નિવૃત્તિની પ્રવૃત્તિ વિશે ભાવ અને અર્થ – હરસુખરાય જોશી 5


{ શ્રી હરસુખરાય જોશી ભારતીય જીવન વીમા નિગમ, અમદાવાદના રીટાયર્ડ ઉચ્ચ અધિકારી છે. અમદાવાદમાંજ તેઓ હવે તેમનું નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે. અધ્યાત્મિક વાંચન, કસરત, તરવું, યોગ અને ધ્યાન ક્રિયાઓ તથા પ્રવાસ તેઓની ગમતી પ્રવૃત્તિઓ છે અને આ બધુંજ તેઓ નિયમિતપણે કરે છે. તેમના પત્નિ સાથે તેઓ લગભગ આખાય ભારતનું ભ્રમણ કરી ચૂક્યા છે. શ્રી વિજય શાહ દ્વારા સંપાદિત પુસ્તક “નિવૃત્તિ ની પ્રવૃત્તિ” વિશે તેમના વિચારો અત્રે તેમણે પ્રસ્તુત કર્યા છે. પુસ્તક અક્ષરનાદને મોકલવા બદલ શ્રી વિજય શાહ અને શ્રી હરિકૃષ્ણભાઈનો તથા પુસ્તક વિશે આ લેખ આપવા બદલ શ્રી હરસુખભાઈનો ખૂબ ખૂબ આભાર. શ્રી વિજયભાઈનો સંપર્ક vijaykumar.shah@gmail.com પર કરી શકાય છે, તથા શ્રી હરસુખભાઈનો સંપર્ક +૯૧ ૯૪૨૬૨ ૭૦૨૮૬ પર કરી શકાય છે. }

શ્રી વિજય શાહ દ્વારા સંપાદિત અને શ્રી હરિકૃષ્ણ મજમુદાર દ્વારા પરામર્શિત તથા અવલોકિત પુસ્તક “નિવૃત્તિની પ્રવૃત્તિ” બધાં માટે, કહો કે સર્વસામાન્ય માટે મનન માંગતુ, વિચારોના ઉદભવનું સ્તોત્ર બનતું તદ્દન વાસ્તવિક પુસ્તક છે. પૂર્વભૂમિકા, વાતાવરણ, હકીકતો અને દ્રષ્ટાંતો ભલે વિદેશી લાગે, પરંતુ દરેક ઘટના પાછળ જે આકૃતિ આકાર પામી છે તે છે મનુષ્ય. તો આપણી રાષ્ટ્રીય સંકડાશને ચીરી વૈશ્વિક મોકળાશ તરફ વધી, આપણા દ્રષ્ટિફલકનો વિકાસ કરીએ અને તે રીતે પુસ્તકના ભાવ અને તેના અર્થને સમજીએ, તેમાંથી તારવેલા નવનીતને માણવાનો પ્રયત્ન કરીએ.

પંચતતત્વનું બનેલું શરીર પૃથ્વીના ગમે તે તટ પર ભલે ને હોય, તે વય વાર્ધક્યની અસરથી મુક્ત નથી. ઉન્મતિ, સ્થિતિ અને લય, જન્મ, વિકાસ અને વિસર્જન એ એક સ્વાભાવિક સહજ અને પ્રાકૃતિક ક્રમ છે. ભગવાને મનુષ્યને પૃથ્વી પર શતાયુના વરદાન સાથે મોકલ્યો છે પણ તે સો વર્ષ પૂરા કર્યા સિવાય જ વિદાય લે છે. આ સો વર્ષ કેમ પૂર્ણ થતાં નથી આ પ્રશ્ન મહાભારતમાં ધૃતરાષ્ટ્રે લોમઋષિને પૂછ્યો છે અને યુધિષ્ટિરે વ્યાસજીને પૂછ્યો છે. ઉત્તર સાવ સરળ છે, પ્રકૃતિના નિયમોનો ભંગ, ખાવા પીવાની દ્રષ્ટિએ અનિયમિતતા, જીવનભર વ્યસનોનો વળગાડ, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આનું સંકલન અને સમતોલન નહીં, આ બધાં દુષ્તત્વો આયુષ્યના ૨૦-૨૫ વર્ષ કાપી નાખે છે. વ્યાધિગ્રસ્તતા પણ મનુષ્ય આમંત્રિત વસ્તુ છે.

જન્મ, ઉછેર, શિક્ષણ, વ્યવસાય પ્રવેશ કે નોકરી (આજીવિકા માટે), સંસાર પ્રવેશ, પરિવાર વૃધ્ધિ, આવાસ પરિવર્તન કે આવાસ વૃધ્ધિ – આપણે જેમ વૃધ્ધિ વિકાસ કર્યો તેવી જ રીતે આપણી નવી જન્મતી અને વિકસતી પેઢી તરફ આપણું લક્ષ્ય અને જવાબદારી આ ક્રમથી જ મનુષ્ય જીવન ગતિશીલ છે. એક વિરામ કે વિશ્રામનો પડાવ આવે તે જ છે નિવૃત્તિ. આ પડાવ પસાર થાય એટલે પછી આવે વિસર્જન, મહાપ્રયાણ કે મૃત્યુ.

ગ્રીક તત્વચિંતક સોક્રેટીસ તેમની અંતિમ અવસ્થામાં હતાં, તેઓની સેવા કરતાં તેમના શિષ્ય સમુદાયે તેઓને પૂછ્યું, “ગુરૂવર્ય, આપ તો જ્ઞાની છો, આ અવસ્થા સ્વાભાવિક અને સાહજીક છે. આ ક્ષણે અમને કાંઈક સમજણ આપો. સોક્રેટીસે સર્વ તરફ દ્રષ્ટિપાત કર્યો અને કહ્યું,

“બે વસ્તુ હંમેશા ભૂલી જાવ,

એક, તમે જ્યારે જીવનમાં આગળ વધી રહ્યાં હશો, પ્રગતિ કરી રહ્યાં હશો ત્યારે અનેક પરિબળો તમને પાછા પાડવા પ્રયત્ન કરી રહ્યાં હશે. તેઓ તમારા માર્ગમાં રોડા નાંખશે, અંતરાયો અને અવરોધો ઉભા કરશે, તમને ગેરમાર્ગે પણ દોરશે. તેમ છતાં એ બધાનો સામનો કરી તમે પ્રયાસપૂર્વક મંઝિલે પહોંચો. આ બધી વ્યક્તિઓને ઉદાર ચિત્તે ક્ષમા આપી દો અને ભૂલી જાવ.

બે, તમે પણ કોઈકનું ભલું કર્યું હશે, કોઈને સહાય કરી હશે, સાચું દિશાસૂચન કર્યું હશે, કોઈ માટે ઘસાયા હશો, કોઈને આર્થિક, સામાજીક, સાંસારિક, ધાર્મિક કે માનસિક સહાયતા કરી હશે. આ છતાં અત્યંત વિનમ્રતા અને વિવેક પૂર્વક નમ્રતા કેળવવાનો પ્રયત્ન કરો, મનમાં ઉદભવતા નકારાત્મક સંહાર ભાવને રોકજો અને આ ભલમનસાઈથી કરેલા કામોને ભૂલી જજો. એ તો ફરજનો એક ભાગ હતો જે અદા થઈ ચૂક્યો.”

કહ્યું છે, બે વસ્તુ સદા યાદ રાખો, કોઈએ તમારા પર કરેલ ઉપકાર અને એ સત્ય કે મૃત્યુ અફર છે. આવવાનું જ છે, બધુંય અહીં મૂકીને જતાં રહેવાનું છે. સોક્રેટીસની આ સુંદર વાત નિવૃત્તિ પર કેટલી અસરકારક અને ઉપયોગી થાય તેવી છે !

નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ એટલે શું? અર્થોપાર્જનની પ્રવૃત્તિ પૂરી એટલે નિવૃત્તિ. ક્યાંકતો આ પ્રવૃત્તિ પર પૂર્ણવિરામ મૂકવું જ પડે છે, પણ એ સમય માટેનું આયોજન તો હોવું જ જોઈએ. નિવૃત્તિના સમયમાં પ્રવૃત્ત રહેવા આર્થિક સ્વાવલંબન જરૂરી છે. નિવૃત્તિ પછી આર્થિક પરિસ્થિતિ તમારા પ્રવૃત્તિ સમય જેટલી જ સધ્ધર રહે તેવું આયોજન રાખો. એક પંક્તિ છે, “When there is silver in your hair, there should be sufficient gold in your purse.”

સંતાનો પર શ્રધ્ધા રાખો, તેમની પ્રવૃત્તિમાં બાધક ન બનો. યાદ રાખો, ફિલ્મ ‘બાગબાન’ ની વાત બધે લાગુ નથી પડતી. તેની આંશિક વાસ્તવિકતા સ્વીકારવા યોગ્ય હશે, પણ તે સર્વત્ર અને સર્વદા સત્ય નથી. આપણા મનની ધરબી રાખેલી ઈચ્છાઓને નિવૃત્તિ સમયમાં સાકાર કરવાનો અવસર મળે છે. સ્વાસ્થ્ય તંદુરસ્તીને પ્રાથમિકતા આપો. આજની આધુનિક વૈજ્ઞાનિક શોધ એટલે ટી.વી. તે નિવૃત્ત માણસનો ઉત્તમ મિત્ર છે, દુનિયાની ઘટનાઓથી માહિતિગાર રહો, ઘણી જ્ઞાનવર્ધક, જીજ્ઞાસા સંતોષાય તેવી, આધ્યાત્મિક, ધાર્મિક ચેનલો અતિરેક વિના માણો. નાના બાળકની જેમ કાર્ટુન ચેનલ પણ જુઓ. પ્રવાસ યાત્રાઓમાં જોડાવ, જે તમે જ્યારે પ્રવૃત્ત હતા ત્યારે વ્યસ્તતાના લીધે નહોતા કરી શક્યા. શારીરિક – માનસિક વ્યાયામ કરો, એ તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સુદ્રઢ રાખશે.

વાંચનનો શોખ આવકારદાયક છે, તમને રસ પડે તેવા વિષયોનું મનન અને ચિંતન પૂર્વક યોગ્ય સમય માટે નિયમિત વાંચન કરો. એનાથી કંટાળો દૂર ભાગશે. સમયાંતરે પુસ્તકાલયની મુલાકાત લેતા રહો.

જૂના મિત્રોને મળો, સંબંધોમાં તાજગી લાગશે. સહકુટુંબ બેસી ચર્ચા વિચારણા કે વાતો કરો. ભૂતકાળમાં કરેલા સંઘર્ષો – કુટુંબ ગુજરાન માટે વેઠેલી વિટંબણાઓ, સુખની અનુભૂતીના પ્રસંગો, આનંદથી ઉજવેલા અવસરો વગેરે કુટુંબના નાના સભ્યોને માર્ગદર્શક બની રહે છે, પરંતુ આ કરવાં જતાં ઉપદેશક ન બની જવાય તેનું પણ ધ્યાન રાખો.

નિવૃત્તિના સમયમાં આપણો આધ્યાત્મિક વિકાસ થાય, ચિંતનનો વ્યાપ વધે તો તે ઈશ્વરકૃપા સમજવી. આપની આંતરીક ધર્મભાવના, ભક્તિ, જપ, તપ, પૂજા વગેરે આધ્યાત્મિક ક્ષુધાને સંતોષવા કોઈ સદગુરૂ મળે તો સદભાગ્ય સમજવું. તેમની વાણી, વચન, કથન, પઠન, શ્રવણ, જ્ઞાન, મનન, ચિંતન વગેરે દિશાનિર્દેશો જીવનની નાવને સુકાન આપે છે. “સ્વ” ભાન ભૂલાય ત્યારે જ જીવનનો સાક્ષાત્કાર થાય છે. સાચા અને યોગ્ય સદગુરૂની કૃપાથી આપનો ઈશ્વર તરફ ઝોક વધે છે, આપ નમ્ર હો તો વ્યવહારમાંથી કૃત્રિમતા, દંભ-દેખાડો અને અહમ ભાવના જતી રહે છે. આપની નમ્રતા અને વિવેક સાહજીક, સ્વભાવિક અને વ્યવહારૂ બની રહે છે. તમને માન અને યશ આપોઆપ મળતાં થાય છે.

જીવનમાં શ્રધ્ધા રાખવી જરૂરી છે. ધ્યાન અને આત્મ વિશ્વાસ આપના શ્રધ્ધાદીપને જ્વલંત રાખે છે. અંદરના સંદેહ, શંકા, સંશય, દ્વિધા, ભ્રમ વગેરે દૂર થાય છે. સ્વદર્શનની, સત્યદર્શનની અનુભૂતી થાય છે. એકાગ્રતા વધે છે. જેમ સામાન્ય રીતે પ્રાપ્ત થતો સૂર્યપ્રકાશ ફક્ત ઉષ્મા આપે છે, પરંતુ બિલોરીકાચ વડે એકત્રિત થયેલા કિરણો અગ્નિ પ્રાગટ્ય કરી શકે છે એવું જ વિચારોનું પણ છે. શ્રધ્ધા અને એકાગ્રતા સ્વત્વના વિશ્વાસનું અગ્નિપ્રાગટ્ય કરી આપે છે.

ઉપરોક્ત બધી વાતોનું યોગ્ય અનુસરણ જીવનમાં પાત્રતા બક્ષે છે. પરમતત્વની સર્વોચ્ચ સત્તાનો સહજ સ્વીકાર આપને આસપાસના સંજોગોનું સ્પષ્ટતાથી પૃથક્કરણ કરવાની, ભીતર દર્શન કરવાની અને સંજોગોને તટસ્થભાવે જોવાની ક્ષમતા આપે છે. વય વાર્ધક્ય જ્ઞાનથી પ્રકાશિત થાય છે.

આ તો થઈ નિવૃત્તિ પછીની પ્રવૃત્તિઓની વાત, શ્રી વિજયભાઈ શાહે તેમના પુસ્તકમાં આ બધી વાતો અનેક પ્રસંગો અને લેખોના માધ્યમથી સરળ અને સહજ રીતે કહ્યાં છે. પુસ્તકનો એ નાદ બની રહે છે કે નિવૃત્તિની અનુભૂતી તો પ્રત્યેક વ્યક્તિએ કરવાની જ છે, આ પુસ્તક તેનો હકીકત સભર કે સાર્થક ચિતાર છે, મૂળે ભૂમિકા ભલે વિદેશી રહી, પરંતુ આપણાં માટે પણ તે દિશામાં મનન અને ચિંતન માટે અંગુલિનિર્દેશ મળી રહે છે.

જીવનની વિવિધતાને કેન્દ્રમાં રાખી, દ્રષ્ટાંતો અને પ્રસંગોના માધ્યમથી આલેખાયેલા સચોટ અવલોકનો પ્રેરક અને અનુસરવા યોગ્ય છે. આ ઉપરાંત પુસ્તકમાં આહાર અને સ્વાસ્થ્ય તરફ અંગુલિનિર્દેશ, આધ્યાત્મ તરફ ઝોક, કૌટુંબિક સભ્યો સાથે સહયોગ, નિશ્ચિંત થઈ વર્તમાનમાં જીવવું, સુપાચ્ય અને સુયોગ્ય આહાર, નિયમિત કસરત, ચાલવું, નિયમિતતા, પ્રકૃતિનું સાન્નિધ્ય, તણાવમુક્ત જીવન, અમેરીકન કાયદાકીય તથા કૌટુંબિક ઘટનાઓ અને માર્ગદર્શન, આત્મ સન્માનની ભાવના ખીલવવી, મરણનું મનન વગેરે બધી વાતો પ્રેરક ઉદાહરણો અને લેખો સાથેનું આ સુંદર પુસ્તક વાંચ્યાની – જીવન તૃપ્તિના ઓડકાર સાથે અનુભૂતિ અને પ્રસન્નતા પૂરી પાડે છે. ખૂબ સુંદર અને મનન ચિંતન યોગ્ય પુસ્તક બદલ શ્રી વિજયભાઈ શાહ અને શ્રી હરિકૃષ્ણ મજમુદાર અભિનંદનને પાત્ર છે.

બિલિપત્ર

Retirement has been a discovery of beauty for me. I never had the time before to notice the beauty of my grandkids, my wife, the tree outside my very own front door. And, the beauty of time itself.
– Hartman Jule


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “નિવૃત્તિની પ્રવૃત્તિ વિશે ભાવ અને અર્થ – હરસુખરાય જોશી