો ખ્યાલ આવી જાય છે.

Comments are closed.