મૃત્યુ (પાંચ અછાંદસ) – રવીન્દ્ર પારેખ 5 comments


અક્ષરનાદ પર મૃત્યુ વિશે ચિંતન મનનની પ્રક્રિયા અને એ વિશેની રચનાઓ સમયાંતરે કોઈ નિશ્ચિત આયોજન વગર પણ આવતી જ રહે છે. પ્રસ્તુત રચનાઓ પણ એ વિશેના થોડાક અલગ ભાવો રજૂ કરે છે, ૨૦૦૭ ના જુલાઈ માસના નવનીત સમર્પણ માસિકમાંથી સાભાર અહીં લીધેલા પાંચેય અછાંદસમાં મૃત્યુનો અનોખો આયામ પ્રસ્તુત થયો છે, પાંચેયની પાશ્ચાદભૂમી અલગ છે, પણ બધાંનો સાર કે પરિસ્થિતિઓની સરખામણી મૃત્યુ સાથે  છે તે સ્વયંસ્પષ્ટ છે.

[ ૧ ]

ચાહવું એટલે જ વિરહ
તારો હાથ પકડ્યો
ત્યારથી જ છૂટવા લાગ્યો’ તો
આપણે બંને
એકબીજાના હાથમાં પછી તો
રહ્યા કેવળ સ્પર્શ થઈને
આ સ્પર્શને કારણે જ
આપણી ચાહી શકીએ છીએ
એકબીજાને
એકબીજા વગર.

[ ૨ ]

આટલે આવ્યા પછી
આગળ જોઈ શકાતું નથી
ને પાછળ જઈ શકાતું નથી
હું છું ત્યાં જ હું છું
એની આગળ નથી
એની પાછળ નથી
હું ‘મને’ મોબાઈલ’ લાગું છું
અટકાવું તો પણ
બેટરી ‘લો’ થવાનું અટકે તેમ નથી
ને પાવર આવે તેવી શક્યતા નથી કે –

[ ૩ ]

તમને ફોલી નાખવામાં આવે
ને છીલકું જ ફગાવી દેવામાં આવે
તો પણ અંદર ખાલી જ હશો
આ ‘ખાલી’ તે તમે છો
ને આખી જિંદગી મથો છો
ભરવા
જગતને
તમારાથી –

[ ૪ ]

તમે આસપાસના તંતુઓ
કાપી નાખો
તો પણ જે ભિતર છે
તેને કાપી શકો તેમ નથી
એને મૂળ જ નથી
એને ઊગવું છે
એને ખેંચી કાઢો
તો પણ એ છે
એ છે મુક્તિ!
માત્ર એટલા પૂરતી જ છે
તમે એની ઝંખના કરી શકો
બાકી, કાબૂ કરવા જાવ
તો એ જમીન બદલી કાઢે છે-

[ ૫ ]

જીવન સત્ય નથી
સ્વપ્ન જ સત્ય છે
સ્વપ્ન પહેલાં જાગૃતિ હતી
એમ લાગે છે
સ્વપ્ન પછી હોય પણ ખરી
એ જાગૃતિ પણ સત્ય નથી
કેમકે તે અત્યારે નથી
હશે જ એવુંય નથી
જે છે તે સ્વપ્ન છે
ને હશે તે સત્ય કાંઈ નથી.

– રવીન્દ્ર પારેખ

બિલિપત્ર

સાંજકે ફૈલતે ધુંધલકોં મેં જબ સમૂચા શહર ઉભરતા હૈ,
આપ કી સેજ તો સલામત થી, આપકા જિસ્મ ક્યોં સિહરતા હૈ,
ઉમ્રકી સબ હદોં કો લાંઘા હૈ, ફિરભી દિલ પર યકીં નહીં આતા,
નીમ-ઈન્સાન સા ઝિઝકતા હૈ, બર-રુ-એ-મર્ગ કૈસા ડરતા હૈ.
– ઘનશ્યામ (આભાર ઈન્ટરનેટ)

નીમ-ઈન્સાન – અધૂરો માણસ
બર-રુ-એ-મર્ગ – મૃત્યુ ની સામે5 thoughts on “મૃત્યુ (પાંચ અછાંદસ) – રવીન્દ્ર પારેખ

 • Heena Parekh

  આ પાંચેય મૃત્યુ કાવ્યો મારા બ્લોગ પર તા. ૧૫/૦૬/૨૦૦૯ના રોજ પોસ્ટ થઈ ચૂક્યા છે જે આપની જાણ ખાતર.

  • AksharNaad.com Post author

   હીના બેન,

   આપની પોસ્ટ કદાચ પાસવર્ડ સુરક્ષિત હોવાને લીધે ગૂગલ શોધમાં આવી નથી. અને એટલે જોઈ પણ શકાતી નથી.

   આભાર.

Comments are closed.