કવિતાની ઓળખ – સ્નેહરશ્મિ (ભાગ ૧) 8


{ ભગવદ્ગોમંડળ મુજબ કવિતા એટલે, “પદબંધ; અમુક નિયમાનુસાર ગોઠવાયેલ અક્ષર અને માત્રા એ બેના નિયમથી થતી રચના; છંદ; વૃત્ત. તેની ત્રણ જાત; ગીતકવિતા, વીરકવિતા અને નાટ્યકવિતા. અંતર્ભાવપ્રેરિત તે જ ખરી કવિતા ગણાય છે.” પરંતુ પ્રસ્તુત અનુભવવાણીમાં સ્નેહરશ્મિ કવિતા એટલે શું ? એ વિશેની એક નોખી, સાહજીક અને બાળમાનસમાં પણ સહેલાઈથી ઉતરી શકે તેવી વ્યાખ્યા બાંધવાનો યત્ન કરે છે. ક્યાંક બાળપણથીજ જો આવા શિક્ષકો મળી જાય તો એ શિક્ષણની મજા અને તેનો પ્રભાવ ખરેખર જ અદકેરો બની રહેવાનો એમાં શંકા હોઈ જ ન શકે. આજે પ્રસ્તુત છે શ્રી સ્નેહરશ્મિના પ્રયોગનો આ પ્રથમ ભાગ, આવતીકાલે બીજો ભાગ મૂકવામાં આવશે.}

એક દિવસ કોઈક શિક્ષકની અવેજીમાં મારે સાતમી શ્રેણીમાં જવાનું થયું. એ દિવસે ગુજરાતીનો વિષય હતો. અને તેમાંય કવિતા. કવિતા અંગે વિદ્યાર્થીઓની સમજ કેવી હતી, એ જાણવાનું કુતૂહલ થતાં મેં એ દિશામાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત આદરી. મેં કહ્યું,

“આજે તમે જે કવિતા શીખવાના છો તે અંગે વાત ન કરતાં કવિતા અંગે જ થોડી વાત કરીએ તો તમને તે ગમશે ?”

એક છોકરાએ કહ્યું, “મને સમજ ન પડી, તમે કોઈ નવી કવિતા શીખવવાના છો.”

મેં કહ્યું, “ના, મારે તો કવિતાને તમે કેવી રીતે ઓળખો છો તે જાણવું છે. તો, કહેશો કે તમે કવિતા કેટલા વર્ષથી શીખો છો?”

એક છોકરી કહે, “બાળપોથીથી, એટલે કે સાત વર્ષથી.”

બીજો એક છોકરો તરત ઉભો થઈને બોલ્યો, “હું જન્મ્યો ત્યારથીજ એને જાણું છું.”

મેં પૂછ્યું, “કઈ રીતે?”

“કેમ કઈ રીતે? કેટલાં બધાં હાલરડાં બાએ, બહેને અને બીજા બધાંએ સંભળાવ્યા છે!

ભઈ તો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો,
ભઈ મારો ઉંઘે, ફૂલ ગુલાબનું સૂંઘે.

એવાં કેટલાં બધાં જોડકણાં સાંભળ્યાં છે !”

આ ઉત્તરથી વર્ગમાં એક પ્રકારનું ઉત્સાહનું વાતાવરણ સર્જાયું. મેં જોયું કે બાળકોને હું જે જણાવવા ઈચ્છતો હતો તેમાં રસ પડશે. એટલે મેં કહ્યું કે, “જે વસ્તુ તમે જન્મથી ઓળખતાં આવ્યાં છો એને અંગે તમને કોઈ પૂછે કે એ શું છે? તો તેનો તમે જવાબ તો આપી જ શકો ને? તો કહો જોઈએ કવિતા એટલે શું ?”

એક છોકરો બોલ્યો, “જે ગાઈ શકાય એ કવિતા.”

મેં પૂછ્યું, “આ વાત ખરી છે?” ઘણાએ હા પાડી. એટલે મેં કહ્યું, “તો જુઓ હું એક કવિતા ગાઉં છું.”

એમ કહી, સંગીત તો હું શીખ્યો નથી, પણ સિતાર શીખવા થોડા દિવસ મથામણ કરેલી તેમાંથી કાફી રાગની એક ગત ગાવાની મેં શરૂઆત કરી.

“સા રેરેરે ગ મમમ પપ …
પ મ ગ રે સા ની સા રે રે ગ …”

હું આગળ વધું એ પહેલાં એક છોકરી બોલી ઉઠી, “એમ નહીં, એમાં શબ્દો ક્યાં છે?”

એટલે તરતજ મેં સામે જે વિદ્યાર્થીઓ બેઠાં હતાં એમનાંમાંથી નામ જોડી બે પંક્તિ ગાઈ બતાવી.

“મુકુન્દ માધવ મોહન મમતા મીના મનહરલાલ
સોહન સરલા સૌરભ ચંપા ચંદન ચંપકલાલ”

એક છોકરો બોલ્યો, “આ તે કંઈ કવિતા કહેવાય?”

મેં કહ્યું, “કેમ નહીં? એ ગાઈ શકાય છે, એમાં શબ્દો છે અને પ્રાસ પણ છે.”

એક વિદ્યાર્થીની બોલી, “પણ એમાં અર્થ ક્યાં છે?”

મેં કહ્યું, “એમ ? ત્યારે કવિતા ગવાય તેવી હોવી જોઈએ, તેમાં શબ્દો હોવા જોઈએ અને અર્થ પણ હોવો જોઈએ, ખરું ?”

એટલે વર્ગનાં મોટા ભાગે સંમતિસૂચક માથું હલાવ્યું. એ જોતાં મેં કહ્યું, “તો જુઓ, આપણાં જાણીતા કવિ દલપતરામની કવિતામાંથી એક કડી હું બોલું છું. એ ગાઈ શકાય છે, એમાં શબ્દો છે, પ્રાસ છે અને અર્થ પણ છે.”

ખૂબ ઉત્સાહથી વિદ્યાર્થીઓ સાંભળી રહ્યાં. મેં મારાથી બની શકે એટલા સારા કંઠે ગાયું,

“વાડામાંથી પાડું એક
છૂટું થઈને નાઠું છેક”

વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયાં. એકબીજાના મોં સામે જોવા લાગ્યાં, એક છોકરો ઉભો થયો અને ચાળા પાડતો હોય તેમ બોલ્યો, “વાડામાંથી પાડું એક, છૂટું થઈને નાઠું છેક…. આ તે કંઈ કવિતા કહેવાય? એમાં શી મઝા પડે?”

એટલે મેં કહ્યું, “તો કવિતામાં મઝા પણ પડવી જોઈએ, નહીં ?”

ઘણાં બોલી ઉઠ્યાં, “હા !”

મેં પૂછ્યું, “જેમાં મઝા પડે એવી કઈ કવિતા તમને યાદ છે?”

એક છોકરી બોલી, “મને ‘સાગર’ કવિતા ઘણી ગમે છે.”

“એમાંથી જે કડી તને ગમતી હોય તે સંભળાવ.”

એટલે એણે ત્રિભુવન વ્યાસની ‘સાગર’ કવિતા માંથી “ઊંડો-ઊંડો ગજબ ઊંડો” થી શરૂ થતી પંક્તિઓ ગાવા માંડી અને તે જેમ જેમ ગાતી ગઈ તેમ તેમ બીજા કેટલાંક પણ તાલ સાથે સૂર પૂરાવવા લાગ્યા.

ઊંડો-ઊંડો ગજબ ઊંડો –
માણસ ડૂબે, ઘોડા ડૂબે,
ઊંચાં ઊંચાં ઊંટ ડૂબે,
હાથી જેવાં તૂત ડૂબે,
મહેલનાં મિનાર ડૂબે,
કોટની કિનાર ડૂબે,
તાડ જેવાં ઝાડ ડૂબે,
મોટા-મોટા પહાડ ડૂબે …..,
ગાંડો થઈને રેલે તો તો,
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ !

આનંદ વ્યક્ત કરતાં મેં કહ્યું, “સુંદર. આ કવિતામાં તમને ગમતી બીજી કોઈ પંક્તિઓ છે?”

એક છોકરો બોલ્યો, “મને તો આખી કવિતા ઘણી ગમે છે. આખી મને મોઢે છે.” બીજી એક છોકરી બોલી, “મને પણ મોઢે છે, પણ એમાંની –

ઘોર કરીને ઘૂઘવે ને ગરજે સાગર ઘેરે રવે

– એ મને ખૂબ ગમે છે.”

મેં કહ્યું, “તો આપણને જેમાં મજા પડે ને એવું બીજું જે આપણે નક્કી કર્યું તે બધું જેમાં હોય તે કવિતા, ખરું ને?”

આમ, મેં જોયું કે આપણી કલ્પનામાં પણ ન હોય એવું કેટલું બધું બાળકોના મનમાં પડ્યું છે – જરાક જેટલો સ્પર્શ થાય કે એ કેવું પ્રસ્પંદિત થઈ ઉઠે છે ?

બિલિપત્ર

A true poet does not bother to be poetical. Nor does a nursery gardener scent his roses.
– Jean Cocteau


Leave a Reply to Heena ParekhCancel reply

8 thoughts on “કવિતાની ઓળખ – સ્નેહરશ્મિ (ભાગ ૧)

  • Pancham Shukla

    વિદ્વાન સર્જક અને શિક્ષકે બાળકોને ‘કવિતા એટલે શું’ નો બહુજ સરળ અને રસાળ પરિચય આપ્યો. આ રીતે કાવ્ય પરિચય પામનાર કવિતાને ન પામે તો જ નવાઈ. અલબત્ત, કવિતાની વ્યાખ્યાનું ફલક આથી ઘણું જ વિશાળ છે. એના વિષે જેટલું લખાય એટલું ઓછું જ પડવાનું.

    તમે આ બહુ ઉપયોગી પોસ્ટ મૂકી છે.

  • jjugalkishor

    આપણા ત્રિપુટી કવિઓ સુંદરમ્ , ઉ. જોશી અને સ્નેહરશ્મિમાંના આ સર્જક ગુજરાતીમાં હાઈકુને લઈ આવનારા પણ ગણાય છે. સી. એન.માં તેઓ મુખ્ય કર્તાહર્તા પણ હતા.

    એમના દ્વારા અપાયેલી સમજૂતિ નેટ–પ્રેક્ટિસ કરનારાં સૌકોઈ માટે મહામૂલી બની રહેશે. જીગ્નેશભાઈન આ પ્રયાસ અન્ય બધા પ્રયાસોની જેમ જ બહુમૂલ્ય છે. આપણા નેટ પર લખતા સૌ ઉપલી કક્ષાના સર્જકોએ પણ કાવ્યને સમજાવવાના પ્રયત્નો કોમેન્ટ વિભાગમાં કરવા જ જોઈએ. શ્રી પંચમ, શ્રી હેમંત, ડૉ. મહેશભાઈ, ડૉ. વિવેક વગેરે આ કામ કરે તો ભાવિ સર્જકોને આશીર્વાદરૂપ કામ થાય. હું તો શ્રી હિમાંશુભાઈનેય વિનંતી કરું કે તેઓ પણ અત્યાધુનિક સર્જનોનો પરિચય કરાવે. તેમણે હમણાં મારા બ્લોગ પર કોમેન્ટ મૂકી તેનાથી મનેય ખૂબ લાભ થયો છે. કારણ કે આ પ્રકારની રચનાઓ મને બહુ સમજાતી નથી. એવી રચનાઓનું રસદર્શન હિમાંશુભાઈ કરાવી શકે.

    નેટ પરનું આ એક બહુ જ મહત્ત્વનું કાર્ય છે. આશા છે, મારી આ વાત વહેલી તકે કોઈ ઉપાડી લેશે.

  • માવજીભાઈ મુંબઈવાળા

    વાહ ભાઈ વાહ. અક્ષરનાદમાં અક્ષર અને નાદ બન્નેનો સમન્વય કરતી આ સુંદર પોસ્ટ આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણું જ ગમ્યું. સ્નેહરશ્મિનો સ્નેહ પામેલા વિદ્યાર્થીઓ આ પ્રકારે બધા સુધી એ સ્નેહ સરવાણી પહોંચાડતા રહે એવી જ અભ્યર્થના.

  • neeta kotecha

    ખરી વાત છે વાત કરતા કરતા જે વાત સમજાય છે એ કદાચ કોઇ સરખી રીતે બેસીને સમજાવે તો પણ ન સમજાય.. ખૂબ ખૂબ આભાર..