જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક (પુસ્તક ડાઉનલોડ) 2


મન એ બીજુ કશું જ નહીં પરંતુ વિચારોની એક શૃંખલા માત્ર છે. વિચારો એક પછી એક કતાર બનાવી આવતા જ રહે છે. આપણી પ્રકૃતિને કારણે જ આ વિચારો એકબીજાથી સાવ સ્વતંત્ર અને અલગ અલગ હોય છે. એ ઉંડા જળમાંથી ઉઠતા પરપોટા જેવાં હોય છે. આ પરપોટાઓ એકબીજા જોડે જોડાયેલા નથી હોતા. દરેક પોતપોતાની રીતે સ્વતંત્ર જ હોય છે. તે બધાં સ્પષ્ટ રીતે અલગ હોય છે, તેમ છતાં જોનારને એવું લાગે છે કે તેમને એકબીજા જોડે કોઈ સંબંધ હોય. તમે એક પ્રયોગ અજમાવી શકો છો. થોડા સમય માટે તમને જે જે વિચારો આવે તે બધાને એક કાગળ પર નોંધતા રહો. દસ મીનીટ માટે શાંત થઈને બેસો અને ત્યારબાદ તમારા દરેક વિચારને નોંધવાનું શરૂ કરી દો. વિચારોનું નિયંત્રણ કરવાનો કે તેમને અટકાવવાનો પ્રયત્ન ન કરશો. શાંત રહી, એ વિચારોનું માત્ર સાક્ષીભાવે અવલોકન કરો. જે ક્ષણે એક વિચાર આવે એટલે તરત એને કાગળ પર નોંધી લો. દસ મિનિટ સુધી આવું કરતા રહો અને દસ મીનીટના અંતે તમે જે કાંઈ નોંધ્યું હોય એને વાંચી જાઓ. તમને જણાશે કે એ કોઈ ગાંડા માણસની નોંધપોથી જેવું છે. એક વિચારનો ત્યાર બાદના વિચાર સાથે કોઈ જાતનો સંબંધ છે જ નહીં. બધાં જ વિચારો અસંબંધીત અને કોઈ પણ જાતનાં જોડાણ વગરના છે. તમારા વિચારોની જ્યારે તમે નોંધ કરો, માત્ર ત્યારે જ તમને સમજાય છે કે એ વિચારોને વાસ્તવમાં એક બીજા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એક ક્ષણે તમે કોફી પીવાનો વિચાર કરતા હો અને તે પછીની ક્ષણે તમને તમારા ઓફિસના બાકી રહેલા કામ અંગેનો વિચાર આવે, આ બે વિચારોને એક બીજા સાથે કાંઈ પણ લેવાદેવા નથી, કોઈ સંબંધ નથી. બંને એકદમ સ્વતંત્ર વિચારો છે. અરે કોઈ એક જ પ્રસંગનાં બે વિચારો એકસાથે આવે તો પણ તમે જોશો કે એ બે વચ્ચે કોઈ સમાનતા નથી. એ બે વચ્ચે કોઈ સંબંધ નથી. દરેક બે વિચારો વચ્ચે હંમેશા એક મૌનનો – વિચાર શૂન્યતાનો – ગાળો હોય છે. વિચારોની પ્રકૃતિ જ, દરેક વિચારને સાવ અલગથલક રાખવાની હોય છે.

મુશ્કેલી ત્યારે જ શરૂ થાય છે જ્યારે આપણે કોઈ પણ બે વિચારોને જોડીએ છીએ. આપણે બે વિચારોને જોડીને દુઃખને નોતરીએ છીએ. દા.ત. તમે આજથી દસ વર્ષ પહેલા આઈસ્ક્રીમ ખાધો હશે, આજથી સાત વર્ષ પહેલા આઈસ્ક્રીમ ખાધો હશે, આજથી બે વર્ષ પહેલા પણ આઈસ્ક્રીમ ખાધો હશે. આ બધાં જ અનુભવો તમારે માટે આનંદદાયક હોય, દરેક વખતે તમે આઈસ્ક્રીમ મોજથી માણ્યો હોય તો હવે ભવિષ્યમાં પણ એ અનુભવને વારંવાર દોહરાવવાનો પ્રયત્ન કરશો. તમે હંમેશા એક સરખા અનુભવોને સાથે જોડીને એક દંડ બનાવશો. કોઈવાર એવું પણ બને કે તમે તમારા આઈસ્ક્રીમને ભૂતકાળમાં માણ્યો હોય એટલો ન પણ માણો અને આવું થાય તો પણ તમે તમારી જાતને એમ જ કહેશો કે તમને આઈસ્ક્રીમ ભાવે છે, આ ખરાબ હશે. કારણકે તમને આઈસ્ક્રીમ અંગેના બધાં જ વિચારોને જોડવાની ટેવ પડી ગઈ છે. અને તમે અભાનપણે આઈસ્ક્રીમ માણો છો એમ સ્વીકારી લો છો.

દુઃખદ અનુભવોનું પણ કાંઈક આવું જ હોય છે. ભૂતકાળના જુદાજુદા સમયે અનુભવેલા દુઃખોને જોડીને તમે એક દંડ બનાવી લો છો અને તમે એવું વિચારવા માંડો છો કે તમારું આખું જીવન જ દુઃખભર્યું છે. અને જો તમારા જીવનમાં તમને ઘણાં સુખદ અનુભવો થયાં હશે તો તમે એવું કહેશો કે ‘મારું જીવન સુખભર્યું છે.’ પરંતુ વાસ્તવમાં બંનેમાંથી એક પણ સાચું નથી. તમારું જીવન ન તો દુઃખમય છે ન તો સુખમય છે. કારણકે તમારી આ બધા પ્રસંગોને ગોઠવીને જોડવાની પ્રક્રિયા જ ભૂલભરેલી છે. એવું માની લેવું કે વિચારો એક બીજા સાથે જોડાયેલા છે, એ જ ભૂલભર્યું છે. અને તેમાં પણ વળી આપણે બધાં વિચારોને નથી જોડતાં, આપણે માત્ર આપણને યાદ રહેલા વિચારો જ જોડી શકીએ છીએ. તે જ રીતે આપણને આવેલા હજારો વિચારોમાંથી થોડા યાદ રહેલા વિચારોને જોડીને આપણે એક દંડ બનાવીએ છીએ. અને આ દંડ જ આપણું પ્રાથમિક પાપ બની જાય છે. અને જ્યાં આપણે દંડ બનાવીએ કે આપણાં દુઃખોની શરૂઆત થાય છે.

તમે જો આનંદનો દંડ બનાવ્યો હશે તો તે દંડને તમે વધારવાનો પ્રયત્ન કરશો જેથી તમે એ નો એ જ આનંદ વધુ ને વધુ ભોગવી શકો. તમે જો દુઃખનો દંડ બનાવ્યો હશે તો તમે આ દંડનો નાશ કરવાનો પ્રયત્ન કરશો, જેથી તે દુઃખથી તમે બચી શકો. તમે એ દંડને ન તો મોટો બનાવી શક્શો કે ન એનો નાશ કરી શક્શો, કારણકે એવો કોઈ દંડ અસ્તિત્વમાં જ નથી ! એ દંડ એ કેવળ એક કલ્પના જ છે અને આ દંડની ઉત્પત્તિ એ તમારે માટે એક અન્ય યાદ જ બની જાય છે.

તમારા બધા જ અનુભવો એક બીજાથી સ્વતંત્ર હોય છે. જે ક્ષણે તમે આ અનુભવોને એક બીજા સાથે સાંકળો છો, તમે તમારા માટે એક નરક ઉભું કરી લો છો, તમે સ્વયં માટે દુઃખનો દરિયો બનાવો છો, હવે તમને સમજાશે કે તમારા દુઃખો પણ કેવળ તમારી કલ્પના જ છે. એનો આધાર જ એવી બાબતો જ છે જે કોરી કલ્પનાઓ જ છે. એના મૂંળમાં જ કશુંક અવાસ્તવિક છે. એ માત્ર એક છળ છે. આ દંડ પણ અવાસ્તવિક અસ્તિત્વ વગરનો છે તો તેને કારણે ઉભાં થયેલા દુઃખો પણ અવાસ્તવિક જ છે.

{ આપણાં માટે જ્ઞાનના મૂળભૂત સ્ત્રોત વેદો અને પુરાણો જ છે, જે આપણને આપણા પૂર્વજ ઋષિ મુનિઓએ વારસામાં આપ્યો છે. આ ઋષિ મુનિઓ પણ મંત્રદ્રષ્ટા જ કહેવાતા, દ્રષ્ટા એટલા માટે કે એમને આ મંત્રોનું કેવળ દર્શન થતું, જ્ઞાન થતું – એ યુગમાં જ્યારે અક્ષરની ઉત્પત્તિ હજી નહોતી થઈ ત્યારે આ મંત્રો એમને અસ્તિત્વ સાથે અનુસંધાન થતાં કેવળ નાદ કે અવાજ રૂપે જ પ્રાપ્ત થતાં અને એક પેઢીથી બીજી પેઢીને અપાતા. આપણે આજે એને શ્રૃતિ અને સ્મૃતિ સ્વરૂપે ઓળખીએ છીએ. આપણા વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સંગ્રહાયેલું આ પાયાનું જ્ઞાન વહેંચવાનો આ એક પ્રયત્ન માત્ર છે, અને કોઈપણ ક્રિયા કે મંત્ર કોઈ એક માનવીનું સર્જન ન હોઈ શકે, એ તો કેવળ એની સમજ મુજબ એને અન્યો સમક્ષ રજુ માત્ર કરે છે. આવાં કેટલાક સુંદર વિચારોને અધ્યાત્મિક રીતે મૂકતું પુસ્તક “જ્ઞાનનો ઉદય” અત્રે મૂક્યું છે. અહીં શ્વાસ વિશે, શરીર અને મન વિશે, વિવિધ શક્તિચક્રો વિશે અને મનની કાર્યપ્રણાલી વિશેના વિચારો આ પુસ્તકમાં આવરી લેવાયાં છે. પ્રસ્તુત પુસ્તક ડાઉનલોડ વિભાગમાં સમાવેશ કરવાની પરવાનગી આપવા બદલ શ્રી મહેન્દ્ર નાયક નો ખૂબ ખૂબ આભાર. }

આ પુસ્તક ડાઉનલોડ કરવા અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં જાઓ.

બિલિપત્ર

સાચો વાંચક ચોપડી માત્ર વાંચી નથી નાંખતો, ફરીફરી વાંચે છે, પોતાનાં પુસ્તકોનું નિત્ય સેવન કરનાર જ મોટો વાચક એ, જીવંત અને સર્જનશીલ વાચક છે અને એ જ ખરો વાચક છે.
– વ્લાદીમીર નોબોકોવ


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક (પુસ્તક ડાઉનલોડ)