શબ્દનું સામર્થ્ય – જીજ્ઞેશ ચાવડા (ચિંતનાત્મક લેખ) 12


આપણે રોજબરોજના જીવનમાં અસંખ્ય શબ્દો સાંભળીએ છીએ. પણ એમાંથી કેટલા શબ્દો ખરેખર સાંભળીએ છીએ એમ કહી શકાય? સાંભળેલા બધાંય શબ્દો કાંઈ ઉપયોગી કે જીવન પરિવર્તન કરી શકે એવા હોતા નથી. પણ એ અનેક શબ્દોના મહાસાગરમાં કાંઈક એવા મોતી તો હોય જ છે જે જીવનની દિશા બદલી શકે. કહે છે કે જ્યાં સુધી શબ્દરૂપી હથોડીની ચોટ આપણા મન પર નથી લાગતી ત્યાં સુધી તેની કોઈ અસર આપણા વર્તન પર કે વિચારો પર થતી નથી. બાકી એક શબ્દ માણસને મૃત્યુનો દરવાજો ખખડાવવા મજબૂર કરી દે એવા શબ્દો પણ હોઈ શકે છે. એટલે જ કોઈકે કહ્યું છે,

“શબ્દે માર્યા મરી ગયા ને શબ્દે છોડ્યા રાજ,
જેણે શબ્દ વિચારીયાં તેના સરીયા કાજ”

એક પ્રસંગ છે, રાજા ગોપીચંદ કુંડમાં સ્નાન કરી રહ્યા હતાં અને તેમની માતા મેનાવતીની આંખમા તેમના શરીરને જોઈને આંસુ આવ્યા. રાજા ગોપીચંદે માતાને પૂછ્યું, “શા માટે આપની આંખમાં આંસુ આવ્યા?” ત્યારે મેનાવતીએ કહ્યું, “તારા પિતાની કાયા પણ તારા જેવી જ કંચનવર્ણી હતી, પણ એ અગ્નિને સમર્પિત થતાં જ પળમાં નાશ પામી.” આ શબ્દોજ ગોપીચંદમાં વૈરાગ્યનો ભાવ ઉત્પન્ન કરવા, રાજપાટ છોડીને સાધુવેશ ધારણ કરવાનું કારણ બની રહ્યાં. મેનાવતીના આ થોડાક શબ્દોએ જ તેને જીવનનું સારતત્વ સમજાવી દીધું.

તુલસીદાસનું ઉદાહરણ લઈએ તો પત્નિના મોહાસક્ત પ્રેમને વશ થઈને સાપને દોરડું સમજીને તેના ઘરની બારીમાંથી પ્રવેશ્યા એ સમયે તેમની પત્નિ તેમના આવા વ્યવહારને જોઈને બોલી ઉઠી,

“જૈસી પ્રીત હરામસે, વૈસી હરિ સે હોય |
ચલા જાય વૈકુંઠમેં પલા ન પકડે કોય ||”

શરીરનો મોહ શાને કારણે? શરીરતો નાશવંત છે, આ તો ચામડાનો ચળકાટ છે, આટલો જ સ્નેહ અને મોહ જો હરિનો રાખ્યો હોય તો પછી કોઈ તમને વૈકુંઠ જતાં, મોક્ષ મેળવતા રોકી શકે નહીં. આ શબ્દો તુલસીદાસને લાગી આવ્યા અને સત્ત ઉપાસના કરી તેમણે રામાયણ જેવા મહાગ્રંથની રચના કરી.

શબ્દોનું સામર્થ્ય એટલું છે કે એક શબ્દ જીવન પરિવર્તનનું કારણ બને એટલો હકારાત્મક પ્રતિભાવ ઉભો કરી શકે તો સામે પક્ષે શબ્દો નકારાત્મક પ્રતિભાવ પણ એવી જ રીતે ઉપસાવી શકે. માટે આપણા શબ્દો ખૂબ સાવચેતીપૂર્વકના હોવા જોઈએ.

રાજા ગોપીચંદ અને રાજા ભરથરી વૈરાગ્ય આવ્યા પછી સાધુત્વ ગ્રહણ કરી, ફરતા ફરતાં એક આશ્રમમાં ભેગા થયાં જ્યાં તેમનો ઉતારો હતો. એ જગ્યાએ ઝોળી લટકાવવા માટે એક જ ખીંટી હતી. એ બન્નેમાં એ સમયે “હું પહેલા આવ્યો એટલે મારી ઝોળી અહીં સ્થાન પ્રાપ્ત કરશે”, એવી બોલાચાલી થઈ. તેવામાં એક ડોશીમાં ત્યાં આવ્યા, એ કહે “તમે સાધુ થઈ એક ખીંટી માટે ઝઘડો છો, અરેરે ….. તમારા કરતા તો પેલા રાજા ગોપીચંદ અને રાજા ભરથરી નહીં સારા? જેમણે રાજપાટ અને બધી મોહમાયાનો સમૂગળો ત્યાગ કરી દીધો, તમે સાધુ થઈ એક ખીંટીનો મોહ નથી છોડી શક્તા?” આ શબ્દોએ બંને પર જાદૂઈ અસર કરી અને પછીતો એક ખીલી પણ વધી રહી.

કહેવાનું તાત્પર્ય એ કે શબ્દો માણસને રાજ્ય, સત્તા, માન, મોભો, સમૃધ્ધિ, વૈભવ-વિલાસ વગેરેનો ત્યાગ કરાવી શકે, તો એ જ શબ્દો માણસને અધોગતિના માર્ગે જવા પણ મજબૂર કરી શકે. આજકાલના સમયમાં માતાપિતાની ગુસ્સાભરી થોડીક વાતોથી પોતાનો જીવ આપી બેસતા બાળકોની વાત આપણે ક્યાં સાંભળી નથી? કદાચ એટલે જ આપણા ધર્મગ્રંથો આપણને સત્સંગ (સારા વ્યક્તિઓનો સંગ) કરવાનું અને કુસંગનો ત્યાગ કરવાનું કહે છે. સત્સંગમાં રંગાયેલો માણસ અધ્યાત્મિકતાના અને સ્વવિકાસના શિખરો સર કરી શક્શે, એ માટેની પ્રેરણા તેને મળશે, જ્યારે કુસંગમાં સપડાયેલો માણસ ન કરવાના બધાંજ કામો બીજાના ભરોસે કે દોરવણીએ કરશે.

જીવનમાં ડગલેને પગલે આવા હકારાત્મક અને નકારાત્મક, બંને પ્રકારના માણસો આપણને મળે છે. અરે એક જ માણસના મનોભાવોમાં પણ સમય સાથે ફરક ક્યાં નથી પડતો? માટે આપણે બુધ્ધિપૂર્વક ગ્રહણ કરવા જેવું લાગે તે લઈ લેવું અને બીજું છોડી દેવું.

આજે પણ કોઈ મહાન કથાકારને સાંભળવા એકઠી થતી લાખોની મેદની શું સૂચવે છે? એ શબ્દોની તાકાત દર્શાવે છે. એ કથાકારના શબ્દોની તાકાત છે કે જેની અસર નીચે તે હજારો – લાખો લોકોને સન્માર્ગે પ્રેરી શકે છે, તેમના વિચારો અને જીવનના સ્તરને ઉંચુ લાવી શકે છે. જીવનના ઉચ્ચ મૂલ્યોને, જીવનની મહત્તાને તેઓ સુપેરે શબ્દોમાં અભિવ્યક્ત કરી આપણને સમજાવી શકે છે. તો સામે પક્ષે એવા રાજકારણીઓ શોધવા વધુ દૂર નહીં જવું પડે જેમના શબ્દોએ કાંઈ કેટલાય સંહારો સર્જ્યા હશે, કેટલાયને ગેરમાર્ગે દોર્યા હશે અને એમના શબ્દોની નકારાત્મક અસર કેટલાયને અસર કરી ગઈ હશે.

એવું નથી કે શબ્દોની અસર માત્ર માનવજીવન પર જ પડે છે. તેની અસર તો સમગ્ર સૃષ્ટિ પર જોઈ શકાય છે. આપણા શાસ્ત્રીય રાગો જ લઈ લો. દીપક રાગ ગાવાથી અગ્નિ પ્રજ્જવલિત થાય છે, તો મલ્હાર ગાવાથી વર્ષા થાય છે. આ રાગ શું છે? વાદમાર્ગના જ્ઞાન માટે જાણવી જોઈતી ૪૪ માંહેની એક વસ્તુ એટલે શબ્દ અને એ શબ્દનું ધ્વનિમય સ્વરૂપ એટલે રાગ.

આમ શબ્દો ભીતર માહેની ભાવનાનાં સામર્થ્યવાન પરિવાહકો છે, એ હકારાત્મક ઉર્જાનો અખૂટ સ્તોત્ર બની શકે છે, તો આ જ શબ્દો તીર બની કોઈકના હૈયાને વીંધી પણ શકે છે. શબ્દો જો ફૂલ થઈ કોઈકના જીવનબાગને મહેકાવી શકે છે તો એ જ શબ્દો કાંટા બની ઉત્સાહને વીંધી પણ શકે છે. શબ્દો જ પ્રેરણા છે તો શબ્દો જ દુષ્પ્રેરણા પણ થઈ શકે છે. માટે સંજોગોને આધીન આપણે આપણા શબ્દોના સામર્થ્યને ઓળખીએ અને વિવેકપૂર્વક વાણીનો ઉપયોગ કરીએ.

– જીજ્ઞેશ ચાવડા

બિલિપત્ર

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા,
અમારે તો શબ્દો જ, કંકુ ને ચોખા.
હવાયેલી સળીઓ જ, ભીતર ભરી છે,
અહીંના જીવન જાણે કે બાકસનાં ખોખાં.
– મનોજ ખંડેરીયા.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “શબ્દનું સામર્થ્ય – જીજ્ઞેશ ચાવડા (ચિંતનાત્મક લેખ)

  • ચાંદ સૂરજ.

    આપણે સૌ જીવનમાં બસ ધૂળિયા શબ્દોને સદભાવનાથી ઊટકી, માંજી અને કાંટાળા શબ્દોને નિશકંટક કરી પ્રેમના પડિયામાં મૂકી જગને પીરસીએ તો એને પ્રસાદ બનતાં કેટલી વાર ?

  • Mahesh Makvana

    Very Good.jigneshbhai

    છે શબ્દ તો એ શબ્દનેય હાથ-પગ હશે;
    એનેય રકત, રંગ, અસ્થિ, માથું, ધડ હશે.

    નહીં તો બધાંય સંપથી ના મૌનમય બનત,
    પ્રત્યેક શબ્દની વચાળ મોટી તડ હશે.

    આંખોના અર્થમાં સજીવ પ્રાણવાયુ છે,
    હોઠો ઉપરના શબ્દ તો આજન્મ જડ હશે.

    જીવ્યો છું શબ્દમાં, મર્યો છું માત્ર મૌનમાં,
    મારી કબર ઉપર ફરકતું લીલું ખડ હશે.

    રઝળેલ શબ્દ છું ન વિસામો મળ્યો કહીં,
    મારી હશે ત્યાં લાશ જ્યાં સુક્કું થડ હશે.

    જીવ્યો છું શબ્દમાં સમયને સાંકડો કરી,
    વાવ્યો છે શબ્દ ત્યાં કદી ઘેઘુર વડ હશે.